બ્લાઉઝ પર કુંદન, મોતી અને જરી-જરદોશીનું ભરતકામ એવી સુંદર રીતે કરવામાં આવે છે કે એ ચોકર, નેકલેસ અથવા બાજુબંધ જેવા ભરાવદાર આભૂષણ જેવો રિચ અને એલિગન્ટ લુક આપે છે
બીજ્વેલ્ડ બ્લાઉઝનો ટ્રેન્ડ બહુ વધી રહ્યો છે
લગ્નસરા, તહેવારો અને મોટા પ્રસંગોમાં બીજ્વેલ્ડ બ્લાઉઝનો ટ્રેન્ડ બહુ વધી રહ્યો છે. આ ટ્રેન્ડમાં બ્લાઉઝ પોતે જ એક જ્વેલરી જેવો લુક આપે છે. ‘બીજ્વેલ્ડ’નો અર્થ જ આભૂષણોથી જડેલું થાય છે. બ્લાઉઝના કપડા પર કુંદન, મોતી, જરી-જરદોશીનું અને ડિઝાઇનર ભરતકામ કરવામાં આવે છે કે એ ચોકર, નેકલેસ અથવા બાજુબંધ જેવો લુક આપે છે. અંબાણી પરિવારની પુત્રી ઈશા અંબાણીએ ગુજરાત અને રાજસ્થાની ઘરેણાને સોના-ચાંદીના જરદોશી સાથે જોડીને હાથેથી ટાંકેલું બ્લાઉઝ પહેર્યું હતું.
આ ટ્રેન્ડ લોકપ્રિય થવા પાછળનું કારણ જ એ છે કે બીજ્વેલ્ડ બ્લાઉઝ દેખાવમાં એટલાં આકર્ષક હોય છે કે એના પર કોઈ ઍક્સેસરીઝ પહેરવાની જરૂર પડતી નથી. નાનાં ઇઅરરિંગ્સ કે સ્ટડ્સ પહેરીને જ તમે કમ્પ્લીટ લુક મેળવી શકો છો. એમાં કીમતી સ્ટોન અને જરદોશીનું કામ બ્લાઉઝને રૉયલ અને વિન્ટેજ લુક આપે છે. એવું નથી કે આવાં બ્લાઉઝ પહેલી વખત ફૅશનમાં આવ્યાં છે,
રાજા-રજવાડાંઓના સમયમાં આવાં રૉયલ અને હેવી બ્લાઉઝ મહારાણીઓ પહેરતી હતી. હાલમાં આ ટ્રેન્ડી બ્લાઉઝ સિલ્કની સાડીઓ અને પ્લેન લેહંગા સાથે પર્ફક્ટે મૅચ થાય છે.
ADVERTISEMENT
સ્ટાઇલ કેવી રીતે કરશો?
બ્લાઉઝની નેકલાઇનને વધુ હેવી રાખવામાં આવતી હોવાથી એ પહેર્યા બાદ એવું લાગે છે જાણે લાંબો હાર પહેર્યો છે. આમાં હાઈ નેક અને બોટ નેક સ્ટાઇલનાં બ્લાઉઝ વધુ જોવા મળે છે. દક્ષિણ ભારતીય ટેમ્પલ જ્વેલરીથી પ્રેરિત લક્ષ્મી માતા કે અન્ય દેવી-દેવતાઓના મોટિફ્સ, સિક્કા, મોતીના ગુચ્છાને બ્લાઉઝ પર ટાંકીને ભરતકામ કરવામાં આવે છે. આમાં સોનાના સિક્કાના આકારના કાંસાના સિક્કા હોય છે જે કાંજીવરમ સાડી સાથે બહુ ટ્રેન્ડી અને એલિગન્ટ લાગે છે. આવાં બ્લાઉઝ મોટા ભાગે ગોલ્ડન અને કૉપર કલરનાં આવે છે જે બધા જ રંગો સાથે મેળ ખાય છે. એની સાથે પ્લેન ગોલ્ડન, લાલ, ગ્રીન અને બધા જ પેસ્ટલ કલર્સ સૂટ થશે. સાડી હોય કે લેહંગા હોય, બ્લાઉઝ સાથે પ્લેન સિલ્ક ફૅબ્રિક તમારા લુકને વધુ સારો પર્ફક્ટ બનાવશે. તહેવારો કે નજીકનાં સગાંસંબંધીઓના લગ્નપ્રસંગે આવા લુક બહુ જ યુનિક અને રૉયલ ફીલિંગ આપશે. આવા ટ્રેડિશનલ બ્લાઉઝને મૉડર્ન ટચ આપવા માટે ઑફ શોલ્ડર કે કટ-આઉટ બૅકવાળાં બ્લાઉઝની કિનારીઓ પર સ્ટોન કે મોતીનું ડીટેલિંગ કરવામાં આવે છે જે આઉટફિટને રિચ લુક આપે છે. આવાં બ્લાઉઝ પરંપરાગત પોષાકને સમકાલીન અને ઝગમગતો લુક આપતાં હોવાથી એ યુવતીઓની પસંદ બની રહ્યાં છે.

