અવરોધો દૂર કરનાર અને શાણપણ આપનાર ભગવાન ગણેશને સમર્પિત ભક્તિ કવિતાઓ, શ્લોકો અને ભક્તિ ગીતોનો ભાવનાત્મક સંગ્રહ.
પ્રતીકાત્મક તસવીર
ગજાનન ગણેશા
નમું હું હમેશા
ADVERTISEMENT
તમે એકદન્તિ
અમે કૈંક વેશા!!
~ રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’
lll
વિઘ્નહર્તા દેવને આપું હૃદયથી આવકારો
હે! ગજાનન હું ધરાવું ભોગ મોદકના પધારો
આંખમાં સપનાં ઉછેર્યાં શાંત સુખમય જિંદગીનાં
સત્વરે આવો અમારા સર્વનાં સંકટ નિવારો
~ અતુલ દવે
lll
મંત્ર આ પાવન છે બોલો શ્રી ગજાનન ગણપતિ
આજ આવાહન છે બોલો શ્રી ગજાનન ગણપતિ
આવકારું ગીત મીઠાં ગાઈ સ્તુતિ હું કરું
દિલ આ વૃંદાવન છે બોલો શ્રી ગજાનન ગણપતિ
~ કુસુમ કુંડારિયા
lll
તું એકદંતધારી, તારી કૃપા છે ન્યારી
ઓ રિદ્ધિસિદ્ધિ દાતા, સ્વીકાર ભક્તિ મારી
મોદકની છે પ્રસાદી, જાસૂદ સાથ દૂર્વા
છે રોશનીથી ઝળહળ, ઘર, આંગણાં ને બારી
~ અંકિતા મારુ ‘જિનલ’
lll
ઉમાનંદન મહાદેવાધિદેવા મોરયા દેવા
પ્રથમ પૂજાય આશિષ માવતરનાં એમને એવા
ગહન ચિંતન, કુશળ લહિયા, નજર બારીક દુંદાળા
કરું મનભર તમારી પ્રેમથી આરાધના સેવા
મહાગણરાય નિધિનંત્વા, બિરાજે આસને ઊંચા
અનંતા ગજમુખા ભજતા મળે છે મિષ્ટ ફળ મેવા
વિનાયક, વક્રતુંડા, એકદંતા, કૃષ્ણ પિંગાક્ષા
સદા સર્વે ઉપાસકનાં હૃદયમાં દેવ તમ જેવા
ગજાનન, ધુમ્રવર્ણા, વિઘ્નહર્તા અષ્ટ સિદ્ધેશા
હૃદયમાં સ્થાન અમને આપશો રક્ષા અભય રહેવા
~ ગીતા પંડ્યા
lll
આ ડાળ, ફૂલ પાંદડાં બોલે છે, ગણપતિ
મીઠા વરસતાં વાદળાં બોલે છે, ગણપતિ
ગુંજી રહ્યું છે નામ ગગનથી ધરા સુધી
સૂરજ, શશી ને તારલાં બોલે છે, ગણપતિ
શોભી રહ્યા છે બારણાં તોરણ લગાડતા
એમાં ચમકતાં આભલાં બોલે છે, ગણપતિ
ઉચ્ચાર મંત્ર, શ્લોકનો માહોલ ભક્તિનો
મોટાથી લઈને બાલકા બોલે છે, ગણપતિ
કેવો પ્રભાવ છે અહીં દેવાધિદેવનો
ચારે દિશાથી વાયરા બોલે છે, ગણપતિ
~ અંકિતા મારુ ‘જિનલ’
lll
હે ગણપતિ! લંબોદરા! હે નાથ! તારણહાર છો
રિદ્ધિ અને સિદ્ધિ તણા દાતા સદા સાકાર છો
બુદ્ધિ પછી શુદ્ધિ પ્રદાતા, પુષ્ટિ પૂરણ તુષ્ટિ દીધી
કાપો બધાં કષ્ટો તમે, સૌ લોક સાચવનાર છો
રાખી હૃદયમાં પ્રેમ જે, સેવા કરે ધન-ધાનથી
જેવી મતિ એવી ગતિ, બાપા જ રક્ષણહાર છો
ના લાવશે ઉરમાં કદી, કોઈ ઊણપ ભક્તો પ્રભુ
સેવક ઉપર કરજો કરુણા, જગ તણો આધાર છો
છો એકદંતિ લંબકર્ણા શ્વેતવર્ણા નાથજી
ભારત લખાયું આપ હસ્તે, આપ લેખણહાર છો
વેદો વદે બ્રહ્માંડમાં ગુંજે અનાહત નાદ ગં
ગણનાથ ગૌરીસુત હે, ગુણેશ નિરાકાર છો
નિર્મલ કરે છે હાથ જોડી, પ્રાર્થના રાખી પ્રીતિ
ભવસાગરેથી તારજો, સાચે જ જગનો સાર છો
~ ભરતસિંહ સોલંકી
lll
તમને વંદન હે દેવ દુંદાળા
શિવજી નંદન હે દેવ દુંદાળા
આંખમાં શોભે કાળું કાજળ ને
ભાલે ચંદન હે દેવ દુંદાળા
ફૂલની માળા કંઠમાં સોહે
ગાલે ખંજન હે દેવ દુંદાળા
આરતી પૂજા થાય ગણરાયા
ભોગે વ્યંજન હે દેવ દુંદાળા
રૂપ અનોખાં ઘણાં છે બદલાયાં
રોજ સ્પંદન હે દેવ દુંદાળા
~ મૃદુલ શુક્લ
lll
પૂછો ગણેશજીને કે આ બધું ગમે છે?
ઘોંઘાટ ને પ્રદૂષણ, સાચે જ શું ગમે છે?
ગણરાય તો નચાવે દુનિયાને આંગળી પર
લોકોનું ફિલ્મી ગીતો પર નાચવું ગમે છે?
સ્પર્ધા ને દેખાદેખી, મૂર્તિનું કદ વધારી,
પૈસાનું ખોટું આંધણ કોને થતું ગમે છે?
સરઘસ ને લોકટોળાં, તાકાતનું પ્રદર્શન
ટ્રાફિકને રાહ વચ્ચે શું રોકવું ગમે છે?
એક વાર બાપ્પા બોલ્યા મારા સપનમાં આવી
આપણને તો બધાને ઉદ્ધારવું ગમે છે
~ નીરજા પારેખ
lll
હે સુખકર્તા, ભવભયહર્તા, શંકરસુતનો જય હો, જય હો
વિઘ્નવિનાશક, બુદ્ધિદાતા, ગૌરીસુતનો જય હો, જય હો
મોદક હાથે, દૂર્વા માથે, મૂષક વાહન, જય હો, જય હો
નામ તમારું મુક્તિદાતા, સંકટનાશન જય હો, જય હો
સિંદૂર લેપન, લાડુ, જાસૂદ, ગણપતયે બીજાક્ષર મંત્રે
અષ્ટૌ સિદ્ધિ ને નવનિધિ, મુક્તિ સઘળી ભક્તિ માંહે ગણરાયાનાં દર્શનમાત્રે સૌની ઇચ્છા પૂરણ થાયે
શતશત વંદન, પાયે લાગું ઉમાનંદન, જય હો, જય હો
બળ, બુદ્ધિ, વિદ્યા સુખદાતા, સુરવર, શરણાગત હું તારો
ગજમુખ મારો હાથ ગ્રહીને આ ભવસાગરથી ઉગારો
કંકુ કેસર અર્પી, લંબોદર, આશ્રય માગું છું તારો
મંગલમૂર્તિ મહિમા ગાઉં, વંદન-વંદન, જય હો જય હો
~ રશ્મિ અગ્નિહોત્રી

