માર્કેટમાં ઉપલબ્ધ BB, CC અને DD જેવી આલ્ફાબેટ ક્રીમ્સ બદલાતા બ્યુટી-ટ્રેન્ડનો ભાગ છે
પ્રતીકાત્મક તસવીર
હવે લોકો સ્માર્ટ અને સ્કિન-ફ્રેન્ડ્લી વિકલ્પો તરફ વળી રહ્યા છે જ્યાં ઓછી પ્રોડક્ટ્સથી વધુ નૅચરલ અને ગ્લોઇંગ લુક મેળવી શકાય. માર્કેટમાં ઉપલબ્ધ BB, CC અને DD જેવી આલ્ફાબેટ ક્રીમ્સ બદલાતા બ્યુટી-ટ્રેન્ડનો ભાગ છે, પરંતુ ઘણી વાર આપણે સમજતા નથી કે કઈ ક્રીમ આપણા માટે વધુ યોગ્ય છે. યોગ્ય પસંદગી કરવા માટે આ ત્રણેય વચ્ચેનો ફરક સમજવો ખૂબ જ જરૂરી બની જાય છે.
આજના સમયમાં જ્યારે આપણે મેકઅપ કે સ્કિન-કૅર પ્રોડક્ટ્સ ખરીદવા જઈએ છીએ ત્યારે આપણી સામે અનેક વિકલ્પો હોય છે. ખાસ કરીને આલ્ફાબેટ ક્રીમ તરીકે ઓળખાતી BB, CC અને DD ક્રીમ વચ્ચે પસંદગી કરવી ઘણી વાર મૂંઝવણભરી બની જાય છે. ઘણી સ્ત્રીઓને લાગે છે કે આ ત્રણેય એકસમાન છે, પરંતુ હકીકતમાં એ તમારી ત્વચાની જરૂરિયાત મુજબ અલગ-અલગ રીતે કામ કરે છે. જો તમે ભારે ફાઉન્ડેશન ટાળવા માગતા હો અને નૅચરલ ગ્લો ઇચ્છતા હો તો આ ક્રીમ વિશે સમજવું ખૂબ જરૂરી છે.
ADVERTISEMENT
BB ક્રીમ એટલે કે બ્યુટી બામ અથવા બ્લેમિશ બામ. આ એક ઑલ-ઇન-વન પ્રોડક્ટ છે જે મૉઇશ્ચરાઇઝર, પ્રાઇમર, સનસ્ક્રીન અને હળવા ફાઉન્ડેશનનું કામ કરે છે. જો તમારી ત્વચા ડ્રાય હોય અથવા તમારે રોજિંદા કામ માટે એકદમ નૅચરલ લુક જોઈએ છે તો BB ક્રીમ તમારા માટે શ્રેષ્ઠ છે. એ ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે અને ચહેરા પરના સામાન્ય ડાઘધબ્બાને ઢાંકી દે છે. જોકે એનું કવરેજ ખૂબ જ હળવું હોય છે, તેથી જો ચહેરા પર વધુ ડાર્ક સર્કલ્સ હોય તો એ પૂરતી સાબિત નહીં થાય.
CC ક્રીમ એટલે કે કલર કરેક્ટિંગ ક્રીમ. એનું મેઇન કામ ત્વચાના અસમાન રંગને સરખો કરવાનું છે. જો તમારા ચહેરા પર લાલાશ, પિગમેન્ટેશન કે કાળાં કૂંડાળાંની સમસ્યા હોય તો CC ક્રીમ જાદુઈ રીતે કામ કરે છે. એ BB ક્રીમ કરતાં થોડી વધુ જાડી હોય છે અને વધુ સારું કવરેજ આપે છે. ખાસ કરીને ઑઇલી ત્વચાવાળા લોકો માટે આ ક્રીમ વરદાન સમાન છે કારણ કે એ મોટા ભાગે મૅટ ફિનિશ આપે છે જેનાથી ચહેરો ચીકણો દેખાતો નથી.
DD ક્રીમ જેને ડેઇલી ડિફેન્સ કે ડાયનૅમિક ડૂ-ઑલ ક્રીમ કહેવામાં આવે છે. આ ક્રીમ BB અને CC બન્નેના ફાયદાઓનું મિશ્રણ છે. એ ખાસ કરીને ત્વચાના રક્ષણ માટે બનાવવામાં આવી છે. એમાં
ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને ઍન્ટિ-એજિંગ તત્ત્વો હોય છે જે વધતી ઉંમરની નિશાનીઓ જેવી કે ઝીણી કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. જો તમે પ્રદૂષિત વાતાવરણમાં વધુ રહેતા હો અથવા તમારી સ્કિન મૅચ્યોર હોય તો DD ક્રીમ તમને સુરક્ષા અને સુંદરતા બન્ને આપશે.
ટૂંકમાં સાચી પસંદગી તમારી સ્કિન-ટાઇપ અને પ્રસંગ પર આધારિત છે. રોજિંદા વપરાશ માટે BB ક્રીમ, સ્કિન-ટોનને સરખો કરવા માટે CC ક્રીમ અને સ્કિન-પ્રોટેક્શન માટે DD ક્રીમ ઉત્તમ છે. એટલે તમારી જરૂરિયાત ઓળખો અને ફ્લૉલેસ લુક મેળવો.
