સંતાનનો એજ્યુકેશનલ પર્ફોર્મન્સ સુધારવામાં ફૅમિલી-ડિનરની ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. એક રિસર્ચમાં એવું કહેવાયું છે કે જે બાળકો અને ટીનેજર્સ ફૅમિલી સાથે બેસીને ભોજન લે છે તેઓ સ્કૂલમાં સારા ગ્રેડ્સ લાવે છે. એટલે આ વસ્તુ પાછળનું લૉજિક સમજીએ
પ્રતીકાત્મક તસવીર
જે બાળક પોતાના પરિવાર સાથે બેસીને જમે તેનો એજ્યુકેશન પર્ફોર્મન્સ પણ સારો હોય છે, એ બાળક પરીક્ષામાં સારા માર્ક્સ લઈને આવે છે. કોલમ્બિયા યુનિવર્સિટી ખાતેના નૅશનલ સેન્ટર ઑન ઍડિક્શન ઍન્ડ સબસ્ટન્સ અબ્યુઝ (CASA) દ્વારા એક અભ્યાસમાં આવું તારણ કાઢવામાં આવ્યું છે. ટીનેજર્સને લઈને કરવામાં આવેલા આ રિસર્ચમાં એવું કહેવાયું છે કે જે ટીનેજર્સ તેમના પરિવાર સાથે બેસીને ડિનર લેતા નથી એ લોકોની સરખામણીમાં જે ટીનેજર્સ રેગ્યુલર અથવા તો અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ ફૅમિલી સાથે બેસીને ડિનર કરે છે એ લોકો સ્કૂલમાં A ગ્રેડ લાવે એના વધુ ચાન્સિસ છે.
ફૅમિલી સાથે ડિનર કરવાથી પરિવારના સભ્યો વચ્ચે થતી વાતચીતના પરિણામે એ લોકોમાં શબ્દભંડોળ અને વાર્તાલાપ કરવાની આવડત પણ વધુ વિકસે છે. એવી જ રીતે ડાઇનિંગ ટેબલ પર બધા એકસાથે બેઠા હોય અને કોઈ વસ્તુને લઈને ચર્ચા થતી હોય તો પરિવારના સભ્યોના ઓપિનિયન્સ સાંભળે ત્યારે બાળકમાં વિચારવાની ક્ષમતા વિકસિત થાય છે. એને કારણે સ્ટડી સંબંધિત કોઈ સમસ્યા હોય તો તે એને સારી રીતે ઉકેલી શકે છે. પરિવાર સાથે બેસીને ભોજન લેવાથી સ્ટ્રૉન્ગ ઇમોશનલ કનેક્શન્સ ડેવલપ થાય છે, જેનાથી પોતાનાં ઇમોશન્સને સારી રીતે મૅનેજ કરવાની ક્ષમતા વિકસે છે. એને કારણે આવાં બાળકો પરીક્ષા સમયે થતા સ્ટ્રેસને સારી રીતે મૅનેજ કરી શકે છે અને સારો પર્ફોર્મન્સ આપી શકે છે. રેગ્યુલર ફૅમિલી-ડિનરથી પેરન્ટ્સને પણ તેમનાં સંતાનોના ઍકૅડેમિક પ્રોગ્રેસ વિશે ખબર પડતી રહે અને આવશ્કયતા પડવા પર તેમને મદદ કરી શકે. ફૅમિલી સાથે ડિનર લેવાથી ટીનેજર્સમાં દારૂ, સિગારેટના સેવન જેવી ખરાબ આદતો પડતી નથી. એટલે ફૅમિલી સાથે ડિનર લેવા જેવી સિમ્પલ વસ્તુ પણ સંતાનોના શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

