મહારાષ્ટ્રિયન પરંપરામાં કપાળ પર સજાવવામાં આવતી ચંદ્રકોર બિંદી માત્ર શૃંગારનું સાધન નથી. એની સાથે મહારાષ્ટ્રિયન સાંસ્કૃતિક ઓળખ, ધાર્મિક માન્યતાઓ અને પરંપરાનો સંબંધ જોડાયેલો છે.
ચંદ્રકોર બિંદી
મહારાષ્ટ્રિયન પરંપરામાં કપાળ પર સજાવવામાં આવતી ચંદ્રકોર બિંદી માત્ર શૃંગારનું સાધન નથી. એની સાથે મહારાષ્ટ્રિયન સાંસ્કૃતિક ઓળખ, ધાર્મિક માન્યતાઓ અને પરંપરાનો સંબંધ જોડાયેલો છે. હવે આ પરંપરાગત બિંદી ટ્રેડિશનલ લુકની સાથે મૉડર્ન ફૅશનમાં પણ પોતાની જગ્યા બનાવી રહી છે
ગણેશોત્સવ એટલે માત્ર બાપ્પાની ભક્તિ કરવાનો જ નહીં, મહારાષ્ટ્રની સંસ્કૃતિને ઊજવવાનો પણ સમય. ખાસ કરીને મહિલાઓમાં નવવારી કે પૈઠણી સાડી, નથ, ઠુસી, ગજરા અને અન્ય મહારાષ્ટ્રિયન જ્વેલરી સાથે પરંપરાગત ચંદ્રકોર બિંદી પહેરવાનો ક્રેઝ જોવા મળે છે. મહારાષ્ટ્રિયન પરંપરાગત લુકમાં ચંદ્રકોર બિંદી એક આગવી ઓળખ આપે છે. જોકે હવે એનો ઉપયોગ માત્ર પરંપરાગત વસ્ત્રો પૂરતો સીમિત રહ્યો નથી.
ADVERTISEMENT
ચંદ્રકોરનું મહત્ત્વ
શિવતત્ત્વ અને ચંદ્રનું પ્રતીક : ચંદ્રકોરનું અર્ધચંદ્રાકાર સ્વરૂપ ભગવાન શિવના મસ્તક પર ધારણ કરાયેલા ચંદ્ર સાથે જોડવામાં આવે છે. ભારતીય ધાર્મિક પરંપરામાં ચંદ્રને શીતળતા અને મન સાથે પણ સાંકળવામાં આવે છે. એથી ચંદ્રકોરને શાંતિ, સંતુલન અને સ્થિરતાના પ્રતીક તરીકે જોવાની પરંપરા છે.
ગણેશોત્સવ સાથેનો સંબંધ : ભગવાન ગણેશનું એક નામ ‘ભાલચંદ્ર’ છે. ભાલ એટલે કપાળ અને ચંદ્ર એટલે ચંદ્ર. એટલે કે કપાળ પર ચંદ્ર ધારણ કરનાર. આ કારણે ગણેશોત્સવ જેવાં પર્વોમાં ચંદ્રકોરનો દેખાવ મહારાષ્ટ્રિયન ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ સાથે ખાસ સુસંગત લાગે છે.
મહારાષ્ટ્રિયન સાંસ્કૃતિક ઓળખ : ચંદ્રકોર લાંબા સમયથી મહારાષ્ટ્રિયન પરંપરાગત શૃંગારનો એક ઓળખી શકાય એવો ભાગ રહી છે. કેટલાક આધુનિક ઐતિહાસિક અને સાંસ્કૃતિક લેખોમાં એને મરાઠા ગૌરવ અને સ્વરાજ્યની ઓળખ સાથે પણ જોડવામાં આવે છે.
પરંપરાગત સાંચાની ખાસિયત : પહેલાંના સમયમાં ચંદ્રકોર બનાવવા માટે ચંદ્રકોરના આકારનો નાનો ધાતુનો સાંચો અથવા છાપો વપરાતો હતો. ખાસ કરીને તાંબાના સાંચાનો ઉપયોગ કરીને એમાં કંકુ અથવા ચંદન લગાવી કપાળ પર ચંદ્રકોરનો આકાર બનાવવાની પરંપરા આજે પણ જોવા મળે છે. આ પ્રક્રિયા ચંદ્રકોરને માત્ર સ્ટિકર બિંદી નહીં, એક પરંપરાગત શૃંગારવિધિનો ભાગ બનાવે છે.
આધુનિક ફૅશનમાં નવી ઓળખ : એક સમયે મુખ્યત્વે મહારાષ્ટ્રિયન પારંપરિક પોશાક સાથે જોવા મળતી ચંદ્રકોર હવે ફૅશનમાં પણ નવી રીતે જોવા મળે છે. આજકાલ નાની ચંદ્રકોરને કુરતી, સાડી અને ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ સાથે પણ પહેરવામાં આવે છે. એટલે આ બિંદી પરંપરા જાળવી રાખીને આધુનિક સ્ટાઇલનો ભાગ પણ બની રહી છે.
સ્ટાઇલિંગ
નવવારી સાડી સાથે ચંદ્રકોર બિંદીનો લુક સૌથી વધુ પરંપરાગત લાગે છે, પરંતુ વર્તમાન સમયમાં આ બિંદી ફૅશન-સ્ટેટમેન્ટ પણ બની ગઈ છે. તમે એને અન્ય ઘણાં આઉટફિટ્સ સાથે ખૂબ જ સુંદર રીતે સ્ટાઇલ કરી શકો છો.
૧. સાડીઓ સાથે
કાંજીવરમ અથવા સિલ્ક સાડી : કોઈ પણ સિલ્ક અથવા બનારસી સાડી સાથે નાની ચંદ્રકોર બિંદી ખૂબ જ ભવ્ય લુક આપે છે. જો સાડી હેવી હોય તો બિંદી બહુ મોટી રાખવાને બદલે ચહેરા સાથે બૅલૅન્સ થાય એવી સાઇઝ પસંદ કરી શકાય.
કૉટન અને લિનન સાડી : જો તમે ઑફિસ કે કોઈ કૅઝ્યુઅલ ઇવેન્ટમાં કૉટન કે લિનન સાડી પહેરો છો તો સાદી મરૂન, લાલ કે બ્લૅક કલરની નાની ચંદ્રકોર બિંદી સોબર અને એલિગન્ટ લુક આપી શકે છે.
૨. ઇન્ડો-વેસ્ટર્ન અને ફ્યુઝન લુક
આજકાલ યંગ જનરેશન જીન્સ-કુરતી, લૉન્ગ શ્રગ અથવા ઇન્ડો-વેસ્ટર્ન મૅક્સી ડ્રેસ સાથે નાની ચંદ્રકોર બિંદી ટ્રાય કરી રહી છે. ખાસ કરીને કલ્ચરલ ડે, કૉલેજ ફેસ્ટિવલ કે ફ્રેન્ડ્સ ગૅધરિંગ માટે આ લુક પરંપરાગત ટચ સાથે મૉડર્ન લાગે છે.
૩. કુરતા સેટ અને સલવાર સૂટ
સિમ્પલ કે હેવી અનારકલી સૂટ, પલાઝો સેટ અથવા સલવાર સૂટ સાથે નાની સાઇઝની ચંદ્રકોર બિંદી ચહેરાને અલગ ઓળખ આપે છે. અહીં બિંદીનો કલર કપડાં કે જ્વેલરી સાથે કૉન્ટ્રાસ્ટમાં રાખી શકાય.
૪. લેહંગા ચોલી
નવરાત્રિના ગરબા હોય કે લગ્નપ્રસંગ, લેહંગા ચોલી સાથે ચંદ્રકોર બિંદી સુંદર લાગે છે. જો ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી પહેરી હોય તો સાદી અથવા મેટલિક ડીટેલવાળી ચંદ્રકોર બિંદી પસંદ કરી શકાય.
યોગ્ય લુક માટે ધ્યાનમાં
રાખવાની બાબત
મોટી ચંદ્રકોર : નવવારી સાડી, હેવી પૈઠણી અથવા લગ્ન જેવા મોટા પ્રસંગોમાં મોટી ચંદ્રકોર વધુ પરંપરાગત અને શાહી લુક આપે છે.
નાની ચંદ્રકોર : કુરતી, જીન્સ, કૅઝ્યુઅલ સાડી કે રોજિંદા વપરાશ માટે નાની ચંદ્રકોર વધુ સોબર અને મૉડર્ન લાગે છે.
આમ ચંદ્રકોર માત્ર કપાળ પર લગાવાતી એક બિંદી નથી. એની સાથે મહારાષ્ટ્રની પરંપરા, સાંસ્કૃતિક ઓળખ અને શૃંગારની એક લાંબી પરંપરા જોડાયેલી છે. કદાચ એટલે જ સમય બદલાયો, ફૅશન બદલાઈ છતાં ચંદ્રકોરની ઓળખ આજે પણ એટલી જ ખાસ છે.
