લગ્નસરા આવે કે ઉત્સવોની મોસમ આવે ત્યારે ઘણી વાર વ્યક્તિ પોતાના ઘરની ખરી આર્થિક વાસ્તવિકતા ભૂલી જતી હોય છે. સામાજિક માન-મર્યાદા પણ જળવાઈ રહે અને ખિસ્સાં પર બોજ પણ ન પડે એ રીતે વહેવાર સાચવવાનું કઈ રીતે શક્ય છે એનું ગણિત નિષ્ણાતો પાસેથી સમજીએ
લગ્નનો ખર્ચ
લગ્નમાં બીજા સંબંધીઓ કરતાં ઓછો ચાંદલો તો કેવી રીતે અપાય?
કોઈના ઘરે જઈએ ત્યારે ગિફ્ટ હલકી ન લાગવી જોઈએ...
સોસાયટીના ઉત્સવમાં આપણો ફાળો બીજા કરતાં ઓછો હોય તો કેટલું ખરાબ લાગે?
આવા સામાજિક વ્યવહારો બીજા લોકોની બરાબરીમાં સાચવવાની લાયમાં ઘણી વાર વ્યક્તિ પોતાની આવક અને ઘરના બજેટની વાસ્તવિકતા ભૂલી જાય છે. ‘૪ લોકો શું કહેશે?’ અને ‘આપણે કોઈથી ઊણા ન લાગવા જોઈએ’ જેવી માનસિકતા સામાન્ય પરિવારોને પણ પોતાની આર્થિક ક્ષમતાની બહાર જઈને ખર્ચ કરવા મજબૂર કરે છે. એક પ્રસંગ પૂરતો આ ખર્ચ કદાચ નાનો લાગે, પણ જ્યારે તહેવારો અને લગ્નોની મોસમ આવે ત્યારે વારંવાર થતો આવો ખર્ચ ધીમે-ધીમે મહિનાનું આખું બજેટ ખોરવી નાખે છે. એનાથી આર્થિક ખેંચ વધે છે અને ઘરમાં માનસિક તનાવ કે મતભેદ ઊભા થાય છે. સામાજિક સંબંધો અને માન-મર્યાદા પણ જળવાય અને ખિસ્સા પર ભાર પણ ન પડે એ રીતે વ્યવહાર કેવી રીતે સાચવવો? ક્યાંથી શરૂ થાય છે આ સામાજિક દબાણ અને એને સમજદારીથી કેવી રીતે હૅન્ડલ કરવું? ચાલો સમજીએ સાઇકોલૉજિસ્ટ અને ફાઇનૅન્સ-એક્સપર્ટ પાસેથી.
સ્વીકૃતિની માનસિકતા
ADVERTISEMENT
લગ્નપ્રસંગોમાં મોટો ચાંદલો કે ગિફ્ટ આપવી અથવા તો સામાજિક ઉત્સવોમાં ફાળો નોંધાવવામાં લોકો પોતાની પહોંચ બહાર જઈને કેમ ખર્ચ કરે છે? ‘લોકો શું કહેશે?’ જેવી માનસિકતા ક્યાંથી આવે છે? એ વિશે વાત કરતાં સાઇકોલૉજિસ્ટ શ્યામોલી દેસાઈ કહે છે, ‘આની પાછળનું સૌથી મોટું સાઇકોલૉજિકલ કારણ છે સમાજમાં આપણું સ્થાન જાળવી રાખવાની અને બધા વચ્ચે પોતીકા લાગવાની આપણી ઝંખના. બાળપણથી જ આપણા મનમાં એ વાત ઠસાવી દેવામાં આવે છે કે પ્રસંગમાં તમે શું અને કેટલું આપો છો એનાથી જ તમારો પ્રેમ, માન અને પરિવારની પ્રતિષ્ઠા નક્કી થાય છે. આ માનસિકતાને લીધે જ ‘૪ લોકો શું કહેશે?’નો ડર ઊભો થાય છે. આ ડર વ્યક્તિમાં ગિલ્ટ અને અસલામતી પેદા કરે છે. આપણને ખબર હોય છે કે આટલો ખર્ચ આપણું બજેટ બગાડી નાખશે, છતાં ‘આપણે કોઈથી ઊણા ન ઊતરીએ’ એ વિચાર પૈસાની સાચી સમજ પર ભારે પડી જાય છે. બીજું, આપણે મનમાં એક ખોટો વહેમ પાળી લઈએ છીએ કે જો ઓછું આપીશું તો સામેવાળા આપણા વિશે ખરાબ વિચારશે. ઘણી વાર સામેવાળો આપણે જેટલું માનીએ છીએ એટલું ધ્યાન પણ આપતો નથી. પરિણામે ગિફ્ટ કે ચાંદલો ખુશીથી આપવાને બદલે શરમ અને સંકોચથી બચવાનો એક રસ્તો બની જાય છે. ટૂંકમાં કહીએ તો અહીં વ્યક્તિ પૈસા નથી ખર્ચતી પણ પૈસા આપીને સમાજમાં પોતાની ઇજ્જત, સ્વીકૃતિ અને સેફ્ટી ખરીદવાનો પ્રયત્ન કરે છે.’
સરખામણીનું સામાજિક દબાણ
‘તેમણે આપણા પ્રસંગમાં આટલું આપ્યું હતું એટલે આપણે પણ એટલું જ આપવું પડશે’ અથવા બીજા સાથે સરખામણી કરવાની આ માનસિકતા આપણા પર કેવું દબાણ ઊભું કરે છે, આની સંબંધો પર કેવી અસર પડે છે એ વિશે જણાવતાં સાઇકોલૉજિસ્ટ શ્યામોલી દેસાઈ કહે છે, ‘આ દબાણ પાછળ મુખ્યત્વે સોશ્યલ કમ્પૅરિઝન (સામાજિક સરખામણી) અને સમાજના પ્રવાહ સાથે તણાઈ જવાની માનસિકતા કામ કરે છે. શું યોગ્ય છે કે સ્વીકાર્ય છે એ નક્કી કરવા આપણે સહજ રીતે જ બીજા તરફ જોવા ટેવાયેલા છીએ. કોઈએ જ્યારે આપણા પ્રસંગમાં મોટો વ્યવહાર કર્યો હોય ત્યારે સામે આપણે પણ એટલું જ આપવું પડશે એવું વણલખ્યું દબાણ આપોઆપ આવી જાય છે. જો ઓછું આપીશું તો સામેવાળાને ખોટું લાગશે, તેઓ આપણા વિશે ઊલટું વિચારશે કે આપણે સંબંધની કિંમત નથી કરતા એવો ડર મનમાં ઘર કરી જાય છે. આપણાં જેવાં ગાઢ સામાજિક વર્તુળોમાં આ પ્રેશર વધારે તીવ્ર બને છે, કારણ કે અહીં બધા કરતાં અલગ પડી જઈશું અથવા આપણો વ્યવહાર ઓછો ગણાશે એવો ડર વધુ હોય છે. આ સ્થિતિમાં આપણા મનમાં ખોટા વિચારો ચાલવા લાગે છે. જેમ કે ‘બધાનું ધ્યાન જશે કે આપણે ઓછું આપ્યું’ અથવા ‘તેઓ ચોક્કસ આપણા વિશે ખરાબ બોલશે’. હકીકતમાં આ વાતો ઘણી વાર માત્ર આપણી કલ્પના હોય છે, પણ એ આપણા નિર્ણયોને પૂરી રીતે નિયંત્રિત કરી લે છે. સ્વસ્થ અભિગમ એ છે કે આપણે સમજવું જોઈએ કે વ્યવહાર કે સંબંધ સાચવવાનો મતલબ તેમણે જેટલી આપી એટલી જ રકમ પાછી આપવી એવો નથી હોતો. આપણું યોગદાન સામાજિક દેખાદેખી કે દબાણ આધારિત નહીં; સામેવાળા સાથેના સાચા સંબંધ, આપણી આર્થિક ક્ષમતા અને વાસ્તવિક પરિસ્થિતિ એ ત્રણેયને ધ્યાનમાં રાખીને નક્કી કરવું જોઈએ.’
પોતાની મર્યાદા સ્વીકારો
લગ્ન કે સામાજિક પ્રસંગોમાં સંબંધો બગાડ્યા વિના કે મનમાં ગિલ્ટ રાખ્યા વિના પોતાની આર્થિક મર્યાદા (ફાઇનૅન્શિયલ બાઉન્ડરી) કેવી રીતે સાચવવી, સંબંધ ટકાવી રાખવા માટે વધુ ખર્ચ કરવો જરૂરી નથી એ સમજવા કયો માઇન્ડસેટ કેળવવો જોઈએ એ વિશે જણાવતાં સાઇકોલૉજિસ્ટ શ્યામોલી દેસાઈ કહે છે, ‘સૌથી પહેલું પગલું એ સ્વીકારવાનું છે કે પોતાની આર્થિક મર્યાદા નક્કી કરવી એટલે સ્વાર્થી કે કંજૂસ હોવું નથી. આપણી ક્ષમતા કેટલી છે એ જાણીને સામાજિક દબાણ હાવી થાય એ પહેલાં જ એનું બજેટ અગાઉથી નક્કી કરી લેવું એ સમજદારી છે. આપણે મનમાં ઊઠતા આવા વિચારોને પણ પડકારવા પડશે. જેમ કે ‘ઓછું આપીશ તો મારી કિંમત ઘટી જશે’ અથવા ‘તેમણે આપ્યું હતું એટલે મારે પણ એટલું જ આપવું પડશે’ એવા વિચારો ઘણી વાર માત્ર આપણા મનનો વહેમ હોય છે, જ્યાં આપણે સામેવાળાના મનની વાત આપમેળે ધારી લઈએ છીએ અને સંબંધ કરતાં રકમના આંકડાને વધુ મહત્ત્વ આપી બેસીએ છીએ. તમે જ્યારે વર્ષો જૂના સામાજિક ચીલામાંથી બહાર નીકળો છો ત્યારે શરૂઆતમાં થોડો સંકોચ કે અસ્વસ્થતા જરૂર થાય છે; પણ યાદ રાખો કે અસ્વસ્થ થવાનો અર્થ એવો નથી કે તમે કંઈ ખોટું કરી રહ્યા છો. સાચા અને સ્વસ્થ સંબંધો એવા હોવા જોઈએ જે બન્ને પક્ષની આર્થિક પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરી શકે. કોઈ પણ ભેટ કે વ્યવહાર ડર, અપરાધભાવ કે પોતાની જાતને સાબિત કરવા માટે નહીં પણ સ્નેહ અને પોતાની ખુશીથી થવો જોઈએ.’
આવક પ્રમાણે વ્યવહાર
તેમણે આપણા પ્રસંગમાં આટલું આપ્યું હતું એટલે આપણે પણ એટલું જ આપવું એવી ગણતરીમાંથી બહાર આવવા માટે ફાઇનૅન્સની દૃષ્ટિએ શું ધ્યાનમાં રાખવું જોઈએ એ વિશે ફાઇનૅન્સ-એક્સપર્ટ પ્રિયંકા આચાર્ય કહે છે, ‘વ્યવહારને હંમેશાં એકસરખી રકમ પાછી કરવાની ગણતરી તરીકે જોવાની જરૂર નથી. આપણે ઘણી વાર અગાઉ થયેલા વ્યવહારને ધ્યાનમાં રાખીને રકમ નક્કી કરીએ છીએ, પરંતુ દરેક સમયે આપણી આર્થિક પરિસ્થિતિ એકસરખી હોતી નથી. આવક, બચત, ઘરખર્ચ અને એ સમયે ચાલતી અન્ય આર્થિક જવાબદારીઓ પણ જોવી જરૂરી છે. કોઈ મોટા પ્રસંગની અગાઉથી જાણ હોય તો એના માટે સમય પહેલાં આયોજન કરી શકાય, પરંતુ માત્ર જૂનો હિસાબ સરખો કરવા માટે બજેટની બહાર જઈને ખર્ચ કરવો યોગ્ય નથી. વ્યવહારની રકમ નક્કી કરતી વખતે સંબંધ, પ્રસંગ અને પોતાની વર્તમાન આર્થિક ક્ષમતા ત્રણેયને સાથે જોવાં જોઈએ.’
દેખાદેખીનો ખર્ચ ટાળો
સામાજિક વ્યવહારના ખર્ચમાં દેખાદેખી કેટલો ભાગ ભજવે છે અને ગિફ્ટ પસંદ કરતી વખતે બજેટ કેવી રીતે જાળવી શકાય એ વિશે વાત કરતાં પ્રિયંકા આચાર્ય કહે છે, ‘સામાજિક વ્યવહારમાં દેખાદેખીનો ભાગ પણ મોટો હોય છે. ઘણી વાર વ્યક્તિ માત્ર બીજાએ કેટલું આપ્યું એ જ નહીં, પોતાની આર્થિક સ્થિતિ અને લાઇફસ્ટાઇલ લોકોની નજરમાં કેવી દેખાય છે એ પણ ધ્યાનમાં રાખીને ખર્ચ કરતી હોય છે. આપણે પોતાની લાઇફસ્ટાઇલને જેટલી ભવ્ય રીતે રજૂ કરીએ એટલી જ અપેક્ષા લોકોની પણ બની શકે છે કે દરેક પ્રસંગમાં આપણી પાસેથી મોંઘો વ્યવહાર જ આવશે. એટલે પોતાની વાસ્તવિક આર્થિક ક્ષમતા કરતાં વધુ દેખાડો કરવાથી પણ સામાજિક ખર્ચનું દબાણ વધી શકે છે. માત્ર પોતાની ક્ષમતા બતાવવા માટે મોંઘી વસ્તુ ખરીદવી, લોન લેવી કે ક્રેડિટ કાર્ડનો બોજ વધારવો યોગ્ય નથી. એ જ રીતે ગિફ્ટ પસંદ કરતી વખતે એની કિંમતને સંબંધની કિંમત સાથે જોડવાની જરૂર નથી. વ્યક્તિની જરૂરિયાત, પસંદગી અને તેની સાથેના સંબંધને ધ્યાનમાં રાખીને ગિફ્ટ પસંદ કરી શકાય. પર્સનલાઇઝ્ડ ગિફ્ટ ઘણી વાર ઓછી કિંમતમાં પણ વધુ અર્થપૂર્ણ બની શકે છે. ગિફ્ટ આપવાનો હેતુ પોતાની આર્થિક ક્ષમતા બતાવવાનો નહીં, પોતાની લાગણી વ્યક્ત કરવાનો હોવો જોઈએ.’
વ્યવહાર માટે અલગ ફન્ડ, અલગથી બચત
આવા સામાજિક પ્રસંગોના ખર્ચને પોતાના મહિનાના બજેટ પર બોજ બનતો અટકાવવા માટે શું આયોજન કરી શકાય? લગ્ન સિવાય પણ વર્ષ દરમ્યાન આવતા વિવિધ પ્રસંગોને ધ્યાનમાં રાખીને ફાઇનૅન્સ કેવી રીતે મૅનેજ કરવું? એ વિશે વાત કરતાં ફાઇનાન્સ-એક્સપર્ટ પ્રિયંકા આચાર્ય કહે છે, ‘આજના સમયમાં સામાજિક વ્યવહાર માત્ર લગ્ન પૂરતો સીમિત રહ્યો નથી. જન્મદિવસ, ઍનિવર્સરી, બેબી શાવર, ગૃહપ્રવેશ, તહેવારોમાં સગાંના ઘરે જવાનું, સોસાયટીનાં ફંક્શનો કે અન્ય નાના-મોટા પ્રસંગો સતત આવતા રહે છે. એક-એક પ્રસંગનો ખર્ચ નાનો લાગતો હોય, પરંતુ વર્ષ દરમ્યાન આવા ઘણા પ્રસંગો આવે ત્યારે કુલ રકમ બજેટ પર અસર કરી શકે છે. જેમ બાળકો પોતાની નાની-મોટી બચત માટે પિગી બૅન્ક રાખે છે એ જ રીતે પરિવારના બજેટમાં પણ આવા સામાજિક વ્યવહારો માટે અલગથી એક ‘વ્યવહાર ફન્ડ’ રાખી શકાય. આ માટે પ્રસંગોને ૩ કૅટેગરીમાં પણ વહેંચી શકાય. જેમ કે દૂરના સંબંધીઓ કે સામાન્ય પ્રસંગો માટે એક બજેટ, નજીકના સંબંધીઓ માટે થોડું વધારે અને મામેરા જેવા મોટા ખર્ચવાળા પ્રસંગો માટે અલગ ફન્ડ. દર મહિને પોતાની આર્થિક ક્ષમતા પ્રમાણે થોડી રકમ આ ફન્ડમાં સાઇડ પર મુકાતી રહે તો પ્રસંગ આવે ત્યારે અચાનક મોટો બોજ પડતો નથી અને ઘરખર્ચનું બજેટ પણ ખોરવાતું નથી. સાથે જ અગાઉથી નક્કી કરેલી આ મર્યાદા હોવાથી પ્રસંગના સમયે બીજાને જોઈને રકમ નક્કી કરવાની શક્યતા પણ ઓછી રહે છે.’
