ઉત્તરાખંડનાં ચાર ધામોનાં કપાટ ખૂલી ચૂક્યાં છે. જીવનમાં એક વાર તો આ ચારેય ધામોની યાત્રા કરવી જ જોઈએ એવું દરેક સનાતની વિચારે છે ત્યારે ચાલો આજે જાણીએ યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથ ધામો સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ અને એના માહાત્મ્ય વિશે
‘પ્રભુનાં કપાટ ખૂલ્યાં, મારા ભવોભવના આંટા ટળ્યા!’ જનસામાન્યમાં વર્ષોવર્ષથી એવી માન્યતા છે કે ચારધામની યાત્રા કરવાથી ભવોભવના આંટાફેરામાંથી મુક્ત થઈ જવાય છે. ખેર, કવિ જલન માતરી કહે છે એમ ‘શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી...’ આથી ચારધામની યાત્રા કરવાથી આપણે જન્મ-મરણના આ ફેરામાંથી મુક્ત થઈ શકીએ છીએ કે નહીં એ વિશે તો ટિપ્પણી નથી કરવી; પરંતુ આજે ચારધામનાં રહસ્યો, કહાણી અને વાસ્તવિકતા પરથી પડદો ઉઠાવીને સત્ય તરફની આ સફર એવી દિવ્ય અને અદ્ભુત કરવી છે જે આપણને રોમાંચની સાથે-સાથે અધ્યાત્મ તરફ એ રીતે તાણી જશે કે આપણને ખબર પણ નહીં રહે કે ‘હું ક્યારે શિવમય, શ્રીહરિમય થઈ ગયો! ક્યારે તેમની આટલી સમીપ પહોંચી ગયો.’ સો, ફાસન યૉર સીટબેલ્ટ ઍન્ડ બી રેડી ટુ ટ્રાવેલ ચારધામ વિથ અસ! મજા એ વાતની છે કે આ શબ્દસફર પર નીકળવા માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવાની, ગરમ કપડાં લેવાની કે ફલાઇટ બુકિંગ્સની કોઈ જરૂર નથી! બસ, આંખ ખોલો, શિવ અને શ્રીહરિનું નામ લો, શ્રદ્ધાના ઑક્સિજન સાથેનો એક ઊંડો શ્વાસ ભરો અને હાલો, નીકળી પડો અમારી સાથે રવિવારની આ સવારે ચારધામ યાત્રાએ. આજે કરીએ કંઈક એવી વાતો જે અજાણી છે અથવા ભુલાઈ ચૂકી છે.
ઉત્તરાખંડના ચાર મુગટ એટલે ચારધામ
આમ તો ચારધામ ભારતમાં ક્યાં આવેલાં છે એ કહેવાની જરૂર નથી. છતાં સાવ ટૂંકાણમાં જાણી લઈએ તો જે રાજ્યને ભારતની દેવભૂમિ તરીકે ઓળખવામાં આવે છે એવા ઉત્તરાખંડના ગઢવાલ રીજનમાં આવેલા ઉત્તરકાશીમાં ૧૦,૮૦૪ ફુટ એટલે કે ૩૨૯૩ મીટરની ઊંચાઈએ આવેલું ભારતની બે મહાન નદીઓમાંની એક યમુનાજીનું ઉદ્ગમસ્થાન એટલે યમનોત્રી. ત્યાંથી આગળ વધીએ તો ઉત્તરકાશીમાં જ પણ મુખ્ય શહેરથી અંદાજે ૯૯ કિલોમીટર દૂર ગંગોત્રી નૅશનલ પાર્કમાં આવેલું છે આ ગંગોત્રી ગ્લૅસિયર્સ. એ ૧૧,૨૦૪ ફુટ એટલે કે ૩૪૧૫ મીટરની ઊંચાઈએ આવેલું પવિત્ર સ્થાન છે. ત્યાંથી આગળ દેવાધિદેવ મહાદેવનું સ્થાન, જે આપણાં ૧૨ જ્યોતિર્લિંગમાં પણ મુખ્ય ગણાય છે એવું કેદારનાથ બાબાનું સ્થળ રુદ્રપ્રયાગ ડિસ્ટ્રિક્ટમાં આવ્યું છે. ૧૧,૭૫૦ ફુટ એટલે કે ૩૫૮૦ મીટરની ઊંચાઈએ વસેલા બાબા કેદારનાથ આ ચારધામ યાત્રામાં સૌથી વિકટ અને સૌથી વધુ માર્ગ-પરીક્ષા કરનારું સ્થળ છે. શ્રીહરિ વિષ્ણુનું સાંનિધ્ય એટલે કે બદરીનાથ આવ્યું છે ઉત્તરાખંડના ચમોલી ડિસ્ટ્રિક્ટમાં. ૩૧૧ મીટરની ઊંચાઈએ આવેલું શ્રીહરિનું ધામ મા ગંગાનો જ બીજો પ્રવાહ એવી અલકનંદા નદીના કિનારે છે.
18 May, 2025 04:53 IST | Dehradun | Aashutosh Desai