સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલો ક્લાઉડ સ્કિન મેકઅપ કઈ રીતે ગ્લાસ સ્કિન મેકઅપથી અલગ પડે છે અને કેવી રીતે તમે પણ મેળવી શકો એ જાણી લો
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
કોરિયન ગ્લાસ સ્કિન મેકઅપ અત્યાર સુધી ટોચ પર હતો, પણ ફૅશન અને બ્યુટી સ્ટેટમેન્ટ હંમેશાં પરિવર્તનશીલ હોય છે. હવે લોકો એક્સ્ટ્રા ગ્લોથી કંટાળીને નવું શોધી રહ્યા છે જે નૅચરલ પણ લાગે અને ક્લાસી પણ. એવામાં ક્લાઉડ સ્કિન મેકઅપ ટ્રેન્ડ બહુ ચર્ચામાં છે. ક્લાઉડ સ્કિન એટલે એવો લુક જેમાં તમારી ત્વચા વાદળ જેવા ટેક્સ્ચરની દેખાય. થોડી બ્લર, પણ મુલાયમ અને અંદરથી ગ્લો આવે એવી. ગ્લાસ સ્કિનમાં ત્વચા ડ્યુઈ દેખાતી હોય છે ત્યારે ક્લાઉડ સ્કિનમાં મૅટ અને ગ્લોઇંગ સ્કિનનું કૉમ્બિનેશન હોય છે. એ પૂર્ણપણે મૅટ હોતી નથી, પણ એવું લાગે જાણે આપણે ઍરબ્રશ મેકઅપ કર્યો હોય.
શું છે ખાસ?
ADVERTISEMENT
ક્લાઉડ સ્કિન મેળવવા લેયરિંગની ટેક્નિક મહત્ત્વની હોય છે. એમાં કોઈ એક પ્રોડક્ટનો ઉપયોગ કરવાને બદલે સ્કિન-પ્રેપરેશન પર ભાર મૂકવામાં આવે છે. સૌથી પહેલાં તો ત્વચાને સારી રીતે મૉઇશ્ચરાઇઝ કરવામાં આવે છે જેથી હાઇડ્રેશન જળવાઈ રહે. ફાઉન્ડેશનમાં થોડું ફેસ ઑઇલ અથવા સિરમ મિક્સ કરીને અપ્લાય કરવામાં આવે છે જેથી ફાઉન્ડેશન ત્વચા સાથે મર્જ થઈ જાય. એના પછી આવે છે પાઉડર સેટિંગ. ક્લાઉડ સ્કિન મેકઅપનું આ મહત્ત્વનું પાસું છે. આંખની નીચે અને ચહેરાના ટી ઝોન પર લૂઝ પાઉડર અપ્લાય કરીને ત્વચાને બ્લર ઇફેક્ટ આપવામાં આવે છે જેથી એ વાદળ જેવી મુલાયમ દેખાય.
કેવી સ્કિન પર સૂટ થશે?
ક્લાઉડ સ્કિન મેકઅપની સૌથી મોટી ખાસિયત એ છે કે એ દરેક પ્રકારની સ્કિન પર સૂટ થઈ જાય છે. ઑઇલી સ્કિન ધરાવતા લોકો માટે ક્લાઉડ સ્કિન મેકઅપ બેસ્ટ છે, કારણ કે એમાં પાઉડરનો ઉપયોગ થતો હોવાથી ઍક્સેસ ઑઇલ કન્ટ્રોલ થાય છે. કૉમ્બિનેશન સ્કિન ધરાવતા લોકો માટે આ ટ્રેન્ડ પર્ફેક્ટ બૅલૅન્સ જાળવે છે. પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશન અને ફેસ ઑઇલના વપરાશને લીધે ડ્રાય સ્કિન પર પણ આ લુક પૅચી લાગતો નથી.
કેવા પ્રસંગ માટે છે બેસ્ટ?
ઑફિસમાં ગ્લાસ સ્કિન મેકઅપ ઘણી વાર લાઉડ લાગે છે, જ્યારે ક્લાઉડ સ્કિન મેકઅપ પ્રોફેશનલ અને સૉફ્ટ લુક આપે છે. ફોટોશૂટ દરમિયાન આ મેકઅપમાં કૅમેરા ફ્લૅશ સામે ત્વચા વધુપડતી રિફ્લેક્ટ નથી થતી, જેનાથી ફોટો ખૂબ જ સુંદર અને ફિલ્ટર જેવા આવે છે. જો તમારે એવું દેખાવું હોય કે તમે મેકઅપ કર્યો છે છતાં બધું નૅચરલ છે તો આ ટ્રેન્ડ તમારા માટે છે. ક્લાઉડ સ્કિન ટ્રેન્ડ એ સાબિત કરે છે કે સુંદર દેખાવા માટે ત્વચાને ચમકાવવી જરૂરી નથી પણ એને મુલાયમ અને હેલ્ધી બતાવવી વધુ જરૂરી છે.
