આપણને મહાભારતના કાળમાં શ્રીકૃષ્ણના મુખેથી ગવાયેલી ગીતા વિશે જાણકારી છે, પરંતુ એનાય યુગો પૂર્વે ગણપતિ દ્વારા ગીતા ગવાયેલી એ વિશે બહુ ઓછાને ખબર હશે
શ્રી ગણેશ
શ્રીકૃષ્ણે પોતે કહ્યું છે કે આ જ્ઞાન હું પહેલી વાર નથી આપી રહ્યો. અગાઉ પણ ઘણા લોકો આ જ્ઞાન આપી ચૂક્યા છે. ભગવદ્ગીતા અગાઉ ગણેશ ગીતા, અષ્ટાવક્ર ગીતા અને વ્યાધ ગીતા એમ ત્રણ પ્રકારની ગીતાઓ પણ રચાઈ ચૂકી છે. ચાલો આજે ગણેશોત્સવ નિમિત્તે ગણેશ ગીતા વિશે થોડું જાણીએ.
શ્રી ગણેશે મહાગણપતિના રૂપમાં મોહમાં અંધ થયેલા વારેણ્ય નામના એક રાજાને જે અમૂલ્ય જ્ઞાન આપ્યું એ જ્ઞાન `ગણેશ ગીતા’ના નામે પ્રસિદ્ધ થયું. શ્રીમદ્ ભાગવત પુરાણના અગિયારમા અધ્યાયમાં ‘ગણેશ ગીતા’ વિશે જાણવા મળે છે. ૧૧ અધ્યાય અને ૪૧૪ શ્લોક ધરાવતી ગણેશ ગીતામાં જ્ઞાન, કર્મ, યોગ અને ભક્તિ જેવા વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ગણેશ પુરાણમાં પણ ગણેશ ગીતાનો ઉલ્લેખ જોવા મળે છે.
ગણેશ ગીતાના પહેલા અધ્યાય `સાંખ્ય સારર્થ’માં ગણપતિએ રાજા વારેણ્યને યોગની સમજણ આપી. બીજા અધ્યાયમાં કર્મનું મહત્ત્વ સમજાવ્યું. ત્રીજા અધ્યાયમાં ગણેશજીએ પોતાના અવતારનું રહસ્ય જણાવ્યું એટલું જ નહીં, આજે ભારતની જે વિદ્યા પૂરા વિશ્વમાં ફેલાઈ ચૂકી છે એ યોગાભ્યાસ અને પ્રાણાયામ સાથે સંબંધિત ઘણી મહત્ત્વપૂર્ણ બાબતો પણ ગણેશ ગીતામાં સામેલ છે. છઠ્ઠો અધ્યાય `બુદ્ધિયોગ` છે. ગણેશજી એટલે જ બુદ્ધિનો ભંડાર. ગણેશ ગીતામાં ભક્તિયોગનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. આમાં ભગવાન ગણેશજીએ રાજા વારેણ્યને પોતાનું વિશાળ હાથી સ્વરૂપ બતાવ્યું છે.
નવમા અધ્યાયમાં સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણોનો પરિચય કરાવવામાં આવ્યો છે. દસમા અધ્યાયમાં દિવ્ય, આસુરી અને રાક્ષસી આ ત્રણ પ્રકારના સ્વભાવોનું વિસ્તૃત વર્ણન છે. આ અધ્યાયમાં ગજાનન કહે છે કે કામ, ક્રોધ,
લોભ અને અહંકાર એ ચાર નર્કનાં મુખ્ય દ્વાર છે તેથી એનો ત્યાગ કરવો જોઈએ અને દિવ્ય સ્વભાવ અપનાવીને મોક્ષ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
છેલ્લા અગિયારમા અધ્યાયમાં શારીરિક, મૌખિક અને માનસિક તફાવત પર આધારિત ત્રણ પ્રકારના તપનું વર્ણન આવે છે : ગણેશ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી રાજા વારેણ્યને મોક્ષ પ્રાપ્ત થયો.
બ્રહ્મવૈવર્ત પુરાણમાં પણ શ્રીકૃષ્ણએ વૃદ્ધ બ્રાહ્મણના રૂપે માતા પાર્વતીની સમક્ષ ઉપસ્થિત થઈ તેમની સ્તુતિ કરી અને તેમને બતાવ્યું કે `ગણેશરૂપ : શ્રીકૃષ્ણ : કલ્પે કલ્પે તવાત્મજ : અર્થાત્ ‘ હે દેવી! શ્રીકૃષ્ણ સ્વયં પ્રત્યેક કલ્પમાં આપના પુત્રરૂપે અવતરિત થતા આવ્યા છે.
ગણેશ : ધ એલિફન્ટ ગૉડ
એક નાના બાળકથી લઈ વિશ્વના મોટા નેતાઓએ આ હાથી સ્વરૂપ પાસેથી શું-શું શીખવા જેવું છે?
ગણપતિ ડહાપણના દેવ (ગૉડ ઑફ વિઝડમ) તરીકે ઓળખાય છે. અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પ જો ગણપતિનાં નજીકથી દર્શન કરે અને તેમના હાથી જેવા ગુણોનું આચરણ કરી શકે તો તેમનું દોઢડહાપણ છૂટી શકે અને તેઓ ડહાપણના માર્ગે આગળ વધી શકે. ગણપતિ ગણોના પતિ હતા અર્થાત સમાજસમૂહના નેતા હતા, લીડર હતા. જો કોઈ વ્યક્તિ વિશ્વનેતા બનવા માગતી હોય તો તેણે શું કરવું જોઈએ એ ગણપતિ પાસેથી શીખવા મળે.
ગણપતિના હાથી સ્વરૂપ મુખનું અવલોકન કરો તો સમજાય કે બુદ્ધિપ્રધાન કામકાજ અને મૅનેજમેન્ટ ક્ષેત્રે ગણપતિનું નિકટ દર્શન અને ધ્યાન કેટલુંબધું શીખવાડી જાય છે. ગણપતિના મોટા કાન અને નાનું મોં સૂચવે છે કે બોલવું ઓછું અને સાંભળવું વધારે જોઈએ. ગણપતિનું મોટું પેટ સૂચવે છે કે બધાની સાચી-ખોટી વાતો સાંભળી લેવી, પણ પેટની અંદર જ ભરી રાખવી. જરૂર પડે ત્યારે એ જાણકારીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો.
ગણપતિની ઝીણી આંખો આપણી નિરીક્ષણશક્તિ સતેજ હોવી જોઈએ અને કોઈ પણ બાબતનો બારીકીથી અભ્યાસ કરવો જોઈએ એ સૂચવે છે.
ગણપતિની સૂંઢ અર્થાત્ લાંબું નાક સૂચવે છે કે પરિસ્થિતિને બરાબર સૂંઘી લેવાની આવડત હોવી જોઈએ. આ બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી શીખવા જેવું છે. તેઓ ગમે તેવી વિષમ પરિસ્થિતિને બરાબર સૂંઘી લઈ સોચી-સમજીને સામનો કરે છે, ઉશ્કેરાટમાં આવી જઈને કોઈ નિર્ણય લેતા નથી; લાંબે ગાળે ફાયદા થાય એવા નિર્ણય શાંતિપૂર્વક લે છે. સમય-સંજોગને સમજી એ પ્રમાણે નિર્ણય લેનારને અવશ્ય સફળતા મળે છે. ગણપતિનું વિશાળ મસ્તક તેમની બુદ્ધિનું પ્રતિનિધિત્વ પણ કરે છે. જે લોકો વિશ્વગુરુ કે વર્લ્ડ લીડર બનવા માગતા હોય તેમણે માત્ર બળ નહીં પણ બુદ્ધિથી કામ લેતાં શીખવું જોઈએ.
પોતાની ખામીને ખૂબીમાં પલટાવાની નીતિ પણ ગણપતિ પાસેથી શીખવા જેવી છે. શિવ-પાર્વતીએ તેમના બે પુત્રો ગણપતિ અને કાર્તિકેયને કહ્યું કે તમારા બેમાંથી જે વિશ્વપરિક્રમા કરીને વહેલું આવશે તે પૃથ્વી પર પ્રથમ પૂજાશે. ભારે કાયાવાળા ગણપતિને પોતાની મર્યાદા ખબર હતી. કાર્તિકેય તો મોર પંખી પર બેસી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા ઊપડી ગયા, પરંતુ ગણપતિને ખ્યાલ હતો કે તેમનું ભારે વજન અને ઉંદરની ધીમી ગતિથી આ કામ તેમનાથી પાર પડશે નહીં. તેમણે માતાપિતાને વચ્ચે રાખી સાત વાર પ્રદક્ષિણા ફરી લીધી અને કહ્યું કે મારી દુનિયા તો તમે જ છો.
ભગવાન ગણેશ એવો સંદેશ આપણને આપે છે કે જ્યારે આપણી સામે સમસ્યા મોટી હોય છે ત્યારે આપણે માત્ર બળ નહીં, બુદ્ધિનો ઉપયોગ કરીને સફળતા મેળવી શકીએ છીએ. જ્યારે આપણે સંજોગો અનુસાર થોડું અલગ રીતે વિચારીએ છીએ ત્યારે આપણને ચોક્કસપણે ફાયદો થાય છે. ટ્રમ્પ પૂરી દુનિયાને પોતાની મુઠ્ઠીમાં કરી લેવા માગે છે. તેની સામે મોદી માટે તો પોતાનો દેશ જ તેમની દુનિયા છે, તેમનું સર્વસ્વ છે. જગતજમાદાર થઈને અન્ય દેશોની લીટી નાની કરવાને બદલે પોતાના દેશની લીટી મોટી કઈ રીતે થાય એવું વિચારનાર જ પ્રથમ પૂજા (આદર) યોગ્ય છે.
માત્ર નેતાઓ જ નહીં, આજની યુવા પેઢી પણ ગણપતિના આ ગુણોનો ઉપયોગ કરીને પોતાની નોકરી કે વ્યવસાયમાં ઉત્તમ મૅનેજમેન્ટ કરી આગળ આવી શકે છે, સારું પરિણામ મેળવી શકે છે. કોઈ પણ કંપની કે વ્યવસાયને સુચારુ રૂપી ચલાવવા હોય તો એ વ્યક્તિ પાસે ગણપતિ જેવી બુદ્ધિ, પોતાના હાથ નીચેની વ્યક્તિઓના વિચાર સાંભળવાની આવડત, મિતાહારી બોલવાની આદત, કોઈ પણ બાબતનો ઝીણવટભર્યો અભ્યાસ અને સંજોગો પ્રમાણે વર્તન કરવાની ક્ષમતા હોવી જોઈએ. માત્ર પોતાની ક્ષમતા જ નહીં, પોતાની મર્યાદાઓનો પણ ખ્યાલ હોવો જોઈએ.
વિઘ્નનાશક ગણેશજી સીધા આપણને મદદ નથી કરતા પરંતુ તેમના ગુણોનું આચરણ જરૂર આપણને મુશ્કેલીઓથી મુક્તિ અપાવી શકે.
સિંહ ભૂખ્યો હોય તોય કદી ઘાસ ન ખાય, આ કહેવત છોડો હાથી ભૂખ્યો રહે તોય કદી માંસ ન ખાય, આ કહેવત અપનાવો
હાથી જંગલમાં રહેતો હોવા છતાંય હિંસક અને માંસાહારી નથી. એ ૧૦૦ ટકા શાકાહારી છે. આજે કૉન્વેન્ટ કલ્ચરમાં ભણતાં ગુજરાતી બાળકો માંસાહારથી જલદી પ્રભાવિત થાય છે. તેમના કોમળ મનમાં એમ ઠસાવવામાં આવે છે કે માંસ ખાવાથી જ વધુ તાકાત આવે. આપણે બાળકોને એમ શીખવવું જોઈએ કે બેટા, હાથી ભૂખ્યો રહે પણ માંસ ન ખાય. હાથી ઘાસ, શેરડી, કેળાં કે અન્ય ફળો-શાકભાજી ખાઈને જ જીવે છે. જંગલમાં માંસાહારી પશુઓ વચ્ચે રહેતો હોવા છતાં હાથીએ શાકાહારી જીવન અપનાવ્યું છે. અરે શાકાહારી હોવા છતાં બધાં પ્રાણીઓ કરતાં બળવાન અને બુદ્ધિવાન છે. એ કોઈ પ્રાણી પર હુમલો કરતો નથી કે એને મારીને ખાતો નથી. સિંહ-વાઘ કરતાં પણ બળવાન હોવા છતાં એ પોતાના બળનો પ્રયોગ હિંસા કરવામાં કે કોઈનું જીવન છીનવી લેવામાં કરતો નથી.
શક્તિશાળી હોવું અને નમ્રતા પણ રાખવી એ જ હાથીરૂપી ગણપતિનો ગુણ છે. આ ગુણ આપણે પણ યાદ રાખવો જોઈએ. આપણી શક્તિનો ઉપયોગ કોઈને ડરાવવામાં કે હરાવવામાં ન કરવો જોઈએ પણ કોઈને બચાવવામાં કે મદદ કરવા માટે કરવો જોઈએ. જે આમ કરી શકે છે તે જ સાચો નેતા બની શકે છે. ગણોના પતિ અર્થાત ગણપતિ બની શકે છે.
ગણેશોત્સવ દરમ્યાન ભારતમાં સનાતન ધર્મ પાળતા ઘણા માંસાહારીઓ પણ નૉનવેજ ખાવાનું છોડી દઈ શાકાહારી બની જાય છે. એનો મતલબ એ કે શાકાહાર જ મનુષ્યનો ખરો ધર્મ છે, ખરો સ્વભાવ છે, ખરી પ્રકૃતિ છે. અહિંસા જ પરમો ધર્મ છે એ પણ આપણને હાથીસ્વરૂપ ગણપતિ પાસેથી શીખવા મળે છે.

