ગણપતિનો જન્મ ભાદ્રપદની શુક્લ ચતુર્થીએ થયો. મુંબઈમાં દર મંગળવારે દાદરસ્થિત સિદ્ધિવિનાયકના મંદિરમાં દર્શન માટે લાંબી કતાર લાગે છે.
પ્રતીકાત્મક તસવીર
ગણેશોત્સવના મંગળતરંગો વાતાવરણમાં પડઘાઈ રહ્યા છે. દરેક વર્ષે ગણપતિનું આગમન માત્ર શ્રદ્ધા ટકાવવા માટે જ નહીં, સામાજિક એકતાને દૃઢ કરવા પણ આવશ્યક છે. ૧૮૯૩માં સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરવાનો લોકમાન્ય ટિળકનો ઉદ્દેશ પણ આ જ હતો. ગુજરાતી ‘મિડ-ડે’ના વાચકો માટે આ કટાર માટે ખાસ લખાયેલી પંક્તિઓ દ્વારા ગણેશવંદના કરીએ. સ્વાતિ રાજીવ શાહ આગમનની છડી પોકારે છે...
ભાદ્રપદની ચોથ, આવો હે ગજાનન
ADVERTISEMENT
આજ ધરતી પર પધારો હે ગજાનન
આપશો ના રિદ્ધિ સિદ્ધિ, ચાલશે, પણ
આત્મજનનાં કષ્ટ કાપો હે ગજાનન
ગણપતિનો જન્મ ભાદ્રપદની શુક્લ ચતુર્થીએ થયો. મુંબઈમાં દર મંગળવારે દાદરસ્થિત સિદ્ધિવિનાયકના મંદિરમાં દર્શન માટે લાંબી કતાર લાગે છે. બૉલીવુડના જાણીતા સિતારાઓ પણ બાપ્પાના આશીર્વાદ લેવા આવે છે. અગાઉના શાસકોની અવળચંડાઈને કારણે વિલંબ પામેલું મેટ્રો સ્ટેશન હવે તો મંદિરને અડીને જ થઈ ગયું હોવાથી ભક્તોને આવાગમનમાં સરળતા મળી છે. અડચણ આવે એનો વાંધો નથી, અડચણ ઊભી કરાય એની સામે વાંધો છે. જિતુ સોની પ્રભુને આવકારે છે...
તું જો આવ્યો મારે આંગણ
લાભ, શુભ, મંગળ છે કણકણ
તું છે હાજર એટલે તો
આવે ક્યાંથી કોઈ અડચણ
ગણપતિની વિવિધ મુખમુદ્રાઓને સુપેરે સાકાર કરતા શિલ્પકારો ખરેખર ધન્ય છે. આમાં આવડત ઉપરાંત ચાહત પણ મહત્ત્વની છે. તેમના હાથની કારીગરી ખરેખર તો અંતરના માર્ગે જન્મતી હોય છે. મૂર્તિ ભલે માટીની હોય પણ મમત્વ માટીપગું ન હોવું જોઈએ. એ તો આપણી આસ્થાને ટકાવે એવું નિર્દંભ અને નિર્દોષ હોવું જોઈએ. અલ્પા વસા ઈશ્વરકૃપા યાચે છે...
આપનો હો સાથ ભાંગે પીડ સઘળી
તાપ તનને છે હજારો શ્રી ગણેશા
મુજ હૃદયમાં, આંખમાં વસજો સદાએ
આપજો એવો વિચારો શ્રી ગણેશા
ગણપતિનું મુખારવિંદ જ એવું છે કે આપણી નજરનું રૂપાંતર સ્નેહમાં ને સ્નેહનું રૂપાંતર ભક્તિમાં થઈ જાય. જેમના પણ ઘરે ગણપતિ પધારે છે તેમનું ઘર દોઢ દિવસ કે પાંચ દિવસ માટે ગણ-મંદિર બની જાય છે. આ ગણ ખરેખર આપણે માનવાનો હોય કે પ્રભુ આપણા ઘરે પધાર્યા. ઇચ્છા તો ઘણાબધાને હોય કે બાપ્પા મારા ઘરે પધારે, પણ બધા પર એ કૃપા વરસતી નથી. જેમને આ યોગ સાંપડે છે તેઓ ખરેખર ભાગ્યવાન છે. અમૂર્ત તત્ત્વને મૂર્ત સ્વરૂપે ઘરે સ્થાપી અસ્તિત્વનો આનંદ લેવાનો ઉત્સવ આપણને સંતોષ આપે છે. અંકિતા મારુ `જિનલ’ સંવેદનશીલ વાત સહજ રીતે છેડે છે...
મૂરત સાથે ભાવોનું પણ સ્થાપન કરજો
હે ગણરાયા! આંગણ સૌનું પાવન કરજો
સાજસજાવટ સૌના ઘરની નોખી નોખી
કિરપા સરખી વરસે એવો સાવન કરજો
ગણપતિ ઘરે આવે ત્યારે એની સાજસજ્જા પણ નિષ્ઠાપૂર્વક થવી જોઈએ. ભગવાનને એવું ન લાગવું જોઈએ કે આ ક્યાં આવી પડ્યો? સજાવટ આપણો ભાવ વ્યક્ત કરવા માટે છે. કલાના માધ્યમથી કૌતુકને સાકાર કરવાનો આનંદ અનેરો હોય છે પણ આ બધું કરવા પાછળ આપણી ભાવના શું છે એ પણ અગત્યનું છે. લાગણીઓમાં જો માગણીઓ છુપાઈ હશે તો ભક્તિમાં બરકત નહીં રહે. મનીષા દુધાત શબ્દો ચોર્યા વિના સંભળાવી દે છે...
ગોળના લાડુ ધરીને સોનું ચાંદી માગશો
જેમણે સર્જ્યું જગત તેને તમે શું આપશો?
હે ગણેશા! સ્વાર્થથી જોડેલ હાથો નીરખી
શીશ માથે હાથ મૂકી દોષ એના કાપશો?
આઠ સમાના પદ નિમિત્તે સુરેશ દલાલે લખેલા એક ગીતની પંક્તિ હતીઃ જેણે મને જગાડ્યો એને કેમ કહું કે જાગો. જેણે આપણને શ્વાસ આપ્યા છે એને વિશ્વાસ આપવામાં આપણે કાચા પડીએ છીએ. વિશ્વાસ સુધી પહોંચવા સ્વાર્થનો સાગર પાર કરવાનો હોય, જે કાચી હોડી અને કાચાં હલેસાંથી પાર થઈ શકતો નથી. ભારતી ગડા પ્રાર્થે છે...
સૌ પ્રથમ પુજાય, તું છે વિઘ્નહર્તા
સંકટો મારાં નિવારો શ્રી ગણેશા
એક આશા લઈ તારે દ્વાર આવ્યો
પાર નૈયાને ઉતારો શ્રી ગણેશા
લાસ્ટ લાઇન
જ્ઞાનસાગર, પ્રેમભાવન, શાંતિ કારણ ગણપતિ
કર્મકારક, દર્દનાશક, પ્રિય ભાષણ ગણપતિ
ભાવરંજન, કષ્ટભંજન, જીવતારણ ગણપતિ
સત્યવાહક, વિદ્યાદાયક, ધર્મધારણ ગણપતિ
એકદંતા, સૌમ્યવદના, મુખ્ય સ્થાપન ગણપતિ
મૂળ મહેલે, થાય જાગૃત, પ્રેમઆંગણ ગણપતિ
લાભદાયક, જ્ઞાનધારક, શ્રેષ્ઠ આસન ગણપતિ
દેવ-દાનવ, ભક્ત-માનવ, પાયલાગણ ગણપતિ
ક્રોધનાશક, પુણ્યશાસક, પાપપ્રાશન ગણપતિ
ગુણદાતા, સત્યવક્તા, દુઃખનિવારણ ગણપતિ
પૂજ્ય પ્રથમા, લેખલહિયા, શબ્દપાવન ગણપતિ
મૂળવાચક, ગ્રંથલેખક, મોહમારણ ગણપતિ
શ્રેયબુદ્ધિ, દિવ્યદૃષ્ટા, તાપઠારણ ગણપતિ
‘શ્યામ’ પ્રિયમ્, કર્મમૂલમ્, દોષવારણ ગણપતિ
- દિલીપ ધોળકિયા ‘શ્યામ’

