ગણપતિનું સ્મરણ દરેક શુભ કાર્યની શરૂઆતમાં કેમ થાય છે? ગણેશિયો નામના સાધનથી લઈને ગણપતિના નામ અને ગણેશચતુર્થીની પરંપરા સુધીનો આ લેખ શ્રદ્ધા, શુભ કાર્ય અને ઉત્સવમાં સામાજિક શિસ્તનું મહત્વ સમજાવે છે.
ગણપતિબાપ્પા મોરયા
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥
પૃથ્વી પરનો ભાગ્યે જ એવો કોઈ હિન્દુ હશે જેણે ઉપરનો આ શ્લોક સાંભળ્યો ન હોય અથવા તો એને બોલ્યો ન હોય. સામાન્ય રીતે કોઈ પણ માટે કોઈ પણ કામના આરંભે ગણપતિનું સ્મરણ કરીને એમના આશીર્વાદ લેવા એ પરંપરા છે. હિન્દુ ધર્મમાં અનેક દેવ-દેવીઓ છે અને આમ છતાં ગણપતિની આ એક જ પ્રતિમાની કરોડો લોકોને પોતાના કામની સફળતા માટે પ્રાર્થના કરવાનું સૂઝે છે.
જોકે એક પ્રશ્ન અહીં કેટલાક ખણખોદિયાઓ કરે છે ખરા. પોતાનાં સર્વ કાર્યો માટે પ્રભુ પાસે પ્રાર્થના કરવી એ યોગ્ય છે ખરું? માણસ ચોરી કરવા જાય, કોઈની હત્યા કરવા જાય, ક્યાંક બળાત્કાર જેવા અપરાધો કરવા જાય અને એ વખતે આ શ્લોક યાદ કરીને ‘સર્વ કાર્યેષુ સર્વદા’ આ પ્રાર્થના વાજબી છે ખરી?
ગણેશજી પાસેથી સફળતાના આશીર્વાદ મેળવીએ તો શુભ કાર્ય માટે જ હોઈ શકે. અશુભ કાર્યમાં પરમાત્માને શી રીતે જોડી શકાય? આ શ્લોકની આ અંતિમ પંક્તિ હિન્દુ ધર્મની ઉદાત્ત ભાવનાને પ્રગટ કરે છે. પૃથ્વી પર જે કંઈ થાય એ બધું જ બધા જ પ્રકારના સમૂહ માટે કલ્યાણકારી હોય એવી આમાં ભાવના વ્યક્ત થઈ છે. સૌકોઈના કલ્યાણ માટે કલ્યાણની પ્રાર્થના કરતી આવી પ્રાર્થના બીજે કશેથી શોધી તો આપો.
પણ માનવપ્રકૃતિ એ અત્યંત ગહન કોયડો છે. બળાત્કાર કે હત્યા કરવા માટે પ્રતિબદ્ધ માણસ પણ પોતે તો એ વખતે તો એમ જ માનતો હોય છે કે જે કામ કરવા પોતે જઈ રહ્યો છે એ શુભ જ છે, સારું જ છે, કરવા જેવું જ છે. કોઈ પણ કામ સારું છે કે ખરાબ છે એનું નિશ્ચિત ધોરણ એ કામના પરિણામે એને જે મળવાનું છે એ જ ગણી શકાય. ભગવાન તો માત્ર કાર્ય કરે જ છે, કલ્યાણ કે અકલ્યાણ નિશ્ચિત કરવાનું કામ એનું નથી.
ગણેશિયો
ADVERTISEMENT
નાગરિક સંસ્કૃતિ આજે તો બહુ વિકસિત થઈ ગઈ છે. સદીઓ પહેલાં જ્યારે વિજ્ઞાનનો બહુ વિકાસ થયો નહોતો ત્યારે રહેઠાણોનાં મકાનો સીધાં-સાદાં ઈંટ-માટીનાં હતાં. ચોરલોકો રાત્રે ચોરી કરવા નીકળતા ત્યારે આવા મકાનના કાચા ઈંટ-માટીની પછીતોની દીવાલોને તોડવા જે સાધનનો ઉપયોગ કરતાં એમને શુભ કાર્યો માનીને પોતાના આ કામમાં ભગવાનના આશીર્વાદ માગ્યા છે. ખરેખર તો આ કાર્ય સામાજિક મૂલ્યથી શુભ નથી અને આમ છતાં ચોરી કરનાર માટે તો શુભ જ છે. પોતાનું ચૌર્યકર્મ સફળ થાય એ માટે આ ભક્તજન પણ જે હથિયાર વાપરે છે એને ગણેશના નામ સાથે સાંકળે છે. આ હથિયારને તેમણે ગણેશિયો નામ આપ્યું છે. આમ ચૌર્યકર્મ જેવા કહેવાતા અસામાજિક કાર્યને પણ ગણેશના નામ સાથે સાંકળી લેવામાં આવ્યું છે. આ ચૌર્યકર્મ શબ્દ સાથે એક વાત યાદ કરી લેવા જેવી છે. એવો પૌરાણિક ઉલ્લેખ મળે છે કે ચૌર્યકર્મ પણ ૬૪ કલાઓ પૈકી એક કળા હતી અને કાર્તિકસ્વામીએ આ ચૌર્યકર્મની કળા વિશે ઉપદેશાત્મક લખાણો પણ લખ્યાં હતાં. આ લખાણો જોકે આજે મળતાં નથી, પણ આવાં લખાણોના ઉલ્લેખો મળે છે ખરા.
ગણપતિ ગણપતિ કેમ કહેવાયા?
ગણપતિ શિવજીના પુત્ર છે અને શિવજીના જે સાથીદારો અને સેવકો છે એમના માટે સંસ્કૃતમાં गण શબ્દ વપરાયો છે. આ गण એટલે કે સમૂહ અથવા ટોળી. એનું માર્ગદર્શન શિવજીએ તેમના આ પુત્રને સોંપ્યું હતું. આમ વિશાળ સમૂહ અથવા સેવકોની સંખ્યાને લઈને આ પુત્ર ગણપતિ કહેવાયા. આ વાતને કોઈ સમર્થન મળતું નથી પણ આમ છતાં એનો ઉલ્લેખ
કોઈકે-કોઈકે કરેલો છે. આમ ગણપતિ વ્યવસ્થાપન તથા અગ્રતાક્રમની દૃષ્ટિએ સૌથી પહેલા નંબરે આવે છે. કાળક્રમે આ ગણપતિ શબ્દ ગણેશ બની ગયો.
આમ તો દેખીતી રીતે આપણે જેને ગણેશચતુર્થી કહીએ છીએ એ ભાદરવા સુદ ચોથ એટલે જે દિવસે શિવજીના હાથે પુત્ર ગણેશનો પુનર્જન્મ થયો એ દિવસ. એક એવી માન્યતા પણ ગુજરાતમાં પ્રવર્તે છે અને એનો અમલ પણ થાય છે કે ભાદરવા સુદ ચોથ એ શિવજીના હાથે એટલે કે પિતા દ્વારા પુનર્જીવિત થયેલા ગણપતિનો દિવસ છે, પણ ગણપતિનો માતાની કૂખે થયેલો જન્મ વૈશાખ સુદ ચોથ છે એટલે કે અખાત્રીજનો બીજો દિવસ એ જ સાચી ગણેશ ચોથ છે અને એટલે ગુજરાતમાં સંખ્યાબંધ પરિવારો આ વૈશાખ સુદ ચોથનો દિવસ મૂળ ગણેશજન્મનો દિવસ માનીને એની ઉજવણી કરે છે.
અવાજ અને આનંદ
આનંદ સાથે અવાજને સીધેસીધો સંબંધ છે એ વાતનો કોઈ ઇનકાર કરી શકે એમ નથી. યાદ કરો કે બાળપણમાં અને એ પછી પણ રમતગમત ક્ષેત્રે જીત મળે કે પછી ક્રિકેટ જેવી આંતરરાષ્ટ્રીય રમતમાં કશુંક મળે ત્યારે આપણે એક ચોક્કા કે છક્કા સાથે પણ ચીસો પાડીએ છીએ. ઘરનાં રોજિંદાં કામોમાં પણ ક્યાંક કશુંક મનગમતું થાય ત્યારે નાના-મોટા સૌ હોહો કરી મૂકતા હોય છે. આમ આનંદને સીધો અવાજ સાથે સંબંધ છે જ, પણ આજે આ અવાજ આનંદ નહીં પણ ઉકળાટ બનીને ઠલવાતો હોય એવું લાગ્યા વિના રહેતું નથી. ગણપતિબાપ્પાનું આગમન એ આનંદદાયક છે. એમની વિદાય ક્યારેય આનંદદાયક ન હોય અને છતાંય ગણપતિબાપ્પાની વિદાય આનંદજનક જ હોય છે. એનું કારણ એ છે કે આ વિદાય વખતે આપણે પ્રાર્થના કરી છીએ કે बाप्पा पुढच्या वर्षी लवकर या. આમ આપણે એમને વિદાય સાથે જ આવતા વર્ષનું આમંત્રણ પણ આપી દઈએ છીએ અને આ આમંત્રણ આપણને આનંદ આપે છે. અહીં લક્ષ્યમાં લેવાની સામાજિક શિસ્ત એ છે કે આ અવાજ કે અવાજની સાથે જ ઊભરાતો આપણો ઉત્સાહ બીજા કોઈના માટે ઉકળાટ ન બની જાય.
-ડૉ. દિનકર જોષી
