Aastha Nu Address: વર્ષ ૧૯૬૦ની આસપાસ બંધાયું હોવાની વાત સ્થાનિકો કહે છે. મંદિરમાં એક જ સ્થાને ભક્તોને દ્વાદશ જ્યોતિર્લિંગના પણ દર્શન થાય છે.
આજનું આસ્થાનું એડ્રેસ છે બોરિવલી ખાતે આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર
માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્રેસ’ (Aastha Nu Address) જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
આજે તમને જે આસ્થાના એડ્રસ પર લઈ જવા તે બોરિવલીમાં સ્થિત જૂનું અને જાણીતું શિવમંદિર છે. હા, બોરિવલીમાં આવેલું ઓમકારેશ્વર મહાદેવ મંદિરનો ઘણો મોટો મહિમા રહેલો છે. આમ તો, મુંબઈમાં ઘણા શિવમંદિરો આવેલાં છે. તેમાંથી બોરીવલીમાં સ્થિત ઓકારેશ્વર મંદિર ભક્તોની ભીડથી ભરાયેલું રહે છે. એમાં પણ શ્રાવણ મહિનામાં તો ભક્તોની ભારે ભીડ ઉમટે છે. આ મંદિર બોરિવલીનાં પ્રાચીન શિવમંદિરો પૈકીનું એક માનવામાં આવે છે.
ADVERTISEMENT
સાધારણરીતે આ મંદિર (Aastha Nu Address) વર્ષ ૧૯૬૦ની આસપાસ બંધાયું હોવાની વાત સ્થાનિકો કહે છે. મંદિરમાં એક જ સ્થાને ભક્તોને દ્વાદશ જ્યોતિર્લિંગના પણ દર્શન થાય છે. આ મંદિર સવારે પાંચ કલાકે જ ખૂલી જાય છે. ત્યારથી સાંજે સાત સુધી તે ભક્તો માટે ખુલ્લુ રહે છે. જો તમારે ઓકારેશ્વર આરતીનો લ્હાવો લેવો હોય તો સવારે સાત વાગ્યાની આરતીનો લાભ લઈ શકો છો. ધ્યાન રહે કે બપોરે ૧૨થી ૪ મંદિર બંધ હોય છે. ફરી ચાર વાગ્યે તે ખૂલી જાય છે. સાંજે સાત વાગ્યે આરતી થાય છે અને ૧૧ વાગ્યે મંદિર બંધ થાય છે.
નંદીની વિશાળ પ્રતિમા પણ છે મનમોહક!
ઓમકારેશ્વર મંદિર (Aastha Nu Address)માં તમે જ્યારે પ્રવેશ કરો એ પહેલાં જ મંદિરની બરાબર સામે પીપળાનું વૃક્ષ આવેલું છે. આ પવિત્ર પીપળાના વૃક્ષ નીચે ભગવાન શિવજીના પોઠિયા (નંદી)ની વિશાળ કાળા પથ્થરમાંથી નિર્મિત મૂર્તિ આવેલી છે. મંદિરની અંદર પ્રવેશ કરતાં જ ઓમકારનો નાદ સંભળાય છે. ત્યારે મન પ્રફુલ્લિત થઈ જાય છે અને શિવમય બની જાય છે.
શ્રાવણ મહિનામાં વિશેષ પૂજાનું આયોજન થાય છે!
શ્રાવણ મહિનામાં મંદિર (Aastha Nu Address)માં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને આ મંદિરમાં રુદ્ર અભિષેક, મહારુદ્ર અભિષેક, લઘુ રુદ્ર અભિષેક વગેરે પૂજાઓ કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં કોઈ ભક્ત પોતાની પસંદગીની પૂજા કરાવવા ઈચ્છે તો તે પણ કરવામાં આવતી હોય છે.
તો, નોંધી લો આ અસ્થાના સ્થળનું પાકું એડ્રેસ
આ આસ્થાના સ્થળનું એડ્રેસ નોંધી લેજો- વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, નેશનલ પાર્ક ફ્લાયઓવરની નીચે, બોરીવલી ઈસ્ટ.

