કૃષ્ણજન્મ પછી ગણેશજન્મ ઊજવવા જઈ રહ્યા છીએ. પુરાણોમાં જેવી કૃષ્ણલીલા છે એવી જ ગણેશલીલા પણ છે. ગણેશજન્મની અન્ય એક કથા પણ અદ્ભુત છે
પ્રતીકાત્મક તસવીર
પુરાણોની કથાઓ રોચક હોય છે. અસામાન્ય લાગતાં પાત્રો-પ્રસંગોનો અર્થ શોધવાનો હોય છે. ભારત જ નહીં; ગ્રીસ, ઇજિપ્ત, ચીનની સંસ્કૃતિમાં પણ અર્ધપક્ષી અને અર્ધમનુષ્યના દેહવાળાં પાત્રો મળે છે. હાથીના મુખવાળા દેવ ફક્ત ભારતમાં જ નથી. ચીન, તિબેટ, બર્મા, થાઇલૅન્ડ, જાવા, જપાન, વિયેટનામથી માંડીને દક્ષિણ અમેરિકા સુધીના પ્રદેશોમાં ગજમુખી દેવોની પ્રતિમાઓ મળી આવી છે. આદિવાસીઓ તો પ્રાણીઓ સાથે જ જીવે છે. તેમની બોલીના શબ્દો તેમના જેવા જ સીધા-સરળ હોય છે. મધ્ય પ્રદેશના માળવા ક્ષેત્રના આદિવાસીઓના એક લોકગીતમાં ચિંતામણિ (એટલે જે મનોરથ પૂરા કરે તે) ગણેશને જાણે હુકમ કરતા હોય એમ કહે છે, ‘ચિંતા કરો હે ચિંતામણ ગણેશ કે તમ બિન ઘડી ની સરે, તમારો સીસ જો મોટો કે તેલ સિંદૂર ચડે...’ અર્થાત્ તમારા વિના અમારું કાર્ય એક પળ નીસરતું નથી. તમે અમારી ચિંતા કરો. ગીતમાં આગળ જતાં સૂંઢને વાસૂકિ નાગ જેવી, આંખને ઝબૂકતા દીવડા જેવી, પગને દેવળના થાંભલા જેવા, પીઠને આખી આંબાવાડી જેવી કહી છે. નઝાકત ત્યારે આવે છે જ્યારે કહે છે, ‘તમારા હાથ ચંપાની ડાળની જેમ આશીર્વાદ આપવા સદા ઝૂલ્યા કરે છે.’ તેથી હકથી કહે છે, ‘અમારી ચિંતા કરો, ચિંતામણ ગણેશ.’ ભીલ, ભોજપુરી, અવધિ, ગઢવાલી વગેરે આદિવાસી ગીતોનો અભ્યાસ કરવા જેવો છે.
કૃષ્ણજન્મ પછી ગણેશજન્મ ઊજવવા જઈ રહ્યા છીએ. પુરાણોમાં જેવી કૃષ્ણલીલા છે એવી જ ગણેશલીલા પણ છે. ગણેશજન્મની અન્ય એક કથા પણ અદ્ભુત છે. પિતા કશ્યપ અને માતા અદિતિને દસ ભુજાવાળા વિનાયક જન્મ્યા હતા. બાલકૃષ્ણએ જેમ મધુ અને કૈટભ રાક્ષસોને માર્યા હતા એ જ રીતે બાળગણેશે ધુંધુર અને ઉદ્ધત રાક્ષસોને માર્યા હતા. બાલકૃષ્ણએ સ્તનપાનથી પૂતનાનો વધ કર્યો હતો તો બાળગણેશે વીરજા નામની રાક્ષસીનો વધ પણ સ્તનપાનથી જ કર્યો હતો. બાળપણમાં બન્નેએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો. શ્રીકૃષ્ણએ વિદુરને ત્યાં ભાજી પ્રેમથી ખાધી હતી તો વિનાયકે કાશીમાં દરિદ્ર બ્રાહ્મણને ત્યાં ભાત ખાધા હતા. બ્રાહ્મણપત્નીનું નામ વિદ્રુમા હતું. વિષ્ણુના દશાવતાર તો ગણેશના આઠ અવતાર પ્રસિદ્ધ છે. વિષ્ણુનો કલ્કિ અવતાર તો ગણપતિનો ધૂમ્રવર્ણ અવતાર બાકી છે. દરેક પુરાણ પોતાના આરાધ્યને કેન્દ્રમાં રાખે છે એટલું સમજી તટસ્થ ભાવે જે-તે દેવ-દેવીની વિશેષતાને પૂજીએ.
ADVERTISEMENT
બાય ધ વે, દસ દિવસના આ ઉત્સવમાં એક દિવસ માતા-પિતાની પ્રદક્ષિણા માટે રાખીએ તો?
-યોગેશ શાહ

