એક બાજુ છત્રપતિ સંભાજી મહારાજાના જીવન પર આધારિત ફિલ્મ ‘છાવા’ એક પછી એક રેકૉર્ડ તોડીને આગળ વધી રહી છે,
છત્રપતિ કુટુંબનાં કુળસ્વામિની ભવાની આઈ ચા દેવળાત તુળજાપુર લા જાઉ યા
એક બાજુ છત્રપતિ સંભાજી મહારાજાના જીવન પર આધારિત ફિલ્મ ‘છાવા’ એક પછી એક રેકૉર્ડ તોડીને આગળ વધી રહી છે, બીજી બાજુ છત્રપતિ શિવાજી મહારાજે શરૂ કરાવેલી ગુઢીપાડવાની ઉજવણીનાં પડઘમ વાગી રહ્યાં છે. એવા ટાણે ચલા, છત્રપતિ કુટુંબનાં કુળસ્વામિની ભવાની આઈ ચા દેવળાત તુળજાપુર લા જાઉ યા
ભારતવાસીઓ ખરેખર ભાગ્યશાળી છે. સૃષ્ટિના નિર્માણ કાળથી પ્રભુનાં પાવન પગલાંથી પવિત્ર થયેલાં સ્થાનોનાં સ્પદંનો તેઓ હજીયે ઝીલી શકે છે, જે-તે સ્થળોએ પ્રગટ થયેલા એ દૈવીય આત્માઓનું અસ્તિત્વ અનુભવી શકે છે અને પ્રચંડ શક્તિ ધરાવતી એ ભૂમિનો સ્પર્શ કરી શકે છે.
ADVERTISEMENT
યસ, આવો જ અહેસાસ થાય છે જ્યારે કોઈ મહારાષ્ટ્રમાં આવેલી સાડાત્રણ શક્તિપીઠની મુખ્ય પીઠ તુળજાપુરનાં ભવાની માતાનાં દર્શન કરે છે. તુળજાપુર માઈભક્તો માટે નવું નામ નથી. માત્ર મહારાષ્ટ્ર નહીં, સંપૂર્ણ ભારતના ભાવિકો આ તીર્થક્ષેત્રના પાવરથી પ્રભાવિત છે. દૈવી ભાગવતમાં આ સ્થળનો ઉલ્લેખ થયો છે અને મહારાષ્ટ્રિયન સહિત કન્નડા અને તેલુગુઓ સુધ્ધાં આ માતાને પોતાનાં કુળદેવી માને છે.
હવે આદ્યશક્તિ માતાના પ્રાગટ્યની કથા જાણીએ. શ્રી સ્કંદ પુરાણ કહે છે કે સતયુગ દરમિયાન વિદ્વાન બ્રાહ્મણ કર્દમના સ્વર્ગવાસ બાદ તેમનાં પત્ની અનુભૂતિએ પણ પતિ સાથે પ્રાણ ત્યાગવાનું નક્કી કર્યું, સતી થઈ સ્વયંનું બલિદાન આપવાનું વિચાર્યું. ત્યારે એક ગેબી અવાજે તેમને રોક્યાં અને તેમને મૃત્યુના વિચાર છોડી તેમના નાનકડા દીકરાનું પાલનપોષણ કરવાનું કહ્યું. બ્રાહ્મણ પત્નીએ આદેશ માની દીકરાને ઉછેર્યો. તેને આત્મનિર્ભર કર્યા બાદ અનુભૂતિએ સંસાર ત્યાગી સંન્યાસ ધારણ કરી લીધો અને પર્વત પર તપસ્યા કરવા જતાં રહ્યાં. અનુભૂતિ સુંદર તો હતાં જ, એમાં તપની ઊર્જાએ તેમને વધુ મોહક અને તેજસ્વી બનાવી દીધાં હતાં. એક દિવસ રાજા કુકરે સંન્યાસિની અનુભૂતિને જોયાં અને તેમની પર મોહિત થઈ ગયો. અસુર વૃત્તિના કુકરે પહેલાં તો અનુભૂતિ સમક્ષ પરણવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ દેવીએ એ પ્રસ્તાવ ઠુકરાવી દેતાં કુકર અનુભૂતિ ઉપર બળપ્રયોગ કરવા લાગ્યો. આ વ્યથાથી પરેશાન અનુભૂતિ માતાએ ભવાનીને પ્રાર્થના કરી અને નિર્મળ અનુભૂતિની આજીજી સુણી મા ભવાની તરત ત્યાં પ્રગટ થયાં. પહેલાં તો પાર્વતી માતાના આ શક્તિસ્વરૂપે રાજા કુકરને ચેતવ્યો, પરંતુ તે ન માન્યો એથી તેની સાથે યુદ્ધ કર્યું. ભયાનક યુદ્ધના અંતે દેવી માતાએ કુકરનો વધ કર્યો અને ભક્ત અનુભૂતિને વરદાન માગવાનું કહ્યું. માતૃશક્તિનાં આરાધક અનુભૂતિએ માતાને ત્યાં જ રહી જવાની વિનંતી કરી જેથી તે આઈની ભક્તિ કરી શકે. કૃપાળુ ભવાની માની ગયાં અને યમુનાચલ (હાલના સહ્યાદ્રિની હારમાળા)માં નિવાસ કર્યો. આથી ભક્તો માને છે કે માતા અહીં હજી હાજરાહજૂર છે અને અસુરોનો નાશ કરવાની શક્તિ અર્પે છે.
આ સ્થળનું નામ પડવાની સ્ટોરી પણ મસ્ત છે. મા ભગવતી દેવી અનુભૂતિના સ્મરણ કરવાથી ત્વરિત પ્રગટ થયાં. આથી ત્વરિતામ્બામાંથી અપભ્રંશ થઈ તુરજા, તુરજામાંથી આ સ્થળ તુળજાપુર કહેવાયું.
પુરાણોમાં ઉલ્લેખ છે કે ત્રેતાયુગમાં જ્યારે શ્રી રામચંદ્રજી દેવી સીતાની શોધમાં નીકળ્યા હતા ત્યારે પણ મા જગદમ્બાએ અહીં પ્રગટ થઈ તેમને માર્ગ બતાવ્યો હતો અને આશીર્વાદ આપ્યા હતા. મંદિરનો શિલાલેખ કહે છે, ‘આઠમી-નવમી સદી દરમિયાન અહીં ચાલુક્યો, યાદવો વગેરે રાજાઓ પણ આવ્યા હતા અને આ શ્રીક્ષેત્રનાં દર્શન કરી આશિષ મેળવ્યા હતા. ઈ. સ. ૧૧૬૪માં મહામંડલેશ્વર કંદબ મુરૂડદેવે અહીં મંદિરનું નિર્માણ કરાવ્યું. સૈકાઓ વીતતા ગયા. અનેક રાજવીઓ આવ્યા, ગયા અને સોળમી સદીમાં સહ્યાદ્રિ પર્વતમાળામાં એક પછી એક ગઢ સર કરતાં પરાક્રમી રાજા શિવાજી અહીં આવી ચડ્યા. જગદમ્બાના આ શૌર્યશાળી સ્વરૂપે તેમને એટલી શક્તિ પ્રદાન કરી કે તેમની ખાસ ‘ચંદ્રહાસ’ તલવારમાં અને તેમનાં બાવડાંમાં ડબલ જોર આવી ગયું. ને પછી તો એ ‘જાણતા રાજા’એ યમનો, તુર્કો, ફારસીઓને ખદેડી મૂક્યા. અમુક વર્ગ કહે છે કે ભવાની માતાએ શિવાજીને એ તલવાર પ્રદાન કરી હતી પરંતુ હકીકતે એવું નહોતું. બસ, જગદમ્બાનાં દર્શને શિવાજીને પોતાની ક્ષમતાનું ભાન કરાવ્યું અને અનેક શારીરિક ઘાથી ઘાયલ થવા છતાં આત્મિક શક્તિથી તેઓ ફરી બુલંદ અને બળવાન બન્યા (જે રીતે શ્રીકૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધમાં મોટિવેટ કર્યા એ રીતે).
વેલ, એ પછી ખતરનાક અફઝલ ખાન અને શિવાજીના યુદ્ધની કહાણી આપણને ખબર જ છે. અફઝલ ખાનની સેના સામે અડધું સૈન્યબળ તેમ જ અપૂરતાં હથિયાર હોવાં છતાં શિવાજી અને તેમના સિપાઈઓએ જે બહાદુરીથી એ ક્રૂર મોગલનો ખાતમો કર્યો એ શૌર્યકથા આજે પણ શરીરમાં એડ્રિનલિન રશ કરાવી દે છે. આ પ્રસંગ પછી આઈ તુળજા ભવાની છત્રપતિ રાજવીઓનાં કુળદેવી બની રહ્યાં. અને આજે પણ એ ભોસલે કુટુંબ અવારનવાર માતાનાં દર્શને જાય છે અને અભિષેક પૂજા કરે છે.
ભવાની માતા વર્ષના કુલ ૨૧ દિવસ નિદ્રાધીન થાય છે એટલે બાકાયદા તેમની ઓરિજિનલ મૂર્તિને તેમના સ્થાન પરથી ઉપાડીને પલંગમાં સુવડાવાય છે. પલંગ પર ખાસ ગાદલું, ઓશીકું રખાય છે અને માતાની મૂર્તિને કંબલ પણ ઓઢાડાય છે.
નાઓ, કટ ટુ ટુડે... સોલાપુરી ચાદર માટે ફેમસ સોલાપુર શહેરથી ૪૫ કિલોમીટરના અંતરે આવેલું તુળજાપુર મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં છે અને ધારાશિવ શહેર (જૂનું નામ ઉસ્માનાબાદ) તુળજાપુરથી ફક્ત ૨૨ કિલોમીટર છે. મુંબઈથી નાંદેડ, લાતુર, ધુળે તરફ જતી ટ્રેનો ધારાશિવ ઊભી રહે છે. એમ તો આપણા મહાનગરથી સોલાપુર જવા પણ અનેક આગગાડીઓ છે. રેલવે ઉપરાંત રાજ્ય પરિવહન નિગમ (એસટી)ની બસ પણ નિયમિતરૂપે તુળજાપુર લઈ જાય છે. સાડાચારસો કિલોમીટરની આ જર્ની સાતથી ૮ કલાક લે છે, એ પરિપ્રેક્ષ્યમાં તુળજાપુર મુંબઈગરાઓ માટે વીક-એન્ડ ડેસ્ટિનેશન પણ કહી શકાય. રહેવા માટે મંદિર પ્રશાસનનો ભક્ત નિવાસ છે જેમાં સુઘડ અને સ્વચ્છ રૂમો ઉપલબ્ધ છે જેનું ઑનલાઇન બુકિંગ થાય છે. ખાનગી ગેસ્ટહાઉસ, હોટેલ્સ પણ ઘણાં છે. જો એક દિવસનો પ્રોગ્રામ કરવો હોય, અહીં રાતવાસો ન કરવો હોય તોય ભક્તો માટે મંદિર જવળ નાહણ્યા-ધોણ્યા ચી ઉત્તમ સોઈ પણ આહે. રહી વાત જમવાની, તો નૅચરલી અહીં ગુજરાતી કઢી-ખીચડી, થેપલાં ને ઢોકળાં નહીં મળે પરંતુ પંજાબી શાક-રોટલી પીરસતી રેસ્ટોરાંઓ છે તો ઇડલી-ઢોસા પણ મળી રહે છે. બાકી કોથંબીર વડી, ઉસળ-મિસળ, થાલીપીઠ જેવી અસ્સલ મહારાષ્ટ્રિયન ડિશ તો અંતરિયાળ મહારાષ્ટ્રમાં જ ખવાયને ભાઉ.
અગ બાઈ દેવળા ચે કાય નાવ સાંગિતલં... અરે હા, એ તો કહેવાનું રહી જ ગયું કે મહારાષ્ટ્રની સાડાત્રણ પીઠ કઈ? તો કોલ્હાપુરનાં મહાલક્ષ્મી માતા, માહુરનાં રેણુકાદેવી, વણીનાં સપ્તશૃંગી અને તુળજાપુરનાં ભવાની મળીને સાડાત્રણ પીઠ ગણાય છે. એમ પણ કહે છે કે ભારતમાં આદ્યશક્તિનાં ત્રણ મુખ્ય સ્થાન છે. કલકત્તાનાં મહાકાલી દેવી તમોગુણતકા કહેવાય છે, કોલ્હાપુરનાં મહાલક્ષ્મી રજોગુણાત્મક અને નાહુરનાં મહાસરસ્વતી સાત્ત્વિક ગુણો માટે પ્રસિદ્ધ છે; જ્યારે તુળજાપુરનાં ભવાની ત્રિગુણાત્મક (સત્ત્વ, રજસ, તમસ) ત્રણેય ગુણનાં સ્વામિની મનાય છે.
મંદિરમાં રાજા સહાજી મહારાજ દ્વારથી પ્રવેશ કરો એટલે એક કિલ્લામાં પ્રવેશ કર્યાની ફીલિંગ આવે. કાળા મોટા દગડની બનેલી દીવાલો, બુરજો, ટિપિકલ ફોર્ટ જેવું લાગે છે. ૧૮મી સદી દરમિયાન બનેલું આ સ્ટ્રક્ચર નિંબાળકર શાસકોએ નિર્માણ કરાવ્યું છે. થોડી સીડીઓ ઊતરતાં જ સામે આઈનું મંદિર દેખાય છે. આઈ ભવાની ચા ઉદો ઉદોના જયકારાઓથી ગુંજતા મંદિરમાં આઈની સન્મુખ જતાં પૂર્વે ગોમુખ તીર્થ અને કલોલ તીર્થ (જળસ્રોત)માં આચમન લેવાનું રહે છે. પૂર્વે ભક્તો અહીં સ્નાન કરતા, પરંતુ હવે શ્રદ્ધાળુઓનું આવાગમન વધી જવાથી એ બંધ કરવામાં આવ્યું છે. માતાનાં દર્શને જતાં પહેલાં બાપાનાં દર્શન કરવાનાં રહે છે. જમણી સૂંઢના આ બાપા ખૂબ ચમત્કારિક મનાય છે. એ પછી માઈના ગર્ભગૃહમાં જવા ત્રણ કતાર પડે છે. એક પેઇડ લાઇન, જેમાં ૨૦૦ રૂપિયાની ટિકિટ લેવાની રહે છે અને ફ્રી દર્શનમાં એક મુખદર્શન તેમ જ એક ધર્મદર્શન સારુ વિભક્ત કર્યું છે. મુખદર્શનમાં માઈના ૩૫થી ૪૫ ફીટ દૂરથી દીદાર થાય છે અને ધર્મદર્શનમાં દસથી વીસ ફીટ આઘેથી. ઊંચો મુગટ, જાજરમાન શણગાર, હળદરના જાડા લેપથી ઓપતો ભાલપ્રદેશ તેમ જ માતાની તેજ ભરેલી આંખો જોતાં જ ભાવિકો પોતાની બધી જંજાળ ભૂલી જાય છે અને આઈનાં ચરણોમાં શીશ ઝુકાવી દે છે. મંદિરમાંથી બહાર નીકળતાં યજ્ઞમંડપ નજરે ચડે છે જ્યાં અનેક ભાવિકો સાથે લાવેલી સામગ્રીથી આરતી વગેરે કરે છે તો અનેક ભક્તો ઓટી ભરવાની વિધિ પણ કરે છે. મંદિરના પરિક્રમા પથ પર દત્તાત્રેય ભગવાન, અન્નપૂર્ણા દેવી, માતંગદેવી તથા અનેક દેવો અને દેવીઓની નાની દેરીઓ છે. દરિયાઈ સપાટીથી ૨૧૨૫ ફીટ ઊંચું આવેલું હડપંતી શૈલીમાં બનેલું આ મંદિરનું શંકુ આકરનું રંગબેરંગી સ્ક્લ્પ્ચર ધરાવતું શિખર પણ યુનિક છે. ખાસ જોજો...
ભારતીબુવા
અંબે તાઈ મંદિરથી જસ્ટ અડધો કિલોમીટરના અંતરે શ્રી ક્ષેત્રપાલ કાલ ભૈરવનું મંદિર છે. કહે છે કે અહીં ભૈરવજી માતા પૂર્વેથી બિરાજમાન છે. બીજી દિશામાં સાડાચારસો મીટર ઘાટશિલ મંદિર છે જેમાં મર્યાદા પુરુષોત્તમ રામજી સ્થાપિત છે. તો મંદિરની ઈશાન બાજુએ આવેલું વિષ્ણુ મંદિર પણ પ્રાચીન છે. ભવાની મંદિરમાં આવતી કલોલ તીર્થમની ધારાનો મુખ્ય સ્રોત અહીં છે અને માન્યતા છે કે અહીં ગંગા, યમુના, સરસ્વતી નદીનું જળ સંયુક્તરૂપે આવે છે. એ જ રીતે પાપતીર્થમ નામનો કુંડ પણ પવિત્ર છે અને ભારતી બુઆચા માથા (પિયર) ગણાતા મંદિર માટે તો કહેવાય છે કે સ્વયં શંભુ અને પાર્વતી માતા તેમની સાથે ચોપાટ રમવા આવે છે. આ ભારતીબુવા એટલાં મહત્ત્વનાં છે કે દરરોજ સવારે થતા મા ભવાનીના પ્રથમ અભિષેક વખતે ભારતીબુવાને આવવા માટે સાદ પડાય છે. ઈથે જાયાલા વિસરુ નકા.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
મંદિરમાં માતાને દૈનિક બે વખત અભિષેક, શણગાર તેમ જ ૪ ટાઇમ ભોગ ધરાય છે. ભાવિકો વિવિધ પૂજાઓ કરાવી શકે છે. અહીં પાદપૂજા, અભિષેક તેમ જ સિંહાસન પૂજા થાય છે. સિંહાસન પૂજામાં ભાવિકો શ્રદ્ધા અનુસાર ઘી, શ્રીખંડ, આમ્રખંડ અથવા કેરીનો રસ, શેરડીના રસથી પૂજા કરાવે છે.
પરિસરમાં જ ગણેશ મંદિર પાસે ચિંતામણિ સ્ટોન રાખવામાં આવ્યો છે. આ પથ્થર ભવિષ્યવેત્તાની ગરજ સારે છે. ભાવિકો મનમાં કોઈ પ્રશ્ન સાથે એ મોટા પિંડા જેવા કાળા દગડને ફેરવે છે. જો એ પથ્થર જમણી તરફ ફરે તો ભાવિકની ઇચ્છા પૂર્ણ થશે. શિલા ડાબી તરફ ફરે તો કાર્ય સંપન્ન નહીં થાય. અને જો એ સ્થિર રહે તો કાર્ય ડિલે થશે એમ મનાય છે. કહે છે કે શિવાજી મહારાજે પણ ચિંતામણિ પથ્થર ફેરવ્યો હતો. અફકોર્સ, એનું કોઈ પ્રમાણ નથી. માઈનાં દર્શને આવેલા ભાવિકોને ચિંતામણિ શિલાનું બહુ આર્કષણ રહે છે.
તુળજાપુરમાં નવરાત્રિ, દિવાળી, દશેરા તેમ જ દરેક મહિનાની પૂર્ણિમાએ વિશેષ ઉત્સવ યોજાય છે. એમાંય મરાઠી વિદ્વાન અને શાલિવાહન શક ગુઢીપાડવાના દિવસે મળસ્કે ૪ વાગ્યે શ્રદ્ધાળુઓ દ્વારા ભેટમાં અપાયેલા સાકરનો હારડો (હાર) મંદિર પર રખાય છે. સૂર્યોદય બાદ ગુઢી બંધાય છે, જેની પૂજા કર્યા બાદ પૂજારી ગુઢીને માતાજીની ચૂંદડી ઓઢાડી એને સાકરનો હાર અને ચૂનાના નાના પથ્થરનો હાર પહેરાવે છે અને શિખરની બરાબર સામે એ ગુઢીને સ્થાપિત કરે છે. આ વિધિ નિહાળવા પણ સેંકડો યાત્રાળુઓ અહીં પધારે છે.
જાણવા જેવું
આદ્યશક્તિના સ્વરૂપને કોડી પ્રિય હોય એ તો બરાબર, પણ અહીંનાં ભવાની માતા શણગારમાં લિટરલી કોડીનો હાર પહેરે છે અને ભક્તો ફૂલ, પ્રસાદ, પૂજાપો, સાડી, બંગડી સાથે કોડીની માળા પણ માઈને ચડાવે છે.
પંજાબી સ્ત્રીઓ જેમ લગ્ન વખતે હાથમાં ચૂડો પહેરે છે અને લાંબો સમય રાખે છે એ રીતે મહારાષ્ટ્રિયન સ્ત્રીઓ લગ્ન બાદ જથ્થાબંધ ગ્રીન કલરની કાચની બંગડીઓ કાયમ પહેરે છે, ક્યારેય કાઢતી નથી. આ મંદિરની બહાર સ્ત્રીઓને હિરવી ચૂડી પહેરાવતી અનેક સ્ત્રીઓ જોવા મળે છે કારણ કે માતાની શક્તિપીઠમાં આ ક્રિયા કરવી બહુ શુભ મનાય છે.
તુળજાપુરના ભવાની માતા શારદીય નવરાત્રિના પહેલા આઠ દિવસ એટલે શ્રાદ્ધ પક્ષની આઠમથી અમાસ સુધી યોગનિદ્રામાં જાય છે અને કહે છે કે એ દરમિયાન મહિષાસુર સૃષ્ટિ પર ખૂબ આતંક ફેલાવે છે. આથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશજી ભવાની માતાને જગાડે છે અને માતા ઘોર સ્વરૂપે પ્રગટ થઈ મહિષાસુરને મારે છે. એ અસુરને મારી દશેરાનો વિજયોત્સવ મનાવ્યા બાદ માતા આસો સુદ અગિયારસે ફરી પોઢે છે, જેને શ્રમ નિદ્રા કહે છે. ને પાંચ દિવસ બાદ શરદપૂર્ણિમાએ જાગે છે. એ પછી શાકંભરી નવરાત્રિ દરમિયાન પોષ મહિનાની સુદ એકમથી ૮ દિવસ માટે માતા મોહનિદ્રા લે છે અને નોમના જાગે છે. એ પછીથી પૂર્ણિમા સુધી માતાની વિવિધ અલંકાર મહાપૂજા તેમ જ ઉત્સવો યોજાય છે. કહે છે કે આ મોહનિદ્રા સગર્ભાવસ્થાના ૯ મહિનાના પ્રતીકરૂપે ૯ દિવસની છે. આ નિદ્રા બાદ તેઓ ફરી નવસર્જન માટે તૈયાર થઈ જાય છે. મોહનિદ્રા તેમ જ યોગ (ઘોર)નિદ્રા દરમિયાન આઈ સાહેબ ચાંદીના પલંગ પર નિદ્રાધીન થાય છે અને શ્રમનિદ્રા ચંદનના બેડ પર કરે છે. એ ચંદનનો પલંગ ખાસ અહમદનગરના એક પરિવારના ઘરેથી આવે છે જે તેમનું મહિયર કહેવાય છે. તેઓ દર વર્ષે દીકરી માટે સુખડના લાકડાનો નવો પલંગ મોકલે છે. અહમદનગરથી તુળજાપુર લઈ અવાતાં પલંગનાં દર્શન કરવા ગામેગામ ભાવિકોનાં ટોળાં ઊમટે છે.
કાળા પથ્થરમાંથી નિર્મિત સાડાત્રણ ફીટની માઈની પ્રતિમા અષ્ટભુજાધારી છે. મસ્તકના મુગટના શિવલિંગ છે. હાથમાં ત્રિશૂળ, બાણ, ચક્ર, શંખ, ધનુષ, પાનપાત્ર છે. એક પગ વડે મહિષાસુરને દબાવ્યો છે. તેની બાજુમાં તેમનું વાહન સિંહ છે. તેમ જ બાણનું ભાથું, ઋષિમુનિ, વિવિધ અલંકાર ધરાવતી આ મૂર્તિ ૧૭મી-૧૮મી સદીમાં નિર્માણ પામી હોવાનું મનાય છે. જોકે કેટલાક શ્રદ્ધાળુઓના મતે એ સ્વયંભૂ છે.

