અર્થાત્ તું સ્વયં દીપક બન અને એ જ્ઞાનપ્રકાશ વડે આત્માને ઉજ્જ્વળ કર. સાડાપચીસસો વર્ષ પૂર્વે બુદ્ધે કહેલું આ વિધાન સાંપ્રત સમયમાં પણ ઉચિત છે : આવતી કાલે બુદ્ધપૂર્ણિમા છે એ નિમિત્તે આપણે જઈએ ગૌતમ બુદ્ધના નિર્વાણસ્થળ કુશીનગર
મહાપરિનિર્વાણ મંદિર.
વાત ત્યારની છે જ્યારે ભગવાન બુદ્ધનો અંતિમ સમય નિકટ હતો. તનથી નબળા પડેલા તથાગત ત્યારે પણ પ્રકાશથી ઝળહળતા હતા. હરેક ક્ષણ તેમની સાથે રહેતો શિષ્ય આનંદ ગુરુની આવી પરિસ્થિતિ જોઈ વ્યથિત હતો પરંતુ બુદ્ધ શાંત, સૌમ્ય અને તેજથી ઓપતા હતા.
એક દિવસ બુદ્ધનો ભદ્રક નામક શિષ્ય ગુરુનાં દર્શનાર્થે આવ્યો. તે બુદ્ધના આસન્ન મૃત્યુથી બહુ વિચલિત હતો. એથી ગુરુના આવાસની બહાર આવી રડવા લાગ્યો. કરુણાવંત બુદ્ધને એ ક્ષણોમાં પણ કોઈના આક્રંદનો અવાજ આવ્યો અને તેમણે આનંદને પૂછ્યું કે ‘આટલું કરુણ સ્વરે કોણ રડી રહ્યું છે?’ ત્યારે આનંદે કહ્યું કે ભદ્રક રડી રહ્યો છે. બુદ્ધે તરત શિષ્યને બોલાવ્યો અને રડવાનું કારણ પૂછ્યું. ભદ્રકે કહ્યું કે ‘જ્યારે આપ અમારી વચ્ચે નહીં હો ત્યારે અમને આત્મજ્ઞાન કોણ આપશે? અમારું માર્ગદર્શન કોણ કરશે?’
ADVERTISEMENT
મંદિરના પરિસરમાં દલાઈ લામાના માનમાં મોટો ઘંટ લગાવ્યો છે.
એ સમયે બુદ્ધના મુખેથી સૂત્ર સર્યું, અપ્પ દીપો ભવ:
યસ, રાજકુમાર સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ બનેલા પ્રભુનો આ અંતિમ ઉપદેશ હતો અને એ સ્થળ હતું કુશાવતી નગરી.
lll
બૌદ્ધ ધર્મનાં ચાર પ્રમુખ તીર્થસ્થળ છે. લુમ્બિની (નેપાલ) જે સિદ્ધાર્થનું જન્મસ્થળ છે, બોધગયા (બિહાર) જ્યાં તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ, સારનાથ (વારણસીની નજીક) જ્યાં ભિખ્ખુએ પ્રથમ ઉપદેશ આપ્યો અને કુશીનગર (ઉત્તર પ્રદેશ) જ્યાં તથાગતનું પરિનિર્વાણ થયું. આ સિવાય પણ ભારત-નેપાલ-શ્રીલંકામાં અનેક બૌદ્ધ તીર્થો છે પરંતુ ઉપરનાં ચારેય સ્થાન અતિ પવિત્ર અને પ્રસિદ્ધ છે કારણ કે આ ચારેય ભૂમિ ડાયરેક્ટ્લી બુદ્ધના જીવનના મુખ્ય પ્રસંગોથી જોડાયેલી છે જેમાં આજે આપણે કુશીનગરની માનસયાત્રા કરવાની છે.
ઉત્તર પ્રદેશના પાવરફુલ ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથ જે ગોરખનાથ મઠના સંન્યાસી છે એ ગોરખપુર ડિવિઝનમાં આવેલું કુશીનગર ઉત્તર પ્રદેશનો મોસ્ટ પૂર્વીય જિલ્લો છે. એક સમયે રાજા રામના પુત્ર કુશના રાજ્યનો ભાગ રહેલું કુશાવતી આજે લૅન્ડ ઑફ ગૌતમ બુદ્ધ તરીકે જાણીતું છે. પરંતુ એના ઇતિહાસની થોડી ખણખોદ કરીએ તો બુદ્ધના નિર્વાણ બાદ કુશીનારા તરીકે જાણીતા આ પ્રદેશમાં છઠ્ઠી શતાબ્દી પૂર્વે મલ્લોનું રાજ્ય હતું. એ પછી એ મૌર્ય, શુંગ, કુષાણ, ગુપ્ત, હર્ષ, પાલ જેવા રાજવંશોનું સામ્રાજ્ય બની રહ્યું. બારમી સદીમાં કલ્ચુરી રાજાઓએ રાજ્ય કર્યું પરંતુ એ પછી લગભગ ૩૦૦ વર્ષ આ ભૂમિ સુષુપ્ત થઈ ગઈ. એ દરમિયાન સમ્રાટ અશોક આદિ બૌદ્ધ રાજાઓએ નિર્માણ કરાવેલા સ્તૂપો, મઠ પણ કાળની ગર્તામાં ધરબાઈ ગયા. અગેન, ૧૫મી સદીમાં રાજપૂત રાજા મદન સિંહે અહીં રાજ્ય કર્યું. પરંતુ ફરી એનું એ. આ પવિત્ર ભૂમિ ગુમનામીમાં ખોવાઈ ગઈ, વિસરાઈ ગઈ. અંગ્રેજોનું શાસન આવતાં એ સમયના પુરાતત્ત્વ સર્વેક્ષક ઍલેક્ઝાન્ડર કનિંઘમે અહીં ઉત્ખનન કરાવ્યું અને ૧૮૭૬માં બુદ્ધની ૬.૧૦ મીટરની સૂતેલી અવસ્થાની મૂર્તિ મળી. એ પછી અહીં પુરાતત્ત્વ અભિયાન ચાલુ જ રહ્યું અને ૧૯૦૩માં બર્માના બૌદ્ધ ભિક્ષુ ચંદ્ર સ્વામી આ સ્થળે આવ્યા અને આજે અહીં ઊભેલા મહાપરિનિર્વાણ મંદિરને જાગૃત મંદિર બનાવી દીધું.
માથાકુંવર મંદિરમાં બુદ્ધની સ્પર્શ મુદ્રાની મૂર્તિ
હવે આજની વાત કરીએ. મહાપરિનિર્વાણ સ્તૂપ સંકુલમાં પાંચમી સદી દરમિયાન સ્થાપિત અનેક પ્રાચીન મઠો, જે આજે પ્રોટેક્ટેડ ખંડેર છે, એ તો છે જ સાથે થોડા દસકાઓ પૂર્વે બનેલા એક મઠમાં સ્લીપિંગ બુદ્ધની મૂર્તિ છે. ઍન્ડ, એ આખાય પરિસરનું કેન્દ્રબિંદુ છે. પીળા રંગના આ મઠમાં પ્રવેશતાં જ આધ્યાત્મિક વાઇબ્સનો અનુભવ થાય છે. તો ભક્તોને આ શૈયાસીન બુદ્ધનાં અલગ- અલગ ઍન્ગલથી દર્શન કરતાં તથાગતનાં ભિન્ન-ભિન્ન રૂપનાં દર્શન થાય છે. કોઈ ખૂણેથી એ નિર્દોષ બાળક જેવા, ક્યાંકથી ત્યાગી મુનિ જેવા તો કોઈ ઍન્ગલે વયસ્ક વૃદ્ધ ને અમુક સ્થાનેથી તો પ્રેમાળ સાધુ જેવા પ્રતીત થાય છે. એક માન્યતા કહે છે આ મૂર્તિ મૌર્ય કે કુષાણ સામ્રાજ્યના સમયમાં બની છે કારણ કે પાંચમી-છઠ્ઠી સદી દરમિયાન એક ચીની યાત્રીએ પોતાની ભારત યાત્રાના પુસ્તકમાં આ મૂર્તિનો ઉલ્લેખ કર્યો છે. તો અન્ય સંપ્રદાયનું માનવું છે કે આ મૂર્તિ મથુરાના હરિદત્તજીએ ૧૯મી સદીની શરૂઆતમાં નિર્માણ કરાવી છે. ખેર, ભક્તોને મૂર્તિના નિર્માણનાં વર્ષોથી બહુ ફરક પડતો નથી. તેમને માટે આ પવિત્ર ભૂમિ છે જ્યાં તેમના આદ્યગુરુએ પુનર્જન્મોની પ્રક્રિયામાંથી મુક્તિ મેળવી છે.
મહાપરિનિર્વાણ મંદિર વિશાળ પરિસરમાં ફેલાયેલું છે. સ્લીપિંગ બુદ્ધના સ્તૂપ ઉપરાંત અહીં અનેક ભગ્ન સ્તૂપોના અવશેષો, મઠો વગેરે છે જેમાં માથાકુંવર તીર્થ અને રામભાર સ્તૂપ સૌથી મહત્ત્વના છે. માથાકુંવર મંદિરના સ્થાન વિશે કહેવાય છે કે જ્યારે વૃદ્ધ બુદ્ધ પોતાનો અંતિમ સમય આવી ગયો હોવાનું જાણી વૈશાલીથી કુશનાર આવ્યા ત્યારે સૌપ્રથમ આ સ્થળે બેસી તેમણે ક્ષુધા સંતોષી હતી. કથા જણાવે છે કે ગૌતમ બુદ્ધે આનંદ શિષ્યને બાજુમાંથી વહેતી નદીમાંથી જળ લાવવાનું કહ્યું. આનંદ ત્યાં ગયા પણ નદીનું પાણી અતિશય ડહોળું હતું, કારણ કે ત્યારે જ ત્યાંથી ગાડાંઓની વણઝાર પસાર થઈ હતી. આનંદ એ પાણી લીધા વગર પાછા આવ્યા. ગુરુએ શિષ્યને ખાલી હાથે આવેલો જોઈ કારણ પૂછ્યું. આનંદે સઘળી વાત કહી. બુદ્ધે ફરી તેમને ત્યાં મોકલ્યા અને એ પાણી નિર્મળ અને શુદ્ધ થઈ ગયું હતું. પછી ગુરુએ જળ ગ્રહણ કર્યું અને એ સંદર્ભે માથાકુંવર મંદિરમાં બુદ્ધની સ્પર્શ મુદ્રાની મૂર્તિ છે જેમાં તેમનો જમણો હાથ ધરતીને સ્પર્શ કરતો દેખાય છે અને ડાબો હાથ ધ્યાન મુદ્રા એટલે તેમના ખોળામાં છે. આ હાથનું કાંડું હાલ કપાયેલું છે કારણ કે સ્થાનિક લોકો કહે છે કે થોડાં વર્ષો પૂર્વે ચોરોએ આ મૂર્તિને સોનાની સમજી એનો હાથ કાપી નાખ્યો હતો. તેઓ એ હાથ લઈ જઈ રહ્યા હતા ત્યાં ચોરોને ક્ષણિક અંધાપો આવી ગયો અને તેઓ આગળ ન જઈ શક્યા. એ પછી તેઓ પકડાઈ ગયા પરંતુ પ્રતિમાનો હાથ ત્યારથી ખંડિત જ છે. એ નાનકડા સ્તૂપની બાજુમાં નાનો જળકુંડ છે જ્યાં નદીનું પાણી હતું, પરંતુ હાલ એ ડ્રાય છે.
સ્લીપિંગ બુદ્ધની પ્રતિમા.
રામભાર સ્તૂપ
હવે રામભાર સ્તૂપની વાત કરીએ તો પ્રાચીન કાળમાં મુકુટ ચૈત્ય તરીકે ઓળખાતા ૩૫ મીટર લાંબા ટીલા (ટેકરી)ની નીચે બુદ્ધનાં અસ્થિ સચવાયેલાં છે. એની કહાની પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. કહે છે કે નિર્વાણ કાળ નજીક આવતાં બુદ્ધ જ્યારે કુશીનગર તરફ આવી રહ્યા હતા ત્યારે આનંદે તેમને કહ્યું કે આપ શા માટે આવા નાના ગામમાં જઈ રહ્યા છો જ્યાં કોઈ વ્યવસ્થા નથી, જંગલ છે. એના બદલે વૈશાલી, કૌશાંબી, બનારસ જેવાં સ્થળે નિર્વાણ પામશો તો વધુ લોકો દર્શનાર્થે આવશે અને ધર્મનો પ્રસાર થશે. ત્યારે બુદ્ધે મરક-મરક થતાં કહ્યું કે ‘અહીં મારે એક શિષ્ય કરવાનો છે જે ખૂબ વયસ્ક છે. એ સાથે જ આ ભૂમિ સામાન્ય નથી. હું એનો ઋણી છું.’
એક માન્યતા માને છે કે બુદ્ધ પૂર્વેના જન્મમાં અહીંના મલ્લ વંશીય રાજા હતા. આથી તેમને આ ભૂમિનો ઉદ્ધાર કરવો હતો.
બુદ્ધે આ પ્રદેશનો ઉદ્ધાર પણ કર્યો અને ભદ્ર નામક શિષ્ય પણ કર્યો. સમય વીતતાં બુદ્ધનું અહીં મરણ થયું. ત્યારે સાત દિવસ સુધી તેમના પાર્થિવ શરીરને અહીં રાખ્યું હતું. (આ સ્થળ પણ પરિસરમાં છે.) રાજા મૃત્યુ પામે ત્યારે તેની અંત્યેષ્ટિ થાય એ રીતે બુદ્ધના શરીરની વિધિ થઈ અને આઠમા દિવસે એના અગ્નિસંસ્કાર કરાયા. બુદ્ધ ભગવાનના નિર્વાણના સમાચાર મળતાં આજુબાજુના પ્રદેશના રાજાઓ તેમનાં અસ્થિ મેળવવા અહીં આવી ગયા અને એ બધા વચ્ચે એવી બોલાચાલી થઈ કે યુદ્ધની નોબત આવી ગઈ. એ સમયે અહીંના એક બ્રાહ્મણ (અગેન મતભેદ) કે ગૃહસ્થ દ્રોણે આ સમસ્યાનો તોડ કાઢ્યો અને ૮ રાજાઓ માટે અસ્થિના ૮ ભાગ કરવાનું ઠેરવાયું. રાજાઓ આ ઉકેલથી ખુશ થયા અને અસ્થિના ૯ ભાગ કરી એક ભાગ દ્રોણને આપવાનું નક્કી કર્યું.
હા, આ રામભાર સ્તૂપની નીચે મલ્લરાજાએ પોતાને મળેલાં અસ્થિને દાટ્યાં છે. તમને થશે આ સ્થળે જ શા માટે? એ સ્થળે એટલા માટે કારણ કે તેમના શાસનકાળમાં આ ભૂમિ ઉપર જ નવા મલ્લરાજાને મુગટ પહેરાવી રાજશપથ લેવડાવાતા અને રાજ્યાભિષેક કરાતો. આથી એ અત્યંત શક્તિશાળી અને પવિત્ર સ્થાન કહેવાતું.
અસ્થિના અન્ય ૮ હિસ્સાનો વિસ્તૃત ઉલ્લેખ નથી પરંતુ બૌદ્ધ સાહિત્ય કહે છે કે એક ભાગ જે મૌર્યોને મળ્યો હતો એ રાજવીઓએ પદયાત્રાઓ કરી દેશના વિવિધ ભાગો સહિત શ્રીલંકા સુધી પહોંચાડ્યો અને કહે છે કે એ સ્થળો હતાં ૮૦થી ૮૪ હજાર, જ્યાં દરેક સ્થાને સ્તૂપ બનાવાયા હતા.
હવે વાત કરીએ રામભાર નામની. આ નામ સાથે સનાતન અને બૌદ્ધ ધર્મની વચ્ચે થોડો વિખવાદ છે. જોકે ‘બડે બડે દેશોં મેં ઐસી બાતેં ચલતી રહતી હૈ.’ કારણ કે આપણે આખો ઇતિહાસ ગુમાવી ચૂક્યા છીએ, ક્યારેક બેપરવાહીથી તો ક્યારેક મજબૂરીથી આપણાં અનેક ઐતિહાસિક પ્રમાણો નષ્ટ થઈ ગયાં છે.
lll
રામભારથી થોડે આગળ સ્તૂપ છે. એની ઉપર ૨૪ કળીવાળું યંત્ર બનાવાયું છે. એ છે બુદ્ધના પાર્થિવ શહેરને જ્યાં રાખવામાં આવ્યું હતું એ સ્થાન. આખાય પરિસરમાં અઢળક શાલનાં અને જાંબુનાં વૃક્ષો છે. શાલનાં વૃક્ષોનું આયુષ્ય હજાર વર્ષનું હોય છે. વૃક્ષની જેમ ધર્મ પણ અજરામર રહે એ હેતુ એ અહીં શાલનાં પ્રાચીન વૃક્ષોની સાથે નવાં તરુવરો પણ વવાયાં છે. એ જ રીતે અહીં જાંબુનાં પણ અનેક ઝાડ છે. ભક્તો માને છે કે રાજકુમાર સિદ્ધાર્થ જ્યારે ૭ વર્ષના બાળક હતા ત્યારે જાંબુના ઝાડની નીચે બેઠા હતા અને તેમને પ્રથમ વખત આત્મજ્ઞાન લાધ્યું હતું. આથી પ્રભુને આ વૃક્ષ બહુ પ્રિય છે. ચાર વર્ષ પૂર્વે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ગયાના બોધિવૃક્ષના એક મૂળને અહીં વાવ્યું છે અને એ બોધિવૃક્ષ પણ પાંગરી રહ્યું છે. ટ્રિમ્ડ લૉન, સુગમ પગદંડી, અદ્વિતીય ચોખ્ખાઈ, વૃક્ષોની છત્રછાયા આખાય વાતાવરણને આધ્યાત્મિક બનાવી દે છે ખરેખર.
lll
મુંબઈથી સાડાસત્તરસો કિલોમીટર દૂર આવેલા કુશીનગર જવા હવાઈ યાત્રા બેસ્ટ ઑપ્શન છે જેમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ફ્લાઇટના ઑપ્શન રહે છે. અન્યથા ભારતના ભિન્ન-ભિન્ન કલ્ચરને જાણવું-માણવું હોય તો રેલવે માર્ગ ઉત્તમ. એ ૩૪-૩૫ કલાકની જર્ની અવિસ્મરણીય અનુભવો આપશે. મુંબઈથી ગોરખપુરની સુપરફાસ્ટ એક્સપ્રેસ પણ છે અને ગોરખપુરથી કુશીનગર ફક્ત ૫૩ કિલોમીટર છે જે સરકારી, ખાનગી વાહનો દ્વારા સહેલાઈથી જઈ શકાય છે. ઇન ફૅક્ટ, ગોરખપુર જતા ૭૦ ટકા સહેલાણીઓ કુશીનગર જાય જ છે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
મહાપરિનિર્વાણ સ્તૂપ સૂર્યોદયથી સૂર્યાસ્ત દરમિયાન સપ્તાહના સાતેય દિવસ ખુલ્લો રહે છે. મંદિરમાં સૅનિટેશનની સુવિધા છે અને રહેવા-ખાવા-પીવા માટે મંદિર પરિસરની બહાર તેમ જ આખાય કુશીનગર ટાઉનમાં અનેક હોટેલ, ગેસ્ટહાઉસ, રેસ્ટોરાંઓ છે. મુખ્ય સ્તૂપ ઉપરાંત અહીં ઇન્ડો-જપાન-શ્રીલંકા મંદિર આકર્ષક છે. ખાસ કરીને ચિત્રકામના શોખીન અહીંનાં પેઇન્ટિંગ્સ જોઈ અભિભૂત થઈ જાય છે. ચીની મંદિરમાં બુદ્ધને રાજાના સ્વરૂપે પ્રતિષ્ઠિત કર્યા છે. આ મંદિરનું આર્કિટેક્ચર પણ અનન્ય છે. એ જ રીતે થાઇ મંદિર થાઇલૅન્ડનાં બૌદ્ધ મંદિરો યાદ અપાવી દે એવું સુંદર છે. થાઇ બાંધકામ શૈલી, મસ્ત લૅન્ડસ્કેપિંગ અને શાનદાર પ્રતિમા મેમરેબલ રહેશે. આ નગરીમાં સ્પેશ્યલ મેડિટેશન પાર્ક પણ છે જ્યાં અનેક સાધકો ધ્યાનાવસ્થામાં જોવા મળે છે. જો અહીંના ઇતિહાસમાં વધુ ઊંડાં ઉતરવું હોય તો કુશીનગર મ્યુઝિયમ પણ વિઝિટેબલ. મુખ્ય બૌદ્ધ તહેવારો ઉપરાંત વૈશાખી પૂર્ણિમાએ કુશીનગરમાં ભારે ધામધૂમ રહે છે. દેશ-વિદેશના યાત્રાળુઓ સહિત અનેક ભક્તો બુદ્ધ પૂર્ણિમાએ પરિનિર્વાણ તીર્થની યાત્રા કરી પાવન થાય છે.
ચતુર્ભુજ રૂપે સૂર્યદેવનું મંદિર
કુશીનગરથી ૧૭ કિલોમીટરના અંતરે તુર્કપટ્ટી મહુઆમાં ગુપ્તકાળમાં નિર્મિત સૂર્ય મંદિર છે. સાત ઘોડાના રથ પર સવાર સૂર્યદેવ ચતુર્ભુજ રૂપે ઊભા છે. નીલમ ધાતુમાંથી નિર્મિત આ પ્રતિમા બેહદ કીમતી છે. આ ગામના રહીશને એક દિવસ સપનામાં આ મૂર્તિ આવી અને તેણે સંબંધિત અધિકારીઓને વાત કરતાં ત્યાં ખોદકામ કરવામાં આવ્યું અને આ મૂર્તિ પ્રાપ્ત થઈ હતી. ૧૯૮૧માં અહીં મંદિર બનતાં કુશીનગર આવતા દરેક દર્શનાર્થી સૂર્યદેવને મત્થા ટેકવા પણ આવતા. પરંતુ ૧૯૯૮માં મૂર્તિ ચોરાઈ ગઈ. બે વર્ષના અથાગ પરિશ્રમ બાદ પોલીસે મૂર્તિ ખોળી કાઢી. ત્યાર બાદ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. પ્રત્યેક રવિવાર અને ખાસ કરીને નવેમ્બરમાં યોજાતા અહીંના ખીચડી મેલામાં હજારો શ્રદ્ધાળુઓ રવિદેવનાં દર્શન કરવા આવે છે.

