...અને એ ભારતીય સંસ્કૃતિ તથા રાષ્ટ્રીય ચેતનાને ઊર્જા આપી રહ્યું હોવાનું તેમણે કહ્યું
ગઈ કાલે નરેન્દ્ર મોદીએ માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું હતું. એ પ્રસંગે RSSના સર સંઘચાલક ડૉ. મોહન ભાગવત, આચાર્ય અવધેશાનંદગિરિ મહારાજ, સ્વામી ગોવિંદ દેવગિરિ મહારાજ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી હાજર રહ્યા હતા.
RSSના મુખ્યાલયમાં વડા પ્રધાન તરીકે પહેલી વાર ગયેલા નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યાં સેવાનું કાર્ય હોય ત્યાં RSS હોય
નાગપુરના રેશિમબાગમાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયમાં ગઈ કાલે ગુઢીપાડવાના પાવન દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંઘનું શતાબ્દીવર્ષ ચાલી રહ્યું છે ત્યારે સંઘના સ્થાપક ડૉ. કેશવ હેડગેવાર અને ગુરુજી માધવ સદાશિવરાવ ગોલવલકરને સ્મૃતિમંદિરમાં જઈને શ્રદ્ધાંજલિ આપી હતી. વડા પ્રધાને RSSની નિ:સ્વાર્થ સેવાને યાદ કરતાં કહ્યું હતું કે ‘૧૦૦ વર્ષ પહેલાં ભારત ગુલામીના સંકટમાં ઘેરાયેલું હતું ત્યારે દેશની ચેતનાને જગાવીને નવી દિશામાં લઈ જવા માટે ૧૯૨૫માં એક બીજ વાવવામાં આવ્યું હતું જે આજે અક્ષય વટવૃક્ષ બની ગયું છે અને એ ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ચેતનાને ઊર્જા આપી રહ્યું છે. ભારતના સામાજિક ઢાંચાને ખતમ કરવા માટે અનેક ક્રૂર પ્રયાસો કરવામાં આવ્યા, પણ ચેતના સમાપ્ત ન થઈ. ભારતમાં સમય-સમય પર આ ચેતનાને જગાવવા માટે નવાં-નવાં સામાજિક આંદોલનો થયાં. ગુરુ નાનકદેવ, કબીરદાસ, તુલસીદાસ, સુરદાસ, સંત તુકારામ, સંત એકનાથ, સંત નામેદવ, સંત જ્ઞાનેશ્વર અને સ્વામી વિવેકાનંદ જેવા મહાન સંતોએ નિરાશામાં ડૂબેલા સમાજને જગાવ્યો; સમાજને એના મૂળ સ્વરૂપની યાદ અપાવી; એમાં આત્મવિશ્વાસ ભર્યો અને આપણી રાષ્ટ્રીય ચેતનાને ખતમ ન થવા દીધી. ગુલામીના છેલ્લા દિવસોમાં ડૉ. હેડગેવાર અને ગુરુજી ગોલવલકર જેવી મહાન વ્યક્તિઓએ સમાજને નવી ઊર્જા આપી. તેમના સિદ્ધાંત અને આદર્શ આ વટવૃક્ષને ઊંચાઈ આપે છે, લાખો-કરોડો સ્વયંસેવકો વટવૃક્ષની ડાળ છે.’
ADVERTISEMENT
RSSના મુખ્યાલયમાં સ્વ. માધવરાવ ગોલવળકરના ફોટોને નમન કરી રહેલા વડા પ્રધાન.
સ્મૃતિ મંદરમાં RSSના ફાઉન્ડર ડૉ. કેશવ હેડગેવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહેલા નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરમાં ગઈ કાલે સ્મૃતિમંદિરમાં દર્શન કરવા ઉપરાંત માધવ નેત્રાલયનું ભૂમિપૂજન પણ કર્યું હતું.
વડા પ્રધાને રેશિમબાગમાં કરેલા ભાષણના મહત્ત્વના અંશઃ
- લાલ કિલ્લા પરથી મેં સૌના પ્રયાસની વાત કરી હતી. આજે સ્વાસ્થ્યના ક્ષેત્રમાં જે રીતે કામ થઈ રહ્યું છે દેશના બધા નાગરિકોને સારી સ્વાસ્થ્ય સુવિધા મળે એ અમારી પ્રાથમિકતા છે. ભારતની ગરીબથી ગરીબ વ્યક્તિને સારામાં સારી સારવાર મળે, કોઈ પણ દેશવાસી જીવન જીવવાની ગરિમાથી વંચિત ન રહે, દેશ માટે જિંદગી ખર્ચી નાખનારા સિનિયર સિટિઝનોને સારવારની ચિંતા ન રહે એ માટેની સરકારની નીતિ છે.
- દેશમાં મેડિકલ કૉલેજની સંખ્યા ડબલ કરવાની સાથે કાર્યરત એઇમ્સ હૉસ્પિટલોની સંખ્યામાં ત્રણગણો વધારો કરવામાં આવ્યો છે. મેડિકલની સીટ પણ ડબલ થઈ છે. આગામી સમયમાં લોકોની સેવા માટે સારામાં સારા ડૉક્ટરો ઉપલબ્ધ થાય એ માટે માતૃભાષામાં મેડિકલનું શિક્ષણ આપવાની શરૂઆત અમે કરી છે.
- આજે માધવ નેત્રાલયના નવા પરિસરનું કામ શરૂ થઈ રહ્યું છે ત્યારે દૃષ્ટિની વાત નીકળે એ સ્વાભાવિક છે. બાહ્ય દૃષ્ટિની સાથે આંતરિક દૃષ્ટિ પણ જરૂરી છે. આંતરિક દૃષ્ટિ બોધ અને વિવેકથી પ્રગટ થાય છે. RSS સંસ્કાર યજ્ઞ છે જે આતંરિક અને બાહ્ય દૃષ્ટિ બન્ને માટે કામ કરી રહ્યો છે.
- આપણું શરીર પરોપકાર કરવા માટે, સેવા માટે જ છે. સેવા જ્યારે સંસ્કારમાં આવી જાય છે ત્યારે સેવા સાધના બની જાય છે. આ સાધના સ્વયંસેવક માટે જીવનનો પ્રાણવાયુ હોય છે. આ સેવા સંસ્કાર, સાધના, આ પ્રાણવાયુ પેઢી દર પેઢી દરેક સ્વયંસેવકને તપશ્ચર્યા કરવા માટે પ્રેરિત કરે છે, તેને ગતિમાન રાખે છે, થાકવા નથી દેતી. ગુરુજી કાયમ કહેતા કે લાંબું જીવન નહીં પણ જીવન કેટલું ઉપયોગી બને છે એ મહત્ત્વનું છે. અમે દેવથી દેશ અને રામથી રાષ્ટ્રના જીવનમંત્રને અપનાવ્યો છે. આપણે જોઈએ છીએ કે નાનું-મોટું કોઈ પણ કામ હોય, કોઈ પણ કાર્યક્ષેત્ર હોય, બૉર્ડર પરનું ગામ હોય, પહાડી ક્ષેત્ર હોય, વનક્ષેત્ર હોય - સંઘનો સ્વયંસેવક નિ:સ્વાર્થ ભાવથી કામ કરે છે. સ્વયંસેવક એક અનુશાસિત સિપાઈની જેમ તરત કોઈ પણ આપદામાં સૌથી પહેલાં દોડીને પહોંચી જાય છે. કોઈ પોતાની મુશ્કેલી, પીડા નથી જોતું અને સેવાના કામમાં લાગી જાય છે.
- એક વખત ગુરુજીને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે સંઘને સર્વવ્યાપી કેમ કહેવામાં આવે છે? ગુરુજીએ જવાબમાં સંઘની સરખામણી પ્રકાશ સાથે, અજવાળા સાથે કરી હતી. પ્રકાશ સર્વવ્યાપી હોય છે. એ પોતે બધું કામ ભલે ન કરે, પણ અંધારાને દૂર કરવાનું કામ કરીને બીજાઓને કામ કરવાનો રસ્તો બતાવે છે. ગુરુજીની આ શીખ અમારા માટે જીવન ત્ર છે. આપણે પ્રકાશ બનીને અંધારું હટાવવાનું છે, અડચણો દૂર કરવાની છે, રસ્તો બનાવવાનો છે.
- વસુધૈવ કુટુંબકમ અમારો મંત્ર છે જે આજે વિશ્વના ખૂણે-ખૂણે પહોંચી રહ્યો છે. દુનિયા આજે ભારતના કામને જોઈને મહેસૂસ કરી રહી છે. કોવિડની મહામારી ઉપરાંત તુર્કી અને નેપાલમાં ધરતીકંપ અને બે દિવસ પહેલાં મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં ભારતે સૌથી પહેલાં મદદનો હાથ લંબાવ્યો હતો. યુદ્ધની વચ્ચેથી અમે ભારતના જ નહીં, બીજા દેશના નાગરિકોને પણ સલામત રીતે બહાર કાઢ્યા. દુનિયા જોઈ રહી છે કે ભારત આજે પ્રગતિ કરી રહ્યું છે અને આખા ગ્લોબલ સાઉથનો અવાજ પણ બની રહ્યું છે. વિશ્વબંધુની આ ભાવના આપણા સંસ્કારનો વિસ્તાર છે.
- RSSની ૧૯૨૫માં સ્થાપના થઈ હતી ત્યારે ભારતની હાલત અને દિશા જુદી હતી. ૧૯૨૫થી ૧૯૪૭ સુધીનો સમય સંઘર્ષનો હતો. સ્વતંત્રતાનું લક્ષ્ય દેશ સામે હતું. આજે સંઘની ૧૦૦ વર્ષની યાત્રા એક મહત્ત્વના પડાવ પર છે. ૨૦૨૫થી ૨૦૪૭ સુધીનો સમય અત્યંત મહત્ત્વનો છે. એક સમયે ગુરુજીએ એક પત્રમાં લખ્યું હતું કે હું આપણા ભવ્ય રાષ્ટ્રના નિર્માણમાં એક પથ્થર બનીને રહેવા માગું છું. આપણે સેવાના સંકલ્પને પ્રજ્વલિત રાખવાનો છે, પરિશ્રમ કાયમ રાખવાનો છે. આપણે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો છે. અયોધ્યામાં પ્રભુ શ્રીરામના મંદિર નવનિર્માણ વખતે મેં કહ્યું હતું કે આપણે આગામી ૧૦૦૦ વર્ષના સશક્ત ભારતનું ફાઉન્ડેશન કરવાનું છે. મને વિશ્વાસ છે કે પૂજ્ય ડૉક્ટરસાહેબ, પૂજ્ય ગુરુજી જેવી વિભૂતિઓનું માર્ગદર્શન આપણને કાયમ શક્તિ આપશે. આપણે વિકસિત ભારતનો સંકલ્પ પૂરો કરીશું
વડા પ્રધાને UAVની ઍરસ્ટ્રિપનું ઉદ્ઘાટન કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નાગપુરની મુલાકાત વખતે સોલર ડિફેન્સ ઍન્ડ ઍરોસ્પેસ લિમિટેડ દ્વારા નિર્માણ કરવામાં આવતી યુદ્ધસામગ્રીની સુવિધા ચકાસી હતી. આ સમયે વડા પ્રધાને અનમૅન્ડ એરિયલ વેહિકલ (UAV) લૉન્ચ કરવા માટેની ઍરસ્ટ્રિપનું ઉદ્ઘાટન કર્યું હતું. નવી બનાવવામાં આવેલી ૧૨૫૦ મીટર લાંબી અને પચીસ મીટર પહોળી ઍરસ્ટ્રિપનો ઉપયોગ ડ્રોન ઉડાવવા અને યુદ્ધસામગ્રીનું પરીક્ષણ કરવા માટે કરવામાં આવશે. ઉપરાંત વડા પ્રધાને લાઇવ યુદ્ધસામગ્રી અને વૉરહેડ ટેસ્ટિંગ સુવિધાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. અહીં ગાઇડેડ મિસાઇલ અને અન્ય આધુનિક સુરક્ષાનાં ઉપકરણોનું પરીક્ષણ કરવામાં આવશે.

