Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > સાત સમંદર પાર પણ રંગેચંગે થાય છે પર્યુષણની ઉજવણી

સાત સમંદર પાર પણ રંગેચંગે થાય છે પર્યુષણની ઉજવણી

Published : 13 September, 2026 02:30 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

અકલ્પનીય સ્તરે થયું છે પર્યુષણનું ગ્લોબલાઇઝેશન

પ્રતીકાત્મક તસવીર

પર્વાધિરાજ પર્યુષણ

પ્રતીકાત્મક તસવીર


એ પણ આજકાલની નહીં, લગભગ પચાસ કરતાં વધુ વર્ષોથી. અમેરિકા, લંડન, ઑસ્ટ્રેલિયા, દુબઈ જેવા કેટલાય દેશોમાં ભારતભરમાંથી જૈન સાધક યુવાનો વિદેશમાં વસતા જૈનોને પર્યુષણની આરાધના કરાવવા પહોંચી જાય છે. વિદેશમાં પર્યુષણની ઉજવણીની શરૂઆત કેવી રીતે થઈ અને આ ધારા અત્યારે ક્યાં-ક્યાં પહોંચી છે એ વિષય પર ચર્ચા કરીએ


જેમ મંત્રાધિરાજ નવકાર છે, તીર્થાધિરાજ શત્રુંજય છે, ગ્રંથાધિરાજ કલ્પસૂત્ર છે, નગાધિરાજ મેરુ પર્વત છે, યંત્રાધિરાજ સિદ્ધચક્ર છે, સ્તોત્રાધિરાજ શક્રસ્તવ છે એમ પર્વાધિરાજ કોઈ હોય તો એ પર્યુષણ મહાપર્વ છે. આ જ કારણ છે કે પાવન પર્વ પર્યુષણ હવે માત્ર મુંબઈ, ગુજરાત કે ભારતનાં શહેરો પૂરતું સીમિત રહ્યું નથી. સંયમ, તપ, આત્મશુદ્ધિ અને ક્ષમાપનાની આ ધારા આજે સાત સમંદર પાર વૈશ્વિક ફલક પર વિસ્તરી ચૂકી છે. જૈન સાધુ-મહાત્માઓ માટે જ્યાં પગપાળા પહોંચવું દુષ્કર છે ત્યાં મુંબઈ અને ગુજરાતના સંસ્કાર-સંચિત યુવાનો પહોંચીને આરાધના કરાવી રહ્યા છે. છેલ્લા પાંચ દાયકાથી દેશ-વિદેશમાં સેંકડો યુવાનોને પ્રશિક્ષિત કરીને પર્યુષણની આરાધના કરાવતા અને જૈન તપોવનના કુલપતિ લલિત ધામી સાથે આ વિષય પર થયેલી વિગતવાર વાતચીતના અંશો પ્રસ્તુત છે.



ગુરુકૃપાથી રોપાયેલું બીજ
આ ભગીરથ કાર્યની શરૂઆત આશરે ૫૧ વર્ષ પહેલાં વિક્રમ સંવત ૨૦૩૧માં થઈ હતી. લલિતભાઈ કહે છે, ‘યુગપ્રધાન આચાર્યસમ પૂજ્ય શ્રીમદ્ વિજયચંદ્રશેખરસૂરીશ્વરજી મહારાજસાહેબના અમદાવાદમાં ચાતુર્માસ દરમ્યાન ગુરુદેવના હૃદયમાં એક કરુણાસભર વિચાર ઝબક્યો કે અંતરિયાળ વિસ્તારોમાં વસતા શ્રાવકો સાધુભગવંતોના યોગ વિના પર્યુષણની આરાધનાથી વંચિત રહી જાય છે. આ ઊણપ પૂરવા અમદાવાદ વિદ્યાશાળા ખાતે ઉત્સાહી યુવાનોને બે મહિનાનું સઘન પ્રશિક્ષણ આપવામાં આવ્યું. શુદ્ધ ઉચ્ચાર સાથે પ્રતિક્રમણનાં સૂત્રો બોલાવીને, શાસ્ત્રોક્ત વિધિ-વિધાનો કરાવીને અને પ્રવચન આપવાની તાલીમ આપીને ૧૭ કેન્દ્રોમાં બબ્બે યુવાનોની ટીમો રવાના કરાઈ. વાપી પાસેનું બગવાણા હોય, વલસાડની ધરતી હોય કે બોરસદની પટ્ટી; જ્યાં બસો-ત્રણસો ઘરો વચ્ચે મુનિરાજ પહોંચી શકતા નહોતા ત્યાં આ યુવાનો સંગીતકારોને સાથે રાખીને પહોંચ્યા અને સેંકડો શ્રાવકો ભક્તિભાવપૂર્વક જોડાયા. આ સફળ પ્રયોગ લગભગ સાતેક વર્ષ સુધી અવિરત ચાલ્યો અને યુવાનોની આખી પેઢી ઘડાઈ.’


વિદેશનું પહેલું પર્યુષણ
ગામડાંઓમાંથી શરૂ થયેલી આ ધર્મયાત્રામાં ૧૯૮૪ના વર્ષમાં એક ઐતિહાસિક વળાંક આવ્યો. લલિતભાઈ કહે છે, ‘પૂર્વ આફ્રિકાના કેન્યા દેશના મોમ્બાસાથી આમંત્રણ મળ્યું કે અહીં ૨૫૦૦ જેટલા જૈનો વસે છે, પણ આરાધના કરાવનાર કોઈ નથી. પાસપોર્ટ અને વીઝાની તૈયારીઓ બાદ દોઢ મહિનાની વિદેશ-ટૂરનું આયોજન થયું. મોમ્બાસામાં ૨૫૦૦ શ્રાવકો અને નાઇરોબીમાં ૭૦૦૦ ભાવિકોની જંગી મેદની વચ્ચે જ્યારે સંગીત, તબલાં અને શાસ્ત્રીય પ્રવચનોની રમઝટ બોલી ત્યારે વિદેશની ધરતી પર જાણે શંખેશ્વર કે પાલિતાણા જીવંત થઈ ઊઠ્યાં. આરાધનાના ૮ દિવસ પૂરા થયા પછી પણ આ યુવાનો અટક્યા નહીં. અમે ગાડીઓમાં રસોડું અને પ્રભુની પ્રતિમા સાથે રાખીને કેન્યાનાં નાનાં-નાનાં ગામડાંઓમાં ફરી વળ્યા. ત્યાર બાદ ટાન્ઝાનિયામાં જઈને સેંકડો શ્રાવકોના હૃદયમાં ધર્મની ચેતના જગાવી.’

આફ્રિકાથી લંડન
સમય જતાં પૂર્વ આફ્રિકામાં સ્થિર થયેલા પરિવારો ઉચ્ચ અભ્યાસ અને વેપાર-રોજગાર માટે લંડન તરફ વળ્યા એટલે આરાધનાનું કેન્દ્ર બ્રિટન બન્યું. લલિત ધામી, યોગેશ શાહ, અમિત શાહ અને રમેશ શાહની ૪ સભ્યોની ટીમે વીઝાની લાંબી પ્રક્રિયા પાર પાડીને લંડનમાં પ્રવેશ કર્યો. લલિતભાઈ કહે છે, ‘આફ્રિકાના સફળ પ્રવાસની ખ્યાતિ સાંભળીને લંડન સંઘે અમને આમંત્રણ આપ્યું હતું. ત્યાંનું પહેલું જ પર્યુષણ એટલું હિટ ગયું કે ત્યાંનાં સ્થાનિક અખબારો, રેડિયો અને ટીવી-ચૅનલો પર પણ ભારતીય સંસ્કૃતિ અને પર્યુષણના અહેવાલો ચમકવા લાગ્યા. લંડનની સફળતાના પડઘા અમેરિકા અને બેલ્જિયમ સુધી પહોંચ્યા. ૧૯૯૪માં પહેલી વાર અમારા યુવાનોની ટીમ અમેરિકાના શિકાગો ઊતરી. એ જમાનામાં ભારતીય યુવાનો ભણવા અને નાનોમોટો સંઘર્ષ કરવા અમેરિકા જતા. ઘણા તો રેસ્ટોરાંમાં કપ-રકાબી ધોઈને કૉલેજનો ખર્ચ કાઢતા. ૧૦-૧૨ વર્ષમાં આ પરિવારો આર્થિક રીતે સ્થિર થાય એટલે તેમની ભીતર પડેલા ધર્મના સંસ્કારો સોળે કળાએ ખીલી ઊઠે. પરિણામે દેરાસરો અને મોટા જૈન સંઘોનું નિર્માણ થયું. આજે એકલા અમેરિકામાં શિકાગો, લૉસ ઍન્જલસ, ન્યુ જર્સી, ન્યુ યૉર્ક જેવાં ૭૨થી વધુ કેન્દ્રો અને ભવ્ય શિખરબંધી જિનાલયો ધમધમી રહ્યાં છે જ્યાં શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠિત થયેલા જિનેશ્વર ભગવંતો બિરાજે છે.’


વ્યાપક બનતું જાય છે
આજે ભારતથી પર્યુષણ માટે જતા યુવાનોના વૈશ્વિક નેટવર્કનો વ્યાપ આશ્ચર્ય પમાડે એ રીતે વધતો જાય છે. અમદાવાદ તપોવન અને મુંબઈમાં વર્ધમાન પરિવાર ઉપરાંત મહેસાણા સંસ્કૃત પાઠશાળા, પૂજ્ય હેમરત્નસૂરિજી મહારાજનું અલર્ટ ગ્રુપ તેમ જ પૂજ્ય રાજચંદ્રસૂરિજી મહારાજ પ્રેરિત મંડળો દ્વારા પ્રશિક્ષિત વિદ્વાનો વિશ્વભરમાં પહોંચી રહ્યા છે. લલિતભાઈ કહે છે, ‘અમેરિકામાં ત્રીસ-પાંત્રીસ મોટાં અને બીજાં પચીસેક નાનાં કેન્દ્રો, બ્રિટનમાં ચાર-પાંચ વિશાળ સંઘો, બેલ્જિયમના ઍન્ટવર્પમાં ભવ્ય શિખરબંધી દેરાસર જ્યાં આઠસોથી ૧૦૦૦ શ્રાવકો જોડાય છે, બૅન્ગકૉકમાં ગુજરાતી-મારવાડી સમાજનું સંયુક્ત જિનાલય છે, ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં ૫૦૦ ભાવિકોનો મેળાવડો જામે છે અને દુબઈમાં ડાયમન્ડના વ્યવસાય સાથે જોડાયેલા ૬૦૦-૭૦૦ પરિવારો વચ્ચે બે જિનાલયોમાં પર્વાધિરાજની આરાધના મહોત્સવ બની રહે છે. આજે વિદેશમાં ૧૦૦ જેટલાં કેન્દ્રોમાં આપણા યુવાનો પર્યુષણની ધુરા સંભાળી રહ્યા છે.’

આચરણનો પ્રભાવ
આ સમગ્ર અભિયાનની સૌથી મૂલ્યવાન અને પ્રેરણાદાયી બાબત એ છે કે વિદેશ જતા આ યુવાનો માટે ગુરુદેવ પૂજ્ય ચંદ્રશેખરવિજયજી મહારાજે અત્યંત કઠોર આચારસંહિતા ઘડી છે. લલિતભાઈ પોતે છેલ્લાં પચાસ વર્ષથી પગમાં ચંપલ પહેરતા નથી. અમેરિકા, બ્રિટન કે આફ્રિકાની ધરતી પર ઉઘાડા પગે જ ચાલે છે. તેમનું આ ત્યાગપૂર્ણ અને નિર્લોભી વ્યક્તિત્વ વિદેશી ભૂમિ પર લોકોને ઘેલું લગાડે છે. આરાધના કરાવવા જનાર કોઈ પણ યુવાન સામેવાળા સંઘ પાસેથી એક પણ રૂપિયો બહુમાન કે અંગત વળતર પેટે લેતો નથી. સંઘ માત્ર તેમની મુસાફરી અને સાધર્મિક ભક્તિની સગવડ સાચવે છે. સાદો લેંઘો-ઝભ્ભો કે પૂજા વખતે ધોતિયું અને ખેસ તેમનો પહેરવેશ હોય છે. કોઈ પણ જાતના ભપકા કે આડંબર વિનાનું આચારમય જીવન જ તેમની ઓળખ છે. લલિતભાઈ કહે છે, ‘વિદેશ ગયેલા પરિવારો ભૌતિક દોડધામમાં કદાચ વર્ષો સુધી ધર્મક્રિયાઓ ભૂલી ગયા હોય, પરંતુ અંતરે પડેલી ધર્મની ભૂખ પર્યુષણ આવતાં જ જાગી ઊઠે છે. સવારે નિવૃત્ત વડીલો પ્રવચનમાં આવે, જ્યારે સાંજે નોકરી-ધંધેથી છૂટીને યુવાપેઢી ઊમટી પડે છે. સવારે કલ્પસૂત્રનો મર્મ સમજાવતાં બે કલાકનાં પ્રવચનો અને સાંજે સવારના પ્રવચનનો સાર ભક્તિનો કાર્યક્રમ યોજાય છે. આરતી અને મંગળદીવામાં સમગ્ર સંઘ એકતાંતણે બંધાય છે, જ્યારે વીક-એન્ડમાં ગુરુઆજ્ઞાથી ઊજવાતા માતા ત્રિશલાનાં ૧૪ સ્વપ્નદર્શન મહોત્સવમાં નોકરિયાતો પણ ખાસ રજાઓ મૂકીને ઉમંગભેર જોડાય છે. ધોતી-ખેસમાં સજ્જ આ યુવાનો ગુરુમુખેથી સાંભળેલું શાસ્ત્રજ્ઞાન અને કર્મફિલોસૉફી પીરસે છે ત્યારે પોતાના ગુરુભગવંતોથી હજારો માઇલ દૂર બેઠેલા શ્રાવકોની આંખોમાંથી આંસુ છલકાઈ જાય છે. આ આંસુ માત્ર ભાવુકતા નથી, પોતાનાં મૂળિયાં અને ધર્મ પ્રત્યેના અખંડ અનુરાગની સાક્ષી છે.’

વિદેશની ભૌતિકવાદી સંસ્કૃતિ વચ્ચે ભારતના યુવાનો દ્વારા નિઃસ્વાર્થભાવે ચાલતું આ આરાધના મિશન એ વાતની પ્રતીતિ કરાવે છે કે ભલે દેશ કે સંસ્કૃતિ બદલાય, જૈન સંસ્કારોનો વારસો અખંડ અને શાશ્વત રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

13 September, 2026 02:30 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK