Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > એક પ્રવચન છૂટ્યું ને ચાર ઉપવાસનું પ્રાયશ્ચિત્ત પામ્યું

એક પ્રવચન છૂટ્યું ને ચાર ઉપવાસનું પ્રાયશ્ચિત્ત પામ્યું

Published : 02 April, 2026 12:45 PM | IST | Mumbai
Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

એ પ્રવચનશ્રવણના વ્યસની બની ગયેલા યુવકને ચાર દિવસ પ્રવચનમંડપમાં ન જોયો ત્યારે મને આશ્ચર્ય થયું

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


એ યુવકને ધર્મની ઍલર્જી હતી. જીવન મળ્યું છે તો માણી લો એવી માનસિકતા અને એ માનસિકતાની સાથોસાથ એવી પણ વિચારધારા કે બુદ્ધિ મળી છે તો પૈસા બનાવી લો, યુવાની મળી છે તો પૂરેપૂરા જલસા કરી લો. બહુ સામાન્ય માન્યતા જે મોટા ભાગના યુવાનોમાં જોવા મળતી હોય છે. આ જ કારણે મંદિરે જવાનું લગભગ નહીંવત‍્ અને મહારાજસાહેબ પાસે જવાનું કે પછી પ્રવચનો, વ્યાખ્યાનો સાંભળવાનું તો બિલકુલ નહીં, પણ કોઈકના આગ્રહને કારણે કહો તો આગ્રહને કારણે અને પ્રેરણાને કારણે કહો તો પ્રેરણાને કારણે તે એક વાર એ પ્રવચન સાંભળવા આવ્યો અને પછી તો પ્રવચનશ્રવણ માટેનું તેને રીતસરનું વ્યસન થઈ ગયું. એક પણ દિવસ એમાં ખાડો પાડે નહીં, કોઈ પ્રબળ કારણ વિઘ્ન બનીને આવે તો પણ પ્રવચનશ્રવણ તો નહીં જ ટાળવાનું એવો લગભગ ન‌િયમ જ તેણે બનાવી લીધો.

એ પ્રવચનશ્રવણના વ્યસની બની ગયેલા યુવકને ચાર દિવસ પ્રવચનમંડપમાં ન જોયો ત્યારે મને આશ્ચર્ય થયું. તેના વિશે કોને પૂછપરછ કરવી એ વિશે વિચારતો જ હતો ત્યાં પાંચમા દિવસે તે પ્રવચનમાં દેખાયો. પ્રવચન પૂર્ણ થયા બાદ ઉપાશ્રયમાં આવ્યો અને હાથ જોડીને ઊભો રહ્યો.



‘ઉપવાસનું પચ્ચક્ખાણ આપો...’


‘શેનો ઉપવાસ?’

‘એમ જ...’


ઉપવાસનું પચ્ચક્ખાણ આપ્યું તો ખરું પણ બીજા દિવસે પણ તેણે જ્યારે ઉપવાસનાં પચ્ચક્ખાણ માગ્યાં ત્યારે આશ્ચર્ય થયું.

‘વિશિષ્ટ તપશ્ચર્યા છે?’

‘હા...’ તેણે નમ્રતા સાથે જવાબ આપ્યો, ‘અઠ્ઠમનાં...’

ત્રણ ઉપવાસ પછી ચોથે દિવસે પણ તેણે પચ્ચક્ખાણ માગ્યું.

‘આખરે ગણતરી શું છે?’

‘મહારાજસાહેબ, જિંદગીનાં આટલાં વર્ષોમાં જીવવાની અને આત્મહિતની જે વાતો સાંભળવા નથી મળી એ આત્મહિતની વાતો આપે સંભળાવી અને એમ છતાં એક સાંસારિક વહીવટ પતાવવા આપનાં પ્રવચનો ચાર દિવસ મારે છોડવા પડ્યાં છે.’ યુવકની આંખમાં આંસુ હતાં, ‘મેં મનથી સંકલ્પ કર્યો કે એક પ્રવચન છૂટ્યાના પ્રાયશ્ચિત્તરૂપે મારે ચાર ઉપવાસ કરવા અને એમ કુલ ચાર પ્રવચનોના પ્રાયશ્ચિત્ત તરીકે મારે સોળ ઉપવાસ કરવા. આ એ તપશ્ચર્યા છે.’

એ યુવકના પ્રવચનશ્રવણના ઉત્કટ પ્રેમને જોઈને ખુશી થઈ અને પછી નવ ઉપવાસ બાદ તેને પારણું કરાવ્યું. ઇચ્છાને માન આપીને તેણે પારણું તો કર્યું પણ ત્યારેય તેના મુખ પર સાત ઉપવાસ રહી ગયાનો અજંપો તરવરતો હતો. આ જે અજંપો છે એ અજંપો ઈશ્વરને પ્રાપ્ત કરવાની દિશાની દોટનો છે. આ જે અજંપો છે એ અજંપો સમસ્ત જૈન સમાજની આંખો ખોલવાનો પ્રયાસ છે, જે કહે છે કે જેના માટે માનવજન્મ મળ્યો છે એ કામ કરવાનું માણસ કેટલું ટાળતો રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 12:45 PM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK