બૌદ્ધ ધર્મ બુદ્ધિમાનોનો ધર્મ છે એવું આચાર્ય રજનીશ કહેતા. ક્રોધને નહીં ક્રોધના મૂળને તોડો. વાસના, ઈર્ષ્યા કે લોભના મૂળ પર જો કામ કરશો તો એ તમને નડશે નહીં
પ્રતીકાત્મક તસવીર
બૌદ્ધ ધર્મ બુદ્ધિમાનોનો ધર્મ છે એવું આચાર્ય રજનીશ કહેતા. ક્રોધને નહીં ક્રોધના મૂળને તોડો. વાસના, ઈર્ષ્યા કે લોભના મૂળ પર જો કામ કરશો તો એ તમને નડશે નહીં. આ સમજણ પછી એને તોડવાની રીત ભગવાન બુદ્ધે દેખાડી એનું નામ વિપશ્યના. અંદર ઝાંકીને અવગુણોને નેસ્તનાબૂદ કરીને ગુણોને પ્રગટાવવાની આ પ્રોસેસ આજે ‘બુદ્ધ પૂર્ણિમા’ નિમિત્તે સમજીએ
તર્કબદ્ધ અને છતાં ગહન વિચારક તરીકે આચાર્ય રજનીશ આજે પણ પ્રાસંગિક છે. તેમના જીવન સાથે સંકળાયેલા વિવાદોને બાજુ પર મૂકીને આપણે માત્ર તેમના વિચારો પણ ફોકસ કરીએ તો બૌદ્ધિકતા સાથે અધ્યાત્મિકતાનો અનુભવ લઈ શકાય એવા સ્પષ્ટ તેમના વિચારો હતા. ઓશો તેમના સમય કરતાં વહેલા થઈ ગયા અને એટલે જ તેમણે આજથી પચાસ વર્ષ પહેલાં કહેલી વાતો આજે વધુ પ્રસ્તુત લાગે છે. આપણે ઓશોની નહીં પરંતુ ‘બુદ્ધ પૂર્ણિમાના પરિપ્રેક્ષ્યમાં ઓશોએ ભગવાન બુદ્ધ વિશે કહેલી બાબતો પર વાત કરવાની છે. જબ્બર કક્ષાની તર્કબુદ્ધિ ધરાવતા ઓશોએ બૌદ્ધ ધર્મને એ બુદ્ધિમાનનો ધર્મ કહ્યો છે કારણ કે બુદ્ધ શ્રદ્ધા, વિશ્વાસની વાત નથી કરતા. બુદ્ધ અનુભવોની અને એ અનુભવો મેળવવાની પ્રોસેસ પર વાત કરે છે. બુદ્ધ કહે છે પહેલાં સમજો, પછી એને અનુભૂતિમાં લાવો અને પછી શ્રદ્ધા જાગે તો ઠીક. દુનિયાના દરેક ધર્મ પહેલાં વિશ્વાસ, ભરોસા અને શ્રદ્ધાની વાત કરે છે જ્યારે બુદ્ધ પહેલાં સમજણ અને અનુભૂતિની વાત કરશે. અનુભવના પગલે-પગલે શ્રદ્ધા અને વિશ્વાસ આવશે જ. શ્રદ્ધા અનુભવોની બાયપ્રોડક્ટ છે. ઓશો કહે છે કે બુદ્ધની વાત બુદ્ધિથી શરૂ થાય છે કારણ કે મોટા ભાગના લોકો ત્યાં જ ઊભા છે. જોકે અંત બુદ્ધિમાં નથી. વૈજ્ઞાનિકતા અને માત્ર ધ્યાનની પ્રક્રિયાથી અનુભૂતિને પામવાનો સંદેશ આપનારા ભગવાન બુદ્ધના મેડિટેશન પર આજે વાતો કરીએ. વિપશ્યના, જે ભગવાન બુદ્ધે આપેલી સર્વશ્રેષ્ઠ ભેટ છે. ભૂતકાળમાં પણ આ વિષય પર આપણે વાતો કરી જ ચૂક્યા છીએ. બુદ્ધના ધ્યાનના પ્રયોગોનું ઉત્કૃષ્ટ સ્વરૂપ જેને કહી શકાય એવી ધ્યાનની અકસીર પદ્ધતિ ‘વિપશ્યના’ને નવા દૃષ્ટિકોણથી આજે સમજીએ.
ADVERTISEMENT
ધ્યાનની જરૂરિયાત
સામાન્ય રીતે આપણા માટે ધ્યાન એટલે એક વસ્તુ પર ફોકસ કરે અને થોડીક વાર માટે મન શાંત થઈ જાય એ પ્રક્રિયા. શું ભગવાન બુદ્ધે પણ એવા જ પ્રકારના ધ્યાનની વાત કરી છે? વિપશ્યના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના શિક્ષક અને પચીસ વર્ષથી ધ્યાનના આ અભ્યાસની અનુભૂતિ કરી રહેલા ડૉ. બલજિત લામ્બા કહે છે, ‘મનને એકાગ્ર કરવું એ ધ્યાનની આરંભિક અવસ્થા હોઈ શકે પરંતુ બુદ્ધ એને ધ્યાન નથી કહેતા. જ્યારે તમે તમારા માઇન્ડને કોઈ વસ્તુ પર કેન્દ્રિત કરીને સ્થિર કરો છો ત્યારે તમારા મનમાં પણ ટેમ્પરરી સ્થિરતા આવે છે. એ સમયે ગુસ્સો, લાલચ, ઈર્ષ્યા જેવા મનની અંદર રહેલા દોષો નીચે બેસી જાય છે પણ નષ્ટ નથી થતા. બુદ્ધએ એને નષ્ટ કરવાની જે મેથડ આપી એનું નામ છે વિપશ્યના. મનને એકાગ્ર કરીને મનને ડિસ્ટર્બ કરનારાં તત્ત્વોથી ટેમ્પરરી મુક્તિ જોઈએ છે કે પર્મનન્ટ સોલ્યુશન જોઈએ છે એનો નિર્ણય કરીને વિપશ્યના તરફ આગળ વધો તો પરિણામ મળે.’
વિપશ્યનાનું લૉજિક
વિ એટલે વિશેષ અથવા તો વિવિધ દૃષ્ટિકોણથી અને પશ્ય એટલે કે જોવું. ડૉ. બલજિત કહે છે, ‘બુદ્ધ એક બહુ જ સરસ વાત કરે છે કે આપણી અંદરના વિકાર અને દોષો એક હૅબિટ પૅટર્નને કારણે છે. તમારા કન્ટ્રોલમાં એ હૅબિટ પૅટર્ન નથી. ગુજરાતીમાં એને સંસ્કાર અને પાલી ભાષામાં એને સંખાર કહે છે. બે વ્યક્તિ એક જ સમયે એક માતાના ગર્ભમાંથી જન્મી હોય અને છતાં બન્નેના સ્વભાવ જુદા હોય છે. એક જલદી ગુસ્સે થઈ જાય અને બીજી વ્યક્તિ પ્રમાણમાં શાંત રહે. એની પાછળનું કારણ સંસ્કાર હોઈ શકે. આ સંસ્કાર એટલે કે હૅબિટ પૅટર્ન, જેના પર તમારો શરૂઆતમાં કન્ટ્રોલ નથી. ધારો કે મનમાં કોઈ ઘટનાથી તરત જ ગુસ્સો જાગ્યો અને તમે એ અંદર જાગેલા ગુસ્સાને જોયો પણ એને વાણી કે વર્તનમાં ન લાવ્યા. પ્લસ તમે આ મને ગુસ્સો આવી રહ્યો છે એવું આઇડેન્ટિફિકેશન પણ એને ન આપ્યું તો ધીમે-ધીમે એ ગુસ્સો પાવરલેસ બનશે. મનને એકાગ્ર કરીને એના ઊંડાણમાં જવાનું. ત્યાં તમે જોશો કે મનના જે દોષો છે એ આવે છે અને જાય છે, સ્થિર નથી. ગુસ્સો આવ્યો અને ગયો. ઈર્ષ્યાભાવ આવ્યો અને ગયો. ક્યાંકથી આવે છે અને ક્યાંક પાછો જાય છે. બુદ્ધ કહે છે કે તમે સજગ થઈને એ દોષનું પ્રગટ થવું જુઓ. ગુસ્સો આવ્યો એને જોયો પણ રીઍક્ટ ન કર્યું, એ પાછો ગયો એ પણ જોયું. એનું આવવું આપણા હાથમાં નથી પરંતુ એના પર રીઍક્ટ કરવું એ આપણા હાથમાં છે. ધારો કે મનના પટલ પર આવેલા ગુસ્સાને કોઈ મહત્ત્વ આપ્યા વિના તમે એના સાક્ષી બનીને રહ્યા અને એને જવા દીધો તો ધીમે-ધીમે એની તીવ્રતા ઘટશે. આ ગુસ્સો આપણી સંસ્કારોયુક્ત હૅબિટ પૅટર્નમાંથી આવે છે અને જાય છે એ ઘટનાના તમે માત્ર સાક્ષી છો. વારંવાર આ પ્રક્રિયા થઈ, તમે રીઍક્શન ન આપ્યું તો બનશે એ કે ગુસ્સાની અસર ઘટતી જશે. તમારી હૅબિટ પૅટર્નની પકડ ઢીલી પડતી જશે. આમ ધીમે-ધીમે તમે ગુસ્સાના મૂળને હલાવી દીધું હશે અને સંભવ છે કે એક દિવસ એ દોષ સંપૂર્ણપણે હૅબિટ પૅટર્નમાંથી નષ્ટ થઈ જશે. વિપશ્યનાનો મૂળ ઉદ્દેશ્ય જ આ છે કે મનમાં ઊઠતા દોષરુપી તરંગોનો પ્રતિકાર કર્યા વિના સાક્ષી બનો. ત્યાં સુધી જ્યાં સુધી એ નષ્ટ ન થઈ જાય.’
નિર્ભરતાને સમજીએ
કોઈ પણ નકારાત્મક લાગણી કે અનુભવ આપણી સામે આવે છે કારણકે આપણે પરાવલંબી છીએ એના પર. જો આ સત્ય સમજાય તો આપણી મેન્ટલ હેલ્થને અદ્ભુત રીતે આપણે મૅનેજ કરી શકીએ. ઉદાહરણ આપતાં ડૉ. બલજિત કહે છે, ‘તમને ખબર છે કે ગુસ્સો કરવો એ સારી બાબત નથી છતાં તમને વારંવાર ગુસ્સો આવી જાય છે. એનો અર્થ એ આપણા કન્ટ્રોલમાં નથી. આપણે ડિપેન્ડન્ટ છીએ. નિર્ભર છીએ. પરંતુ આપણી પ્રતિક્રિયા આપણા હાથમાં છે. ગુસ્સા મુજબ રીઍક્શન આપવું કે નહીં એ આપણી જાગૃતિ થકી નક્કી થશે. આ જ વાત બીજા પર લાગુ પડે છે. ધારો કે તમારી આસપાસ કોઈ વ્યક્તિ ઈર્ષ્યા સાથે બિહેવ કરે છે તો તમે પણ નકારાત્મક રીઍક્ટ કરવાને બદલે એ વિચારી શકો કે શું થાય, એ પણ બિચારા અંદર પડેલા ઈર્ષ્યાના દોષ પર ડિપેન્ડન્ટ છે. વ્યક્તિ ખરાબ નથી, પરંતુ વ્યક્તિમાં પડેલો દોષ ખરાબ છે અને તે પણ એ દોષ સામે નિસહાય છે એ જોઈ શકશો. દૃષ્ટિકોણમાં આ શિફ્ટ વિપશ્યનાથી આવે. એટલે સૌથી પહેલાં તમે પોતાને સમજો અને પછી તમને બીજાની સ્થિતિ પણ સમજાતી જાય. તમે પોતાની વિક્ટિમ સ્ટોરી કહેતાં અટકી જશો. ભગવાન બુદ્ધે પોતે પણ ધ્યાનનો આ જ અભ્યાસ કર્યો છે.’
કેવી રીતે પ્રૅક્ટિસ કરશો?
સામાન્ય રીતે વિપશ્યનાની દસ દિવસની નિઃશુલ્ક શિબિરો દુનિયાભરમાં યોજાતી હોય છે જેમાં બાહ્ય જગતથી સંપૂર્ણ કટઑફ થઈને શ્વાસને જોવાનો અભ્યાસ અને પછી ડીપર લેવલ પર મનમાં ઉદ્ભવતા અને શમતા દોષો તરફ ધીમે-ધીમે ફોકસ વધારવાનું હોય. ડૉ. બલજિત કહે છે, ‘ભગવાન બુદ્ધે ત્રણ સ્તંભ આપ્યા છે, જેને અનુસરવાથી વિપશ્યના ધ્યાન તરફ મન વધુ સક્રિય બને. સૌથી પહેલાં શીલ એટલે કે સદાચારનું પાલન કરીને અભયદાન આપો. સદાચાર એટલે તમે પોતે ખોટું નહીં બોલો, ચોરી નહીં કરો, હિંસા નહીં કરો, કોઈને ઠેસ પહોંચે એવી હરકત નહીં કરો એવો નિશ્ચય લો છો ત્યારે તમારી આસપાસના લોકોને આપોઆપ અભયદાન મળી જાય છે. બીજા નંબરે તેમણે સમાધિ એટલે કે મનને સ્થિર કરવાની વાત કરી. મન એકાગ્ર કરતાં શીખો. છેલ્લે તેમણે પ્રજ્ઞા એટલે કે બહારના વિશ્વ અને અંદરના વિશ્વ વચ્ચેની પરતોને ખોલીને આરપાર જોતાં શીખો જેની વાત આપણે આગળ કરી. મૂળ સુધી પહોંચો અને જુઓ કે એકેય દોષ પર્મનન્ટ નથી. સત્યને અનુભવથી સમજો. આ જ્યારે કરશો ત્યારે આપોઆપ તમારી અંદર મેતા એટલે કે મૈત્રી ભાવ પ્રગટ થશે. આ જ વિપશ્યનાની ફળશ્રુતિ છે. દસ દિવસ તમે એ માહોલમાં ધ્યાનનો ડેડિકેટેડ અભ્યાસ કરો છો ત્યારે ધીમે-ધીમે આ સ્થિતિએ પહોંચી શકાય છે. બુદ્ધ પહોંચ્યા છે. જોકે શરૂઆત તમે માત્ર આનાપાન ધ્યાનથી કરી શકો જેમાં તમારે અંદર આવી રહેલા અને અંદરથી બહાર જઈ રહેલા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય. સોશ્યલ મીડિયા પર તમને પાંચથી વીસ મિનિટના આનાપાન ધ્યાનના વિડિયોઝ મળી જશે.’
બુદ્ધ કહે છે કે મનના દોષો પર તમારો કન્ટ્રોલ નથી. એ સંસ્કારોને આધીન છે. જેમ કે ગુસ્સો આવવો એ તમારા હાથમાં છે જ નહીં પરંતુ ગુસ્સો આવ્યા પછી એને વાણી અને વર્તનમાં લાવવો કે નહીં, ‘મને ગુસ્સો આવ્યો’ જેવા શબ્દો સાથે એને ઓળખ આપીને વધુ પાવફુલ બનાવવો કે પછી સૂરજ ઊગે છે અને આથમે છે એમ ગુસ્સો આવે છે અને પાછો જતો રહે છે એમ થર્ડ પાર્ટીની જેમ એને પાવરલેસ રાખવો એ આપણા હાથની વાત છે. વિપશ્યના આપણને જાગૃતિપૂર્ણ આવો રિસ્પૉન્સ આપતા શીખવે છે.
- ડૉ. બલજિત લામ્બા, વિપશ્યના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના શિક્ષક

