વિમેન્સ વર્લ્ડ કપની પહેલી સેમી ફાઇનલ ૨૯ ઑક્ટોબરે સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે, બીજી સેમી ફાઇનલ ૩૦ ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે
વિમેન્સ વર્લ્ડ કપ ઇતિહાસનું બેસ્ટ બોલિંગ પ્રદર્શન કર્યું ઑસ્ટ્રેલિયન સ્પિનર અલાના કિંગે.
૯૮ રનના ટાર્ગેટને ઑસ્ટ્રેલિયાએ ૧૯૯ બૉલ બાકી રાખીને ૭ વિકેટે ચેઝ કરી લીધો ઃ વિમેન્સ વર્લ્ડ કપમાં પહેલી વખત એક બોલરે ૭ વિકેટ ઝડપી
ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકાને ૭ વિકેટે હરાવીને વિમેન્સ વર્લ્ડ કપમાં ગ્રુપ-સ્ટેજમાં અપરાજિત રહ્યું છે. ઇન્દોરમાં ગઈ કાલે સાઉથ આફ્રિકા ૨૪ ઓવરમાં ૯૭ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગયું હતું. ઑસ્ટ્રેલિયાએ ૧૬.૫ ઓવરમાં ૩ વિકેટે ૯૮ રન કરીને ૧૯૯ બૉલ પહેલાં જીત મેળવી લીધી હતી. આ વિજય સાથે ઑસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમે સાઉથ આફ્રિકા સામે વર્લ્ડ કપમાં તમામ ૯ મૅચ જીતવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો છે. વિમેન્સ વન-ડેમાં ઑસ્ટ્રેલિયાએ આ હરીફ ટીમ સામે ૧૭-૧થી જીતનો રેકૉર્ડ આગળ વધાર્યો છે. ઑસ્ટ્રેલિયાની સ્પિનર અલાના કિંગના તરખાટ સામે સાઉથ આફ્રિકાની માત્ર ત્રણ બૅટર ડબલ ડિજિટનો સ્કોર કરી શકી હતી. ૨૯ વર્ષની અલાના કિંગે ૭ ઓવરમાં માત્ર ૧૮ રન આપીને ૭ વિકેટ લીધી હતી. વિમેન્સ વન-ડે વર્લ્ડ કપમાં કોઈ બોલરે ૭ વિકેટ લીધી હોય એવી ઘટના પ્રથમ વાર બની છે.
ADVERTISEMENT
આજે રમાશે વર્લ્ડ કપની અંતિમ બે ગ્રુપ-સ્ટેજ મૅચ
સવારે ૧૧ વાગ્યે :
ઇંગ્લૅન્ડ વિરુદ્ધ ન્યુ ઝીલૅન્ડ (વિશાખાપટનમ)
બપોરે ૩ વાગ્યે : ભારત વિરુદ્ધ બંગલાદેશ (નવી મુંબઈ)
ભારતની સેમી ફાઇનલ નવી મુંબઈમાં
ઑસ્ટ્રેલિયાએ ગ્રુપ-સ્ટેજમાં પોતાની ૭ મૅચમાંથી ૬ જીત અને એક નો-રિઝલ્ટ મૅચ સાથે ૧૩ પૉઇન્ટ મેળવ્યા છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાએ અજેય રહીને પૉઇન્ટ-ટેબલ પર નંબર વનનું સ્થાન પાક્કું કરી લીધું છે. સાઉથ આફ્રિકા ૧૦ પૉઇન્ટ સાથે બીજા ક્રમે છે. ઇંગ્લૅન્ડ ૯ પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે અને અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ જીતીને તેઓ ૧૧ પૉઇન્ટ સાથે બીજા ક્રમે પહોંચી શકે છે. ભારત ૬ પૉઇન્ટ સાથે ચોથા ક્રમે હોવાથી અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ જીતીને ૮ પૉઇન્ટ સાથે એ જ સ્થાને રહેશે. ટુર્નામેન્ટના ફૉર્મેટ અનુસાર પૉઇન્ટ-ટેબલની પહેલા-ચોથા અને બીજા-ત્રીજા ક્રમની ટીમ વચ્ચે સેમી ફાઇનલ રમાશે. ૨૯ ઑક્ટોબરે ગુવાહાટીમાં પહેલી સેમી ફાઇનલ સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાશે, જ્યારે ૩૦ ઑક્ટોબરે નવી મુંબઈમાં બીજી સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા અને ભારતની ટક્કર થશે.


