તેના વીઝા રિજેક્ટ થતાં તે ઇન્ટરનૅશનલ ઇવેન્ટમાં હાજરી ન આપી શકી
ઉર્ફી જાવેદ
સોશ્યલ મીડિયા સ્ટાર ઉર્ફી જાવેદે તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે સોશ્યલ મીડિયા પર જાહેર કર્યું છે કે મને કાન ફિલ્મ ફેસ્ટિવલ 2025માં ડેબ્યુ કરવાનો મોકો મળ્યો હતો, પરંતુ આમંત્રણ મળવા છતાં હું કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા નહોતી જઈ શકી. ઉર્ફીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં લાંબી ભાવનાત્મક પોસ્ટ શૅર કરીને જણાવ્યું હતું કે મારી તમામ તૈયારી વ્યર્થ ગઈ. તેણે કહ્યું હતું કે ‘હું કંઈ પણ અપલોડ નથી કરી રહી અને ક્યાંય દેખાઈ નથી, કારણ કે હું એક મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી હતી. મારો બિઝનેસ ન ચાલ્યો. મેં અનેક જુદી-જુદી વસ્તુઓ અજમાવી, પરંતુ મને ફક્ત નિષ્ફળતા જ મળી. મને કાન જવાનો મોકો મળ્યો હતો, પણ કમનસીબે મારા વીઝા રિજેક્ટ થઈ ગયા. હું કેટલાક અદ્ભુત આઉટફિટ આઇડિયા પર કામ કરી રહી હતી. મારું અને મારી ટીમનું દિલ તૂટી ગયું છે. મને ખાતરી છે કે તમારામાંથી ઘણા લોકો પણ રિજેક્શનનો સામનો કરી રહ્યા હશો અને હું તમારી સ્ટોરી જાણવા માગું છું. ચાલો આપણે એકબીજાને સમર્થન આપીએ અને એકબીજાને ઉપર ઉઠાવીએ. રિજેક્શન એ દુનિયાનો અંત નથી. એ ફક્ત તમને વધુ મહેનત કરવા માટે પ્રેરણા આપે છે. કૃપા કરીને #REJECTED હૅશટૅગ સાથે તમારી રિજેક્શન વાર્તાઓ શૅર કરો અને મને ટૅગ કરો. હું બીજાને પ્રેરણા આપવા માટે આ વાર્તાઓ શૅર કરીશ. રિજેક્શન પછી નિરાશ થવું અને રડવું એ સામાન્ય અને સ્વસ્થ બાબત છે. હું પણ રડું છું, પરંતુ એ પછી શું? જો તમે ધ્યાનથી જુઓ તો દરેક રિજેક્શન એક તક છે. જીવનમાં ઘણાં રિજેક્શન પછી પણ હું રોકાવાની નથી અને તમારે પણ રોકાવું ન જોઈએ.’

