દિવાળી આવી ગઈ છે અને ઘર સજાવવાનો સમય ઓછો છે? ચિંતા ન કરો. અમે તમારા માટે કેટલાક ક્વિક અને સુંદર ડેકોરેશન આઇડિયાઝ લઈને આવ્યા છીએ, જેને અપનાવીને તમે તમારા ઘરને ચાર ચાંદ લગાવી શકો છો
સજાવટ
દિવાળી આવી ગઈ છે અને દરેકની ઇચ્છા હોય છે કે તહેવારમાં ઘર ચમકે. એક યોગ્ય ડેકોરેશન તમારા ઘરની એનર્જીને બદલી શકે છે, આનંદ વધારી શકે છે અને તહેવારની મજા બમણી કરી શકે છે. એવામાં જો તમારી પાસે વધુ સમય ન હોય તો પણ તમે નીચે જણાવેલા દિવાળી ડેકોરેશનના કેટલાક આઇડિયા અપનાવીને તમારા ઘરમાં તહેવારની રોનક લાવી શકો છો
દીવા ડેકોરેશન
ADVERTISEMENT
દીવા વગર તો દિવાળીનો તહેવાર અધૂરો છે. એટલે દિવાળી ડેકોરેશનમાં દીવા ન હોય એ કેમ ચાલે? એટલે જો તમારે દસ મિનિટમાં દીવો ડેકોરેટ કરવો હોય તો તમે આ હૅક અપનાવી શકો છો. તમારે સૌથી પહેલાં માટીનું એક કોડિયું લેવાનું છે. એના પર તમારે બેબી પિન્ક, બેબી બ્લુ, પિસ્તાં, લૅવેન્ડર જેવા કલરથી કોડિયાંને રંગી નાખવાનાં છે. કલર સુકાઈ જાય એટલે તમારે એક ઇઅરબડ લેવાનું છે. એની મદદથી તમારે આખા દીવામાં થોડા-થોડા અંતરે ડેકોરેટિવ રીતે વાઇટ ડૉટ કરી દેવાના છે. તમારે દીવો વધારે ડેકોરેટ કરવો હોય તો એ વાઇટ ડૉટની ફરતે પણ ટૂથપિક, સોયની મદદથી નાનાં-નાનાં ડૉટ બનાવી શકો છો.
પેપરબૅગ લ્યુમિનેરિસ
દિવાળીના ડેકોરેશનમાં બાળકોને સામેલ કરવા માટેનો આ એક સારો ડેકોરેશન આઇડિયા છે. આમાં તમારે એક સાધારણ બ્રાઉન પેપરની બૅગ લેવાની છે. એના પર તમારે ડેકોરેટિવ રીતે હોલ બનાવવાનાં છે. જો તમારી પાસે હોલ પંચ મશીન ન હોય તો તમે પિન કે સોયની મદદથી પણ છિદ્રો કરી શકો છો. એ થઈ જાય પછી તમારે બૅગની અંદર બૅટરી ઑપરેટેડ કૅન્ડલ્સ મૂકી દેવાની છે.
શુભ-લાભ
દિવાળીમાં શુભ-લાભનું ખૂબ મહત્ત્વ હોય છે, જે એક સકારાત્મક શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તમારી પાસે જો શુભ-લાભનાં સિમ્પલ સ્ટિકર હોય અને તમે એને વધુ ઍટ્રૅક્ટિવ બનાવવા ઇચ્છતા હો તો તમે આ આઇડિયા અપનાવી શકો. સૌથી પહેલાં તો તમે ઘરમાં પડેલી કોઈ પણ જૂની બંગડી લઈ લો. એ બંગડીની ફરતે ઊન વીંટીને એને સરખી રીતે કલર કરી લો. હવે ગોલ્ડન ગોટા પટ્ટી લો અને એને વ્હીલના શેપમાં બંગળી પર લપેટતા જાઓ. એ પછી નીચે સુંદર ટૅસલ લટકાવી દો. હવે તમારાં જે શુભ-લાભનાં સ્ટિકર છે એને બંગડીના વચ્ચેના ભાગે ચિપકાવી દો. તમારા બે સુંદર ડેકોરેટિવ પીસ બનીને તૈયાર છે.
ફેરી લાઇટ્સ વિથ ટ્વિસ્ટ
દિવાળી પર ફેરી લાઇટ્સનો ઉપયોગ ખૂબ કૉમન છે, પણ એને વધુ યુનિક બનાવી શકાય છે. એ માટે તમારે લાઇટ્સની વચ્ચે મનપસંદ ફૅમિલી ફોટોગ્રાફ્સની પ્રિન્ટ લટકાવવાની છે. એ માટે સૌથી પહેલાં બેસ્ટ ફોટોગ્રાફ્સ સિલેક્ટ કરો, એને પ્રિન્ટ કરાવો અને ડેકોરેટિવ ક્લિપ્સની મદદથી એને લાઇટ સ્ટ્રિંગ પર લટકાવી દો. આ લાઇટ્સ ઝળકશે ત્યારે ફક્ત પ્રકાશ નહીં, પણ પરિવાર સાથેની એ સુંદર પળોની લાગણી પણ તમારા ઘરને પ્રકાશિત કરશે.
પેપર કપ ફેરી લાઇટ્સ
આપણું બીજું ઘર આપણી ઑફિસ જ હોય છે. જો તમે ઑફિસમાં તમારા ડેસ્ક પર બેઠાં-બેઠાં દિવાળીની રોનકનો અનુભવ કરવા માગતા હો તો તમે તમારા ડેસ્કને આ રીતે સરળતાથી ડેકોરેટ કરી શકો છો. સૌથી પહેલાં તમારે પેપર કપ્સ લેવાના છે. આ પેપર કપ્સને તમારે રંગબેરંગી ડિઝાઇનર કાગળથી લપેટી દેવાના છે. એ પછી દરેક કપ નીચે એક છિદ્ર કરવાનું છે જેથી LED ફેરી લાઇટનો બલ્બ સરળતાથી અંદર જઈ શકે.
રંગોળી
દિવાળી ડેકોરેશનની વાત હોય અને એમાં રંગોળી ન હોય એવું બને? જો તમારી પાસે દરરોજ રંગોળી બનાવવાનો સમય ન હોય તો તમે OHP શીટ પર રંગોળી બનાવીને એનો રીયુઝ કરી શકો છો. એ બનાવવા માટે સૌથી પહેલાં કાગળ પર મોર, કમળ, દીવા વગેરેની ડિઝાઇન બનાવી લો. હવે આ ડિઝાઇનને OHP શીટ નીચે રાખીને માર્કર કે પેન્સિલથી શીટ પર ટ્રેસ કરો. ટ્રેસિંગ પૂરું થયા બાદ ડિઝાઇનની અંદર બ્રશની મદદથી ફૅવિકોલ લગાવી દો. હવે ડિઝાઇનની અંદર રંગોળી પાઉડરને ભરી દો. રંગ ભર્યા બાદ થોડો સમય એને સુકાવા દો જેથી ડિઝાઇન સારી રીતે સેટ થઈ જાય. આ રંગોળીને તમે વચ્ચે રાખીને આસપાસ દીવા, ફૂલોથી સજાવી શકો છો.

