બ્રોચ લગ્નપ્રસંગે શેરવાની કે કોટ પર પહેરવાની વસ્તુ નથી રહી, એ શર્ટ અને કૅઝ્યુઅલ આઉટફિટ્સ માટે પણ સ્ટેટમેન્ટ-પીસ બની ગયું છે
બ્રોચનો ઉપયોગ વધી રહ્યો છે
ફૅશન-વર્લ્ડમાં એક્સેસરીઝનું મહત્વ હંમેશાં રહ્યું છે, પરંતુ અત્યારે બ્રોચનો ઉપયોગ જે રીતે બદલાયો છે એ ખરેખર જોવા જેવો છે. એક સમય હતો જ્યારે બ્રોચ માત્ર સૂટ, બ્લેઝર કે શેરવાની પર જ જોવા મળતું હતું પરંતુ લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ બ્રોચ એની મર્યાદાઓ તોડીને શર્ટ, ટી-શર્ટ, કૅઝ્યુઅલ આઉટફિટ્સમાં પણ પોતાનું સ્થાન જમાવી રહ્યું છે.
શર્ટ પર બ્રોચનો વધતો પ્રભાવ
ADVERTISEMENT
આજે યુવાનો ઑફિસ-મીટિંગ હોય કે સાંજની પાર્ટી, પોતાના પ્લેન શર્ટને ક્લાસી લુક આપવા માટે બ્રોચનો ઉપયોગ કરી રહ્યા છે. શર્ટ પર બ્રોચ લગાવવાની ત્રણ રીત અત્યારે ખૂબ લોકપ્રિય છે. એક તો કૉલર બ્રોચ જેમાં શર્ટના બન્ને કૉલરની ટિપ પર નાનાં અને આકર્ષક બ્રોચ લગાવવામાં આવે છે. એનાથી વિન્ટેજ અને સૉફિસ્ટિકેટેડ લુક મળે છે. બીજું સેન્ટર બ્રોચ જેમાં શર્ટના ઉપરના બટન પર ગળા પાસે મોટું બ્રોચ લગાવવામાં આવે છે જે બો ટાઇ બાંધી હોય એવો આભાસ કરાવે છે. ત્રીજો લેયરિંગ લુક જેમાં ડેનિમ શર્ટ કે ઓપન શર્ટ પર પૉકેટની બાજુમાં બ્રોચ લગાવવાથી એક રફ ઍન્ડ ટફ છતાં સ્ટાઇલિશ લુક તૈયાર થાય છે.
ટી-શર્ટ પર બ્રોચનો જાદુ
શું તમે ક્યારેય વિચાર્યું છે કે સાદા ટી-શર્ટ પર બ્રોચ લગાવી શકાય? જી હા, અત્યારે સ્ટ્રીટ-સ્ટાઇલ ફૅશનમાં આ ટ્રેન્ડ જોરશોરથી ચાલી રહ્યો છે. ઓવર-સાઇઝ્ડ ટી-શર્ટ કે પ્લેન ક્રૂ નેક ટી-શર્ટ પર એક બાજુએ ગોલ્ડન કે સિલ્વર મેટલિક બ્રોચ લગાવવાથી એ સામાન્ય કપડાંને પણ ડિઝાઇનર વેઅર જેવો લુક આપે છે. આ ટ્રેન્ડ સાબિત કરે છે કે બ્રોચ હવે માત્ર ફૉર્મલ નથી રહ્યાં પણ એ કૅઝ્યુઅલ ફૅશનનો પણ જીવ છે.
લક્ઝરી અને પર્સનાલિટીનું પ્રતીક
હવે બ્રોચ માત્ર જરૂરિયાત પૂરતું નથી રહ્યું પણ એ તમારી પર્સનાલિટી દર્શાવવાનું સાધન બન્યું છે. બજારમાં હવે સોના-ચાંદીના કોટિંગવાળાં કીમતી ક્રિસ્ટલ્સ અને ડાયમન્ડ-સ્ટડેડ બ્રોચ મળે છે. પ્રાણીઓના આકાર જેમ કે સિંહ કે હરણ, ફૂલોની ડિઝાઇન કે ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટવાળાં બ્રોચ અત્યારે સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. એ સાદા આઉટફિટમાં પણ રૉયલ ટચ ઉમેરે છે.


