આજના સમયમાં સ્કિન-કૅર પ્રોડક્ટ્સ આપણા દૈનિક જીવનનો ભાગ બની ગઈ છે. સોશ્યલ મીડિયા પર દર અઠવાડિયે એક નવી પ્રોડક્ટ અને નવું સ્કિન-કૅર રૂટીન ટ્રેન્ડમાં આવી જાય છે. હવે એક નવો ટ્રેન્ડ સામે આવ્યો છે જેમાં સ્કિન-કૅરમાંથી થોડા સમય માટે બ્રેક લેવાની વાત છે
પ્રતીકાત્મક તસવીર
આપણી ત્વચા એક જીવિત અંગ છે જેમાં પોતાને સંતુલિત રાખવાની પ્રાકૃતિક ક્ષમતા હોય છે પણ જ્યારે આપણે જરૂરિયાતથી વધારે પ્રોડક્ટ્સ ખાસ કરીને રેટિનોલ, હાયોલ્યુરૉનિક ઍસિડ, નિયાસિનામાઇડ જેવાં ઍક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ત્વચા પર દબાવ પડી શકે છે. એનાથી ઇરિટેશન, રેડનેસ અને બ્રેકઆઉટ વધી શકે છે. સ્કિન-ફાસ્ટિંગનું માનવું છે કે જ્યારે તમે સ્કિનને થોડા સમય માટે એકલી છોડી દો છો ત્યારે એ પોતાની નૅચરલ ઑઇલ બૅલૅન્સ અને રિપેર સિસ્ટમને ફરીથી ઍક્ટિવ કરી શકે છે.
આજકાલ ઘણા લોકો ઓવર સ્કિન-કૅરથી પરેશાન છે. ઘણી સ્કિન-કૅર પ્રોડક્ટ્સ લગાવ્યા પછી પણ સ્કિનમાં કોઈ સુધારો દેખાતો નથી. ઊલટાની સ્કિન વધુ સેન્સિટિવ થઈ જાય છે. એવામાં સ્કિન- ફાસ્ટિંગ એક સરળ અને રાહત આપનારો વિકલ્પ બનીને સામે આવ્યું છે. આ ટ્રેન્ડનાં મૂળ જપાન અને કોરિયન બ્યુટી ફિલોસૉફીમાં પણ મળે છે જ્યાં સ્કિનને જરૂરિયાતથી વધારે છંછેડવાની જગ્યાએ બૅલૅન્સ પર જોર આપવામાં આવે છે.
ADVERTISEMENT
સ્કિન-ફાસ્ટિંગ દરમિયાન શરૂઆતમાં સ્કિન થોડી ડ્રાય, ટાઇટ અથવા ડલ થઈ હોવાનું લાગી શકે છે. એવું એટલા માટે થાય છે કારણ કે સ્કિન લાંબા સમયથી બહારની પ્રોડક્ટ્સ પર નિર્ભર રહી ચૂકી હોય છે. જોકે કેટલાક સમય બાદ ઘણા લોકોને લાગે છે કે તેમની ત્વચા વધુ શાંત, ઓછી રીઍક્ટિવ અને સંતુલિત થઈ ગઈ છે. સ્કિન-ફાસ્ટિંગનો કોઈ એવો કઠોર નિયમ નથી. કેટલાક લોકો ફક્ત પાણી અને સનસ્ક્રીન સુધી સીમિત રહે છે. કેટલાક લોકો માઇલ્ડ ક્લેન્ઝર અને હળવું મૉઇશ્ચરાઇઝર વાપરે છે પણ ઍક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ્સથી અંતર જાળવે છે.
સ્કિન-ફાસ્ટિંગ એ લોકો માટે લાભદાયક બની શકે છે જે વધારે પડતી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય અથવા જેમની સ્કિન વારંવાર ઇરિટેટ થઈ જતી હોય. જોકે ડર્મેટોલૉજિસ્ટ ચેતવણી આપે છે આ રીત બધા માટે યોગ્ય નથી. જે લોકોને એક્ઝિમા, રોસેશિયા અથવા ગંભીર ઍક્નેની સમસ્યા છે તેમના માટે સંપૂર્ણ સ્કિન-કૅર છોડવી નુકસાનદાયક બની શકે છે. સનસ્ક્રીનને ક્યારેય સ્કિપ ન કરવું જોઈએ.
સ્કિન-ફાસ્ટિંગ કોઈ જાદુઈ સારવાર નથી પણ એક રિમાઇન્ડર છે કે સ્કિનને વધુ નહીં પણ યોગ્ય દેખભાળની જરૂર છે. યોગ્ય રીતે અને સીમિત સમય માટે અપનાવવામાં આવેલું સ્કિન-ફાસ્ટિંગ તમને તમારી સ્કિનની વાસ્તવિક જરૂરત સમજવામાં મદદ કરી શકે છે.


