અંબરસરની આ પવિત્ર ધરતી પર જ શ્રી રામ-લક્ષ્મણના ઘોડાને તેમના પુત્રોએ એક ઝાડ સાથે બાંધ્યો હતો, એ સ્થળ એટલે અહીંનું દુર્ગ્યાણા મંદિર
રામતીરથ મંદિર.
રામાયણ મહાકાવ્ય અનુસાર અમ્રિતસરની ભૂમિ પર મહર્ષિ વાલ્મીકિનો આશ્રમ હતો અને સીતામાતાએ લવ અને કુશને અહીં જ જન્મ આપ્યો હતો જે રામતીરથ કે વાલ્મીકિ તીર્થસ્થળ નામે ઓળખાય છે. એ ઉપરાંત અંબરસરની આ પવિત્ર ધરતી પર જ શ્રી રામ-લક્ષ્મણના ઘોડાને તેમના પુત્રોએ એક ઝાડ સાથે બાંધ્યો હતો, એ સ્થળ એટલે અહીંનું દુર્ગ્યાણા મંદિર
વેદિક પરંપરામાં ચૈત્ર મહિનો અત્યંત પવિત્ર અને મહત્ત્વનો માસ ગણાય છે. ગૂઢીપાડવાથી હિન્દુ નવા વર્ષની શરૂઆત થાય છે. એ સાથે જ શક્તિ પર્વ ચૈત્રી નવરાત્રિનાં પણ મંગલાચરણ થાય છે. ઉપરાંત ચૈત્ર સુદ એકમની મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે પરમપિતા બ્રહ્માજીએ આ દિવસથી જ બ્રહ્માંડનું નિર્માણ શરૂ કર્યું હતું. બ્રહ્માજી, શક્તિ સ્વરૂપા દેવી ઉપરાંત આ મહિનામાં વિષ્ણુજીનું પણ અદકેરું મહત્ત્વ છે. ચૈત્રમાં જ વિષ્ણુ ભગવાને મત્સ્ય રૂપે અવતાર લીધો હતો અને આ જ મહિનાની ઊજળી નોમે વિષ્ણુજી મર્યાદા પુરુષોત્તમ રામ રૂપે રાજા દશરથના પુત્ર બની અવનિ ઉપર અવતર્યા હતા એટલું જ નહીં, જૈન ધર્મના અંતિમ તીર્થંકર અને જૈન સંઘના સ્થાપક મહાવીર સ્વામીનો જન્મ પણ ચૈત્ર મહિનામાં જ છે. તો પરમવીર હનુમાનજીનો બર્થ-ડે પણ ચૈત્રી પૂનમે આવે છે. આ સર્વે શુભ ઘટનાઓ ચૈત્રમાં હોવાથી ચૈત્ર માસ અત્યંત શુભ માસ બની જાય છે.
ADVERTISEMENT
રામતીરથમાં આવેલું વાલ્મીકિ મંદિર.
એમાંય આજે આ મન્થનો વન ઑફ ધ પાયસ ડે રામનવમી છે. વાહ!
સો, સર્વે તીર્થાટન પ્રેમીઓ, ‘મિડ-ડે’ આજે એ સ્થળની માનસ યાત્રા કરાવશે જે રામજી, સીતાજી, લક્ષ્મણજી, લવ-કુશ તથા ગુરુ મહર્ષિ વાલ્મીકિના વસવાટથી, પગલાંથી પાવન થયું છે, જાગૃત થયું છે. લેટ્સ ગો ટુ અમ્રિતસર.
lll
સરહદી શહેર અમ્રિતસર દુનિયાભરના ટ્રાવેલર્સ, સિખધર્મીઓ, સ્વાદશોખીનો, હિસ્ટોરિયન્સમાં ઘણું ફેમસ છે. અહીં સિખ પરંપરાનું સૌથી મહત્ત્વનું ગુરદ્વારા છે જે ગોલ્ડન ટેમ્પલ તરીકે પ્રખ્યાત છે. તો ભારત-પાકિસ્તાનની અટારી સરહદે થતી બીટિંગ રિટ્રીટ સેરેમની કે વાઘા બૉર્ડર પરેડ ભારતીય સહેલાણીઓમાં દેશપ્રેમનો જુવાળ પેદા કરી દે એવી પાવરફુલ છે. હિસ્ટોરિયન્સ જલિયાંવાલા બાગના કાળમુખા હત્યાકાંડની તવારીખથી વાકેફ છે તો અમ્રિતસરી કુલચા, છોલે, પંજાબી લસ્સી સ્વાદશોખીનોને આકર્ષે છે. આ બધાં આકર્ષણ વચ્ચે સહેલાણીઓ રામ તીરથ અને દુર્ગ્યાણા મંદિરને સાઇડલાઇન કરી દે છે. રામ તીરથના પ્રમુખ પૂજારી ‘મિડ-ડે’ને કહે છે, ‘અહીં પંજાબના વિવિધ જિલ્લાઓના ભક્તો દર્શનાર્થે આવે છે. ઉપરાંત બીજા રાજ્યના યાત્રાળુઓ જે ધાર્મિક સ્થાનોની જાત્રા કરવા નીકળ્યા હોય તેઓ આવે છે, બાકી અમ્રિતસર ફરવા આવતાં ટોટલ ટૂરિસ્ટોની સંખ્યાના માત્ર દસથી બાર ટકા લોકો રામજી, વાલ્મીકિજીનાં દર્શન કરે છે.’
વેલ, પૂજારીજીની વ્યથા તો સાચી જ છે. આપણામાંથી અનેક લોકો અમ્રિતસર ફરવા કે કામકાજ અર્થે ગયા જ હશે પરંતુ તેમાંની મોટા ભાગની વ્યક્તિઓએ રામ તીરથ તેમ જ દુર્ગ્યાણા મંદિરે જવાનું અવગણ્યું હશે. કારણ? કદાચ આપણને એ સ્થાનની વિશેષતા ખબર નહીં હોય.
સો, એ તીર્થે જવા પહેલાં રામાયણ કાળમાં ડોકિયું કરી આ સ્થળનો ઇતિહાસ જાણીએ.
રામતીરથમાં આવેલું હનુમાનજીનું જાયન્ટ સ્ટૅચ્યુ.
વનવાસથી આવ્યા બાદ શ્રી રામનો અયોધ્યાના રાજા તરીકે રાજ્યાભિષેક થયો અને સીતામાતા રાજરાણી બન્યાં. થોડા સમય બાદ તેમને ગર્ભ રહ્યો અને એ દરમિયાન અયોધ્યાવાસીઓના મનમાં માતા વિશે વિપરીત વિચારો આવવા લાગ્યા. આ ગાળામાં સીતામાતાને ઋષિઓના આશ્રમમાં જવાનું મન થયું જેથી આશ્રમનાં પવિત્ર સ્પંદનો, શુભ વાતાવરણની અસર તેમનાં ગર્ભસ્થ શિશુઓ પર પડે અને ગર્ભનું સરસ રીતે સંસ્કરણ થાય. પત્નીની ઇચ્છા જાણી લક્ષ્મણજી ભાભીમાને તેમના ગુરુ વાલ્મીકિજીના આશ્રમે મૂકી ગયા. વિદ્વાનો કહે છે કે શ્રી રામને પણ પત્ની સાથે જવાની ઇચ્છા હતી, પરંતુ રાજ્યના કારભારની જવાબદારી હોવાથી તેઓ તેમની સાથે ન ગયા. (અહીં એક વાત ઉમેરવાનું મન થાય છે કે શ્રી રામને ભ્રુગુ ઋષિએ પત્ની વિયોગનો શ્રાપ આપ્યો હતો આથી ગ્રામજનનું મહેણું એ શ્રાપ પાલનનું નિમિત્ત બન્યું.)
lll
કટ ટુ ટુ ડે. એ વાલ્મીકિ આશ્રમ એટલે અમ્રિતસર નજીકનું રામ તીરથ. જોકે અન્ય માન્યતાઓ અનુસાર વાલ્મીકિજીનો આશ્રમ અને લવ-કુશનું જન્મસ્થળ ઉત્તર પ્રદેશના મેરઠ નજીક બાલૈની ગામ છે. તો બીજી માન્યતા કહે છે કે એ સ્થળ આજના છત્તીસગઢ રાજ્યના રાયપુરથી ૮૪ કિલોમીટર દૂર તુરતુરિયા ગામ છે. કોઈક નેપાલના ચિતવન ડિસ્ટ્રિક્ટમાં ત્રિવેણીધામને લવ-કુશની બર્થ પ્લેસ ગણાવે છે અને કોઈક મધ્ય પ્રદેશમાં વહેતી તમસા નદીના કાંઠાના મૈહર તહસીલને લવ-કુશની જન્મભૂમિ ગણે છે.
દુર્ગ્યાણા મંદિર.
ખેર, ઓરિજિનલ એ ભૂમિ કઈ? એ તો વાલ્મીકિ ઋષિ કે સીતામાતા જ કહી શકશે એટલે આપણે એ પંચાતમાં ન પડીએ. આપણે તો ઊપડીએ અમ્રિતસર શહેરથી ૧૧ કિલોમીટર દૂર લોપોકે રોડ પર આવેલા વાલ્મીકિ તીરથ સ્થાને. રામ તીરથ અદ્યતન પરિસર ધરાવતું, કમનીય કમાનયુક્ત પ્રવેશદ્વાર અને સોનેરી જેસલમેર પથ્થરનું આધુનિક જલ મંદિર છે જે વિશાળ જળ સરોવરની મધ્યમાં આવેલું છે. પાંચથી સપ્ત સ્તરીય નવ શિખરો ધરાવતું આ મંદિર દેવાલય કરતાં હવેલી જેવું વધુ દેખાય છે. મંદિરના મોટા સ્ટ્રક્ચરમાં એક મોટા હૉલમાં વાલ્મીકિજીની કાંસ્ય મૂર્તિ છે. વિશાળ લંબચોરસ હૉલ, નકશીદાર કાચનું ઝુમ્મર, માર્બલ ફ્લોરિંગ તેમ જ કાચકામની પિછવાઈ ધરાવતું આ વાલ્મીકિ મંદિર વાલ્મીકિ સમુદાયનું શ્રદ્ધેય ધામ છે. નૂતન મંદિર ૨૦૧૮માં નિર્માણ પામ્યું છે, પરંતુ પ્રશંસનીય વાત છે કે અહીં આવેલાં પ્રાચીન સ્થાનોને જે-તે સ્થિતિમાં જ રહેવા દેવામાં આવ્યાં છે. એને નુકસાન પહોંચાડ્યા વગર રામજી મંદિર, સીતામાતા કુટિયા, લવ-કુશ જન્મસ્થલી, કુઈયાં (કહેવાય છે કે હનુમાનજીએ ખોદ્યું હતું) વગેરે સ્થાનોનાં દર્શન કરી શકાય છે. નવા પરિસરમાં રાધા-કૃષ્ણ, જગન્નાથજી, લક્ષ્મીનારાયણ વગેરે દેવતાઓ બિરાજમાન છે. સંપૂર્ણ સરોવરની ફરતે ૩૦ ફીટ પહોળો પથ બનાવ્યો છે. એના અઢી કિલોમીટરના પરિઘમાં સીતામાતા સ્નાન સ્થળ, સીતા રસોઈ, લવ-કુશ પાઠશાલા અને વાલ્મીકિજીની તપસ્યા સ્થલી, કુશા કુટિયા (જ્યાં કુશામાંથી મહર્ષિએ કુશને પ્રગટ કર્યા હતા) વગેરે છે. અહીંના પૂજારીજી કહે છે, ‘આ સ્થળે ૧૩મી સદીમાં એ સમયના રાજાએ નાનું મંદિર બનાવ્યું હતું અને ઐતિહાસિક નોંધ મુજબ જહાંગીર પણ અહીં આવ્યો હતો અને તેણે પણ નાનું દેવળ બનાવડાવ્યું હતું. એ પછી કાળક્રમે એમાં સુધારાવધારા થતા ગયા અને હાલમાં ઊભેલું સુંદર મંદિર ૨૦૧૮માં તૈયાર થયું છે.’’
સરોવરના પરિક્રમા પથ પર જ એક વિશાળ ઝાડ છે, જેના વિશે કહેવાય છે કે આ જ તરુવરના થડે લવ-કુશે રામ-લક્ષ્મણનો પરાક્રમી ઘોડો બાંધ્યો હતો. જોકે આ દાવો ગળે ઊતરે એવો નથી કારણ કે એ સ્થળ આ મંદિરથી ૧૩ કિલોમીટર દૂર છે ને દુર્ગ્યાણા મંદિર તરીકે જાણીતું છે.
દુર્ગ્યાણા મંદિરમાં લક્ષ્મી-નારાયણની મૂર્તિ.
ઍની વે, મંદિર સવારના સાતથી રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લું રહે છે અને રાત્રે રોશનીમાં એ ઝગમગી ઊઠે છે તો આખો દિવસ સૂર્યનાં તેજસ્વી કિરણો મંદિરનો અભિષેક કરતાં રહે છે. વાલ્મીકિજીનો આશ્રમ, લવ-કુશ જન્મસ્થળ ઓરિજિનલ છે કે નહીં એ વિશે શંકા હોય તો પણ મંદિરની વિઝિટ કરવી વર્થ છે. અમુક પ્રાચીન મૂર્તિઓ અને વિશેષતાઓનાં દર્શન થશે સાથે મૉડર્ન મંદિરની તેજોમય આભાનો અહેસાસ પણ થશે.
રામ તીરથના પરિક્રમા પથની છત પર ગદાધારી કેસરનંદનની વિરાટ પ્રતિમા છે. ૮૦ ફીટની ઊંચાઈની આ પ્રભાવશાળી પ્રતિમાનું બાળકોને બહુ ઍટ્રૅક્શન છે. વર્ષના મુખ્ય તહેવારો ઉપરાત દર કાર્તકી પૂર્ણિમાએ અહીં ચાર દિવસનો મેળો ભરાય છે અને એ સમયમાં મંદિરની આસપાસનો આખો વિસ્તાર જીવંત થઈ ઊઠે છે.
lll
# દુર્ગ્યાણા મંદિર - હરમંદિર સાહિબ ગુરદ્વારાથી દુર્ગ્યાણા મંદિરનું અંતર ફક્ત બે કિલોમીટર છે. ગોલબાગ વિસ્તારમાં આવેલું ગોલ્ડન ટેમ્પલની નાની આવૃત્તિ જેવું આ મંદિર જોઈને અસમંજસમાં મુકાઈ જવાય કે આપણે બે કિલોમીટરનું ચક્કર મારી પાછા ગોલ્ડ ગુરદ્વારામાં તો નથી આવી ગયાને! સ્વર્ણ મંદિર જેવું જ સ્થાપત્ય, શિખરથી લઈ મંદિરની અડધી દીવાલો સોનાથી મઢેલી, નીચેની દીવાલોનું ધવલ આરસપહાણ, ફરતે સરસ સરોવર અને એક બાજુએ વૃક્ષોની હારમાળા ધરાવતું આ મંદિર ૧૯૨૧માં ગુરુ હરસાઈ મલ કપૂરે બનાવડાવ્યું છે. જોકે અમ્રિતસર ગૅઝેટિયરમાં ઉલ્લેખ છે કે ૧૬મી સદીમાં પણ અહીં દેવીદ્વાર હતું અને નાનું મંદિર હતું જ્યાં હિન્દુ ભક્તો દર્શનાર્થે આવતા હતા.
કિંવદંતી અનુસાર સૂર્યદેવના પૌત્ર ઈક્ષ્વાકુએ આ ભૂમિ પર અનેક યજ્ઞો કર્યા છે. એ યજ્ઞોથી ઝંકૃત થયેલી ભૂમિ પરના એક વૃક્ષ સાથે જ લવ-કુશે અશ્વમેધ યજ્ઞની ચુનૌતીવાળો ઘોડો બાંધ્યો હતો. રામ-લક્ષ્મણે કરેલા અશ્વમેધ યજ્ઞની એક નાનકડી કથાનું રીકૅપ કરીએ તો એ કાળની પરંપરા અનુસાર શ્રી રામે પોતાના રાજ્યની શક્તિ અને પ્રભાવ પ્રદર્શિત કરવા અશ્વમેધ યજ્ઞનું આયોજન કર્યું. આ એવું અનુષ્ઠાન છે જેમાં એક તેજસ્વી ઘોડાને સ્વતંત્ર રીતે ઘૂમવા છોડી દેવામાં આવે છે. ઘોડો એના મન પ્રમાણે કોઈ પણ ભૂમિ પર જાય છે. જો કોઈ પ્રદેશના સૈનિકો એ ઘોડાને રોકવાની કે પકડવાની કોશિશ કરે તો એ પ્રદેશના રાજાએ અશ્વના માલિક રાજા સાથે યુદ્ધ કરવું પડે અને જો ઘોડાને રોકટોક વગર ફરવા દેવાય તો એ ભૂમિનું રાજ્ય ઘોડાના માલિક રાજાના પ્રદેશમાં ભેળવી દેવાય. રામ-લક્ષ્મણે આદરેલા અશ્વમેધ યજ્ઞમાં તેમનો સફેદ તેજસ્વી તોખાર લવ અને કુશે દુર્ગ્યાણા મંદિર નજીક આવેલા વૃક્ષ સાથે બાંધી દીધો. ત્યાર બાદ એ ઘોડો પાછો ન ફરતાં રામ-લક્ષ્મણ ત્યાં આવ્યા અને તેમણે લવ-કુશ સાથે યુદ્ધ કર્યું. એ દરમિયાન સીતામાતા તેમ જ વાલ્મીકિ મહર્ષિ એ રામજીને જણાવ્યું કે લવ-કુશ તેમના પુત્રો છે.
માન્યતા અનુસાર દુર્ગ્યાણા મંદિર એ સ્થાન છે એટલે એનું ધાર્મિક મહત્ત્વ અદકેરું છે. અમ્રિતસરના લોહાગઢ દ્વાર નજીક આ મંદિરમાં લક્ષ્મીનારાયણજી, રામ-સીતા મંદિર પણ છે. ૭૦૦ વર્ષ પ્રાચીન આ મંદિરમાં શીતળામાતાનું દેવાલય છે જે સ્થાનિક લોકોમાં લોકપ્રિય છે. આ દેવીમા દુર્ગામાતાનું જ સ્વરૂપ છે. એની ઉપરથી આખા કૉમ્પ્લેક્સને દુર્ગ્યાણા મંદિર નામ મળ્યું છે. જ્યાં લવ-કુશે ઘોડો બાંધ્યો હતો એ પવિત્ર વૃક્ષની પણ ભિન્ન દેરી છે જેની ભક્તો વિશેષ પૂજા કરે છે. ઉપરાંત અહીં શનિદેવ, બડા હનુમાનજી પણ બિરાજમાન છે. પરિસરના પ્રવેશદ્વારમાં આવેલી આઠ કતારબધ્ધ કમાનોને કુબેર દ્વાર, વૈરાગ્ય દ્વાર, ઐશ્વર્ય દ્વાર જેવાં નામો અપાયાં છે. મંદિરની આજુબાજુ મોટું જળ સરોવર છે, જે ચોખ્ખું અને શાતાદાયક છે.
મુંબઈ કે દુનિયાના કોઈ પણ ખૂણેથી અમ્રિતસર ઈઝીલી રીચેબલ છે. આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ હોવા સાથે આ શહેર રેલવેના માધ્યમે પણ દેશના દરેક મુખ્ય શહેરથી જોડાયેલું છે. પંજાબના મુખ્ય શહેરનો દરજ્જો ધરાવતા આ શહેરમાં રહેવાના હજારો ઑપ્શન છે અને જમવાના એથીયે વધુ. જોકે અહીં નૉન-વેજિટેરિયનનો પ્રભાવ વધુ છે છતાં શુદ્ધ શાકાહારી ભોજન પીરસતાં રેસ્ટોરાંઓ, ઠેલાઓ ઓછાં નથી.
ઈન સર્કલ - રામ તીરથમાં એક જગ્યાએ ઈંટોનો ઢગલો પડ્યો રહે છે. એ ઈંટો વડે તમારે જેવું ઘર જોઈતું હોય એના પ્રતીકરૂપે એક-બે માળનું સ્ટ્રક્ચર ઊભું કરવાથી તમારું એવું ઘર બને એવી માન્યતા છે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
દુર્ગ્યાણા મંદિરને સિલ્વર ટેમ્પલ પણ કહેવાય છે, કારણ કે ગર્ભગૃહ તેમ જ મુખ્ય મંદિરનાં દ્વાર શુદ્ધ ચાંદીનાં બનાવવામાં આવ્યાં છે.
રજત મંદિરના દરવાજા ઉપર વિષ્ણુના અવતારો, તેમનાં અન્ય ફેમસ મંદિરો ચાંદીમાં કંડારાયેલાં છે. અહીં મુખ્ય સરોવરમાં સ્નાન કરવાની પરંપરા છે જેના માટે સ્ત્રી-પુરુષો માટે ભિન્ન વ્યવસ્થા છે.
સાંજના સમયે દુર્ગ્યાણા મંદિર ‘દેખતે હી બનતા હૈ’, કારણ કે આખું મંદિર રોશનીથી ઝગમગી ઊઠે છે.

