Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > નારીની સુરક્ષા કાયદાથી નહીં, સંસ્કારથી થશે

નારીની સુરક્ષા કાયદાથી નહીં, સંસ્કારથી થશે

Published : 06 July, 2026 01:58 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રાચીન ભારતમાં માનવીય સંબંધોમાં ગરિમા હતી. દરેકની આત્મિક દૃષ્ટિ હોવાને કારણે નર-નારી બન્ને પવિત્ર હતાં, કામવાસનાનું કોઈ નામોનિશાન નહોતું અને એટલે જ બધાં નર-નારી પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરતાં હતાં

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે કંસ, રાવણ, દુર્યોધન જેવા આસુરી વૃત્તિવાળા મનુષ્યોના રાજમાં નારીઓ સુરક્ષિત નહોતી. જોકે આજે ન તો તેમનું રાજ છે અને ન તેઓ પોતે. તો પછી નારીઓને રક્ષણ કોની સામે જોઈએ છે? શા માટે આજે આપણી માતાઓ, બહેનો, દીકરીઓ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે?

પ્રાચીન ભારતમાં માનવીય સંબંધોમાં ગરિમા હતી. દરેકની આત્મિક દૃષ્ટિ હોવાને કારણે નર-નારી બન્ને પવિત્ર હતાં, કામવાસનાનું કોઈ નામોનિશાન નહોતું અને એટલે જ બધાં નર-નારી પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરતાં હતાં. દેવ યુગ બાદ વૈદિક યુગ આવ્યો. એ યુગમાં પણ નારી સન્માનિત અને ભગવતી હતી. એમ છતાં કામવિકારે પોતાનું માથું ઊંચકવાનું શરૂ કર્યું હતું, પરંતુ અનેક ધાર્મિક અને સામાજિક માન્યતાઓને કારણે એનો પ્રભાવ અંકુશમાં હતો અને કેવળ સંતાનોત્પત્તિના લક્ષ્યથી એનો પ્રયોગ કરીને નર-નારી એનાથી નિવૃત્ત થઈ જતાં. એ સમયે એવી માન્યતા હતી કે ‘પુત્રાય ક્રિયતે ભાર્યા’ અર્થાત્ પુત્રની ઉત્પત્તિ માટે સ્ત્રીને ભાર્યા બનાવવામાં આવે છે. આ હેતુ પૂરો થયા બાદ પુરુષ તેને સહધર્મિણી માનીને ધર્મનાં કાર્યોમાં પ્રવૃત્ત થઈ જતો. આ બધા યુગોની સરખામણીમાં જો આપણે વર્તમાન યુગને જોઈએ તો એ કહેવું અતિશયોક્તિ નહીં થાય કે આજનો યુગ વાસનાઓથી ઘેરાયેલો છે અને એટલે જ આજે નારી પોતાની જાતને અત્યંત અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે.



સામાન્યપણે લોકો એવું વિચારતા હોય છે કે સુખ તો સાંસારિક ભોગોમાંથી જ પ્રાપ્ત થાય છે. આ ખરેખર એક ચિંતનયોગ્ય વિષય છે કે જો સંસારના ભોગવિલાસમાં જ સુખ-શાંતિનો નિવાસ હોત તો આજે સંસારનું દરેક પ્રાણી સુખી હોત, કારણ કે સંસારમાં કદાચ જ કોઈ એવું પ્રાણી હશે જેને થોડોઘણો ભોગવિલાસનો અવસર પ્રાપ્ત ન થયો હોય. જોકે જોવામાં એમ આવ્યું છે કે અનહદ ભોગવિલાસમાં ડૂબેલી વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય નાશ થઈ જાય છે, મન ગંદું થઈ જાય છે અને તેના આત્માનું પતન થઈ જાય છે. એટલે આપણે એ સારી રીતે સમજી લેવું જોઈએ કે વિષય-વાસનાની તૃષ્ણા એક એવી પુનઃ પ્રાપ્ય તરસ છે જે ક્યારેય શાંત નથી થતી. યાદ રહે! ભોગ એક પ્રજ્વલિત અગ્નિ સમાન છે. એને જેટલો ભોગવશો એની આગ વધારે ને વધારે ભડકતી જશે અને ધીમે-ધીમે એ મનુષ્યની સુખ-શાંતિની બધી જ સંભાવનાઓને સદાને માટે ભસ્મીભૂત કરી નાખશે. એટલે પોતાનાં સુખ-શાંતિને ઇચ્છાઓ અથવા ભોગવિલાસમાં ન શોધો; કારણ કે જે નિ:સ્વાર્થી, નિષ્કામ, પુરુષાર્થી, પરોપકારી, સંતોષી અને પરમાર્થી છે તે જ માણસ સુખ-શાંતિનો ખરો અધિકારી છે. 


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2026 01:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK