Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > જે હકનાં નાણાંનો ખોટો અને હરામનાં નાણાંનો સાચો પણ ભાગ ન પાડે એ પ્રામાણિક

જે હકનાં નાણાંનો ખોટો અને હરામનાં નાણાંનો સાચો પણ ભાગ ન પાડે એ પ્રામાણિક

Published : 25 November, 2026 09:47 AM | IST | Mumbai
Morari Bapu

જે વ્યક્તિના નામનું પ્રતિષ્ઠાન હોય તે વ્યક્તિમાં પાંચ સદ્ગુણ હોય તો તે વ્યક્તિ અને પ્રતિષ્ઠાન બન્નેની પ્રતિષ્ઠા જળવાશે. આ પાંચેય શબ્દો ‘૫’ અક્ષરથી શરૂ થાય છે.

મોરારીબાપુ

સત્સંગ

મોરારીબાપુ


પ્રતિષ્ઠાન શબ્દ પ્રતિષ્ઠામાંથી આવ્યો છે એટલે આ શબ્દની સાચા અર્થમાં પ્રતિષ્ઠા થવી જોઈએ. પ્રતિષ્ઠાન પાંચ અક્ષરનો શબ્દ છે અને એટલે મને એવું લાગે કે જે વ્યક્તિના નામનું પ્રતિષ્ઠાન હોય તે વ્યક્તિમાં પાંચ સદ્ગુણ હોય તો તે વ્યક્તિ અને પ્રતિષ્ઠાન બન્નેની પ્રતિષ્ઠા જળવાશે. આ પાંચેય શબ્દો ‘૫’ અક્ષરથી શરૂ થાય છે.

પહેલો શબ્દ છે પ્રામાણિકતા. જે માણસના નામનું પ્રતિષ્ઠાન બને તે માણસ પ્રામાણિક હોય એ પ્રથમ જરૂરિયાત છે. આમ પણ સજ્જનતાની ઇમારત ચણવા માટે પ્રામાણિકતાનો પાયો અનિવાર્ય છે. એક બાળકે તેના પિતાને પૂછ્યું કે પ્રામાણિકતા કોને કહેવાય? ત્યારે બાપ બોલ્યો કે હું અને ફલાણા કાકા બન્ને ભાગીદારીમાં કરિયાણાની દુકાન ચલાવીએ છીએ. ક્યારેક હું એકલો દુકાને બેઠો હોઉં અને કોઈ ગ્રાહક ભૂલથી ૨૦ રૂપિયા વધારે આપીને જતો રહે તો ભાગીદાર આવે ત્યારે તેના ભાગના ૧૦ રૂપિયા આપી દેવા એનું નામ પ્રામાણિકતા છે. દેશકાળ પ્રમાણે કદાચ પ્રામાણિકતાની આવી વ્યાખ્યા થતી હશે, કારણ કે અસંખ્ય કૌભાંડો અસ્તિત્વમાં આવે અને દેશના રક્ષકો જ્યારે રક્ષક મટીને ભક્ષક બને ત્યારે પ્રામાણિકતાની વ્યાખ્યા બદલાતી હશે. બાકી જે નાહકનું કંઈ જ ગ્રહણ ન કરે તે સાચા અર્થમાં પ્રામાણિક છે. જે હકનાં નાણાંનો ખોટો ભાગ ન પાડે અને જે હરામનાં નાણાંનો સાચો ભાગ પણ ન પાડે તે પ્રામાણિક છે. અત્યારે સમાજમાં એવા ઘણા માણસો જોવા મળશે જે પરદુઃખભંજન હશે, પરંતુ પ્રામાણિક નહીં હોય. કોઈને મદદ કરવી એ સારી વાત છે, પણ અનીતિની કમાણીમાંથી દાન કરવું એ પ્રામાણિકતા નથી.



બીજો શબ્દ છે પ્રણમ્યતા. કોઈ પણ વ્યક્તિને જોતાંની સાથે જ તેને વંદન કરવાનું મન થાય તો માનવું કે એ વ્યક્તિમાં પ્રણમ્યતા હાજરાહજૂર છે. આદર ક્યારેય માગવાથી મળતો નથી અને જે આદર માગવાથી મળે એ આદર નથી પણ અપમાન છે. સરકાર તરફથી દેશનાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો માટે વિવિધ પ્રકારનાં સન્માન આપવામાં આવે છે, પરંતુ આ પ્રકારનાં સન્માન માગ્યા વગર મળે તો એની મજા છે, બાકી ઇલકાબ મેળવવા માટે અરજી કરવી પડે, જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે બાયોડેટા આપવો પડે અને આટલું ઓછું હોય એમ લાગતા-વળગતા પાસે ભલામણ કરાવવી પડે અને પછી જે સન્માન મળે એ મારી દૃષ્ટિએ અપમાન કરતાં પણ ભયંકર છે. માણસ જ્યારે મંદિરમાં જાય ત્યારે મોહિની મૂરત જોઈને આપોઆપ નમન થઈ જતું હોય છે. એના માટે મંદિરમાં પૂજારીને શરત રાખવી નથી પડતી કે મંદિરમાં આવનાર માણસે નમન કરવું ફરજિયાત છે. આ રીતે જે વ્યક્તિ માન માગે નહીં છતાં સમાજ તેને માન આપવા લાગે અને તેનો દીદાર થતાં જ વંદન કરવાનું મન થઈ જાય તે વ્યક્તિમાં પ્રણમ્યતા મોજૂદ છે એમ કહી શકાય. અન્ય ત્રણ શબ્દોની વાત આવતા અઠવાડિયે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 09:47 AM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK