શ્રીમદ ભાગવતના યુવા કથાકાર આશિષ વ્યાસ છેલ્લાં ૧૭ વર્ષથી યુવા પેઢીને સાચો માર્ગ ચીંધવાનું કામ કરી રહ્યા છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
મહાભારતના યુદ્ધના પહેલા દિવસે જ્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને ગીતા સંભળાવી ત્યારે એમણે એમનાં પ્રાગટ્યનાં એટલે કે પૃથ્વી પર આવવાનાં ઘણાં બધાં કારણોની અને કાર્યોની ચર્ચા કરી, એમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને એમ કહ્યું કહેવાય, યુગેયુગમાં મારો અવતાર થાય છે, સંભવામિ યુગે યુગે, પરંતુ આ સાંપ્રત સમયમાં કલિયુગ જેવા સંકુચિત યુગમાં ભગવાન જો પ્રત્યેક યુગમાં અવતાર લે તો ભક્તોનાં કામ થાય કેવી રીતે? એટલા માટે એક વિચારકનું સૂત્ર મને બહુ સ્પર્શે છે કે સંભવામિ યુગે યુગે નહીં, હવે કલિયુગમાં સંભવામી ક્ષણે ક્ષણે, પ્રત્યેક ક્ષણે આપણને ઈશ્વરની જરૂર પડે છે અને પ્રત્યેક ક્ષણે ભગવાન કૃષ્ણ પ્રગટે પણ છે.
ક્યાં પ્રગટે છે? કેવી રીતે પ્રગટે છે? કયા રૂપમાં પ્રગટે છે? એનો એક જ જવાબ છે મનુષ્યના મનમાં પ્રગટતા સદ્વિચારો એ જ ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય છે. આ પૃથ્વી પર રહેતા તમામ મનુષ્ય, તમામ જીવસૃષ્ટિના મનમાં જ્યારે કોઈ શુભ સંકલ્પ થાય, સત્ય સંકલ્પ થાય, શિવ સંકલ્પ થાય તો એ ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય છે. બારીકાઈથી જોઈએ તો એ સત્ય પણ છે, સારા સંગમાં એટલે કે સત્સંગમાં રહેતી વ્યક્તિઓ જ્યારે કોઈ પણ કાર્ય કરે ત્યારે એ સત્કાર્ય થઈ જાય, કોઈ પણ વિચાર કરે એ સદ્વિચાર થઈ જાય અને કોઈ પણ કર્મ કરે એ સત્કર્મ થઈ જાય. આવા સત્પુરુષોના માનસમાં અથવા મનમાં જ્યારે કોઈ શુભ વિચાર પ્રગટે તો એ નિશ્ચિત ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય છે.
કોઈ મંદિર બનાવવા માટે, કોઈ પાઠશાળા બનાવવા માટે, કોઈ હૉસ્પિટલ બનાવવા માટે, કોઈ પ્રજાલક્ષી કાર્ય કરવા માટે જ્યારે જે વ્યક્તિના મનમાં પહેલો વિચાર જન્મે તો તેના મનમાં ભગવાન કૃષ્ણનું જ પ્રાગટ્ય થયું ગણાય. પોતાના મનને એવી રીતે ખેડાવવું જોઈએ કે નિત્ય એક નાનો તો નાનો અથવા મોટો તો મોટો એક સદ્વિચાર આપણામાં જન્મવો જોઈએ, જેમ ડોંગરે બાપજી કહેતા કે જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણના પ્રાગટ્યનો ઉત્સવ આપણે સૌ મનાવીએ એ તો સામૂહિક રૂપમાં હોય, પરંતુ હૃદયમાં રોજ નંદ મહોત્સવ મનાવવો જોઈએ. ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થવું જોઈએ. નિત્ય જો આપણા મનમાં કોઈ સારો વિચાર જન્મે તો એ નંદ મહોત્સવ છે.
આપણને સૌને આ વાત દૃઢતાપૂર્વક માનવી જોઈએ કે જ્યારે બીજાના મંગલની ભાવના આપણામાં જન્મે, બીજાના શુભની ચિંતા જ્યારે આપણામાં થાય અથવા બીજાના સુખના વિચારો જ્યારે આપણામાં જન્મે ત્યારે એ ભગવાન કૃષ્ણનું જ પ્રાગટ્ય માની શકાય અને ત્યારે ગાવું જોઈએ નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.

