Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > સામાજિક વિરોધ સામે લડીને કથાકાર બનેલાં આ મહિલાની ધર્મયાત્રા વિશ્વભરમાં ૮૫ વર્ષની ઉંમરે પણ અવિરત ચાલી રહી છે

સામાજિક વિરોધ સામે લડીને કથાકાર બનેલાં આ મહિલાની ધર્મયાત્રા વિશ્વભરમાં ૮૫ વર્ષની ઉંમરે પણ અવિરત ચાલી રહી છે

Published : 08 March, 2025 08:25 AM | Modified : 09 March, 2025 07:15 AM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

આજે ૮૫ વર્ષની ઉંમરે ભાવકોનાં વિજુમા ભારતમાં જ નહીં, વિશ્વભરમાં એક કથાકાર તરીકે પ્રખ્યાત છે. આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે જાણીએ વિજુબહેન રાજાણીની પ્રેરણાત્મક જીવનકથા

વિજુબહેન રાજાણી

વિમેન્સ ડે ૨૦૨૫

વિજુબહેન રાજાણી


કથા કરવા માટે વ્યાસપીઠ પર સદાથી પુરુષો જ બેસતા આવ્યા છે, પણ જ્યારે એક મહિલાએ અને એ પણ એક વિધવા સ્ત્રીએ વિચાર્યું કે તે વ્યાસપીઠ પર બેસશે ત્યારે એ નિર્ણય પર અમલ સરળ તો નહોતો. જોકે પોતાની બુદ્ધિપ્રતિભા અને જ્ઞાનના બળથી વિજુબહેન રાજાણીએ પુરુષોના કહેવાતા આ ફીલ્ડમાં એવી તો એન્ટ્રી મારી કે તેમનાથી પ્રભાવિત થઈને લોકોએ સ્વીકારવું પડ્યું કે અમને તો કથાકાર તરીકે આ બહેનશ્રી જ જોઈએ. આજે ૮૫ વર્ષની ઉંમરે ભાવકોનાં વિજુમા ભારતમાં જ નહીં, વિશ્વભરમાં એક કથાકાર તરીકે પ્રખ્યાત છે. આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે જાણીએ વિજુબહેન રાજાણીની પ્રેરણાત્મક જીવનકથા


કોને તમે સ્ટેજ પર બેસાડ્યાં છે?’



એક વિધવાના મોઢેથી કથા
સાંભળવાની છે?’


બૈરાઓ પાસેથી જ્ઞાન
લેશું આપણે?’

ઉતારો એને સ્ટેજ પરથી....’


આજથી ૪૫ વર્ષ પહેલાં જ્યારે પહેલી વાર ભાગવત કથાકાર તરીકે કથા વાંચવા માટે સ્ટેજ પર ચડેલાં ત્યારે ધર્મના કહેવાતા ઠેકેદારોનાં આવાં કટુ વચનો અને રોષનો ભોગ બનેલાં વિજુબહેન રાજાણી એ સમયે સહજ રીતે સહમી ગયાં હતાં. ન જાણે કેટલાં આંસુઓ અને ચિંતા હેઠળ તેમણે એ દિવસો કાઢ્યા. પણ એ સમયે સમાજના કેટલાય લોકોને વિશ્વાસ હતો આ સ્ત્રીના જ્ઞાન પર, તેમના શાસ્ત્રોના અભ્યાસ અને તેમની વાણી પર. એ વિશ્વાસ પાંગર્યો જ નહીં, ઊગ્યો પણ અને મોટું વટવૃક્ષ બની આખા વિશ્વમાં ફૂલ્યોફાલ્યો. એક સમયે બહેનશ્રી અને આજે મા તરીકે ઓળખાતાં વિજુબહેન રાજાણી વિશ્વભરમાં ધાર્મિક પ્રવચનકાર તરીકે ખાસ્સાં જાણીતાં છે. અમેરિકામાં કુલ ૫૦ સ્ટેટ છે એમાંથી ૪૬ સ્ટેટમાં વિજુબહેન કથા કરી ચૂક્યાં છે. આ સિવાય લંડન, કૅનેડા, સાઉથ અને ઈસ્ટ આફ્રિકા, પોર્ટુગલ, પૅરિસ, ઑસ્ટ્રેલિયા, ફિજી, માડાગાસ્કર, મલેશિયા, મૉલદીવ્ઝ, મસ્કત, દુબઈ, ન્યુ ઝીલૅન્ડમાં જુદી-જુદી કથાઓ દ્વારા સનાતન ધર્મની સુગંધ વિજુબહેન સાચી રીતે પ્રસરાવી રહ્યાં છે. તેમના જીવનસંદેશ યુટ્યુબ અને વૉટ્સઍપના માધ્યમથી દરરોજ હજારો લોકોની સવાર સુધારે છે. પુરુષોએ બનાવેલા ધર્મના વાડાઓમાં પોતાના જ્ઞાનના બળ સાથે પ્રવેશનાર અને પ્રવેશ્યા પછી ત્યાંના સર્વોચ્ચ આસન પર બિરાજનાર વિજુબહેનનું જીવન દરેક નારી માટે પ્રેરણાદાયક છે.

બાળપણ

૧૯૪૦માં જન્મેલાં વિજુબહેન પાંચ વર્ષની ઉંમરે પાકિસ્તાનથી પોતાનાં મમ્મી અને તેમના ૭-૭ મહિનાના બે ભાઈઓ સાથે મુંબઈ તેમના નાનાના ઘરે આવ્યાં હતાં. તેમના પિતા એ સમયે રાજકારણ સમજતા હતા અને ભાગલા પડશે જ એમ સમજીને પહેલેથી તેમણે પરિવારના સદસ્યોને કાળજીથી મુંબઈ પહોંચાડી દીધા હતા. જોકે કપરો સમય આવ્યો અને ખૂબ જ નાની ઉંમરમાં વિજુબહેને તેમના આખા પરિવારને ગુમાવી દીધો. મમ્મી-પપ્પા અને ભાઈઓ અકસ્માત્ એકસાથે મૃત્યુ પામ્યાં. નાના-નાની પાસે ઊછરેલાં વિજુબહેનને તેમણે ધર્મના સંસ્કાર પહેલેથી આપ્યા હતા. ૭-૮ વર્ષની ઉંમરે ડોંગરે મહારાજને તેઓ સાંભળતાં થઈ ગયાં હતાં. ૧૦-૧૧ વર્ષની ઉંમરે આખું ભાગવત તેમને મોઢે હતું. તેમના નાના-બાપા પાસે તેઓ આખું ભાગવત બોલી જતાં. ભગવદ્ગીતા તેમણે પાંડુરંગ દાદા પાસેથી શીખી. બાળપણમાં શીખેલી ગીતા આજે ૮૫ વર્ષની ઉંમરે પણ કડકડાટ બોલી જાણે છે. પ્રશ્નોના જવાબ સીધા ગીતાના શ્લોકથી આપે છે.

લગ્નજીવન

પોતાના લગ્નજીવન વિશે વાત કરતાં વિજુબહેન કહે છે, ‘૧૭ જ વર્ષની હતી ત્યારે મારાં લગ્ન થઈ ગયાં. એ પછી હું SNDTમાં ભણી. ભણીને શિક્ષિકા બની. ૨૭ વર્ષ સહજીવન ભોગવી ૪૫ વર્ષની નાની વયે હું વિધવા બની. મારા પતિ વલ્લભ રાજાણી ગુજરી ગયા એ પહેલાંથી હું નાનાં-મોટાં પ્રવચનો કરતી થઈ ગઈ હતી. એકાદ જગ્યાએ કરીએ પછી લોકોને ખૂબ ગમે એ તમને બીજે બોલાવે એમ મુંબઈમાં મેં ખાસ્સાં પ્રવચનો કર્યાં હતાં. એ સમયે સ્ત્રીઓ આ રીતે સ્ટેજ પર જતી નહીં, પણ શિક્ષિકા છે એટલે પ્રવચન કરે કે સામાન્ય જ્ઞાનની વાત કરે તો એમાં લોકોને ખાસ વાંધો ન આવતો.’

અનેક તકલીફો

પરંતુ ખરી કઠણાઈ ત્યારે આવી જ્યારે પતિનું મૃત્યુ થયું. એ સમયને યાદ કરતાં વિજુબહેન કહે છે, ‘મેં પ્રવચનો કર્યાં હતાં પરંતુ ક્યારેય ભાગવત કથા કરી નહોતી. મેં શરૂઆત કરી ત્યારે જે લોકો કથા કરતા હતા તેમનાથી એ સહન ન થયું કે એક સ્ત્રી થઈને આ કેવી રીતે કથા કરી શકે? એક વિધવા બાઈ પાસે આપણે કથા થોડી સાંભળીએ? ત્યારે વૈષ્ણવ સમાજમાં ઘણા લોકો હતા જેમનાથી આવું સહન થતું નહીં. ઘણી હવેલીઓમાં પણ મને કથા કરવા નહોતા દેતા કારણ કે ત્યાં બાવાશ્રી જ કથા કરે. તે મને રોકતા. એ સમયે હું ખૂબ કચવાતી, કારણ કે મને એમ પણ લાગતું કે મારે બાળકો નથી તો મારી અંદર જે આટલું જ્ઞાન હતું એ હું કોને આપીશ અને જો કોઈને ન આપી શકી તો મારું શું થશે એમ વિચારીને હું ખૂબ દુખી થતી. પ્રભુભક્તિમાં અને ધર્મપ્રચારમાં મારે મારું જીવન સમર્પિત કરવું હતું, પરંતુ હું ફક્ત સ્ત્રી છું એટલે જો એ મને ન કરવા મળે એ વાત તો અન્યાય ગણાય.’

યાદગાર બનાવ

પણ જેમના ઇરાદાઓ બુલંદ હોય તેમને ઈશ્વર બધી રીતે સહાય કરે એમ એવા અઢળક લોકો હતા એ સમયે જેમણે વિજુબહેનને સાંભળ્યાં હતાં. તેમની પાસેથી મળેલા જ્ઞાનથી તેઓ એટલા બધા પ્રસન્ન હતા કે તેમણે બધાએ મળીને એ આગ્રહ બતાવ્યો કે કથા તો વિજુબહેન જ કરશે, બીજું કોઈ નહીં. એ વાતો યાદ કરતાં વિજુબહેન કહે છે, ‘મને યાદ છે કે એ સમયે પાર્લાની એક હવેલીમાં હું કથા માટે બેઠી અને ત્યાં કલેશ થયો. ત્યાં એ પહેલાં કોઈ સ્ત્રીએ ભાગવત કથા કરી નહોતી. પરંતુ એ સમયે ત્યાંના એક દાતા આગળ આવ્યા જેમણે પહેલાં મારું પ્રવચન સાંભળેલું. તેમણે મારી તરફેણ કરી અને કહ્યું કે આ બહેન જ અહીં કથા કરશે. આમ ધીમે-ધીમે લોકો જોડાતા ગયા અને મેં
લગભગ દરેક એવી જગ્યાએ જ્યાં ક્યારેય કોઈ સ્ત્રીએ કથા ન કરી હોય ત્યાં બધે કથા કરી અને ખૂબ સફળતાપૂર્વક કરી.’

કથા-ભંડાર

વિજુબહેને ઘણાં પુસ્તકો લખ્યાં છે જેમાં બાલમુરલી, મયૂરપંખ ખાસ્સાં લોકપ્રિય થયાં છે. તેમની કથાઓના ખજાનામાં શ્રીમદ્ ભાગવત, શ્રી દેવી ભાગવત, શ્રી શિવપુરાણ, શ્રી રામચરિત માનસ કથા, સુંદરકાંડ કથા, ગોપીગીત કથા, શ્રી ભગવદ્ ગીતાનાં પ્રવચનો, શ્રી  મહાપ્રભુજીના ષોડશગ્રંથ વચનામૃત, શ્રી દશાવતાર કથા, દેવ દરબાર કથાનો સમાવેશ થાય છે. એ વિશે વાત કરતાં વિજુબહેન કહે છે, ‘જે કથાકારો શ્રીમદ્ ભાગવત કરતા હોય એ ક્યારેય શિવપુરાણ વાંચતા નથી અને જે શિવપુરાણ વાંચે છે એ ક્યારેય રામચરિત માનસ કે ભાગવત નથી વાંચતા. એની પાછળ કટ્ટરતા રહેલી છે. હું લોકોને સમજાવું છું કે જીવનના દરેક પગલે જ્યાં સુંદરતા વિદ્યમાન છે ત્યાં કૃષ્ણ છે. શણગાર, આનંદ અને કર્મયોગ એટલે કૃષ્ણ. ચૈતન્ય અને જ્ઞાનનો જ્યાં ભાસ થાય ત્યાં શિવ. તમે આ બન્નેને અલગ કરી શકો પણ એકબીજાથી કે જીવનથી અલગ ન કરી શકો. મને આવા વાડાઓનો વિરોધ પહેલેથી હતો. ઈશ્વરને અને પરમતત્ત્વને એક સમજવું જરૂરી છે. આપણે ઈશ્વરને અલગ-અલગ કરીશું તો માણસોને ક્યારે એક કરી શકીશું?’

કામમાં સવાયાં

મૉડર્ન સ્ત્રીઓની અંદરથી હંમેશાં એ જ અવાજ આવતો હોય છે કે એની ઓળખ ફક્ત સ્ત્રી તરીકે સીમિત ન થઈ જાય. જો તે એન્જિનિયર હોય તો સ્ત્રી એન્જિનિયર તરીકે નહીં, લોકો તેને ફક્ત એન્જિનિયર તરીકે જુએ. જો તે રાજકરણી પણ હોય તો સ્ત્રીનેતા તરીકે નહીં, નેતા તરીકે માન આપે. પણ એ ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે એ કામમાં સવાયાં હો. વિજુબહેન સ્ત્રી-ભાગવત કથાકાર નથી, તેઓ ભાગવત કથાકાર છે જે લોકોના મનમાં સ્થાન પામી શક્યાં કારણ કે તેમની વાતો લોકોને શીરાની જેમ ગળે ઊતરી જતી હતી. તેઓ ધર્મને સાચી દૃષ્ટિએ, પણ આજની દૃષ્ટિએ લોકોને સમજાવે છે; જેને કારણે તે વધુ લોકપ્રિય બન્યાં છે. છેલ્લાં ૩૦ વર્ષોથી વિજુબહેન ભારતની બહાર કથા કરવા માટે જાય છે. છેલ્લાં કેટલાંય વર્ષથી ચોમાસાના ૪ મહિના તેઓ ભારતની બહાર જ હોય છે. પોતાની શૈલીમાં વાત કરતાં વિજુબહેન કહે છે, ‘ઘણા લોકો કહે છે કે મા, કથામાં આવીએ તો ઊંઘ ખૂબ આવે છે. હું તેમને કહું છું કે સૂઈ જાઓ તોય સારું જ છે. મને એ વાતનો આનંદ હશે કે મેં તમને એક સાત્ત્વિક ઊંઘ આપી.’

ટેક્નિકલ જ્ઞાન પણ છે

વિજુબહેન આજના સમયને માન આપીને ચાલે છે. છેલ્લાં ૩૭ વર્ષથી તેઓ પોતાના વિડિયો રેકૉર્ડ કરે છે. યુટ્યુબ શરૂ થયું ત્યારે તેમણે એ પણ જૉઇન કરી લીધું. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘વિડિયો રેકૉર્ડ કરવા માટે મદદનીશ તરીકે દીપકભાઈ છે. તેઓ વિડિયો બનાવે. હું એ માટેની સ્ક્રિપ્ટ લખું, બોલું, એ માટે જરૂરી પિક્ચર્સ ભેગાં કરું, એને ક્રૉપ કરું, એ માટેનાં જરૂરી સૂત્રો ટાઇપ કરું અને દીપકભાઈ એ એડિટ પૂરું કરીને મને મોકલે. સવારે પાંચ વાગ્યે દરરોજ વગર ભૂલ્યે લોકોને હું જીવનસંદેશ મોકલી દઉં. સવારે લોકો ઊઠે એટલે એ સાંભળી લે. મારા ઘરે કોઈ જુવાનિયા આવે તો હું તેમની પાસેથી શીખી લઉં. તેમને પૂછું અને તેઓ જેમ કહે એમ કરતી જાઉં એટલે ટેક્નિકલ નૉલેજ મેં આ રીતે યુવાનો પાસેથી શીખ્યું છે.’

સ્વાસ્થ્ય અને સ્વર 

સતત બેસવાને કારણે વિજુબહેનની કરોડરજ્જુનો નીચેનો મણકો ઘસાઈ ગયો હતો જેની સર્જરી થઈ હતી. આ સિવાય ઘૂંટણની પણ સર્જરી થઈ હતી. એ બધા પાછળ તેમનું આટલાં વર્ષોનું કથાકાર તરીકેનું તપ હતું. તેમના પ્રશંસકોમાં અંબાણી પરિવાર પણ એક છે. કોકિલાબહેને તેમને એક વાર એક પ્રવચનમાં સાંભળ્યાં હતાં, એ પછીથી અઢળક વાર તેમણે તેમના ઘરે વિજુબહેનને કથાકાર તરીકે નિમંત્રણ આપ્યું છે. એ વિશે વાત કરતાં વિજુબહેન કહે છે, ‘દુનિયા મને મા કહે છે પણ હું કોકિલાબહેનને મા કહું છું. તેમનો ઘણો સ્નેહ છે મારા પર.’

વિજુબહેન ભજનો ખૂબ સારાં ગાય છે. તેમની રેકૉર્ડ કરેલી સાતેક CD પણ છે. સ્વરચિત ભજનો પ્રેમમુરલી, કૃષ્ણમુરલી, શ્યામમુરલી, મોહનમુરલી, ચાલો શ્રીજીને દરબાર તથા અમૃતધારા જેવાં ભજનો અત્યંત લોકપ્રિય છે. ૮૫ વર્ષની ઉંમરે આજે પણ તેમના બુલંદ અવાજ સાથે તેઓ કથા કરતાં હોય ત્યારે તેમનો જોશ યુવાનોને શરમાવે એવો હોય છે. આ ઉંમરે પણ કલાકો સ્ટેજ પર બેસે અને અસ્ખલિત રીતે બોલે છે. દરરોજ સવારે ઊઠીને તેઓ ઈશ્વરને એક જ પ્રાર્થના કરે છે, ‘પ્રભુ, મારે જીવવું છે સ્વાસ્થ્યથી અને સ્વરથી. કંઈ પણ થાય, મારું ગળું સલામત રાખજો. હું ૪ કલાક બેસી શકું અને રોકાયા વગર બોલી શકું બસ, એટલી કૃપા કરજો.’                      

 એક સમયે બહેનશ્રી અને આજે મા તરીકે ઓળખાતાં વિજુબહેન રાજાણી વિશ્વભરમાં ધાર્મિક પ્રવચનકાર તરીકે ખાસ્સાં જાણીતાં છે. અમેરિકામાં કુલ ૫૦ સ્ટેટ છે એમાંથી ૪૬ સ્ટેટમાં વિજુબહેન કથા કરી ચૂક્યાં છે.

Whatsapp-channel Whatsapp-channel

09 March, 2025 07:15 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK