મેકઅપ બ્રશની તમે ગમેએટલી સારી જાળવણી કરો, પરંતુ એ દર ત્રણથી ચાર વર્ષે ચેન્જ કરવાં જરૂરી છે. જૂનાં બ્રશમાં જો ફંગસ કે બૅક્ટેરિયલ ગ્રોથ આકાર લે તો એનાથી ત્વચાની તકલીફો થઈ શકે છે.
પ્રતીકાત્મક તસવીર
મેકઅપ કરતી વખતે પર્ફેક્ટ અને ફિનિશ્ડ લુક મેળવવા માટે સારું મેકઅપ બ્રશ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફાઉન્ડેશનને સરખી રીતે બ્લેન્ડ કરવાથી લઈને બ્લશને લગાવવા સુધી બ્રશ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, પણ ઘણી વાર અજાણતાં થતી નાની-નાની ભૂલોને કારણે સારી ક્વૉલિટીનાં બ્રશ પણ પોતાનો આકાર અને સૉફ્ટનેસ ગુમાવી દે છે. તેથી બ્રશને સુરક્ષિત રાખવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
નાની બૅગમાં મૂકવું
બધાં જ મેકઅપ બ્રશને એક જ નાના પાઉચ કે બૅગમાં જબરદસ્તી ભરી દેવાથી એના બ્રિસ્ટલ્સ દબાયેલા રહે છે. આમ કરવાથી બ્રશ કાયમ માટે પોતાનો મૂળ આકાર ગુમાવી બેસે છે. બ્રશ હંમેશાં એવી જગ્યાએ કે ખુલ્લા હોલ્ડરમાં રાખવું જોઈએ જ્યાં એના વાળને પૂરતી જગ્યા મળે અને એ દબાય નહીં.
ADVERTISEMENT
બ્રશને પાણીમાં ડુબાડી રાખવું
મેકઅપ બ્રશ સાફ કરતી વખતે સૌથી મોટી ભૂલ એ થાય છે કે લોકો એને પાણી ભરેલા વાસણમાં પલાળી રાખે છે. બ્રશના ધાતુના ભાગ સુધી પાણી પહોંચવાથી અંદર રહેલો ગુંદર નબળો પડે છે અને બ્રશના વાળ છૂટા પડીને ખરી જવા લાગે છે. સફાઈ કરતી વખતે પાણી માત્ર બ્રશના વાળ સુધી જ સીમિત રાખવું જોઈએ.
કડક સપાટી પર બ્રશ ઘસવું
જિદ્દી મેકઅપ કાઢવા માટે બ્રશને સખત સપાટી પર ઘસવાથી એના નાજુક વાળ કાયમ માટે નુકસાન પામે છે, બ્રશનો આકાર બગડી જાય છે અને એ ત્વચા પર ખૂંચવા લાગે છે. સફાઈ કરવા માટે હથેળી કે પછી સિલિકૉનની બ્રશ ક્લીનિંગ પ્લેટનો ઉપયોગ કરવો એ સુરક્ષિત રીત છે.
બ્રશ પર સીધું ફાઉન્ડેશન નાખવું
લિક્વિડ ફાઉન્ડેશન સીધું જ મેકઅપ બ્રશ પર કાઢવાથી પ્રોડક્ટ બ્રશના સેન્ટરમાં ઊંડે સુધી જતી રહે છે. આના કારણે બ્રશ ખૂબ જ ચીકણું અને ગંદું થઈ જાય છે તેમ જ એને સાફ કરવું મુશ્કેલ બને છે. ફાઉન્ડેશન હંમેશાં હથેળી અથવા ક્લીન મેકઅપ પેલેટ પર કાઢીને જ ઉપયોગમાં લેવું જોઈએ.
ધોયા પછી બ્રશને ઊભું રાખીને સૂકવવું
બ્રશ ધોયા બાદ એને ગ્લાસ કે હોલ્ડરમાં સીધું ઊભું રાખીને સૂકવવાથી પાણી નીચે વહીને ધાતુના ભાગમાં જમા થાય છે. આનાથી બ્રશ ખરાબ થાય છે. હંમેશાં વધારાનું પાણી નિચોવીને બ્રશને સાફ ટુવાલ પર ફ્લૅટ સૂકવવું જોઈએ. યોગ્ય પદ્ધતિથી નિયમિત સંભાળ રાખવાથી બ્રશ લાંબો સમય ટકે છે અને ત્વચા પણ કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનથી સુરક્ષિત રહે છે.
