માત્ર ૧૫ મહિનામાં આ સ્પોર્ટમાં કુલ ૭ મેડલ જીતી ચૂકેલી નાવ્યા કાકુનું સપનું છે ઑલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું
મધદરિયે વિન્ડસર્ફિંગ કરી રહેલી નાવ્યા કાકુ
દક્ષિણ મુંબઈના નેપિયન સી રોડ વિસ્તારમાં રહેતી માત્ર ૧૧ વર્ષની ગુજરાતી ગર્લ નાવ્યા કાકુ પવન અને પાણી પર આધિપત્ય મેળવવાની રમત વિન્ડસર્ફિંગમાં ચૅમ્પિયન છે. સઢવાળા બોર્ડ પર ઊભા રહીને પાણી પર પોતાનું બૅલૅન્સિંગ કરીને પવનને કન્ટ્રોલ કરવાની રમતને વિન્ડસર્ફિંગ કહેવાય છે. જે. બી. પેટિટ હાઈ સ્કૂલ ફૉર ગર્લ્સમાં ભણતી નાવ્યાએ આ રમત પ્રત્યેના ઝનૂનને કારણે વિન્ડસર્ફિંગમાં સાત મેડલ જીતી લીધા છે. આટલા મેડલ્સ તેણે ૧૫ મહિના જેટલા ઓછા સમયગાળામાં જીતીને દેખાડ્યા છે. આ વર્ષે હજી માર્ચ મહિનામાં જ નાવ્યાએ ગોવામાં થયેલી ઑલ ઇન્ડિયા વિન્ડસર્ફિંગ ઍન્ડ કાઇટબોર્ડિંગ ચૅમ્પિયનશિપ ૨૦૨૫માં રેસબોર્ડ અન્ડર-19 ગર્લ્સ કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
નાવ્યાની વિન્ડસર્ફિંગ કરવાની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે માહિતી આપતાં તેનાં મમ્મી હેતલ કહે છે, ‘પેરન્ટ્સ તરીકે અમે અમારાં સંતાનોને હંમેશાં કોઈ પણ એક્સપેન્સિવ વસ્તુ ખરીદીને આપવા કરતાં તેમને નવા-નવા એક્સ્પીરિયન્સ કરાવવા પર વધુ ધ્યાન આપ્યું છે. મને બે દીકરીઓ છે, નાની નાવ્યા અને તેનાથી ત્રણ વર્ષ મોટી વિમોક્ષા. હું ગોવાની ગુજરાતી છું. એટલે જ્યારે પણ વેકેશન હોય તો અમે ગોવામાં સમય પસાર કરીએ. ગોવામાં ઍક્વાસેઇલ નામની કંપની બાળકોને સેફ્ટી એરિયામાં સ્વતંત્ર રીતે સેઇલિંગ કરતાં એટલે કે સઢવાળી નૌકા ચલાવતાં શીખવે છે, એના માધ્યમથી અમે નાવ્યા અને વિમોક્ષા બન્નેને સેઇલિંગ કરતાં શીખવાડ્યું હતું. એ સમયે નાવ્યા ૭ વર્ષની અને વિમોક્ષા ૧૦ વર્ષની હતી. બીજા વર્ષે ફરી અમે ગોવા ગયેલાં એ સમયે ઍક્વાસેઇલમાં વિન્ડસર્ફિંગ પણ હતું. એ શીખવા માટે બાળકની ઓછામાં ઓછી ઉંમર ૧૧ વર્ષની હોવી જોઈએ. નાવ્યાની ઉંમર નાની હતી એટલે અમે મોટી દીકરી વિમોક્ષાની વિન્ડસર્ફિંગના કોર્સની ફી ભરી દીધી. વિમોક્ષાએ વિન્ડસર્ફિંગ ટ્રાય કર્યું, પણ જામ્યું નહીં. બીજી બાજુ નાવ્યાને એ ટ્રાય કરવું હતું. એટલે અમે ત્યાં રિક્વેસ્ટ કરી કે નાવ્યાને એક ચાન્સ આપવામાં આવે. નાવ્યા સ્કૂલમાં સ્વિમિંગ, રનિંગ, બાસ્કેટબૉલમાં ઍક્ટિવ હતી એટલે તેના હેન્ડ-મસલ્સ સ્ટ્રૉન્ગ હતા, જે વિન્ડસર્ફિંગમાં સઢને કન્ટ્રોલ કરવા માટે ખૂબ જરૂરી છે. નાવ્યાએ વિન્ડસર્ફિંગમાં હાથ અજમાવ્યો અને તેને એમાં ખૂબ મજા આવી. તેણે તેની બેઝિક ટ્રેઇનિંગ પૂરી કરી. એ પછી નક્કી કરી લીધું કે તેને આમાં જ આગળ વધવું છે. એટલે આ સ્પોર્ટ તેણે જાતે પસંદ કરી છે.’
ADVERTISEMENT
નાવ્યા તેની બહેન અને મમ્મી-પપ્પા સાથે.
વિન્ડસર્ફિંગમાં નાવ્યા આગળ કઈ રીતે વધી એ વિશે વાત કરતાં હેતલબહેન જણાવે છે, ‘નાવ્યાને વિન્ડસર્ફિંગમાં એટલો રસ જાગ્યો કે તેણે એમાં ઍડ્વાન્સ ટ્રેઇનિંગ લેવાનું નક્કી કર્યું. એ ટ્રેઇનિંગ ક્યાં અને કઈ રીતે મળી શકે એ માટે તેણે ઇન્ટરનેટ પર રિસર્ચ શરૂ કર્યું. એમાં તેને ખબર પડી કે ઇન્ડિયામાં કાત્યા કોએલો નામની ગર્લ છે જે વિન્ડસર્ફિંગ કરતી ટોચની પ્લેયર છે. તેણે ઇન્ટરનૅશનલ લેવલ પર પણ ભારતનું પ્રતિનિધિત્વ કરેલું છે. એ પછીથી નાવ્યાએ તેને સોશ્યલ મીડિયા પર ફૉલો કરવાનું, આર્ટિકલ વાંચવાનું શરૂ કર્યું. ૨૦૨૩ના જાન્યુઆરીમાં સેઇલ ઇન્ડિયા ચૅમ્પિયનશિપ ગિરગામ ચોપાટીમાં થઈ હતી. એમાં ભાગ લેવા માટે કાત્યા આવેલી. એ સમયે નાવ્યા તેને મળી હતી. નાવ્યાએ તેને વિન્ડસર્ફિંગ શીખવાડવા માટે કહેલું. એ સમયે કાત્યાએ તેને કહેલું કે અમે જ્યારે કૅમ્પ કરીશું ત્યારે તને બોલાવીશું. એ પછી ૨૦૨૩ના મે મહિનામાં કાત્યાએ નાવ્યાને ટ્રેઇનિંગ માટે બોલાવી. નાવ્યાની ત્યાં ટ્રેઇનિંગ પૂરી થઈ. એ પછીથી તેણે વિન્ડસર્ફિંગની કૉમ્પિટિશનમાં ભાગ લેવાનું શરૂ કર્યું. એ પછી ફરી ૨૦૨૪માં મુંબઈમાં ગિરગામ ચોપાટી પર સેઇલ ઇન્ડિયાની કૉમ્પિટિશન થઈ. એમાં નાવ્યા રેસબોર્ડ અન્ડર-13 ગર્લ્સ કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને આવી. એ પછીથી તેણે એક પછી એક મેડલ્સ જીતીને અત્યાર સુધીમાં કુલ સાત મેડલ જીતીને દેખાડ્યા છે જેમાં પાંચ ગોલ્ડ અને બે સિલ્વર છે. મુંબઈમાં વિન્ડસર્ફિંગની પ્રૉપર ટ્રેઇનિંગના અભાવે ૨૦૨૪માં આખું વર્ષ નાવ્યાએ ગોવા જઈને પ્રૅક્ટિસ કરી છે. વીક-એન્ડમાં અમે ખાસ તેને પ્રૅક્ટિસ માટે ગોવા લઈ જતાં. નાવ્યા સાથે જે બાળકો કૉમ્પિટિશનમાં ઊતરેલાં તેમને રેગ્યુલર પ્રૅક્ટિસ કરવા મળી છે પણ મારી દીકરીએ ફક્ત વીક-એન્ડ્સમાં પ્રૅક્ટિસ કરીને પણ મેડલ્સ જીત્યા છે.’
વિન્ડસર્ફિંગ ઉપરાંત સેઇલિંગમાં નાવ્યા કાકુએ જીતેલા મેડલ્સ.
સ્કૂલનું ભણવાનું અને વિન્ડસર્ફિંગનું પૅશન આ બન્ને મૅનેજ કરવાનું કામ નાવ્યા કઈ રીતે કરી લે છે એ વિશે વાત કરતાં હેતલબહેન કહે છે, ‘નાવ્યા વહેલી સવારે પાંચથી છ વાગ્યા સુધી વર્કઆઉટ કરે. સવારે તેની સ્કૂલ હોય એટલે બપોરે સવાબે વાગ્યે તે ફ્રી થઈ જાય. હું તેના માટે જમવાનું અને કપડાં લઈ જાઉં એટલે સ્કૂલથી જ અમે સીધા ડ્રાઇવ કરીને ઉરણ પહોંચીએ. યૉટિંગ અસોસિએશન ઑફ મહારાષ્ટ્રના ગાઇડન્સ હેઠળ નાવ્યા અહીં બીચ પર સાડાત્રણથી સાડાછ વાગ્યા સુધી પ્રૅક્ટિસ કરે. એટલે ઘરે પહોંચતાં આઠ વાગી જાય. ઘરે પહોંચીને નાહી, જમીને ભણવાનું પતાવે. અઠવાડિયામાં ત્રણથી ચાર વાર અમે ઉરણ જઈએ. નાવ્યા ભણવામાં પણ હોશિયાર છે. ગયા વર્ષે તેને મૅથ્સ, મરાઠી, અંગ્રેજીમાં બેસ્ટ સ્ટુડન્ટ ઑફ ધ યરનો અવૉર્ડ મળ્યો હતો. નાવ્યામાં ડેડિકેશન બહુ છે. વિન્ડસર્ફિંગનું તેનું જે સેઇલ-બોર્ડ છે એ ઉપાડવાનું, ધોવાનું, સૂકવવાનું બધું જ જાતે કરે. વિન્ડસર્ફિંગની ચૅમ્પિયનશિપ હોય ત્યારે ચાર દિવસની ઇવેન્ટ હોય. એમાં ૧૨ જેટલી રેસ થાય. એટલે બાળકોએ પાંચ કલાક સુધી એકધારું પાણીમાં રહેવું પડે. આ ગેમમાં રિસ્ક પણ છે. એમ છતાં મારી દીકરીને એ ગમે છે એટલે કરે છે.’
નાવ્યાને આગળ વધારવામાં ફૅમિલીનો પણ ઘણો સપોર્ટ મળ્યો છે. એ વિશે વાત કરતાં હેતલબહેન કહે છે, ‘નાવ્યાને સૌથી મોટો કોઈનો સપોર્ટ હોય તો એ તેની મોટી બહેન વિમોક્ષાનો છે. મારો મોટા ભાગનો સમય નાવ્યાની પ્રૅક્ટિસ, કૉમ્પિટિશન એ બધા પાછળ જ જાય છે. ઉરણમાં તો નાવ્યાની પ્રૅક્ટિસ થાય જ છે, પણ એક્સપર્ટ હેલ્પ માટે અમારે ગોવા જવું પડે. ગોવા બીચ સ્પોર્ટ્સ ઍકૅડેમીમાંથી તે ટ્રેઇનિંગ લે છે એટલે રજાના દિવસો પણ નાવ્યા પાછળ જ ખર્ચાઈ જાય છે. મોટી દીકરી માટે એટલો સમય બચતો નથી. તેમ છતાં તે કોઈ દિવસ ફરિયાદ કરતી નથી. તેની સ્કૂલમાં પણ નાવ્યાની જ વાતો થતી હોય. તેમ છતાં તેના મનમાં એવી કોઈ ઈર્ષાની ભાવના નથી. તે હંમેશાં નાવ્યાને પ્રોત્સાહન જ આપતી હોય છે. મારા હસબન્ડ નીરવનું ITનું કામકાજ છે. હું નાવ્યા સાથે ટ્રાવેલિંગ કરતી હોઉં ત્યારે ઑફિસની સાથે ઘરની અને વિમોક્ષાની જવાબદારી તેમના પર જ હોય છે. નાવ્યાનું સપનું ઑલિમ્પિક્સમાં જઈને ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે. એ માટે તે ખૂબ જ મહેનત કરી રહી છે અને અમારો પણ તેને ફુલ સપોર્ટ છે. જોકે આ સ્પોર્ટનો ખર્ચ લાખોમાં છે. ઉપરથી મુંબઈમાં વિન્ડસર્ફિંગ માટે પ્રૉપર ફૅસિલિટીનો અભાવ છે એટલે આ દિશામાં અમે સરકાર પાસેથી સપોર્ટની આશા રાખીએ છીએ.’

