Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

અથ શ્રી સોમનાથ કથા

Published : 11 January, 2026 01:12 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ગઝનીએ મંદિરની સંપત્તિ પર પણ આક્રમણ કર્યું અને મંદિરના સોના-ચાંદીના દરવાજા, શિવલિંગને પહેરાવવામાં આવેલાં કીમતી ઝવેરાત, ચંદનના લાકડાના સ્તંભો અને એ સ્તંભ પર લગાડવામાં આવેલા હીરા-માણેક બધું જ લૂંટીને લઈ ગયો.

સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે સોમનાથ મંદિરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.

સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે સોમનાથ મંદિરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.


સોમનાથ મહાદેવ મંદિર પર ૧૦૦૦ વર્ષ પહેલાં મહમૂદ ગઝનીએ હુમલો કર્યો અને સોમનાથ તહસનહસ થઈ ગયું, પણ એ તહસનહસ થયેલા સોમનાથે દરેક તબક્કે ઊભા થવાનો પ્રયાસ કર્યો અને દરેક તબક્કે કોઈ ને કોઈ આક્રમણખોરે આવીને સોમનાથ પર વાર કરવાનું ચાલુ રાખ્યું. જોકે તમામ કાર્યકાળમાં વિજય તો આસ્થા અને શ્રદ્ધાનો જ રહ્યો

ગઝની ગયા પછી હજી તો તે અફઘાનિસ્તાન પણ નહીં પહોંચ્યો હોય ત્યાં જ રાજા ભીમદેવ સોલંકી અને માળવાના રાજા ભોજે સાથે મળીને એ જ સ્થળે ફરીથી પથ્થરનું ભવ્ય મંદિર બનાવવાનું કામ શરૂ કરી દીધું.



ઈસવી સન ૧૭૮૩ની વાત છે. ઔરંગઝેબના ડરથી મૂળ સ્થાન પર મંદિર બનાવવાનું અશક્ય હતું ત્યારે ઇન્દોરનાં મહારાણી અહિલ્યાબાઈ હોળકરે મૂળ મંદિરથી થોડે દૂર નવું મંદિર બનાવ્યું. આ મંદિર આજે પણ સોમનાથમાં ઊભું છે. 


‘સોમનાથની ગાથા માત્ર વિનાશની વાત નથી પણ ભારતમાતાનાં એ અસંખ્ય સંતાનોના શૌર્યની ગાથા છે જેમણે પોતાની સંસ્કૃતિની રક્ષા માટે બલિદાન આપ્યાં.’ આ શબ્દો છે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના. સોમનાથ મહાદેવના મંદિર અને એ મંદિરની જાહોજલાલી વિશે પારાવાર વાતો સાંભળીને અફઘાનિસ્તાનનો બાદશાહ મહમૂદ ગઝની સોમનાથ પર ચડાઈ કરવા હિન્દુસ્તાન આવવા રવાના થયો અને ઈસવી સન ૧૦૨૬માં તેણે સોમનાથ પર ચડાઈ કરી. આ ઘટનાને ૧૦૦૦ વર્ષ ૨૦૨૬માં પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે ભારત સરકાર અને સોમનાથ ટ્રસ્ટ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ઊજવી રહ્યાં છે. આ નિમિતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા વિશેષ બ્લૉગમાં તેમણે લખ્યું છે : જે રીતે સોમનાથ વારંવાર બેઠું થયું એ જ રીતે આજે ભારત પણ સદીઓની ગુલામી અને લૂંટમાંથી બહાર આવીને ‘વિકસિત ભારત’ બનવા તરફ આગળ વધી રહ્યું છે. સોમનાથ આપણને શીખવે છે કે મુશ્કેલીઓ ભલે ગમેતેટલી મોટી હોય, જો આત્મવિશ્વાસ હોય તો પુનરુત્થાન નિશ્ચિત છે.


વડા પ્રધાનના આગમન નિમિત્તે સોમનાથમાં ઠેર-ઠેર ફૂલોની સજાવટ થઈ છે. 


વાતમાં ભારોભાર સચ્ચાઈ છે, કારણ કે સોમનાથ આવનારી પેઢીઓને ભારતની અતૂટ શ્રદ્ધા અને અજેય શક્તિની પ્રેરણા આપવાનું કામ કરે છે. આજે જ્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે એવું માનવું ભૂલભરેલું છે કે મહમૂદ ગઝનીની ચડાઈ પછી સોમનાથ સુરક્ષિત રહ્યું હતું. ના, એવું બિલકુલ નહોતું. સોમનાથ પર વારંવાર ચડાઈઓ થતી રહી અને દરેક ચડાઈ પછી સોમનાથ ઉન્નત મસ્તક સાથે ઊભું રહ્યું. છેલ્લાં એક હજાર વર્ષમાં સોમનાથ પર થયેલી તમામ ચડાઈ વિશે જો જાણવું હોય તો એની શરૂઆત મહમૂદ ગઝનીની ચડાઈથી જ કરવી પડે.

ગઝનીની ચડાઈ

મહમૂદ ગઝનીનું સોમનાથ પરનું આક્રમણ ભારતીય ઇતિહાસની સૌથી પીડાજનક અને એ પછી પણ આસ્થાના પુનરુત્થાનની સૌથી વિરાટ ઘટના ગણાય છે. માંડીની વાત કરીએ તો ૧૦૨પના આરંભકાળમાં મહમૂદ ગઝનીને સોમનાથ વિશે ખબર પડી અને દિવસે-દિવસે એને સોમનાથની ભવ્યતા, આસ્થા અને જાહોજલાલીની વાતો મળતી ગઈ. મહમૂદ ગઝનીના મોઢામાં લાળ આવી અને તેણે નક્કી કર્યું કે તે સોમનાથ પર ચડાઈ કરશે.
ઈસવી સન ૧૦૨પના અંત ભાગમાં ગઝનીએ અફઘાનિસ્તાનથી પ્રયાણ કર્યું અને જાન્યુઆરી મહિનામાં એટલે કે ૧૦૨૬ના આરંભમાં તે સોમનાથ પહોંચ્યો. ગઝનીના મનમાં બે હેતુ ક્લિયર હતા. એક તો સોમનાથ મંદિરની અઢળક સંપત્તિ લૂંટવી અને બીજો હેતુ, સનાતન ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડી ઇસ્લામનો પ્રચાર કરવો.
મહમૂદ ગઝની પોતાની સાથે ૩૦,૦૦૦થી વધુ ઘોડેસવારો અને પ૦,૦૦૦થી મોટું પાયદળ લઈને મુલતાનથી રાજસ્થાનના રણમાર્ગે ગુજરાતમાં દાખલ થયો હતો. પોતાના આ પ્રવાસ દરમ્યાન તેણે વચ્ચે આવતાં અનેક રાજ્યોને પણ તબાહ કર્યાં હતાં. સોમનાથની જે વાતો ગઝનીએ સાંભળી હતી એ જોતાં તેને હતું કે તે કલાકમાં સોમનાથ કબજે કરી લેશે પણ એવું બન્યું નહીં અને ગુજરાતના રાજા ભીમદેવ સોલંકી (પ્રથમ)એ પોતાની સેના સાથે ગઝનીનો સામનો કર્યો, જેમાં આ વિસ્તારના અન્ય પચાસ હજારથી વધારે હિન્દુ યુવાનો પણ સ્વેચ્છાએ જોડાયા. જોકે ગઝનીની વિશાળ અને સજ્જ સેના સામે મંદિરનું રક્ષણ કરવું કઠિન હતું.
ત્રણ દિવસના ભયાનક યુદ્ધ પછી ગઝનીએ મંદિરમાં પ્રવેશ કર્યો અને તેણે મહાદેવના પવિત્ર શિવલિંગને પોતાના હાથે તોડ્યું અને એના ટુકડા કરી પોતાની સાથે લઈ ગયો, કહે છે કે એ શિવલિંગનો ઉપયોગ ગઝનીએ મસ્જિદનાં પગથિયાં બનાવવા માટે કર્યો હતો. આ તો વાત થઈ આસ્થા પરના પ્રહારની. ગઝનીએ મંદિરની સંપત્તિ પર પણ આક્રમણ કર્યું અને મંદિરના સોના-ચાંદીના દરવાજા, શિવલિંગને પહેરાવવામાં આવેલાં કીમતી ઝવેરાત, ચંદનના લાકડાના સ્તંભો અને એ સ્તંભ પર લગાડવામાં આવેલા હીરા-માણેક બધું જ લૂંટીને ગઝની લઈ ગયો. જો ઇતિહાસકારોને ટાંકીને કહેવાનું હોય તો કહેવું પડે કે મંદિરનો આ લૂંટેલો માલ લાદવા માટે ગઝનીને ૨૦ હજાર ઊંટની જરૂર પડી હતી.
આટલાથી પણ એ હરામખોરનું પેટ ભરાયું નહીં એટલે ગઝનીએ મંદિર સળગાવી નાખ્યું ને આખું સોમનાથ સંકુલ એક ખંડેર બની ગયું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બ્લૉગમાં લખ્યું છે : આક્રમણખોરો માનતા હતા કે મંદિર તોડીને તેઓ ભારતનું મનોબળ તોડી નાખશે, પરંતુ તેઓ ખોટા હતા. જેટલી વાર મંદિર પર હુમલો થયો એટલી જ વાર ભારતની પ્રજાએ એને વધુ ભવ્યતા સાથે ફરીથી ઊભું કર્યું. હા, એવું જ થયું.
ગઝની ગયા પછી હજી તો અફઘાનિસ્તાન પણ નહીં પહોંચ્યો હોય ત્યાં જ રાજા ભીમદેવ સોલંકી અને માળવાના રાજા ભોજે સાથે મળીને એ જ સ્થળે ફરીથી પથ્થરનું ભવ્ય મંદિર બનાવવાનું કામ શરૂ કરી દીધું.
મહમૂદ ગઝનીના આ આક્રમણનાં ૧૦૦૦ વર્ષને આજે યાદ કરવામાં આવે છે પણ તમારી જાણ ખાતર, ગઝનીનું આ સોળમું આક્રમણ હતું અને સોમનાથ અન્ય આક્રમણો માટે નવેસરથી તૈયાર થઈ રહ્યું હતું.


ગઈ કાલે નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરની તેમની પહેલાંની મુલાકાતોની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. એક તસવીરમાં તેઓ અટલ બિહારી વાજપેયી સાથે જોવા મળે છે.

ખિલજીનું તાંડવ

દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુઘ ખાને ગુજરાત જીત્યા પછી ખિલજીને જાણ કરી અને ખિલજીએ સંદેશો મોકલ્યો કે સોમનાથ મંદિરને તોડીને પાછા આવો. ખિલજીના સંદેશને માનીને ઈસવી સન ૧૨૯૯માં ઉલુઘ ખાને આગેકૂચ કરી અને રાજા ભીમદેવ દ્વારા બનાવવામાં આવેલા સોમનાથ મંદિર પર ચડાઈ કરી. એ સમયે સોમનાથ મંદિરનું ઐશ્વર્ય પહેલાં કરતાં થોડું ઝંખવાયું ચોક્કસ હતું પણ એમ છતાં મંદિર પાસે નવેસરથી સંપત્તિ ઊભી થવા માંડી હતી. સ્વેચ્છાએ આખો વિસ્તાર પોતાની આવકમાંથી વીસ ટકા રકમ સોમનાથ મહાદેવને ચડાવતો, જેને લીધે સોમનાથ નવેસરથી સંપત્તિવાન બનવા માંડ્યું હતું.
ખિલજીના સેનાપતિ અને સેનાએ જ્યારે સોમનાથ મંદિર પર હુમલો કર્યો ત્યારે લાઠીના રાજકુમાર હમીરજી ગોહિલ અને ભીલ સરદાર વેગડાજી ભીલે મુઠ્ઠીભેર સૈનિકો સાથે ખિલજીની સેનાનો સામનો કર્યો અને એ ખિલજીની વિશાળ સેનાને પરસેવો છોડાવી દીધો. જોકે પીઠ પાછળ વાર કરવામાં એક્કા એવા આ કાફિરોએ દગાફટકા સાથે હમીરજી પર હુમલો કર્યો અને હમીરજીએ સોમનાથ મહાદેવના મંદિરના ઉંબરે પોતાના પ્રાણની આહુતિ આપી. હમીરજીની બહાદુરી હિન્દુસ્તાન ક્યારેય ભૂલ્યું નથી. આજે પણ સોમનાથ મંદિરના પટાંગણમાં હમીરજીની પ્રતિમા તેમના શૌર્ય અને સાહસની યાદ અપાવતી અડીખમ ઊભી છે, એવી જ રીતે જેવી રીતે એ પ્રતિમાની સામે મહાદેવાલય ઊભું છે.
ખિલજીની સેનાએ મચાવેલા આતંક પછી ફરી મહાદેવ ઊભા થયા અને ઈસવી સન ૧૩૦૮માં જૂનાગઢના રાજા રા’નવઘણે મંદિરનું પુનઃનિર્માણ શરૂ કર્યું જેમાં કાઠિયાવાડ અને ગુજરાતના અન્ય રાજવીઓ પણ જોડાયા. જોકે એ પછી પણ સોમનાથ મહાદેવે હજી એક વજ્રાઘાત જોવાનો બાકી હતો.


૧૯૪૭માં સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથના પુનઃનિર્માણની હાથમાં જળ લઈને પ્રતિજ્ઞા લીધી હતી એ ક્ષણ. 

વાર સુલતાનનો

ઈસવી સન ૧૩૯પમાં ગુજરાતના જ સુલતાન ઝફર ખાને મંદિર તોડ્યું અને એ સમયે તેણે ફરી એક વાર મંદિરની તમામ સંપત્તિ લૂંટી લીધી. નવેસરથી મંદિરનિર્માણનું કામ શરૂ થયું અને આ વખતે આજુબાજુનાં ગામના લોકોએ સાથે મળીને મંદિરનું નિર્માણ શરૂ કર્યું. જોકે મહાદેવ ફરી પોતાના ઐશ્વર્ય પર પહોંચે એ પહેલાં ૧૪પ૧‍માં મહમૂદ બેગડાએ સોમનાથ પર હુમલો કરીને મંદિરની પવિત્રતા ખંડિત કરવાનો પ્રયાસ કર્યો. મહમૂદ બેગડાએ મંદિરમાં તોડફોડ કરી અને સાથોસાથ મંદિરની પૂજનવિધિ સંભાળતા બ્રાહ્મણો અને મહાદેવ ભક્તોની આજના પ્રભાસ પાટણના પાદરે હત્યા કરી.
હવે જે વાર આવવાનો હતો એની અસર લાંબા સમય સુધી અકબંધ રહેવાની હતી.

આક્રમણ ઔરંગઝેબનું

ઈસવી સન ૧૭૦૬ની વાત છે. મુગલ બાદશાહ ઔરંગઝેબે સોમનાથની આસ્થા અને મહાદેવના હાજરાહજૂરપણાની વાતો સાંભળીને મંદિર તોડવાનો આદેશ આપી દીધો. એ સમયે મંદિરને એવી રીતે તોડવામાં આવ્યું કે દૂરથી એ ઇમલો એટલે કે ખંડિયેર બનેલો મંદિરનો ઢાંચો જે મસ્જિદ જેવો લાગે. મંદિરમાં એવી તોડફોડ કરવામાં આવી કે એમાં ક્યારેય પૂજા પણ ન થઈ શકે.
ઔરંગઝેબનું આ આક્રમણ લૂંટના ભાવથી નહોતું પણ હિન્દુ ધર્મની આસ્થાને ખંડિત કરવાના હેતુથી હતું અને એટલે જ તેણે તોડફોડ પછી પણ મંદિરના ઇમલા પર પોતાની સેના બેસાડી રાખી. જોકે એ પછી પણ ભક્તોની આસ્થા ડગી નહીં. કહે છે કે સેનાની હાજરીમાં ખંડિત મંદિરના ગર્ભદ્વારમાં દર્શન કરવાના ભાવ સાથે દાખલ થનારાઓને સૈનિકો મારી નાખતા હતા અને એ પછી પણ લોકો પૂરા ભક્તિભાવ સાથે મંદિરમાં જતા અને હસતા મોઢે મહાદેવના શરણે જતા.
અહીંથી એન્ટર થાય છે રાણી અહિલ્યાબાઈ અને તેમનું શૌર્ય.
ઈસવી સન ૧૭૮૩ની વાત છે. ઔરંગઝેબના ડરથી મૂળ સ્થાન પર મંદિર બનાવવાનું અશક્ય હતું ત્યારે ઇન્દોરનાં મહારાણી અહિલ્યાબાઈ હોળકરે મૂળ મંદિરથી થોડે દૂર નવું મંદિર બનાવ્યું. આ મંદિર આજે પણ સોમનાથમાં ઊભું છે. એ સમયે આ નવા મંદિર સુધી જવા માટે ગુપ્ત માર્ગ બનાવવામાં આવ્યો હતો અને એ નવા મંદિરમાં નવું શિવલિંગ પણ સ્થાપવામાં આવ્યું હતું, આજે પણ એનાં દર્શન થઈ શકે છે.
ભોંયરામાં બનાવવામાં આવેલા આ મંદિરને ગુપ્ત મંદિરનું નામ મળ્યું. આ ગુપ્ત મંદિરને આજે જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરમાં મહારાણી અહિલ્યા હોળકરની પ્રતિમા પણ બિરાજમાન છે.


વારંવારના આક્રમણને કારણે ખંડિયેર થઈ ગયેલા મંદિરનો ઢાંચો. 

સરદાર અને સોમનાથ 

૧પ ઑગસ્ટે દેશ આઝાદ થયો પણ જૂનાગઢ હજી પાકિસ્તાન સાથે જોડાવાના મૂડમાં હતું, જેની માટે આરઝી હકૂમતે લડત આપવાનું શરૂ કર્યું હતું. ૧૯૪૭ની ૧૩ નવેમ્બરે આરઝી હકૂમતની જીત બાદ સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ દર્શન કરવા આવ્યા અને મંદિરની ખંડેર જેવી હાલત જોઈને તેમનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. સરદાર પટેલે પ્રભાસના સમુદ્રતટ પર જળ હાથમાં લઈને પ્રતિજ્ઞા લીધી : ‘આ ખંડેરોનું પુનઃનિર્માણ થશે અને સોમનાથ એની જૂની ભવ્યતા પાછા મેળવશે.’
મંદિરના નવનિર્માણની ઇચ્છા જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કૉન્ગ્રેસ કમિટીમાં મૂકી ત્યારે ગાંધીજીએ સલાહ આપી કે મંદિર સરકારી ખર્ચે નહીં પણ પ્રજાના દાનથી બનવું જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલે એ જ કર્યું અને લોકો રીતસર ઝોળી 
ભરી-ભરીને દાન આપવા આવવા માંડ્યા. જે આર્થિક સહાય કરી શકતા નહોતા તેવા સેંકડો લોકોએ શ્રમદાનથી આ મંદિર ઊભું કરવાનું કામ કર્યું.
આ કાર્ય શરૂ થયું ૧૯પ૧માં અને એ કાર્ય શરૂ કર્યું ‘મિડ-ડે’ના એક સમયના કૉલમનિસ્ટ અને અયોધ્યાના રામલલા મંદિરનું નિર્માણ કરનારા ચંદ્રકાન્ત સોમપુરાના સગા દાદા પ્રભાશંકરભાઈ સોમપુરાએ. ચંદ્રકાન્ત સોમપુરા કહે છે, ‘એ સમયે હું દસ-બાર વર્ષનો હતો, હું પોતે એ જગ્યા પર ગયો છું. મંદિર અને એ જગ્યાનો જે પ્રભાવ છે એ અવર્ણનીય છે. નાસ્તિકના મનમાં પણ આસ્થા જન્માડી દે એવી એ જગ્યા છે.’
આધુનિક સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા ૧૯પ૧ની ૧૧ મેએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદના હસ્તે થઈ. પ્રાણપ્રતિષ્ઠા સમયે ડૉ. રાજેન્દ્ર પ્રસાદના શબ્દો હતા, ‘સોમનાથનું મંદિર એ વાતનું પ્રતીક છે કે વિનાશની શક્તિ કરતાં નિર્માણની શક્તિ હંમેશાં વધારે હોય છે.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એ જ કહ્યું છે, ‘આજે આક્રમણખોરો ઇતિહાસનાં પાનાંઓમાં ધૂળ બની ગયા છે, જ્યારે સોમનાથ આજે પણ અડીખમ ઊભું છે. આ દર્શાવે છે કે આતંક અને વિનાશની માનસિકતા ક્યારેય આસ્થા અને સર્જનની શક્તિને હરાવી શકતી નથી.’
બ્રહ્મવાક્ય. બ્રહ્મસત્ય.

Whatsapp-channel Whatsapp-channel

11 January, 2026 01:12 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK