India’s busiest airport 2024: દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક વિશ્વનું નવમું સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું; ૨૦૨૪માં ૭૭.૮ મિલિયન મુસાફરોએ કર્યો પ્રવાસ
પ્રતીકાત્મક તસવીર
એરલાઇન વિસ્તરણ, માળખાગત વિકાસ અને વધેલા વૈશ્વિક જોડાણના કારણે, ભારત (India)ની રાજધાની દિલ્હી (Delhi)નું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (Indira Gandhi International Airport) ૨૦૨૪માં વિશ્વનું નવમું સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું છે.
એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (Airports Council International - ACI)ના મંગળવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે, દિલ્હી એરપોર્ટને વિશ્વનું ૯મું સૌથી વ્યસ્ત એરપોર્ટ ગણવામાં આવ્યું છે, જ્યાં વર્ષ ૨૦૨૪માં ૭.૭ કરોડથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. ગયા વર્ષે એરપોર્ટ પર વિમાનોની અવરજવરની સંખ્યા ૪,૭૭,૫૦૯ પર પહોંચી ગઈ. એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI)ની વિશ્વના ટોચના સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદી અનુસાર, દિલ્હી એરપોર્ટે ૨૦૨૪ માં ૭૭,૮૨૦,૮૩૪ મુસાફરોનું સંચાલન કર્યું. જે વર્ષ ૨૦૨૩ કરતા ૭.૮% અને વર્ષ ૨૦૧૯ કરતા ૧૩.૬% વધુ છે. એસીઆઇની યાદીમાં દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક આ યાદીમાં દસમા ક્રમે હતું.
ADVERTISEMENT
એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા વિશ્વના ૨૦ સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં અમેરિકા (America)નું એટલાન્ટા એરપોર્ટ (Atlanta Airport) ટોચ પર છે, જેણે ૧૦,૮૦,૬૭,૭૬૬ મુસાફરોને મુસાફરી કરાવી હતી. બીજા નંબર પર દુબઈ એરપોર્ટ (Dubai Airport) પરથી ૯,૨૩,૩૧,૫૦૬ મુસાફરોએ મુસાફરી કરી હતી, જે બીજા નંબરે છે. ત્યારબાદ ત્રીજા સ્થાને અમેરિકાના ડલ્લાસ/ફોર્ટ વર્થ એરપોર્ટ (Dallas/Fort Worth airport) પરથી ૮,૭૮,૧૭,૮૬૪ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો.
રિલીઝમાં જણાવાયું છે કે, વૈશ્વિક મુસાફરોનો ટ્રાફિક ૨૦૨૪માં ૯.૪ અબજ પ્રવાસીઓને વટાવીને નવી ઊંચી સપાટીએ પહોંચ્યો. જે વર્ષ ૨૦૨૩ કરતા ૮.૪% વધુ અને કોરોના રોગચાળા પહેલાના સ્તર કરતા ૨.૭% વધુ છે. ટોચના ૨૦ એરપોર્ટોએ એકલા ૧.૫૪ અબજ મુસાફરોનું સંચાલન કર્યું, જે વૈશ્વિક ટ્રાફિકના ૧૬% કબજે કરે છે.
આ આંકડો વિમાનમાં બેઠેલા અને વિમાનમાંથી ઉતરેલા મુસાફરોની કુલ સંખ્યા પર આધારિત છે, જ્યારે પરિવહનમાં બેઠેલા મુસાફરોની ગણતરી એક વાર કરવામાં આવી છે.
એરપોર્ટ્સ કાઉન્સિલ ઇન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, ટોચના ૨૦ એરપોર્ટમાં અમેરિકાના છ એરપોર્ટનો સમાવેશ થાય છે, જેમાં મોટાભાગે સ્થાનિક ટ્રાફિકનું વર્ચસ્વ છે, સિવાય કે JFK, જ્યાં આંતરરાષ્ટ્રીય મુસાફરો ૫૬% હતા.
શાંઘાઈ પુડોંગ (Shanghai Pudong - PVG) ૧૧ સ્થાન ઉપર ચઢીને વૈશ્વિક સ્તરે ૧૦મા ક્રમે આવ્યું છે, એમ એક પ્રકાશનમાં જણાવાયું છે.
ટોચના દસ રેન્કિંગમાં અન્ય એરપોર્ટમાં જાપાનનું હાનેડા (ચોથું), યુકેનું લંડન હીથ્રો (પાંચમું), યુએસનું ડેનવર (છઠ્ઠું), તુર્કીનું ઇસ્તંબુલ (સાતમું), યુએસનું શિકાગો (આઠમું) અને ચીનનું શાંઘાઈ (દસમું) છે.
ACIએ જણાવ્યું હતું કે, ૨૦૨૪માં વૈશ્વિક સ્તરે વિમાનોની અવરજવર ૧૦૦.૬ મિલિયનને વટાવી ગઈ હતી, જે વાર્ષિક ધોરણે ૩.૯%નો વધારો દર્શાવે છે અને વર્ષ ૨૦૧૯ના સ્તરના ૯૬.૮%એ પહોંચી હતી. ૨૦૨૪માં ટોચના ૨૦ એરપોર્ટ પર ૧૧.૦૮ મિલિયન લોકો અવરજવર કરતા જોવા મળ્યા, જે વર્ષ-દર-વર્ષની સરખામણીમાં ૫.૪%નો વધારો દર્શાવે છે.

