વાવણીના આ સમયમાં છાબમાં બિયારણ લઈને બળદને ડચકારા દેતો ખેડૂત જ્યારે ખેતરમાં ચારે બાજુ ફરી વળતો હોય છે ત્યારે તેના મુખ પર આશા અને ઉમંગ અને ગળામાં ગીત હોય છે
પ્રતીકાત્મક તસવીર
વરસાદના દિવસો શરૂ થઈ ગયા છે. વાવણીના આ સમયમાં છાબમાં બિયારણ લઈને બળદને ડચકારા દેતો ખેડૂત જ્યારે ખેતરમાં ચારે બાજુ ફરી વળતો હોય છે ત્યારે તેના મુખ પર આશા અને ઉમંગ અને ગળામાં ગીત હોય છે. બિયારણ ભરેલી છાબોને તે ખાલી કરતો તો જાય છે, પણ તેના માનસપટ પર સતત અનાજના દાણાઓથી ફાટ-ફાટ થતા કોઠારો તરવરતા હોય છે. એ મન સતત વાત કરતું હોય છે અને કહેતું હોય છે, ‘અત્યારે ભલે ભૂમિને હું આપું છું, પણ આવતી કાલે આ ભૂમિ મને ન્યાલ કરી દીધા વિના રહેવાની નથી...’
આ શ્રદ્ધા જ ખેડૂતના શરીરના રૂંવાડે-રૂંવાડે છલકાતી હોય છે. ખેડૂતની આ જ વાતને જીવનમાં અપનાવવાની આવે તો કેમ માણસનું મન નાનું થઈ જાય છે? કેમ દાનના પ્રસંગમાં માણસના મનની વૃત્તિ કરુણતાની હદે કંગાળ બનતી ચાલી છે? અને આ સત્ય હકીકત છે. બને છે ત્યાં સુધી તે દાનના પ્રસંગોમાં જવાનું પણ ટાળતો જ રહે છે. દાનના પ્રસંગોથી જાતને તે દૂર જ રાખતો રહે અને પૂરતું ધ્યાન રાખે કે દાન કરવાના પ્રસંગો ઊભા જ ન થાય. પૂરતા પ્રયાસો પછી પણ અચાનક કે પછી અનાયાસ કે સંજોગવશાત્ એવું બને અને માણસની સામે દાનનો પ્રસંગ આવીને ઊભો જ રહે ત્યારે માણસ બને એટલું ઓછું જ આપે છે, શક્તિને સંતાડીને જ આપે છે અને ઓછું આપવા પાછળ જાતજાતનાં બહાનાંઓ ઊભાં કરતો જ રહે છે.
ADVERTISEMENT
તે ઓછું આપે એ પણ મનથી અને હસતા ચહેરે ન આપે, આપે ઓછું અને એ પણ પાછું રડતાં-રડતાં જ આપે, ઉદ્વિગ્ન ચિત્તે આપે, મન બાળીને આપે, વ્યથિત હૈયે આપે, ચિત્તની વ્યગ્રતા સાથે આપે. ટૂંકમાં, દાન બને ત્યાં સુધી કરવું જ નહીં, કરવું પડે તોય શક્તિ કરતાં ઓછું જ કરવું અને એય પાછું રડતાં-રડતાં કરવું.
ઉપર કહ્યાં એ આપણા દાનને વળગેલાં ત્રણ કલંકો છે.
આવું કલંકિત દાન આત્મહિતને અકબંધ શું કરી દે? પરલોકની સધ્ધરતા કેવી રીતે ઊભી કરી દે? અનાદિકાળના સંસ્કારો પર કાપ શું મૂકી શકે? ના, ક્યારેય નહીં અને જો એવું ન થવા દેવું હોય તો આજે જ નિયમ લો અને એક કામ કરો.
માત્ર આજના દિવસ પૂરતું નક્કી કરો કે તમારી સામે હાથ ફેલાવીને ઊભા રહી જતા ભિખારીને તમે ખિસ્સામાં હાથ નાખતાં જે પણ હાથમાં આવશે - આઠ આના, રૂપિયો, પાંચની નોટ, દસની નોટ કે સોની નોટ – પૂર્ણ પ્રસન્નતા સાથે આપી દેશો. લખી રાખજો, તે ભિખારીને મળ્યું એના કરતાં આપીને તમને શું મળ્યું એનો આનંદ અદકેરો હશે.
- જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

