જ્ઞાતિવાદ બીજી પણ ઘણી વાતોમાં માઝા મૂકતો થયો છે, જેમાં કેટલીક વાર અત્યારનાં સમાચારપત્રો અને ન્યુઝ ચૅનલ પણ ભૂલ કરી બેસતાં હોય છે
પ્રતીકાત્મક તસવીર
થોડા સમયથી આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ વધારે પડતો ચગવા માંડ્યો છે. અમદાવાદમાં બ્રાહ્મણ કન્યાને જ્ઞાતિ બહાર મુકાવવાનો મુદ્દો આવ્યો હતો ત્યાં ગયા અઠવાડિયે ભાવનગરની એક પટેલ જ્ઞાતિની દીકરીએ પ્રેમલગ્ન કર્યાય એટલે નવેસરથી જ્ઞાતિવિષયક ચર્ચાઓ શરૂ થઈ છે. લોકો જેમ-જેમ આગળ વધતા જાય છે, સાધન-સંપન્ન અને વધારે સુવિધાઓ વાપરતા થયા છે એમ-એમ તેમની માનસિક સંકુચિતતા વધતી જાય છે. જ્ઞાતિના વાડાઓ બહુ પાછળ મુકાઈ ગયા પછી એકવીસમી સદીમાં આટલી નિમ્ન માનસિકતા કેવી રીતે રાખી શકાય, પણ એ રાખવા પાછળનું જો કોઈ કારણ મુખ્ય હોય તો એ છે જ્ઞાતિના બની બેઠેલા નેતાઓ.
સામાન્ય સ્તર પર તમે જુઓ તો માબાપને એ વાતથી ઓછો ફરક પડતો હોય છે કે દીકરી કઈ જ્ઞાતિમાં પરણી રહી છે. હા, જ્ઞાતિ સારી હોય, ઊજળિયાત વર્ગના લોકો હોય એવી અપેક્ષા તો દરેક રાખે, પણ એનાથી આગળની અપેક્ષા શું હોય? એક જ કે દીકરી પરણીને જે ઘરે જાય ત્યાં તે દુખી ન થાય. પિતાના ઘરે તેને જે સુખાકારી મળતી હોય એના કરતાં વધારે સુખ અને ખુશી તે પતિના ઘરે મેળવે. દરેક માતા-પિતાનું આ અંતિમ ધ્યેય હોય છે. પોતાની જ જ્ઞાતિમાં પરણાવ્યા પછી જો છોકરો દીકરીને મારતો હોય, તેના પર અત્યાચાર કરતો હોય, બહાર મોઢું કાળું કરતો હોય અને એ પછી પણ તેને લાંછન ન લાગતું હોય તો એવી સરખી જ્ઞાતિને શું કરવાનું? એના કરતાં તો સારું કહેવાય કે દીકરી કાછિયા સાથે ભાગીને સુખી રહેતી હોય. અડધા રોટલામાં બન્નેનો પ્રેમ પૂર્ણ કળાએ ખીલતો હોય. કહેવાનો ભાવાર્થ એ છે કે આજે જે કોઈ જ્ઞાતિના નામે ઊછળી રહ્યા છે, દેકારો કરી રહ્યા છે એ સૌએ એટલું સમજવું જોઈએ કે હવે જ્ઞાતિ નહીં, કુળ મહત્ત્વનું બની ગયું છે. દીકરો કે દીકરી સારા કુળ સાથે પોતાનું નામ જોડતા હોય તો રાજી થઈને તેમને આવકારવા જોઈએ અને આશીર્વાદ આપવા જોઈએ.
ADVERTISEMENT
જ્ઞાતિવાદ બીજી પણ ઘણી વાતોમાં માઝા મૂકતો થયો છે, જેમાં કેટલીક વાર અત્યારનાં સમાચારપત્રો અને ન્યુઝ ચૅનલ પણ ભૂલ કરી બેસતાં હોય છે. ‘બ્રાહ્મણ’ યુવક, ‘કોળી’ યુવતી, ‘રજપૂત’ પ્રૌઢા જેવા શબ્દપ્રયોગ અવારનવાર વાંચવા મળી જાય. આવું કરવું એ મારે મન તો જ્ઞાતિવાદમાં વિકાર આપવા જેવું છે. સારી વાતમાં આવું કહેવાય તો સમાજને રાજીપો થાય પણ ખરાબ કે પીડિતની વાતમાં આવું કહેવાય-લખાય છે ત્યારે એનાથી નકારાત્મકતા પ્રસરે છે, જે અટકાવવાની જવાબદારી બૌદ્ધિકોની છે. પ્રજા એક વાત મનમાં ઠસાવી લે કે પહેલાં તે ભારતીય છે અને એ પછી તેનો ધર્મ આવે, નહીં કે જ્ઞાતિ. યાદ રહે, આંતરજ્ઞાતીય લગ્નને તો હવે વિજ્ઞાન પણ પ્રોત્સાહન આપે છે.


