Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > માતૃ નવમીથી સર્વપિતૃ અમાસ સુધી: પિતૃપક્ષની કઈ તિથિએ કોનું શ્રાદ્ધ કરવું?

માતૃ નવમીથી સર્વપિતૃ અમાસ સુધી: પિતૃપક્ષની કઈ તિથિએ કોનું શ્રાદ્ધ કરવું?

Published : 26 September, 2026 01:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Pitru Paksha 2026: હિંદુ ધર્મમાં શ્રાદ્ધ પક્ષનું અત્યંત વિશેષ અને પવિત્ર મહત્વ; પૂર્વજો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ચોક્કસ તિથિઓ અનુસાર શ્રાદ્ધ વિધિ, તર્પણ અને પિંડદાન કરવાનો શાસ્ત્રોમાં નિર્દેશ આપવામાં આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


વૈદિક પંચાંગ અનુસાર, વર્ષ ૨૦૨૬માં પિતૃપક્ષનો પ્રારંભ ૨૬ સપ્ટેમ્બરથી થઈ ચૂક્યો છે અને તેનું ભાવપૂર્વક સમાપન ૧૦ ઓક્ટોબરના રોજ સર્વપિતૃ અમાસના દિવસે થશે. હિંદુ ધર્મ અને સનાતન પરંપરામાં પિતૃપક્ષ (Pitru Paksha 2026)નું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. આ ૧૫ દિવસો દરમિયાન પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવાની પવિત્ર પરંપરા છે. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, પિતૃપક્ષમાં વિધિવત શ્રાદ્ધ કરવાથી પૂર્વજોના અમીદ્રષ્ટિ અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જેનાથી પરિવારમાં સુખ-શાંતિ આવે છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.

શાસ્ત્રો મુજબ, પિતૃપક્ષ દરમિયાન મૃતકનું શ્રાદ્ધ સામાન્ય રીતે તે જ તિથિએ કરવામાં આવે છે, જે તિથિએ તેમનું અવસાન થયું હોય. પરંતુ કેટલીક વિશેષ પરિસ્થિતિઓ અને ખાસ વ્યક્તિઓ માટે શાસ્ત્રોમાં અલગ-અલગ તિથિઓ નિર્ધારિત કરવામાં આવી છે.



વર્ષ ૨૦૨૬માં પિતૃ પક્ષની શરૂઆત ૨૬ સપ્ટેમ્બર (પૂર્ણિમા શ્રાદ્ધ)થી થઈને ૧૦ ઓક્ટોબર (સર્વપિત્રી અમાસ) સુધી રહેશે.


તિથિ અનુસાર શ્રાદ્ધ કરવાની વિગતવાર યાદી

પૂનમ શ્રાદ્ધ:


જે પૂર્વજોનું અવસાન પૂનમની તિથિએ થયું હોય, તેમનું શ્રાદ્ધ આ દિવસે કરવાનો વિધાન છે. આ દિવસને પ્રોષ્ઠપદી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે.

એકમ (પ્રતિપદા):

એકમના દિવસે મૃત્યુ પામેલા પૂર્વજોનું શ્રાદ્ધ આ તિથિએ થાય છે. આ ઉપરાંત મોસાળ પક્ષના નાના-નાનીનું શ્રાદ્ધ પણ પ્રતિપદા તિથિએ જ કરવાનો વિશિષ્ટ નિયમ છે.

બીજ, ત્રીજ અને ચોથ:

જે પૂર્વજોનું અવસાન આમાંથી કોઈપણ તિથિએ થયું હોય, તેમનું તર્પણ અને શ્રાદ્ધ સંબંધિત તિથિએ જ કરવામાં આવે છે.

પાંચમ (પંચમી):

જે વ્યક્તિઓનું મૃત્યુ અવિવાહિત (કુવારા) અવસ્થામાં થયું હોય, તેમનું શ્રાદ્ધ પંચમી તિથિ પર કરવામાં આવે છે.

છઠ, સાતમ અને આઠમ:

આ તિથિઓએ મૃત્યુ પામેલા લોકોનું શ્રાદ્ધ અનુક્રમે છઠ, સાતમ કે આઠમના દિવસે થાય છે.

નોમ (માતૃ નવમી):

નવમી તિથિના શ્રાદ્ધને શાસ્ત્રોમાં `માતૃ નવમી` કહેવામાં આવે છે. જો કોઈ સુહાગન મહિલા (જેમ કે માતા, દાદી કે નાની)નું અવસાન પતિના હયાતીમાં થયું હોય, તો તેમનું શ્રાદ્ધ માતૃ નવમીના દિવસે જ કરવું અત્યંત શુભ અને ફળદાયી ગણાય છે.

દશમ અને અગિયારસ:

આ તિથિઓએ અવસાન પામેલા પૂર્વજોનું શ્રાદ્ધ તે જ દિવસે સંપન્ન કરવામાં આવે છે.

બારસ (દ્વાદશી):

બારસના દિવસે મૃત્યુ પામેલા લોકો ઉપરાંત જે પૂર્વજોએ પોતાના જીવનમાં સંન્યાસ લીધો હોય, તેમનું શ્રાદ્ધ વિશેષ રૂપે દ્વાદશી તિથિએ જ થાય છે.

તેરસ (ત્રયોદશી):

ખૂબ જ નાની ઉંમરમાં મૃત્યુ પામેલા બાળકોનું શ્રાદ્ધ ત્રયોદશી તિથિએ કરવાનો વિધાન છે.

ચૌદશ (ચતુર્દશી):

આ તિથિએ એવા લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેઓનું અકાળ મૃત્યુ (જેમ કે અકસ્માત, શસ્ત્રઘાત કે આકસ્મિક રીતે) થયું હોય. સામાન્ય સંજોગોમાં મૃત્યુ પામેલા લોકોનું શ્રાદ્ધ આ દિવસે કરાતું નથી.

સર્વપિતૃ અમાસ:

આ પિતૃપક્ષનો અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. જો પૂર્વજોની મૃત્યુ તિથિ યાદ ન હોય અથવા કોઈ કારણસર નિર્ધારિત તિથિએ શ્રાદ્ધ ન થઈ શક્યું હોય, તો સર્વપિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકાય છે.

 

(ખાસ નોંધઃ આ લેખમાં દર્શાવવામાં આવેલા ઉપાયો, લાભો, સલાહ અને માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. `ગુજરાતી મિડ-ડે` આ ફીચરમાં રજૂ કરાયેલા દાવાઓની પુષ્ટિ કે સમર્થન કરતું નથી. આ વિગતો જ્યોતિષીઓ, પંચાંગ, ધાર્મિક પ્રવચનો, પરંપરાગત માન્યતાઓ, શાસ્ત્રો અને પૌરાણિક કથાઓ સહિત વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરવામાં આવી છે. વાચકોને વિનંતી છે કે તેઓ આ માહિતીને અંતિમ સત્ય કે સત્તાવાર દાવો ન ગણે અને પોતાના વિવેક તેમજ બુદ્ધિનો ઉપયોગ કરે. `ગુજરાતી મિડ-ડે` અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી અને વાચકોને આવી માહિતી પ્રત્યે જાગરૂકતા અને સમજણ કેળવવા માટે પ્રોત્સાહિત કરે છે.)

Whatsapp-channel Whatsapp-channel

26 September, 2026 01:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK