બે વર્ષ બાદ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે T20 ઇન્ટરનૅશનલ મૅચ
ગઈ કાલે ઇંગ્લૅન્ડના ક્રિકેટરો હૅરી બ્રૂક, બેન ડકેટ, જેમી ઓવર્ટન તથા અન્યો ચર્ચગેટમાં લટાર મારવા નીકળ્યા હતા. (તસવીર : સતેજ શિંદે)
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પાંચ મૅચની T20 સિરીઝની અંતિમ મૅચ આજે બીજી ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ ૩-૧થી આ સિરીઝ જીતી ચૂકી છે, પણ છેલ્લી મૅચ પણ જીતીને ભારતીય ટીમ આગામી વન-ડે સિરીઝ માટે લય જાળવી રાખવાનો પ્રયાસ કરશે. વાનખેડે સ્ટેડિયમમાં ૧૨ વર્ષ બાદ આ બન્ને ટીમ વચ્ચે T20 ફૉર્મેટની મૅચ રમાશે. ડિસેમ્બર ૨૦૧૨માં આ સ્ટેડિયમમાં રમાયેલી T20 મૅચમાં ઇંગ્લૅન્ડે ૬ વિકેટે જીત મેળવી હતી.
મુંબઈના આ પ્રતિષ્ઠિત સ્ટેડિયમમાં ભારતીય ટીમ પાંચમાંથી માત્ર બે મૅચ હારી છે, જ્યારે ઇંગ્લૅન્ડની ટીમ ત્રણમાંથી માત્ર એક T20 મૅચ હારી છે. જાન્યુઆરી ૨૦૨૩ બાદ પહેલી વાર વાનખેડે સ્ટેડિયમમાં T20 ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ રહી છે. આજે સાંજે ૭ વાગ્યાથી મુંબઈના ક્રિકેટ ફૅન્સ વાનખેડે સ્ટેડિયમમાં બે વર્ષ બાદ T20 ઇન્ટરનૅશનલ મૅચનો આનંદ માણશે. છઠ્ઠીથી ૧૨ ફેબ્રુઆરી દરમ્યાન બન્ને ટીમ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમાશે.