આ ફિલ્મને થિયેટર કે OTT એમ બેમાંથી કોઈ જગ્યાએ રિલીઝ કરવાનો મુદ્દો કાયકાદીય ગૂંચવણમાં ફસાયો છે
રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી સ્ટારર ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’
હાલમાં બૉમ્બે હાઈ કોર્ટે રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી સ્ટારર ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’ વિશે મહત્ત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ ફિલ્મ હવે OTT પર સીધી રિલીઝ નહીં થઈ શકે. આ નિર્ણય PVR આઇનૉક્સ માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. કોર્ટમાં PVR આઇનૉક્સ તરફથી હાજર વકીલે દલીલ કરી હતી કે મૅડૉક ફિલ્મ્સે ૬ મેએ PVR આઇનૉક્સ સાથે એક ઍગ્રીમેન્ટ કર્યું હતું જે ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’ ૯ મેએ થિયેટરમાં રિલીઝ થવાની હતી, પરંતુ ૮ મેએ મૅડૉક ફિલ્મ્સે અચાનક ઈ-મેઇલ મોકલીને જણાવ્યું કે હવે ફિલ્મ ૧૬ મેના રોજ સીધી OTT પર રિલીઝ થશે. જોકે એક રિપોર્ટ પ્રમાણે PVR આઇનૉક્સે ફિલ્મ ‘ભૂલ ચૂક માફ’ની થિયેટર રિલીઝ રોકવા બદલ તેના નિર્માતા દિનેશ વિજનની કંપની મૅડૉક ફિલ્મ્સ પર ૬૦ કરોડ રૂપિયાનો દાવો કર્યો છે.
કોર્ટમાં PVR આઇનૉક્સ તરફથી વકીલે દલીલ કરતાં જણાવ્યું હતું કે ‘આ ફિલ્મના પ્રમોશનમાં ઘણું રોકાણ કરવામાં આવ્યું હતું અને તેમણે સ્ક્રીન રિઝર્વ કરી હતી જેના માટે દેશભરમાંથી હજારો ટિકિટનું ઍડ્વાન્સ-બુકિંગ થઈ ચૂક્યું હતું. ઍગ્રીમેન્ટમાં એવું પણ લખાયું હતું કે ફિલ્મ થિયેટર-રિલીઝ બાદ ઓછામાં ઓછાં આઠ અઠવાડિયાં સુધી OTT પર રિલીઝ નહીં થઈ શકે.’
ADVERTISEMENT
PVR આઇનૉક્સ તરફથી થયેલી આ દલીલના જવાબમાં મૅડૉક ફિલ્મ્સે પોતાના આ નિર્ણય પાછળ સુરક્ષાનાં કારણો આપ્યાં. તેમના વકીલે જણાવ્યું કે હાલની પરિસ્થિતિને જોતાં ફિલ્મનું થિયેટરમાં રિલીઝ શક્ય નથી. આ સંજોગોમાં ફિલ્મને OTT પર રિલીઝ કરવું વધુ સુરક્ષિત અને ફાયદાકારક રહેશે.
આ મામલે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે માન્યું કે મૅડૉક ફિલ્મ્સે કરારનો ભંગ કર્યો છે અને ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરવી ફાયદાકારક નથી માત્ર એવું વિચારીને કૉન્ટ્રૅક્ટ તોડવો યોગ્ય નથી. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ સરકારી આદેશ કે થિયેટર બંધ હોવા જેવું કોઈ નક્કર કારણ પણ રજૂ નથી કરાયું. કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે ફિલ્મને ૮ અઠવાડિયાંની હોલ્ડબૅક અવધિ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ પણ પ્લૅટફૉર્મ, ખાસ કરીને OTT પર રિલીઝ નહીં કરી શકાય. આ પ્રતિબંધ કેસની સંપૂર્ણ સુનાવણી થાય ત્યાં સુધી ચાલુ રહેશે. આ મામલાની આગામી સુનાવણી ૨૦૨૫ની ૧૬ જૂને થશે.

