૯૦ વર્ષની ઉંમરે પૅરૅલિસિસનો હુમલો આવ્યા પછી અવાજ ચાલ્યો ગયો, પણ ભાઈંદરનાં તારા સોની હિંમત ન હાર્યાં. શારીરિક ક્ષતિને સ્વીકારીને તેમણે પોતાનાં રોજિંદાં કાર્યો પર ધ્યાન આપ્યું. આજે ૧૦૧ વર્ષની ઉંમરે પણ તેઓ સાંજે સોસાયટીમાં ચાલવા જાય છે
તારા સોની
જીવનના ૯ દાયકા સારી રીતે બોલી-સાંભળી શકતા હો અને અચાનક પરિવારના સભ્યો સાથે વાતચીત પણ ન કરી શકો એ હદે અવાજ ચાલ્યો જાય, ઘરની બહાર નીકળવા માટે પણ કોઈની જરૂર પડે એવા સંજોગોમાં સામાન્ય વ્યક્તિ હતાશ થઈ જાય; પરંતુ ભાઈંદર-વેસ્ટમાં રહેતાં તારા સોની હિંમત ન હાર્યાં. શારીરિક ક્ષતિને સ્વીકારીને તેમણે પોતાનું ધ્યાન રોજિંદાં કાર્યોમાં પરોવ્યું. આજે ૧૦૧ વર્ષની ઉંમરે તેમની જિજીવિષા અકબંધ છે. સાંજ પડે એટલે સોસાયટીના કમ્પાઉન્ડમાં ચાલવા જાય છે અને ૪ પેઢી સાથે આનંદથી જીવન વ્યતીત કરે છે.
અવાજ કઈ રીતે ગયો?
એક દાયકા અગાઉની વાત યાદ કરતાં તારાબાના પુત્ર નવીનચંદ્ર સોની કહે છે, ‘૯૦ વર્ષની ઉંમર સુધી બા મંદિરોમાં ભજન ગાવા જતાં. તેમને ગાવાનો ખૂબ શોખ હતો. કૃષ્ણભજનો તો એવાં સરસ ગાય કે ભજનમંડળીમાં તેઓ લોકપ્રિય હતાં. નવાં ભજનો સાંભળીને આવે એટલે ઘરે આવીને ડાયરીમાં લખે અને રાગ બેસાડવાનો પ્રયાસ કરે. પોતે ભજનો લખતાં પણ હતાં. એક દિવસ અચાનક તેમને પૅરૅલિસિસનો જોરદાર હુમલો આવ્યો. સ્થિતિ એટલી ગંભીર હતી કે કેટલાક દિવસો ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં મોત સામે ઝઝૂમવું પડ્યું હતું. તેઓ એ જંગ તો જીતી ગયાં, પણ આ હુમલાએ તેમનો અવાજ છીનવી લીધો. ડૉક્ટરે સ્પીચ પાછી લાવવા ફુગ્ગા ફુલાવવા જેવી કેટલીક કસરત કરવાની સલાહ આપી હતી. જોકે ઉંમરને કારણે તેઓ શ્વાસ ફૂલે એવી કસરત કરી ન શક્યાં. ત્યારથી તેઓ બોલી શકતાં નથી. બાએ પોતે અને અમે ખૂબ જ સહજતાથી આ પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો. એક દાયકા કરતાં વધુ સમયથી તેઓ ઇશારાથી વાત કરે છે. જોકે અજાણ્યા લોકો તેમના ઇશારા બરાબર સમજી શકતા નથી. આથી મંદિરે જવું હોય કે સોસાયટીમાં નીચે બાંકડે બેસવા જવું હોય ત્યારે પરિવારના કોઈ એક સભ્યએ તેમની સાથે હાજર રહેવું જ પડે છે. થોડા સમય પહેલાં સુધી તેઓ આ સ્થિતિમાં પણ ઘરે એકલાં રહેતાં. બા, તમે થોડી વાર ઘરમાં બેસો, માળા કરો, અમે હમણાં આવી જઈશું કહીને અમે બહાર જતા. કહેવાય છેને કે વડીલ અને બાળક સરખાં. હવે તેઓ એકલાં ગભરાય છે એટલે હું સતત તેમની સાથે રહું છું.’
ADVERTISEMENT
જીવન સંઘર્ષમય
શ્રીમાળી સોની જ્ઞાતિનાં તારાબાના જન્મ અને ઉછેર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા મેઢાસણ ગામમાં થયા હતા. લગ્ન પછી તેઓ હિંમતનગર આવ્યાં અને દામ્પત્યજીવનની શરૂઆતના દિવસોમાં જ પતિ ભોગીલાલ સોની સાથે મુંબઈમાં બોરીવલી સ્થાયી થયાં. તેઓ ઝાઝું ભણેલાં નથી, પણ તેમની કોઠાસૂઝ ગજબની છે. પતિ નાગદેવી વિસ્તારમાં અકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા. સામાન્ય આર્થિક સ્થિતિમાં તેમણે કુશળતાથી ઘર ચલાવ્યું, ૩ દીકરા અને બે દીકરીઓને ઉછેર્યા અને સામાજિક ફરજ પણ નિભાવી. તેમના જીવનમાં સૌથી મોટો આંચકો ત્યારે આવ્યો જ્યારે ૧૯૭૮માં તેમના પતિનું અવસાન થયું. એકલા હાથે પરિવારની જવાબદારી ઉપાડી અને સૌને એક તાંતણે બાંધીને રાખ્યા. સંતાનોનો પરિવાર વિસ્તરતો ગયો એમ જગ્યાની અછત પડતાં બધા અલગ-અલગ રહેવા ચાલ્યા ગયા. મોટા દીકરા જસવંતભાઈ, નાના
દીકરા વિનોદભાઈ અને દીકરી કુસુમ વસા (જે હવે હયાત નથી)નો પરિવાર બોરીવલીમાં રહે છે. તેઓ ત્રીજા નંબરના સંતાન નવીનભાઈ સાથે ૪૦ વર્ષથી ભાઈંદરમાં રહે છે. સૌથી નાની દીકરી મીના દેસાઈ અમદાવાદમાં સેટલ્ડ છે. ૩૧ ઑગસ્ટે તેમણે ૧૦૧ વર્ષ પૂરાં કરીને ૧૦૨મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો. તબિયતને ધ્યાનમાં રાખીને પરિવારે નાનું સેલિબ્રેશન રાખ્યું હતું. સવારે તેઓ મંદિરે ગયાં અને સાંજે કેકકટિંગ કરીને ઉજવણી કરી હતી. તેમની ઉંમરનું અનુમાન કઈ રીતે લગાવ્યું? કોઈ દસ્તાવેજ છે? ટ્રાવેલિંગનો બિઝનેસ ધરાવતા નવીનભાઈ આ પ્રશ્નનો જવાબ આપતાં કહે છે, ‘અમારી પાસે બાના જન્માક્ષરની કૉપી છે. જન્માક્ષરમાં નોંધેલી વિગતોના આધારે તેમની જન્મતારીખ અને ઉંમરનું અનુમાન લગાવ્યું છે.’
રોજિંદાં કામો કરી લે
પૅરૅલિસિસને કારણે શારીરિક ક્ષતિ આવી છે, પરંતુ આ ઉંમરે પણ તારાબાને કોઈ ગંભીર રોગ નથી. ઉંમરને લીધે નબળાઈ લાગે, ક્યારેક હવામાનના પરિવર્તનને લીધે માંદાં પડી જાય અને દવા લીધા પછી સાજાં પણ થઈ જાય. પોતાનાં રોજિંદાં કામો જાતે કરી લે છે. હવે તેમનો ખોરાક ઓછો થઈ ગયો છે. દાળ-રોટલી અને નરમ ખીચડી ખાવાનું પસંદ કરે છે. શીરો બહુ ભાવે. બાનું મન પરોવાયેલું રહે એ માટે નવીનભાઈ તેમને વડોદરા પાસે નર્મદાકિનારે આવેલા ડોંગરેજી મહારાજના આશ્રમમાં એકાદ મહિનો રહેવા લઈ જાય છે. સાંજના સમયે દીકરાનો હાથ પકડીને બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ચાલવા જાય છે. થોડાં ચક્કર લગાવ્યા પછી સિનિયર સિટિઝનો સાથે બાંકડે બેસીને તેમની વાતો સાંભળે. ઘરમાં ચોથી પેઢીનાં સંતાનો સાથે આનંદ કરે.
