આજે આંતરરાષ્ટ્રીય વિમેન્સ ડે છે. વળી ૧૦ દિવસ પછી ચૈત્રી નવરાત્રિ પણ શરૂ થઈ રહી છે. એ અન્વયે આજે આપણે જઈએ કોઇમ્બતુર નજીક આવેલા મા લિંગભૈરવીના મંદિરે. હા, આ મંદિર અર્વાચીન છે પણ અહીં માતાનું સ્વરૂપ એકદમ અનોખું છે
રજસ્વલા સ્ત્રીઓ પણ માતાના મંદિરે આવે છે. અહીં એનો બાધ નથી.
આ મંદિરમાં મા લિંગભૈરવીની પૂજા સ્ત્રી પૂજારીઓ કરે છે. ખાસ દિવસોએ સદ્ગુરુ પોતે માતાની અર્ચના કરે. બાકી રોજિંદી ક્રિયા ફક્ત સ્ત્રી પૂજારણ કરે છે.
નવરાત્રિ, દિવાળી, શિવરાત્રિ તથા અન્ય તહેવારોએ વિશિષ્ટ દેવીપૂજાનું આયોજન થાય છે. એ ઉપરાંત દરેક પૂર્ણિમાએ દેવીની શોભાયાત્રા નીકળે છે જેમાં સેંકડો લોકો જોડાય છે. આ ઉપરાંત દર વર્ષે મહા વદ ૮-૯ની આસપાસ અહીં થાઈપુસમ નામનું ધાર્મિક અનુષ્ઠાન કરાય છે.
ADVERTISEMENT
અહીં ભક્તો અભિષેક, વસ્ત્ર, માલા, નેત્રમ, મણિ, દીપક અર્પણ સેવા સાથે ‘કલેશ નાસન પૂજા’ પણ કરાવે છે અને અહીં દહા (ઇચ્છા) નિવારણમ પૂજા પણ થાય છે.
તમે દેવી શક્તિનાં વિવિધ મંદિરોનાં દર્શન કર્યાં હશે જ્યાં તેઓ મૂર્તિ સ્વરૂપે હોય છે, ક્યાંક પિંડી રૂપે હોય છે ને ક્યાંક તંત્ર સ્વરૂપે પણ છે. પરંતુ આદિ શક્તિનું લિંગરૂપ ક્યારેય જોયું છે?
યસ, વર્લ્ડમાં સદ્ગુરુના નામે પ્રસિદ્ધ જગ્ગી વાસુદેવજીએ તામિલનાડુના શહેર કોઇમ્બતુર નજીક આવેલી વેલ્લિંયા પહાડી પાસે સ્થાપેલા ઈશા યોગ સેન્ટરના પરિસરમાં જગદંબાનું મંદિર બનાવ્યું છે જ્યાં માતા ભૈરવીને લિંગરૂપમાં સ્થાપિત કર્યાં છે.
ઈશા ફાઉન્ડેશન અને સદ્ગુરુ જગ્ગીને કોઈ વિસ્તૃત પરિચયની જરૂર નથી. સનાતન, વેદિક પરંપરામાં રુચિ રાખતા લોકો તેમને, તેમનાં કાર્યોને જાણે છે. યોગના ચાર પ્રમુખ માર્ગ ક્રિયા, જ્ઞાન, કર્મ અને ભક્તિ વડે આંતરિક વિકાસ, આત્મપરિવર્તન કરી શકાય એ ફિલોસૉફી પર આધારિત તેમણે સ્થાપેલા ઈશા યોગ કેન્દ્રમાં યોગ, ધ્યાન આદિ વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થાય છે. એ સાથે આ સેન્ટરમાં અનુઠાં પવિત્ર સ્થાનો પણ છે જેમાં ધ્યાન લિંગ, ૧૧૨ ફીટના આદિયોગી, તીર્થકુંડ, આદિયોગી મંદિર સાથે લિંગભૈરવી માતાનું આલાયમ છે. સદગુરુ કહે છે, ‘મા ભૈરવી વ્યક્તિના આત્માને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે. તેમની કૃપાપાત્ર વ્યક્તિને જીવન-મૃત્યુ, ગરીબી, નિષ્ફળતાની ચિંતા કે ભય નથી સતાવતાં. તેઓ સ્ત્રીત્વનું પરમ સ્વરૂપ છે. જે ભક્તોનું શારીરિક, ભૌતિક અને આધ્યાત્મિક કલ્યાણ કરે છે.’
અહીંના માતાના સ્વરૂપ કે મંદિર વિશે વિશેષ વાત કરવા પહેલાં, આપણે મા ભૈરવીના પ્રાગટ્યની કથા જાણીએ.
મા ભૈરવી જે ત્રિપુરા ભૈરવીદેવી તરીકે વધારે પ્રખ્યાત છે એ ૧૦ મહાવિદ્યાઓમાંની પાંચમી શક્તિ છે જેનું પ્રાગટ્ય ભગવાન શિવનું ઉગ્ર રૂપ (ભૈરવ) અને માતા પાર્વતીના વિનાશકારી તથા તેજસ્વી રૂપના મિલનથી થયું હતું. આમ તો ભૈરવીના પ્રગટ થવાની અનેક કથાઓ પ્રચલિત છે, જેમાંની એક કથા અનુસાર મહાકાલીને એક વખત પોતાના શ્યામ વર્ણને ત્યજી ગોરાં બનવાનું મન થયું જેથી તેઓ કૈલાસથી સુમેરુ પર્વત સાધના કરવા જતાં રહ્યાં. જ્યારે શિવજીને ખબર પડી કે મહાકાલી તેમની આસપાસ નથી ત્યારે તેમણે નારદ મુનિને આખી ઘટના પૂછી. ભગવાન બ્રહ્માના માનસ પુત્ર તથા વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત તેમ જ ત્રણેય લોકમાં નિર્બાધ યાત્રા કરતાં દેવર્ષિને તો જાણ હોય જ કે કાલી માતા ક્યાં છે. આથી તેમણે ભોળેનાથને જણાવ્યું કે કયાં કારણોસર માતા સુમેરુ પર્વત પર ગયાં છે.
ત્યારે નીલકંઠે પોતાનાં લગ્નનું માગું લઈ નારદ મુનિને મા કાલી પાસે મોકલ્યા. વીણાવાદન સાથે નારાયણ-નારાયણનો મંત્રોચ્ચાર કરતાં નારદજી મા કાલી પાસે ગયા અને તેમની સમક્ષ કૈલાસપતિએ મોકલેલો લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે પોતાની તપોસાધના ભંગ થવાથી મા કાલી અત્યંત ક્રોધિત થઈ ગયાં અને તેમના શરીરમાંથી ભૈરવી પ્રગટ થઈ. તંત્ર શાસ્ત્ર અનુસાર દેવી ભૈરવી મા કાલીનું પણ ઉગ્ર સ્વરૂપ છે.

મંદિરના પ્રાંગણમાં એક ત્રિશૂળ છે જેની ફરતે કેટલીક તંત્ર વિધિઓ થાય છે અને લોકો માનતા માનવા માટે હળદરની ગાંઠ બાંધે છે.
અન્ય માન્યતા કહે છે કે જ્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને મનુષ્યો મૃત્યુનો ભય અને દુઃખોથી મુક્તિ કેવી રીતે મેળવે એનો ઉપાય પૂછ્યો ત્યારે સ્વયં શિવજીએ દસ મહાવિદ્યાઓના રૂપમાં મા ભૈરવીને પ્રગટ કર્યાં. રક્તવર્ણાં, વિખરાયેલા કેશ તેમ જ ગળામાં મુંડમાલા ધારણ કરતાં મા ભૈરવી શિવજીના ભૈરવ અવતારનાં સમકક્ષ મનાય છે. તેઓ મન, વચન અને કર્મ એ ત્રણેય સ્તરો પર શક્તિનો સંચાર કરતાં હોવાથી તેમને ત્રિપુરા ભૈરવી કહેવાય છે. જોકે દુર્ગા સપ્તસતી ગ્રંથમાં માતા ભૈરવીને મહિષાસુરનો વધ કરનાર દેવી બતાવાયાં છે તથા ચંડ-મુંડ નામક રાક્ષસનાં સંહારક ચંડી માતાને મા ભૈરવીનું જ રૂપ મનાયાં છે.’
ઇન શૉર્ટ, મા ભૈરવી દૈત્યોનો તો નાશ કરે છે સાથે અહંકાર, મદ, કામ, ક્રોધ જેવા દુર્ગુણનો પણ ખાત્મો કરે છે. એ સાથે આ દંડાધિકારી માતા ભક્તોને જીવનની પ્રક્રિયાના મૂળભૂત પરિબળ આરોગ્ય, ધન, સૌભાગ્ય, ખુશાલી તથા સ્થિરતા પણ અર્પે છે. કહેવાય છે કે ભૈરવી માતાની ઉપાસના યુક્તિ અને મુક્તિ બેઉ આપે છે. મુખ્યત્વે તંત્ર-મંત્રની આરાધના કરતા તાંત્રિકો દેવી ભૈરવીની ભક્તિ કરે છે. જગ્ગી વાસુદેવ કહે છે, ‘ભૈરવી માતા અંધકારની દેવી છે કારણ કે તે શૂન્યતામાં નિવાસ કરે છે. અને આ શૂન્યતા પ્રકાશરહિત હોવા છતાં સમસ્ત સૃષ્ટિને જીવન પ્રદાન કરે એવી પાવરફુલ છે.`
લિંગભૈરવીનું સ્વરૂપ વેદોની દૃષ્ટિએ ખરું કે ખોટું?
પારંપરિક વેદિક શાસ્ત્રમાં લિંગભૈરવીનો કોઈ ઉલ્લેખ નથી. સનાતન ધર્મના વડાઓ, કાશીના પંડિતો અને વેદિક વિદ્વાનો સદ્ગુરુ જગ્ગી વાસુદેવના આવિષ્કાર લિંગભૈરવીના સ્વરૂપને માન્યતા નથી આપતા. ઇન ફૅક્ટ, તેઓ જગ્ગીજીની પૂજાપદ્ધતિને જ માન્ય નથી ઠેરવતા. વિદ્વાનો, બ્રાહ્મણોના મતે વેદિક શાસ્ત્રોમાં શિવને નિરાકાર સ્વરૂપે, વિષ્ણુને શાલિગ્રામ રૂપે અને માતાજી અથવા દેવીને શ્રીફળ રૂપે પૂજ્યાનો આધાર મળે છે પણ ક્યાંય લિંગભૈરવીનો ઉલ્લેખ નથી. એ શાસ્ત્રોની વિરુદ્ધ છે. તથાકથિત દેવીના રૂપનો ઉદ્ભવ કરવો અને એનો વૈશ્વિક પ્રચાર કરવો એ ધર્મના નિયમો, શાસ્ત્રોનું ઉલ્લંઘન અને અત્યંત ખેદજનક કૃત્ય છે.
હવે વાત કરીએ મા લિંગભૈરવીના મંદિરની તો ઈશા યોગ કેન્દ્રના વિશાળ પરિસરમાં માતા ભૈરવીનું નાનું મંદિર આવેલું છે. જોકે એનું આર્કિટેક્ચર ટિપિકલ મંદિર જેવું નથી. છતાંય જ્યોમેટ્રીની ગહન સમજ પર આધારિત અને એનાં પ્રતીકોથી પરિપૂર્ણ આ આલાયમ વાસ્તુકલાનો અદ્ભુત નમૂનો છે. મંદિરમાં પ્રવેશ કરતાં જ સામે એક દીવાલમાં જડેલા ૮-૧૦ ફીટનાં લિંગ ભૈરવી માનાં દર્શન થાય છે. શંકર ભગવાનની જેમ ત્રીજી આંખ તંગ ભ્રૂકુટિ, પ્રભાવશાળી આંખો અને નાકમાં ગોળ નથ ધરાવતું આ સ્વરૂપ એવું મૅગ્નેટિક છે કે ભક્તો તેમને જોતાં જ ખેંચાઈ આવે છે. શ્યામ શિલામાંથી બનેલા આ લિંગને પાંચ હસ્તની જોડી પણ છે અને બે ચરણ પણ છે. શિવાલયમાં જેમ શિવલિંગની સામે નંદીબાબા બિરાજે એ રીતે આ નારીત્વના સાક્ષાત રૂપની સામે ભૂમિ પર એક સ્ત્રીનું સાષ્ટાંગ દંડવત કરતું પૂતળું છે. ને મંદિરની બહારની એક બાજુએ મોટું ત્રિશૂળ છે જે પીળા દોરાથી બંધાયેલા હળદરના ગાંઠિયાથી લદાયેલું છે. એ સાથે જ અન્ય દીવાલ પર નાગદેવતાનું પણ શિલ્પ છે તેમ જ કેટલાંક યંત્રો પણ ઉકેલાયાં છે. બીજી વિશેષતા એ છે કે મંદિરની બેઉ દીવાલો પર નાના-નાના સ્ટેપ બનાવ્યાં છે જ્યાં ભક્તો દીપકો મૂકે છે. ને આ દીપના પ્રકાશમાં લિંગભૈરવી વધુ તેજોમય ભાસે છે. તહેવારો અને વિશિષ્ટ દિવસોએ શ્યામ લિંગ ઉપર વિવિધ વસ્તુઓથી જાડો લેપ કરાય છે. એટલે ક્યારેક માતાનું રૂપ પીળું હોય, ક્યારેક કેસરી, ક્યારેક લાલ તો ક્યારેક લીલું પણ ખરું.

લિંગભૈરવી મંદિરમાં તિથિ અનુસાર દેવીની મૂર્તિને કુમકુમ કે હળદરથી શણગાર કરવામાં આવે છે અને રોજ સંધ્યાકાળે આખા મંદિરની અંદરની દીવાલો પર બનાવેલા ગોખલાઓમાં ઘીના દીવા પ્રગટાવાય છે.
મુંબઈથી કોઇમ્બતુર જવા સીધી હવાઈ સેવા, રેલ સેવા બેઉ ઉપલબ્ધ છે. અને કોઇમ્બતુર રેલવે સ્ટેશન તેમ જ એરપોર્ટથી ઈશા ફાઉન્ડેશન જવા સરકારી બસ, ટૅક્સીની સુવિધા પણ છે. મંદિરમાં રહેવા-જમવાની સગવડ છે પણ જો તમે તેમના યોગ આદિ કાર્યક્રમમાં જોડાયા હો તો. અન્યથા કોઇમ્બતુર શહેર અને એની આસપાસના વિસ્તારોમાં અનેક હોટેલ્સ, રિસૉર્ટ્સ છે. હા, સિંગલ ડેની વિઝિટ કરનારાઓને પણ ઈશા યોગ કેન્દ્રમાં જમવાનું મળી જાય છે.
સાઉથ ઇન્ડિયાનું મૅન્ચેસ્ટર ગણાતા ટેક્સટાઇલ ટાઉન કોઇમ્બતુરમાં IT ઇન્ડસ્ટ્રીએ પણ ઘણું કાઠું કાઢ્યું છે. તામિલનાડુના આ સેકન્ડ બેસ્ટ શહેરમાં હિસ્ટોરિક વાઇબ્સ ધરાવતું મરૂદમલાઈ સુબ્રહ્મણ્યમ સ્વામી ટેમ્પલ પણ છે અને સદીઓ પ્રાચીન પેરૂર પટ્ટીશ્વરમ કોવિલ એના ગોલ્ડ પ્લેટેડ શિવ મૂર્તિ અને દ્રવિડિયન શૈલીના સ્તંભ તેમ જ રંગીન ગોપુરમ માટે જાણીતું છે.
જગ્ગીજીએ કોઇમ્બતુર ઉપરાંત સેલમ, ગોબી, દિલ્હી, નેપાલ તેમ જ અમેરિકામાં પણ લિંગભૈરવી દેવીની સ્થાપના કરી છે. ત્યાંનું સ્વરૂપ પણ અદ્દલ અહીં જેવું જ છે. એ સાથે ગયા ડિસેમ્બરમાં જ વાસુદેવજીએ IT હબ બૅન્ગલોરમાં પણ લિંગભૈરવીદેવીના મંદિરનો શિલાન્યાસ કર્યો છે.
તા.ક. લેખક, તંત્રી કે પ્રકાશનગૃહ આ માન્યતાને વાજબી કે ગેરવાજબી નથી ઠેરવતું. આ લેખ ફક્ત માહિતી પ્રદાન અર્થે લખાયેલો છે.
