ઓછાં કપડાંમાં દરરોજ મેળવો સ્ટાઇલિશ અને નવા-નવા લુક, વર્કિંગ વિમેન અને કૉલેજ-ગર્લ્સ માટે સ્માર્ટ, બજેટ-ફ્રેન્ડ્લી અને ટ્રેન્ડી વૉર્ડરોબ મૅનેજમેન્ટની આ ક્વિક ગાઇડ દરરોજ સવારે કપડાં પસંદ કરવાની મૂંઝવણમાંથી મુક્તિ અપાવશે
ક્વિક કૅપ્સ્યુલ વૉર્ડરોબ ગાઇડ
દરરોજ સવારે કબાટ સામે ઊભા રહીને આજે શું પહેરવું એ વિચારવામાં સમય બગાડવો એ મોટા ભાગની યુવતીઓની રોજિંદી સમસ્યા બની ગઈ છે. કપડાંથી ભરેલું કબાટ હોવા છતાં યોગ્ય કૉમ્બિનેશન ન મળવું કે પછી લુક રિપીટ થવાનો ડર રહેવો એ ખૂબ જ સામાન્ય બાબત છે. જો તમે પણ આ રોજિંદી સમસ્યાથી પરેશાન છો તો આ સમસ્યાનો મૉડર્ન અને પ્રૅક્ટિકલ ઉકેલ કૅપ્સ્યુલ વૉર્ડરોબ છે. એની મદદથી તમે દરરોજ એક નવો, પ્રોફેશનલ અને સ્ટાઇલિશ લુક કેવી રીતે ક્રીએટ કરી શકો છો એ સમજી લો.
કૅપ્સ્યુલ વૉર્ડરોબ એટલે?
કૅપ્સ્યુલ વૉર્ડરોબ એ એક એવો ફેશન-કન્સેપ્ટ છે જેમાં મર્યાદિત અને હાઈ ક્વૉલિટીનાં ગુણવત્તાયુક્ત કપડાં જ પસંદ કરવામાં આવે છે, જે એકબીજા સાથે સરળતાથી મિક્સ-ઍન્ડ-મૅચ થઈ શકે છે. આ પદ્ધતિનો મુખ્ય હેતુ વૉર્ડરોબમાં કપડાંનો અસ્તવ્યસ્ત ભરાવો ઘટાડીને દરરોજ સરળતાથી અને ઝડપથી આઉટફિટ તૈયાર કરવાનો છે.
ADVERTISEMENT
મિનિમલ વૉર્ડરોબના ફાયદા
આ પદ્ધતિ અપનાવવાથી દરરોજ સવારે આઉટફિટ પસંદ કરવામાં થતો બિનજરૂરી સમય બચે છે અને તમે સમયસર તૈયાર થઈ શકો છો. સાથે દર મહિને નવાં-નવાં કપડાં ખરીદવાને બદલે માત્ર ગુણવત્તાયુક્ત અને ઉપયોગી કપડાંમાં જ નાણાંનું સ્માર્ટ રોકાણ થાય છે. આનાથી તમારું કબાટ હંમેશાં વ્યવસ્થિત રહે છે અને કપડાં પસંદ કરવાની નિર્ણય-પ્રક્રિયા ખૂબ સરળ બની જાય છે. આ ઉપરાંત ફાસ્ટ ફૅશનના બિનજરૂરી ક્રેઝથી દૂર રહીને પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ લાઇફસ્ટાઇલ અપનાવી શકાય છે.
ટૉપ્સ અને શર્ટ્સ
યુવતીઓના વૉર્ડરોબમાં ક્લાસિક વાઇટ શર્ટ હોવું જરૂરી છે, કારણ કે એ ફૉર્મલ મીટિંગ્સ અને કૅઝ્યુઅલ આઉટિંગ બન્ને લુક માટે બેસ્ટ પસંદગી બને છે. આ સિવાય કાળા, સફેદ, ગ્રે અને બેજ કલરના બેઝિક ન્યુટ્રલ કલર ટી-શર્ટ્સ પણ રાખવાં જોઈએ. એ દરેક પ્રકારનાં બૉટમવેઅર સાથે સહેલાઈથી મૅચ થઈ જાય છે. ઑફિસ માટે પેસ્ટલ શેડ્સમાં સૉલિડ કલરનાં એક-બે પ્રોફેશનલ બ્લાઉઝ અથવા એલિગન્ટ ટૉપ્સ વૉર્ડરોબમાં ચોક્કસપણે સામેલ કરવાં જોઈએ.
લેયરિંગ
ઑફિસમાં મીટિંગ્સ કે પ્રેઝન્ટેશન વખતે ઇન્સ્ટન્ટ પ્રોફેશનલ લુક મેળવવા માટે એક ફૉર્મલ બ્લેઝર અથવા શ્રગ વૉર્ડરોબમાં હોવું જોઈએ. કૅઝ્યુઅલ કૉલેજ લુક માટે ડેનિમ જૅકેટ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સિવાય ઑફિસના ACવાળા વાતાવરણમાં કે હળવી ઠંડીમાં પહેરવા માટે લાઇટ શ્રગ અથવા કાર્ડિગન રાખવું હિતાવહ છે.
મિક્સ ઍન્ડ મૅચ કરવાની સ્માર્ટ ટિપ્સ
વૉર્ડરોબ ડિઝાઇન કરતી વખતે કલર પેલેટમાં ૭૦ ટકા કલર્સ ન્યુટ્રલ - જેમ કે સફેદ, કાળો, ગ્રે, નેવી બ્લુ અને બેજ – રાખવા અને માત્ર ૩૦ ટકા કલર જ બ્રાઇટ અથવા પેસ્ટલ રાખવા જોઈએ. કપડાંના ટેક્સ્ચર અને પ્રિન્ટમાં મોટા ભાગનાં કપડાં સૉલિડ અને પ્લેન રાખવાં, જ્યારે માત્ર ૧૦થી ૨૦ ટકા કપડાંમાં જ સ્ટ્રાઇપ્સ કે ચેક્સ જેવી પ્રિન્ટ પસંદ કરવી જોઈએ. લેયરિંગ સ્માર્ટ્લી કરવા માટે એક જ બેઝિક ટી-શર્ટને ઓપન શર્ટ, બ્લેઝર કે ડેનિમ જૅકેટ સાથે પહેરીને દરરોજ અલગ લુક બનાવી શકાય છે. આ ઉપરાંત બેલ્ટ, સ્માર્ટ ઘડિયાળ, સ્કાર્ફ અને સિમ્પલ જ્વેલરી જેવી ઍક્સેસરીઝ વડે એક જ આઉટફિટનો આખો ટોન બદલી શકાય છે.
એથ્નિક અને ફ્યુઝનવેઅર
યુવતીઓ માટે સફેદ, કાળી અને પેસ્ટલ કલરની સૉલિડ પ્લેન કુરતીઓ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. એની સાથે પ્રિન્ટેડ શ્રગ અથવા જૅકેટ પેર કરીને જીન્સ કે કુરતી બન્ને સાથે એક નવો અને આકર્ષક ફ્યુઝન લુક સરળતાથી તૈયાર કરી શકાય છે.
ફુટવેઅર અને બૅગ્સ
દરેક લુક માટે અલગ-અલગ ફુટવેઅર કે બૅગ રાખવાની કોઈ જરૂર નથી. ફુટવેઅરમાં કૉલેજ અને કૅઝ્યુઅલવેઅર માટે એક પેર ન્યુટ્રલ સ્નીકર્સ, ઑફિસવેઅર માટે એક પેર ફ્લૅટ્સ કે બેલીઝ અને ફૉર્મલ લુક માટે એક પેર ન્યુટ્રલ હીલ્સ કે બ્લૉક હીલ્સ પૂરતી છે. બૅગ્સની પસંદગીમાં એક મોટી ટોટ બૅગ રાખવી, જેમાં લૅપટૉપ અને બુક્સ સરળતાથી આવી શકે અને સાથે એક નાની વર્સેટાઇલ ક્રૉસ-બૉડી બૅગ રાખવી.
બૉટમવેઅર
બૉટમવેઅરમાં એક હાઈ-રાઇઝ અને પર્ફેક્ટ્લી વેલ-ફિટેડ ડાર્ક ડેનિમ જીન્સ હોવું જરૂરી છે, જે લગભગ દરેક ટૉપ સાથે ખૂબ જ સરસ દેખાય છે. ફૉર્મલ લુક માટે કાળા, નેવી બ્લુ કે ક્રીમ શેડમાં એક ઍન્કલ લેન્ગ્થ પૅન્ટ અથવા ફૉર્મલ ટ્રાઉઝર વૉર્ડરોબમાં હોવું જોઈએ. આ સિવાય કૉલેજ કે રૂટીનવેઅર માટે આરામદાયક અને અત્યાધુનિક ટ્રેન્ડી લુક આપતાં વાઇડ-લેગ પૅન્ટ્સ અથવા પલાઝો રાખી શકાય છે.
ડેઇલી લુક કૉમ્બિનેશન્સ
અઠવાડિયાના દિવસો મુજબ તમે સરળતાથી આઉટફિટ સેટ કરી શકો છો. સોમવારે ફૉર્મલ લુક માટે વાઇટ શર્ટ સાથે બ્લૅક ટ્રાઉઝર, મિનિમલ વૉચ અને ફ્લૅટ્સ પહેરી શકાય. મંગળવારે એથ્નિક ફ્યુઝન લુક માટે પ્લેન કુરતી સાથે ડેનિમ જીન્સ અને ઑક્સિડાઇઝ્ડ ઇઅર-રિંગ્સ પેર કરી શકાય. બુધવારે સ્માર્ટ કૅઝ્યુઅલ લુક માટે ન્યુટ્રલ ટી-શર્ટ સાથે વાઇડ લેગ પૅન્ટ અને લાઇટ શ્રગ મૅચ કરી શકાય. ગુરુવારે પ્રોફેશનલ લુક માટે પેસ્ટલ ટૉપ પર બ્લેઝર, ડાર્ક જીન્સ અને લોફર્સ પહેરી શકાય. શુક્રવાર કે શનિવારે કૅઝ્યુઅલ લુક માટે પ્રિન્ટેડ ટૉપ સાથે જીન્સ, સ્નીકર્સ અને ક્રૉસ-બૉડી બૅગ કૅરી કરી શકાય.
