મનુષ્ય ધૈર્ય ધારણ કરવું. તરસ લાગે ત્યારે વિચારવું કે હું દેહ નથી
પ્રતીકાત્મક તસવીર
શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે -
સહન ખનન ગંગાતીર સ્થિતિવદેવ તત્ ।
સાંખ્યો યોગસ્તથા ભક્તિસ્તત્ર પ્રેમાતિસૌખ્યદમ્
જળ વિના જીવન શક્ય નથી એટલે દરેક માનવીને તરસ તો લાગવાની જ. ચોક્કસ સમયાંતરે પાણી પીને તૃષા શમાવવી જ પડે છે. જો તમે જંગલમાં હો તો તરસ લાગે ત્યારે પાણી મેળવવું પણ બહુ કઠિન થઈ જાય છે. જંગલમાં માનવીને તૃષાનું દુઃખ રહે એ સ્વાભાવિક છે. આ દુઃખને દૂર કરવાના ત્રણ ઉપાયો છે.
ADVERTISEMENT
(૧) સહનમ : મનુષ્ય ધૈર્ય ધારણ કરવું. તરસ લાગે ત્યારે વિચારવું કે હું દેહ નથી. તૃષા તો દેહનો ધર્મ છે, મારો નહીં. દેહ ધર્મનો તિતિક્ષાપૂર્વક નિર્વાહ કરવો જોઈએ એમ વિચારીને તૃષાનું દુઃખ સહન કરવું એ એક માર્ગ થયો.
(૨) ખનનમ્ : તમે જ્યાં હો ત્યાં કૂવો ખોદવાની મહેનત કરવી અને પાણી કાઢીને પીવું. તૃષા છિપાવવા માટે જાતે કૂવો ખોદવાનો પુરુષાર્થ કરવો, પાણી કાઢવું અને પીવું.
(૩) ગંગાતીર સ્થિતિ : જેમાં જળનો કદી અભાવ વર્તાતો નથી એવાં ગંગાજીને કિનારે જ નિવાસ કરવો જેથી જ્યારે તૃષા લાગે ત્યારે જળ સુલભ બની રહે અને એય પરમ પુણ્યકારી એવું ગંગાજળ. કહેવાનો મતલબ કે જ્યાં શુદ્ધ અને પવિત્ર જળ મળતું હોય એવી જગ્યાની નિશ્રામાં રહેવાથી તૃષાનું દુઃખ શમી જશે.
આ સહનમ, ખનનમ અને ગંગાતીર સ્થિતિ એ ત્રણ રૂપકો છે જેને આપણી ભાષામાં સમજીએ તો સંસારના દુ:ખ નિવારણ માટે ત્રણ ઉપાયો છે જ્ઞાન, કર્મ અને ભક્તિ. જ્ઞાન માર્ગ એ સહન પ્રકાર છે. જ્ઞાની મનને મનાવે છે કે સંસારનાં દુઃખો અજ્ઞાન જનિત છે. અવાસ્તવિક છે. સુખ અને દુઃખ બને મનના ખેલ છે એટલે એને સહન કરી લેવાં.
કર્મમાર્ગ એ ખનનં પ્રકાર છે. કર્મમાર્ગ એમ માને છે કે પ્રત્યેક દુઃખના નિવારણ માટે કૂવો ખોદીને જલ કાઢવા માટે પુરુષાર્થવાન બનવું જ જોઈએ, પરંતુ આ બન્ને સાધનો ઉત્તમ નથી. જ્ઞાની દુઃખ સહન કરે છે પરંતુ સહન કરવામાં કષ્ટ તો છે જ. કર્મમાર્ગીને કૂવો ખોદવામાં પણ કષ્ટ છે જ. બધામાં સહન કરવાની કે ખનન કરવાની શક્તિ હોતી નથી.
જ્યારે ભક્તિમાર્ગ અતિ સરળ માર્ગ છે. જેણે ગંગા કિનારે નિવાસ કર્યો છે તેને જળ ક્યારેય દુર્લભ થતું નથી. પ્રભુના શરણે સદા રહેવું એ ભક્તિમાર્ગ છે. એમ સંસાર દુઃખોની સદાયને માટે નિવૃત્તિ કરવી હોય, વિના શ્રમે સુખ નિશ્ચિત રીતે સંપાદન કરવું હોય તો ભક્તિમાર્ગ અપનાવવો જોઈએ. ભક્તિ પ્રાપ્ત કરવાનું ઉત્તમ સાધન ભગવદીય પુરુષોનો સંગ છે.

