આપણા આંતરિક પરિવર્તનનો સીધો સંબંધ આપણી ઇચ્છાશક્તિ અને દૃઢ આત્મબળ પર નિર્ભર છે. એટલે એક વખત જો આપણે પોતાની દૃઢ ઇચ્છાશક્તિ સાથે કંઈક પરિવર્તન કરવાનું નક્કી કરી લઈએ તો પછી આપણે ખૂબ જ સરળતાથી પોતાના નિશ્ચિત લક્ષ્યને હાંસલ કરી શકીએ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કહેવાય છે કે જ્યાં ચાહ છે ત્યાં રાહ છે અર્થાત્ મનોબળ જો મજબૂત હોય અને કંઈક કરી છૂટવાની પ્રબળ ઇચ્છા અંદર હોય તો માણસ બધું જ હાંસલ કરી શકે છે. એમાં કોઈ બેમત નથી કે આપણે સહુ નિત્ય પ્રતિ સમય અનેક રીતે પોતાની જાતને બદલવા માગતા હોઈએ છીએ પરંતુ એ સંભવ નથી કે દરેક વખતે આપણે જે પ્રાપ્ત કરવા માગીએ છીએ એ આપણને મળે જ. આનું મૂળ કારણ એ છે કે આપણા આંતરિક પરિવર્તનનો સીધો સંબંધ આપણી ઇચ્છાશક્તિ અને દૃઢ આત્મબળ પર નિર્ભર છે. એટલે એક વખત જો આપણે પોતાની દૃઢ ઇચ્છાશક્તિ સાથે કંઈક પરિવર્તન કરવાનું નક્કી કરી લઈએ તો પછી આપણે ખૂબ જ સરળતાથી પોતાના નિશ્ચિત લક્ષ્યને હાંસલ કરી શકીએ છીએ.
આપણામાંથી મોટા ભાગના લોકોને આ અનુભવ થાય છે કે જે ઘડીથી આપણે પરિવર્તન કરવા માટે પોતાની જાત સાથે કોઈ વાયદો કરીએ છીએ બરાબર એ જ ઘડીથી આપણે વિવિધ પ્રકારના અવરોધોનો સામનો કરવાની શરૂઆત કરી દેવી પડે છે, બરાબરને? આનું મૂળ કારણ છે આપણા જ સારા માટે સ્વેચ્છાથી કરવામાં આવેલા નિર્ણયોના અમલીકરણને મુલતવી રાખવાની આપણી ખરાબ ટેવ. જ્યારે આપણે ઘણા સમય પૂર્વે પોતાની જાત સાથે કરેલા વાયદાઓને પૂર્ણ કરવામાં અસફળ રહીએ છીએ તો એના પરિણામ સ્વરૂપે આપણા આત્મવિશ્વાસનું સ્તર ખૂબ જ નીચલા સ્તરે આવી જાય છે અને નકારાત્મકતા આપણને એટલી હદે પોતાને વશ કરી નાખે છે કે આપણે વાયદો કરતાની સાથે જ અસફળતાના વિચારો કરવાનું શરૂ કરી દઈએ છીએ. એનો અર્થ એ કે પરિવર્તન તરફ ડગલાં ભરતાં પહેલાં જ આપણે પોતાની હારનો સ્વીકાર કરી લઈએ છીએ. તેથી દરેક પ્રયાસમાં અતૂટ વિશ્વાસ રાખવો અત્યંત મહત્ત્વપૂર્ણ છે કારણ કે વારંવાર મળેલી નિરાશાને પરિણામે આપણે પછી પોતાને તેમ જ અન્યોને એમ કહેવાનું શરૂ દઈએ છીએ કે ‘કદાચ મારા માટે આત્મપરિવર્તન કરવાની આ શુભ ઘડી નહોતી’! હું ફરીથી કોઈ શુભ મુહૂર્ત પર પોતાનું પરિવર્તન કરવાનું વિચારીશ.’ આ વારંવાર પડવાનો અને પછી ઉત્સાહિત થઈને વળી પાછા ઊઠીને યત્ન કરવાનો સિલસિલો ત્યાં સુધી ચાલતો રહેશે જ્યાં સુધી આપણે એ નક્કી નહીં કરીએ કે ‘જે કંઈ પણ થાય, આભ પણ કેમ તૂટી ન જાય પણ મારે હવે પડવું નથી. બસ, આગળ પોતાના ધ્યેય તરફ વધતા જવું છે.’ આમ રોજ સવારે ઊઠતાંની સાથે આપણે આ દૃઢ સંકલ્પોનો સૂર્ય ઉગાડવો જોઈએ અને આત્મવિશ્વાસથી ભરાયેલા હૃદયથી પોતાની જાતને એ કહેવું જોઈએ કે ‘હું એક શક્તિશાળી આત્મા છું, હું પોતાને બદલી શકું છું, હું શ્રેષ્ઠ બની શકું છું.’ આપણું આ નિર્ધારિત અને દૃઢ મનોબળ સ્વયંની સાથે-સાથે સમાજની અંદર પણ મોટા પાયે પરિવર્તન લાવવામાં નિમિત્ત બને છે. યાદ રાખો, જો આપણે બદલાઈશું તો આપણી આજુબાજુનો સંસાર પણ આપોઆપ બદલાશે.
ADVERTISEMENT
- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી


