આજે મધર્સ ડે નિમિત્તે મિડ-ડેએ વાત કરી કેટલીક એવી વીર માતાઓ સાથે જેમના સપૂતે દેશ માટે, આપણી રક્ષા માટે શહીદી વહોરી. જેમના લાડકવાયા દેશના દુશ્મનો સામે લડતાં-લડતાં જાનની બાજી લગાવી ગયા અને મા, મમ્મી, અમ્મા, આઈ કહેનારા તેમના દીકરાએ કાયમી અલવિદા કહી દીધું
પ્રતીકાત્મક તસવીર
આજે મધર્સ ડે નિમિત્તે મિડ-ડેએ વાત કરી કેટલીક એવી વીર માતાઓ સાથે જેમના સપૂતે દેશ માટે, આપણી રક્ષા માટે શહીદી વહોરી. જેમના લાડકવાયા દેશના દુશ્મનો સામે લડતાં-લડતાં જાનની બાજી લગાવી ગયા અને મા, મમ્મી, અમ્મા, આઈ કહેનારા તેમના દીકરાએ કાયમી અલવિદા કહી દીધું. તે જવાન જેટલું જ શૌર્ય તે માતામાં પણ છે જેણે હિંમત સાથે દીકરાને સરહદ પર મોકલ્યો. જાણીએ તેમના મનનાં સંવેદનોને.
મારા દીકરાએ પોતાની માતા કરતાં ભારત માતા માટે વધારે વિચાર્યું એનો ગર્વ છે
વિનાયક ગોરેના મમ્મી અને સોશિયલ વર્કર વિકાસ મનહાસ
૧૯૯૫ની ૨૬ સપ્ટેમ્બરે જમ્મુના કુપવાડામાં આતંકવાદીઓનો પ્રતિકાર કરી રહેલા વિનાયક ગોરેને દુશ્મનની ગોળી વાગી અને ત્યાં જ ઢળી પડ્યા. ૩૧ મીડિયમ રેજિમેન્ટના કૅપ્ટન વિનાયક ગોરે ૧૦ દિવસ પહેલાં જ પોતાની બહેનની સગાઈમાં ઘરે જઈને પાછા ફર્યા હતા. ૧૦ દિવસમાં જ દીકરાના નિધનના સમાચાર કઈ માતા સહી શકે? સ્વાભાવિક રીતે કૅપ્ટન વિનાયક ગોરેની મમ્મી માટે પણ આ અસહ્ય હતું; પરંતુ તેમને એક વસ્તુની ખબર હતી કે શહીદની મા નબળી ન હોય, સ્ટ્રૉન્ગ જ હોય. અનુરાધા ગોરે કહે છે, ‘મને અત્યારે એવું લાગતું જ નથી કે મારો દીકરો ગયો છે. કદાચ સદેહે જઈને પણ મને એક મકસદ આપીને ગયો છે. મારે તેનું અધૂરું કામ પૂરું કરવાનું છે.’
ટીચર તરીકે સક્રિય રહેલાં અનુરાધાજીનાં દીકરાના ગયા પછીનાં છેલ્લાં પચ્ચીસ વર્ષમાં ઇન્ડિયન આર્મીને લગતાં લગભગ ૩૬ જેટલાં પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. તેઓ કહે છે, ‘તે જન્મ્યો ત્યારથી તેને આર્મીમાં જ જવું હતું. ઘરમાં દૂર-દૂર સુધી કોઈ આર્મીમાં નહોતું છતાં તેને આર્મીમાં જવું હતું. સ્કૂલમાં જતાં પહેલાં તે વ્યાયામશાળામાં જતો થઈ ગયો હતો. ફુટબૉલ રમતો, હૉકી રમતો, સાઇક્લિંગ કરતો, સ્વિમિંગ કરતો. મને યાદ છે કે હું જ્યારે તેને લઈને માર્કેટમાં જતી ત્યારે મારા વાળ લાંબા હતા તો મારો હાથ પકડવાને બદલે મારી ચોટી પકડીને ચાલતો. દીકરાની વિદાય પછી અમને ખૂબ માનસન્માન મળ્યું. મને બસ એટલી ખબર છે કે મારા દીકરાએ પોતાની માતા કરતાં ભારત માતાને પ્રાધાન્ય આપ્યું. હું દરેક માતાને એ જ કહીશ કે તમારાં સંતાનોને દેશપ્રેમ જરૂર વારસામાં આપજો.’
દીકરાને કહ્યું હતું કે તારે કોઈ કામ અધૂરું નહીં મૂકવાનું અને તે શહીદ થતાં પહેલાં બે આતંકવાદીઓને ઠાર કરીને ગયો
કૌસ્તુભ રાણેના પેરન્ટ્સ
શ્રીનગરથી લગભગ ૧૨૫ કિલોમીટર દૂર આવેલા બાંદીપોરા ડિસ્ટ્રિક્ટમાં ગુરેઝ નામના ખીણવાળા પ્રદેશમાં આતંકવાદી હિલચાલો પર નજર રાખવા પહાડી એરિયામાં આર્મી પોસ્ટ હતી. ઉનાળામાં પણ બરફથી આચ્છાદિત પર્વતની ટોચ પર છઠ્ઠી ઑગસ્ટે પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીરમાંથી થઈ રહેલી શંકાસ્પદ હિલચાલોનો તાગ મેળવીને મેજર કૌસ્તુભે પોતાના અન્ય સિપાહીઓ સાથે અલર્ટ થઈને તપાસ કરી. ગોળીબારી થઈ. બે આતંકવાદીઓ ઠાર થયા, પણ સાથે મેજર કૌસ્તુભ અને તેમની સાથેના જવાનોને ગોળી વાગી અને તેઓ સારવાર મળે એ પહેલાં જ શહીદ થઈ ગયા. કૌસ્તુભ રાણે પછી તેમની પત્નીએ આર્મી જૉઇન કરી છે. કૌસ્તુભની વાત કરતાં હવે જ્યોતિ રાણેના અવાજમાં ગર્વ છે જે એક આર્મી ઑફિસરની માતાના અવાજમાં હોવો જોઈએ. જોકે દીકરાની ગેરહાજરીનો ખાલીપો ક્યારેય ભરાવાનો નથી એ પણ તેમને ખબર જ છે. તેઓ કહે છે, ‘કૌસ્તુભ તો ગયો, પરંતુ કૌસ્તુભના મિત્રો આજે પણ મારા સંપર્કમાં છે. ૨૯ વર્ષની વયે દીકરાની વિદાય વસમી હોય, પરંતુ જ્યારે ખબર હોય કે દીકરો તો દેશની રક્ષા માટે ગયો ત્યારે દૃષ્ટિકોણ પણ બદલાઈ જતો હોય છે. અત્યારે જે વાતાવરણ છે એમાં મને દેશની તમામ એ માતાઓ જેવી સંવેદના જાગતી હોય છે જેમના દીકરા મિલિટરીમાં છે. એક પણ જવાન શહીદ થાય ત્યારે એની પીડા મને થતી હોય છે. આપણે હિંમત રાખવાની છે અને હિંમતથી ટકી રહેવાનું છે. કૌસ્તુભનો વિચાર કરું છું ત્યારે પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું કે આ સપૂતે મારી કૂખે જનમ લીધો. નાનપણથી જ તે એટલો ફોકસ્ડ હતો. અમારા પરિવારમાં ક્યાંય આ પ્રકારનો માહોલ નહોતો છતાં તેને કેવી રીતે આર્મીમાં જવાનું સૂઝ્યું ખબર નથી. મને યાદ છે કે હું અને તેના પપ્પા કહેતાં કે કોઈ પણ કામ અધૂરું નહીં મૂકવાનું. તેને જે કરવું હોય એ કરવા માટે અમે તેને પ્રોત્સાહિત કરતાં. હું થોડીક કડક હતી. મેં કૌસ્તુભને પૂછ્યું પણ હતું કે હું વધુપડતી હાર્શ તો નથી રહીને તારી સાથે અને તેણે કહ્યું હતું કે આઈ, તું પર્ફેક્ટ છે. જોકે મારા દીકરાએ પણ કોઈ કામ અધૂરું ન છોડ્યું. જતાં-જતાં પણ બે આંતકવાદીઓને ઠાર કરીને ગયો. ખૂબ પ્રાઉડ છે અમને.’
પચીસ વર્ષ પહેલાં કુપવાડામાં શહીદ થયેલા દીકરાને સ્મૃતિમાંથી કોઈ નહીં હટાવી શકે
કૅપ્ટન આર. સુબ્રમણ્યમ પેરન્ટ્સ સાથે
ગોરેગામમાં જન્મેલા કૅપ્ટન સુબ્રમણ્યમ પોતાના પેરન્ટ્સની પચીસમી વર્ષગાંઠ મનાવીને પાછા ફરેલા. ૨૦૦૦ની ૧૮ જૂને સુબ્રમણ્યમ કાશ્મીરના કુપવાડા ડિસ્ટ્રિક્ટમાં આતંકવાદીઓ વિરુદ્ધ મિલિટરી ઑપરેશન દરમ્યાન પોતાની સાથે રહેલા જવાનોને બચાવવા આતંકવાદીઓ પર ગોળી વરસાવી રહ્યા હતા. એમાં બે આંતકવાદીઓ ઠાર પણ થયા, પરંતુ એ વખતે તેમને પણ ગોળી વાગી. જોકે એની વચ્ચે પણ ફાયરિંગ ચાલુ રહ્યું. ત્રીજા આતંકવાદીને પણ ઠાર કર્યા પછી ઘણી ગોળીઓ વાગવાથી તેઓ ત્યાં જ ઢળી પડ્યા અને શહીદ થયા. સ્વાભાવિક રીતે પેરન્ટ્સ માટે આ સમાચાર અનપેક્ષિત અને અસ્વીકાર્ય જેવા હતા. આજે પણ કૅપ્ટન આર. સુબ્રમણ્યમનાં મમ્મી શુભલક્ષ્મી એ ક્ષણ વિશે વાત કરતાં રડી પડે છે. તેઓ કહે છે, ‘રાષ્ટ્ર માટે પ્રેમ છે અને દેશની રક્ષા માટે દીકરાની ઇચ્છાને માન્ય રાખીને સોંપી દીધો, પણ તેનું ક્યારેય પાછા ન આવવાનું દુખ હંમેશાં રહેશે. મને ખરેખર લાગે છે કે આજે સરકાર જે પગલાં લઈ રહી છે અને આંતકવાદીઓને ખદેડવા માટે કડક પગલાં લઈ રહી છે એ આજથી પચ્ચીસ વર્ષ પહેલાં લેવાયાં હોત તો કેટલાય પરિવારના સપૂતોને બચાવી શકાયા હોત.’
આજે પણ આ પરિવાર પોતાના દીકરાના જન્મદિવસે અનાથ બાળકોને તેમની ભાવતી વાનગીઓ જમાડે છે. દીકરાના ગયા પછી દીકરાની સ્મૃતિમાં શિક્ષણ અને સમાજકલ્યાણનાં કાર્યો કરતો આ પરિવાર કહે છે, ‘દીકરાએ દેશ માટે બલિદાન આપ્યું એના માટે પ્રાઉડ છે, પરંતુ એનાથી તેની ગેરહાજરીની પીડા ઓછી નથી થતી. મમ્મી સાથે તેનું ખૂબ જ સારું બૉન્ડિંગ હતું અને પોતાની બધી જ વાતો મમ્મી સાથે શૅર કરતો. બાવીસ વર્ષ એ તેની જવાની ઉંમર તો નહોતી જ. તેની કમીનું વર્ણન કરવા માટે શબ્દ નથી.’

