નિદ્રા પર જેણે વિજય મેળવ્યો હોય તે અનુપમ ભક્તિ કરે છે પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે તમે સૂઓ જ નહીં, તમે સૂવાની પ્રક્રિયા પર નિષેધ મૂકી દો
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
અનુપમ ભક્તિના ૯ પ્રકાર છે. આ નવમાંથી એક પણ જીવનમાં આવી જાય તો ભાવપંથનો અનુભવ થાય અને ભવપંથ પૂરો થઈ જાય, જે વ્યક્તિએ નવ વસ્તુઓ પર વિજય મેળવી લીધો હોય તેણે અનુપમ ભક્તિ પ્રાપ્ત કરી લીધી છે એમ કહેવાય. અનુપમ ભક્તિના એ જે નવ પ્રકાર છે એ નવ પૈકીનો પહેલો પ્રકાર દરેકેદરેક મનુષ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે અને એ છે નિદ્રા-જય.
નિદ્રા પર જેણે વિજય મેળવ્યો હોય તે અનુપમ ભક્તિ કરે છે પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે તમે સૂઓ જ નહીં, તમે સૂવાની પ્રક્રિયા પર નિષેધ મૂકી દો. ના, નિષેધની વાત નથી પણ વાત છે નિદ્રા પર થોડો કન્ટ્રોલ આવે, જે સાધક માટે જરૂરી છે. નિદ્રાનું એવું છે કે એ જેટલી વધારવા ઇચ્છો એટલી વધી શકે અને જેટલી ઘટાડો એટલી ઘટી શકે છે. શરીરને જેટલી ઊંઘની જરૂર હોય એટલી જ લો. જૈનોના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીની વાત કરીએ તો તેમણે ૧૨ વર્ષની કઠોર તપશ્ચર્યા દરમ્યાન માત્ર અને માત્ર પચાસ કલાક જ ઊંઘ લીધી હતી, કારણ કે તેમણે ઊંઘ પર જય પ્રાપ્ત કર્યો હતો. આ જય પ્રાપ્ત કરવાના પણ કેટલાક રસ્તાઓ છે. પોતાના પ્રિયનું સ્મરણ કરવાથી ઊંઘ પર વિજય મળે છે, જે પ્રિય છે તેને યાદ કરશો તો તમે ઊંઘી નહીં શકો.
ADVERTISEMENT
સ્મરણ અને યાદ વચ્ચેનો આ બહુ મોટો ફરક છે, જે ભક્ત જાણે છે. નિદ્રા પર વિજયનો તત્ત્વાર્થ પ્રમાણે જે અર્થ છે એ આપણા તમોગુણ પર વિજય મેળવવો. ક્રોધ, ઉગ્ર વાણી, આક્રોશ તમોગુણ છે. આ બધા તમોગુણો પર વિજય મેળવવો એ પણ નિદ્રા પર જય મેળવવા સમાન, મેળવવા બરાબર છે એ ભૂલવું ન જોઈએ.
જે કેવળ પૈસા પાછળ દોડે છે તે દરિદ્ર બને છે, જે ધનના મદમાં દોડે છે તેનામાં દરિદ્રતા આવે છે. સત્તા-ધનમાં જે મદાંધ થઈ ગયા છે તેમની આંખ ખોલવા માટે એકમાત્ર ઔષધ છે દરિદ્રતા.
થોડો સમય કાઢીને કુટુંબમાં સ્વાધ્યાય, ભજન અને ભોજન સાથે કરો નહીં તો તમે નિદ્રામાં છો એમ માનજો. તમારા પર કોઈ ગુસ્સે થાય ત્યારે તમે હસીને એ વાત ટાળી દો તો તમે તમોગુણ પર વિજય મેળવ્યો કહેવાય. જેણે ભક્તિ કરવી હોય તેણે ક્રોધ ન કરવો જોઈએ. આક્રોશમાં ન આવવું જોઈએ. ચિત્તાકાશમાં ખળભળાટ ન મચવો જોઈએ. થોડો ગુસ્સો જરૂરી લાગે તો એ ઉપરછલ્લો જ હોવો જોઈએ, હૃદયપૂર્વકનો નહીં. ક્રોધ ચાંડાલ છે, સાવધાન રહો.


