૯ તારીખે થયેલી ભાગદોડ વિશે એક સાધુએ એવી માહિતી આપી કે ૧૫-૨૦ યુવાનોનું એક ટોળું હોહા કરતું આવ્યું અને બૅરિકેડ્સ તૂટ્યાં.
શુભ મેળો-કુંભ મેળો
કુંભ મેળો
૨૯ તારીખે થયેલી ભાગદોડ વિશે એક સાધુએ એવી માહિતી આપી કે ૧૫-૨૦ યુવાનોનું એક ટોળું હોહા કરતું આવ્યું અને બૅરિકેડ્સ તૂટ્યાં. હવે આ ઘટના ખરેખર કેવી રીતે બની એની તપાસ શરૂ થઈ ગઈ છે અને અહેવાલ આવશે.
પરંતુ યુવાનો આવી યાત્રા કરી શકે કે કેમ? તીર્થયાત્રા અને આવી કોઈ હાઇ-ફાઇ યાત્રા કરવી હોય એ માટેના નિયમો હોઈ શકે કે કેમ? એવા અનેક પ્રશ્નો મનમાં સતાવતા હતા ત્યારે જ્યોતિષ અને વિજ્ઞાનને સાથે રાખીને ચાલતા, અમદાવાદમાં નિ:શુલ્ક જ્યોતિષના ક્લાસ ચલાવતા પ્રસિદ્ધ જ્યોતિષશાસ્ત્રી આશિષ રાવલને ફોન કર્યો.
ADVERTISEMENT
મેં પ્રશ્ન પૂછ્યો. આ મુહૂર્ત સાચવવાની વિમાસણમાં લોકો એક જ દિવસે સ્નાન કરવા દોડધામ કરે, ધક્કામુક્કી કરે. જીવલેણ ઘટનાઓ બને એનો કોઈ ઉપાય? શું આ દિવસે જ સ્નાનનું વધુ મહત્ત્વ હોય છે?
તેમણે એક પછી એક જવાબ આપતાં કહ્યું એ સહુ કોઈએ ધ્યાનમાં રાખવા જેવું છે. તેઓ કહે છે કે ‘સૌથી પ્રાચીન એવા બ્રહ્મપુરાણ અનુસાર કુંભયાત્રા કે તીર્થયાત્રાના પણ અમુક નિયમો હોય છે જેનું હવે ચોકસાઈપૂર્વક પાલન નથી થતું. ગ્રહોની સ્થિતિ અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મૌની અમાવાસ્યાએ કુંભસ્નાન કરવાનું મહત્ત્વ તો અનેરું છે જ એમાં ના નહીં, પણ કોના માટે આ સ્નાન વધુ જરૂરી છે એ સમજવું જોઈએ. સૌપ્રથમ તો જેણે સંસાર છોડ્યો છે એવા સાધુસંતો, સંન્યાસીઓ, ત્યાર બાદ જેઓ સંસાર છોડવાની ઇચ્છા ધરાવે છે તેઓ, ત્યાર બાદ વાનપ્રસ્થ અવસ્થાએે પહોંચેલા અર્થાત્ એકાવન કે એથી વધુ વર્ષના લોકો અને ત્યાર બાદ યુવાનોને સ્થાન મળવું જોઈએ.’
વાત તો સાચી છે. કુંભમેળાને પિકનિક સ્પૉટ સમજીને યુવાનોના ઘોડાપૂર જે રીતે ઊમટે છે એમાં ભીડ વધી જાય છે અને તીર્થસ્નાનના અસલી હકદારો વંચિત રહી જાય એવું પણ બને છે. યુવાનો કે જેમણે હજી પરણવાનું બાકી છે કે ગ્રહસ્થાશ્રમ પ્રવેશ બાકી છે તેમના માટે પણ આ યાત્રા જરૂરી નથી. થોડું વધુ સંશોધન કરતાં એવું પણ જાણવા મળ્યું કે પતિ -પત્નીએ સાથે મળીને તીર્થયાત્રા પર જવું જોઈએ.
આપણે ત્યાં કોઈ પણ ધર્મ-કાર્ય, હવન-યજ્ઞ કે પૂજામાં પણ એકલા બેસવાનો અધિકાર નથી. સજોડે જ આવાં ધાર્મિક કાર્યો કરવાનાં હોય છે. આથી જ પત્નીને સંસ્કૃતમાં સહધર્મચારિણી કહી છે. શિવશક્તિ (પતિ -પત્ની)નો સંયુક્ત પ્રવાસ એ જ કોઈ પણ ધાર્મિક કાર્યો કે યાત્રાની મકસદ હોય છે. ઘણા અપરીણિત યુવાનો પોતાના મિત્રો સાથે કે ઘણા પરીણિત લોકો પણ જીવનસાથી વિના માત્ર પ્રચાર-પ્રસારથી પ્રેરાઈને પિકનિકની જેમ કુંભમેળામાં જાય છે એના પર પ્રતિબંધ મુકાવો જોઈએ.
અરે, મુંબઈમાં જે વૉટર-રિસૉર્ટ હોય છે ત્યાં પણ એકલા પુરુષોને પ્રવેશ નથી હોતો. આવા એકલા પુરુષો છાકટા બની શકે છે, છેડખાની કરી શકે છે, ધમાચકડી મચાવી શકે છે, વાતાવરણ બગાડી શકે છે. તો શક્ય છે કે તીર્થયાત્રાની મજા પણ બગડી શકે છે. જીવનસાથીની સાથે યાત્રા કરતા હોવ ત્યારે મન સંયમમાં રહે છે. આ તીર્થયાત્રા છે. પવિત્ર યાત્રા છે. ઇન્દ્રિય સુખો ત્યાજવાની યાત્રા છે. મન અને વાસના પર નિયંત્રણ મેળવવાની વાત છે. મોક્ષ મેળવવાની વાત છે. કોઈ માથેરાન-ગોવાની હનીમૂન યાત્રા કે સ્કૂલ-કૉલેજની પિકનિક નથી. કુંભયાત્રામાં એકલા યુવાનો કે પરીણિત પુરુષો આવે એનો કોઈ મતલબ કે ફાયદો જ નથી. આપણે ત્યાં વાનપ્રસ્થાશ્રમનો જે કન્સેપ્ટ છે એ મુજબ જેઓ ૫૦ વર્ષ વટાવી ચૂક્યા છે, જેમનાં પુત્ર-પુત્રી લગ્ન કરીને ઠરીઠામ થઈ ગયાં છે તે પતિ-પત્ની સજોડે વનમાં જઈને ધર્મ કાર્યો કરતાં અને સંસારની માયા-જંજાળથી દૂર રહેતાં, મોક્ષની ઇચ્છા રાખતાં.
કુંભયાત્રામાં એવા લોકો પણ આવી શકે છે જે સાધુ કે સાધ્વી તરીકે દીક્ષા લેવાનાં હોય. ટૂંકમાં, ઉપરનાં પરિબળોમાં જે ફિટ થાય તેવા લોકોને જ યાત્રા-પ્રવેશ મળે તો આટલી ભીડ ન થાય. સ્થળની ગરિમા અને પવિત્રતા પણ જળવાય.
(ક્રમશ:)