શૅમ્પૂમાં રહેલાં હાનિકારક કેમિકલ્સથી બચવા માટે વાળને ધોવા માટે નૅચરલ સામગ્રીઓનો ઉપયોગ શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો આ રહ્યા કેટલાક ઑપ્શન્સ
પ્રતીકાત્મક તસવીર
અત્યારે જમાનો બૅક ટુ બેઝિક તરફ જઈ રહ્યો છે. ફરી પાછા કુદરત તરફ, આપણા મૂળ રૂટ્સ તરફ આગળ વધવાનું કારણ છે કે હવે વિવિધ કેમિકલયુક્ત પ્રોડક્ટ્સની આડઅસરો વધી છે. સમય બચાવીને ઇન્સ્ટન્ટ શાઇન સાથે વાળ માટે ક્લેન્ઝિંગનું કામ કરતા શૅમ્પૂમાં સલ્ફેટ્સ, પૅરાબેન, સિલિકૉન જેવાં કેમિકલ્સ વાળના કુદરતી તેલને નષ્ટ કરીને સ્કૅલ્પને શુષ્ક બનાવે છે. એક અભ્યાસ મુજબ વારંવાર શૅમ્પૂથી વાળ ધોવાથી વાળના પ્રોટીન અને સુરક્ષા કવચ પર નકારાત્મક અસર થાય છે અને વાળ નબળા થઈ વધુ ખરવા લાગે છે. આવા સંજોગોમાં એ જાણવું રસપ્રદ રહેશે કે આપણાં દાદી-નાનીના સમયની એવી અઢળક પ્રોડક્ટ છે જે તમારા વાળને પોષણ આપીને એની મજબૂતી વધારશે અને એને ચમકીલા અને ઘટાદાર પણ બનાવશે.
ચણાનો લોટ
ADVERTISEMENT
ચણાનો લોટ ભારતીય ઘરોમાં દાયકાઓથી સૌંદર્ય ઉપચાર માટે વપરાતો આવ્યો છે. તમારું સ્કૅલ્પ સાફ કરવાની સાથે એમાં રહેલું કુદરતી તેલ જાળવવામાં ચણાના લોટની પાણી, દહીં અથવા દૂધમાં બનેલી પેસ્ટ લગાવવાથી ફાયદો થશે. દહીં સાથેનું મિશ્રણ માથાનો ખોડો દૂર કરવામાં મદદ કરશે.
એક અભ્યાસ કહે છે કે દહીં અને લોટના સંયોજનની પેસ્ટનો ઉપયોગ સ્કૅલ્પના સોજાને ઘટાડે છે અને વાળનું pH સંતુલિત કરે છે.
અલોવેરા
અલોવેરામાં વિટામિન A, C, E અને ઍન્ટિ-બૅક્ટેરિયલ ગુણધર્મો હોય છે જે સ્કૅલ્પ માટે ખૂબ ફાયદાકારક છે. અલોવેરા વાળમાં નરમાશ લાવે છે અને ડૅન્ડ્રફથી બચાવે છે. એક અભ્યાસ કહે છે કે અલોવેરા સ્કૅલ્પનું ફંગલ ઇન્ફેક્શન ઘટાડવામાં સહાયક છે. અલોવેરા જેલને સ્કૅલ્પ પર લગાવીને એક કલાક રહેવા દો અને પછી ચોખ્ખા પાણીથી માથું ધોઈ નાખો અને જુઓ કમાલ.
નારિયેળનું દૂધ
ફૅટી ઍસિડ્સ અને પ્રોટીનથી ભરપૂર નારિયેળનું તેલ વાળને પોષણ આપવા માટેનો બેસ્ટ ઑપ્શન છે. લીલા નારિયેળને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને સ્કૅલ્પ અને વાળમાં લગાવીને ૪૫ મિનિટ બાદ સાદા પાણીથી ધોઈ નાખો. એવા અભ્યાસો પણ છે જે કહે છે કે નારિયેળનું તેલ વાળના ફૉલિકલ્સને મજબૂત કરે છે એટલે હેરફૉલની સમસ્યા દૂર થાય છે. વાળની રૂક્ષતા દૂર કરીને એને મજબૂત અને ચમકદાર બનાવવા નારિયેળના દૂધનો પ્રયોગ કરો.
દહીં
દહીંમાં લૅક્ટિક ઍસિડ હોય છે જે સ્કૅલ્પને સાફ કરે છે અને મૃત કોષોને દૂર કરે છે. દહીંને હાથથી વાળની પાંથી પાડી એક પછી એક ભાગમાં લગાવો અને અડધાથી પોણા કલાકમાં સાદા પાણીથી ધોઈ નાખો. વાળને સૉફ્ટ કરવા હોય, માથાનો ખોડો દૂર કરવો હોય અને વાળને ચમકદાર બનાવવા હોય તો આ સારો પર્યાય છે. દહીંનું લૅક્ટિક ઍસિડ માથાના pHને સંતુલિત કરીને ફંગસથી બચાવે છે. જોકે દહીંવાળા વાળને ધોયા પછી એ ચીપચીપા રહેશે એટલે તરત જ શૅમ્પૂથી ફરી વાળ ધોવાને બદલે મુલતાની માટીથી વાળ ધોઈ શકાય.
આમળા અને શિકાકાઈ પાઉડર
સદીઓથી વાળ માટે ઉપયોગ થતા શિકાકાઈ અને વિટામિન Cથી ભરપૂર આમળાનો ઉપયોગ વાળને પોષણ આપવાથી લઈને માથાની ખંજવાળ દૂર કરવામાં, ખરતા વાળને અટકાવવામાં, વાળને મજબૂતી આપવામાં અને ડૅન્ડ્રફ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. આમળા અને શિકાકાઈની સેપરેટ પેસ્ટ બનાવીને કોઈ એક વસ્તુ અથવા બન્નેને સરખા પ્રમાણમાં મિક્સ કરીને ભેગી પેસ્ટ પણ લગાવશો તો લાભ થશે. વાળ માટે બન્ને કુદરતી કલેન્ઝરનું કામ કરે છે.


