ઇન્ડિયાની લાર્જેસ્ટ પ્રાઇવેટ હૉસ્પિટલ ચેઇન અપોલોનો છેલ્લાં પાંચ વર્ષનો ૨.૫૭ દરદીઓનો ડેટા સ્ક્રીન કરવામાં આવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
અપોલો હૉસ્પિટલ્સ દ્વારા બહાર પડેલા ‘હેલ્થ ઑફ ધ નેશન ૨૦૨૫’ રિપોર્ટમાં જણાવાયું છે કે લાખો ભારતીયો ગંભીર કહેવાય એવી હેલ્થ કન્ડિશન્સ ધરાવે છે. જેમ કે હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીઝ અને ફૅટી લિવર જેવી તકલીફો ધરાવતા હોવા છતાં અનેક ભારતીયોને એની ખબર પણ નથી. આ રિપોર્ટ માટે લગભગ ૨.૫૭ લાખ લોકોનું સ્ક્રીનિંગ થયું હતું અને એમાંથી ૬૫ ટકા લોકોને ફૅટી લિવર એટલે કે લિવરમાં ચરબી જમા થવાની તકલીફ હતી. આ દરદીઓમાંથી ૮૫ ટકા લોકોએ કદી આલ્કોહોલ લીધો નહોતો. સ્ત્રીઓમાં ડાયાબિટીઝનું પ્રમાણ મેનોપૉઝ પહેલાં ૧૪ ટકા અને મેનોપૉઝ પછી ૪૦ ટકા પ્રમાણ વધ્યું છે. લગભગ ૧૯ ટકા કૉલેજિયનો પ્રી-હાઇપરટેન્સિવ છે એ બતાવે છે કે તેમને કૉલેજની ઉંમરથી જ હાર્ટ ડિસીઝનું જોખમ છે.
ઇન્ડિયાની લાર્જેસ્ટ પ્રાઇવેટ હૉસ્પિટલ ચેઇન અપોલોનો છેલ્લાં પાંચ વર્ષનો ૨.૫૭ દરદીઓનો ડેટા સ્ક્રીન કરવામાં આવ્યો હતો. સ્ક્રીન થયેલા ૨૬ ટકા લોકોમાં હાઈ બ્લડપ્રેશર અને ૨૩ ટકામાં બ્લડ શુગર લેવલ ડાયાબેટિક જેટલું જોવા મળ્યું હતું. આમાંના ઘણા ખરાને કોઈ જ લક્ષણો વર્તાતાં નહોતાં. લક્ષણો હોય તો જ સ્ક્રીનિંગ થાય એવું ભારતીયો માને છે, પરંતુ ૧૪ ટકા કેસમાં દરદીઓ બીજી સમસ્યા લઈને આવ્યા હોય અને તેમને હાઇપરટેન્શન, ડાયાબિટીઝ કે ફૅટી લિવરનું નિદાન થાય છે.

