નરસિંહ મહેતાના પદની જેમ જૂજવાં રૂપે અનંત ભાસતા શ્રીકૃષ્ણનાં અનેક સ્વરૂપો અને લીલાઓ પ્રચલિત છે. જોકે દ્વાપરયુગમાં રાધાના આ શ્યામના ગોપિત લીલાકાળને ઉજાગર કરતું અનોખું ધામ જયપુરમાં બની રહ્યું છે.
ગુપ્ત વૃંદાવન
નરસિંહ મહેતાના પદની જેમ જૂજવાં રૂપે અનંત ભાસતા શ્રીકૃષ્ણનાં અનેક સ્વરૂપો અને લીલાઓ પ્રચલિત છે. જોકે દ્વાપરયુગમાં રાધાના આ શ્યામના ગોપિત લીલાકાળને ઉજાગર કરતું અનોખું ધામ જયપુરમાં બની રહ્યું છે. સાત તીર્થોનું જળ અને માટી મિક્સ કરીને અને ‘શ્રીરામ’નું નામ લખેલી ૧૪,૦૦૦ ઈંટોથી મંદિરનું ગર્ભગૃહ બનવાનું શરૂ થઈ ગયું છે. આવતા વર્ષે જયપુર શહેરના ૩૦૦મા સ્થાપના વર્ષે આ ગુપ્ત વૃંદાવન ધામ લોકો માટે ખુલ્લું મુકાવાનું છે ત્યારે જાણીએ શ્રીકૃષ્ણના આ અનોખા ધામની ખાસિયતો
શ્રીહરિ કૃષ્ણ. તેમના બાળપણને પૂજીએ તો લાલો, તેમની કિશોરાવસ્થાને આરાધીએ તો કૃષ્ણ કનૈયો, તેમની યુવાનીને પૂજીએ તો રણછોડરાય અને આધેડ અવસ્થાના સ્વરૂપને નતમસ્તક થઈએ તો દ્વારિકાધીશ! એક જ જન્મમાં અનેકો જન્મ જેટલું જીવી ગયેલા, કરોડો જન્મો જેટલાં પરાક્રમો કરનારા અને જન્મોજન્મ જેમને પૂજીએ, જાણીએ, સમજીએ અને આરાધીએ તો પણ પૂર્ણ સ્વરૂપને પામવું અધૂરું જ લાગે એવા વિરાટ સ્વરૂપ શ્રીહરિ કૃષ્ણના જીવનનો અદમ્ય, હેત ઊભરાય એવો તબક્કો એટલે વૃંદાવન!
કહેવાય છે કે શ્રીકૃષ્ણનું વૃંદાવન એવું તો મોહક અને ચુંબકીય હતું કે કોઈ પણ વ્યક્તિને ત્યાંની હવાનો પણ સ્પર્શ થઈ જાય તો તે પોતાની જાત ભુલાવી દેતી અને કૃષ્ણમય થઈ જતી. કંઈક એવી જ પરિસ્થિતિ દ્વારિકા માટે પણ હતી. એ ભવ્ય નગરી પર એક દૃષ્ટિ માત્ર પડે ત્યાં મનુષ્ય પોતાના અસ્તિત્વને ભૂલી જાય. અને કેમ ન હોય. દ્વાપરની એ દ્વારિકાનું સર્જન અને શૃંગાર બન્ને સ્વયં શ્રીહરિ કૃષ્ણએ કરાવ્યાં હતાં તો વૃંદાવનનું સર્જન સ્વયં સર્જનહાર બ્રહ્માજીએ પ્રકૃતિ અને વિશ્વકર્મા પાસે કરાવ્યું હતું. જે સ્થળે સ્વયં શ્રીહરિ પોતાની લીલાઓને સાકાર સ્વરૂપ આપવાના હોય એ જગ્યા ભવ્યાતિભવ્ય હોવાની જ! દ્વાપરમાં સ્વયં કૃષ્ણએ દ્વારિકાનું સર્જન કર્યું હતું તો હવે કળિયુગમાં તેમના સનાતન ભક્તો દ્વારા નવા વૃંદાવનનું સર્જન અને શૃંગાર થઈ રહ્યાં છે. ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે રાજસ્થાનનું જયપુર બનશે શ્રીહરિનું નવું વૃંદાવન!
ભવ્ય વૃંદાવન - ગુપ્ત વૃંદાવન
આપણે બધા જ જાણીએ છીએ કે શ્રીહરિ વિષ્ણુએ ત્રેતાયુગમાં રામચંદ્ર તરીકે અયોધ્યામાં જન્મ લીધો અને ‘મર્યાદા પુરુષોત્તમ’ તરીકે પોતાનું જીવન-દૃષ્ટાંત આ વિશ્વ સામે સાકાર કર્યું. દ્વાપરમાં એ જ શ્રીહરિ પૂર્ણ પુરુષ તરીકે સર્વ ગુણો સાથે અવતર્યા શ્રીકૃષ્ણ તરીકે. એ જ રીતે આ ગુપ્ત વૃંદાવનના સર્જન માટે પણ ‘શ્રીરામ’ લખેલી ૧૪ હજાર ઈંટો તૈયાર કરવામાં આવી છે જેના દ્વારા ભવ્યાતિભવ્ય મંદિરનું બાંધકામ આકાર લઈ રહ્યું છે. ગર્ભગૃહના નિર્માણ માટે ભારતની સાતેય પવિત્ર નદીઓનાં જળ અને માટી લાવવામાં આવ્યાં. જયપુર રાજસ્થાન, જ્યાં ૬ એકરની વિશાળ જમીન પર તૈયાર થઈ રહ્યું છે ભવ્ય ગુપ્ત વૃંદાવનધામ! આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે ધામનું ૭૫ ટકા કામ તો પૂરું પણ થઈ ચૂક્યું છે. કહેવાય છે કે શ્રીકૃષ્ણ દ્વારા સર્જિત દ્વારિકા એ સમયે પણ કલા, સંસ્કૃતિ અને વિજ્ઞાનનો બેજોડ સમન્વય હતો. તત્કાલીન સમયથી અનેકગણી ઍડ્વાન્સ હતી દ્વારિકા! એ જ રીતે આ ગુપ્ત વૃંદાવન પણ કળા, કારીગરી અને સંસ્કૃતિના અદ્ભુત સમન્વય દ્વારા તૈયાર થઈ રહ્યું છે. ૬ એકર જમીન, ૩૦૦ કરોડનો ખર્ચ અને ૧૭ માળનું બાંધકામ! આ છે અનોખા વૃંદાવનનું એક વાક્યમાં ચિત્રણ!
સનાતન સંસ્કૃતિ અને ભવ્યતા
જે દ્વારિકાધીશ પોતાની નગરી માટે સ્વયં સમુદ્રને પોતાનાં વહેણ પાછળ કરીને જમીન સંપાદન કરી આપવા હુકમ કરતા હોય તેમની એ વિરાટ લીલા સામે તો ‘તુચ્છ’ શબ્દ પણ તુચ્છ લાગે એટલા તુચ્છ આપણે તેમની સેવામાં કરી-કરીને કેટલુંક કરી શકીએ? છતાં આ વિરાટ અને ભવ્ય વૃંદાવન મહેલને સનાતન સંસ્કૃતિની વિરાસત સમો બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓના પ્રવેશ માટે મહેલને છ દ્વાર હશે અને એ દરેક દ્વાર સાથે ગૂંથાયેલી હશે પૌરાણિકતા. એમાં કૃષ્ણને અતિપ્રિય એવા મયૂરના નામ પરથી જ રચાયેલું ‘મયૂરદ્વાર’ મુખ્ય દ્વાર હશે. દ્વારિકાના દ્વારની માફક જ એના પર ૧૦૮ મોરનું ચિત્રણ કરવામાં આવશે. બીજું દ્વાર ‘હંસદ્વાર’. જગન્નાથપુરીના ભગવાન જગન્નાથના મંદિરની જેમ જ પૂર્વ અને પશ્ચિમમાં પણ બે-બે દ્વાર બનાવાઈ રહ્યાં છે જે અનુક્રમે સિંહદ્વાર, વ્યાઘ્રદ્વાર, હસ્તીદ્વાર અને અશ્વદ્વાર તરીકે ઓળખાશે. રાજસ્થાનના પરંપરાગત મહેલ-બાંધકામની સાથે આધુનિક શૈલીના સંમિશ્રણ દ્વારા આખો મહેલ તૈયાર થઈ રહ્યો છે. ૩૦ મીટર, જી હા ૩૦ મીટર ઊંચી અને ૧૧૦ ફુટ પહોળી તો માત્ર શ્રીહરિના એ ધામની છત્રી બની છે, જે રાજધાની આર્કિટેક્ચર શૈલીથી તૈયાર થઈ છે. આટલું વાંચ્યા પછી જો તમે એવી ધારણા બાંધી હોય કે શ્રીહરિનું આ ધામ માત્ર મંદિર હશે તો કહીએ કે તમારી ધારણા હજી અધૂરી છે. વિરાટ-સ્વરૂપ કૃષ્ણનો આ વિરાટ મહેલ આવનારી પેઢીને ભારતીય વૈદિક સંસ્કૃતિ સાથે જોડશે, એની સમજણ આપશે અને સંસ્કાર-સિંચન કરશે.
ભારતીય વૈદિક સંસ્કૃતિના મૂળમાં એક પાયાનો સિદ્ધાંત છે પ્રકૃતિ! આ ગુપ્ત વૃંદાવનધામ પણ સાડાત્રણ લાખ સ્ક્વેરફુટનું એક હરિત ધામ એટલે કે વૃક્ષો અને છોડોથી હર્યુંભર્યું હશે. લીમડો, સીસમ, કદમ, અલોવેરા, ચંદન, પીપળો, વડ, અશ્વગંધા અને તુલસી જેવાં કંઈકેટલાંય કૃષ્ણપ્રિય વૃક્ષો અને વનસ્પતિઓ અહીં જન્મ લઈને પર્યાવરણને કૃષ્ણ-અનુરૂપ બનાવશે. વ્યવસ્થા અને બાંધકામ કંઈક એટલી વિશાળતાને ધ્યાનમાં લઈને થઈ રહ્યું છે કે ૪૦૦૦ ભક્તો એકસાથે શ્રીહરિ કૃષ્ણનાં દર્શન કરી શકશે. આપણાં જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે સનાતન ધર્મનો કોઈ અંત નથી અને એકમાત્ર સનાતન જ સાચો છે. એ વાસ્તવિકતા અને અનન્ય શ્રદ્ધાનું બેજોડ ધામ એટલે શ્રીહરિ કૃષ્ણનો નવો ભવ્ય મહેલ ગુપ્ત વૃંદાવન.


