ટ્રેડિશનલ કાગળનાં કંદીલ ઉપરાંત આ વખતે ફૅબ્રિક, ઊન અને મૂવિંગ LED ડિઝાઇનવાળાં રંગબેરંગી કંદીલ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
કંદીલ
ટ્રેડિશનલ કાગળનાં કંદીલ ઉપરાંત આ વખતે ફૅબ્રિક, ઊન અને મૂવિંગ LED ડિઝાઇનવાળાં રંગબેરંગી કંદીલ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે
દિવાળી નજીક આવતાં જ બજારોમાં રંગબેરંગી કંદીલોની રોનક જોવા મળે છે. દર વર્ષે કંદીલની ડિઝાઇનમાં કંઈક નવું ઉમેરાય છે. આ વર્ષે પણ પરંપરાગત કંદીલ સાથે અનેક યુનિક વરાઇટી બજારમાં આવી છે. ઘરની સજાવટને ટ્રેડિશનલ લુક આપવા માટેના કંદીલ ઉપરાંત હવે ઇન્ટીરિયર સાથે મૅચ થાય એવી ડિઝાઇન, અલગ-અલગ મટીરિયલ અને લાઇટિંગ ઇફેક્ટ ધરાવતા કંદીલની પણ ડિમાન્ડ વધી રહી છે. આ વર્ષે ખાસ કરીને ફૅબ્રિક કંદીલ, ઊનથી ગૂંથેલાં કંદીલ અને મૂવિંગ પતંગિયાની ડિઝાઇનવાળાં LED કંદીલ લોકોનું ધ્યાન ખેંચી રહ્યાં છે. આ ઉપરાંત વિવિધ આકાર, ટેક્સ્ચર અને લાઇટિંગ પૅટર્નવાળાં કંદીલ પણ બજારમાં જોવા મળી રહ્યાં છે.
ADVERTISEMENT
કંદીલ ખરીદતી વખતે આટલું ધ્યાનમાં રાખજો
કંદીલની સુંદરતા સાથે એની બનાવટ પણ મહત્ત્વની છે. કાગળ, ફૅબ્રિક, ઊન અથવા અન્ય મટીરિયલમાંથી બનેલું કંદીલ કેટલું મજબૂત છે એ તપાસવું જોઈએ. કંદીલની ફ્રેમ સારી રીતે ફિટ થયેલી છે કે નહીં અને એને લટકાવ્યા પછી એનો આકાર બગડે નહીં એની ખાતરી કરવી જરૂરી છે.
કંદીલની લંબાઈ ઉપરાંત એને લટકાવવા માટે કેટલી જગ્યા જોઈએ છે એ પણ તપાસવું જરૂરી છે. ખાસ કરીને બાલ્કનીમાં કંદીલ લગાવવાનું હોય તો પવનમાં એ દીવાલ, ગ્રિલ અથવા અન્ય વસ્તુ સાથે અથડાય નહીં એની પણ કાળજી લેવી જોઈએ.
બહારની બાલ્કની અથવા દરવાજા પાસે કંદીલ લગાવવાનું હોય તો વીજળીનું કનેક્શન ભેજ અને વરસાદથી સુરક્ષિત રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ.
ફૅબ્રિક કંદીલમાં એલિગન્ટ લુક
આ વર્ષે ફૅબ્રિક કંદીલ એક અલગ પ્રકારનો વિકલ્પ બનીને સામે આવ્યાં છે. કાગળના કંદીલની સરખામણીએ ફૅબ્રિકનો ઉપયોગ એને વધુ ટેક્સ્ચર્ડ અને પ્રીમિયમ લુક આપે છે. વિવિધ રંગ અને પ્રિન્ટમાં મળતાં આવાં કંદીલ ઘરના ઇન્ટીરિયર સાથે સરળતાથી મૅચ કરી શકાય છે. અત્યારે પૈઠણી, બાંધણી અને લહેરિયા સાડી ઉપરાંત કલમકારી સાડીના બચેલા ફૅબ્રિકમાંથી બનેલાં કંદીલ ઘરે એસ્થેટિક લુક આપે છે. ચેઇનથી ખોલીને સેટ કરી શકાય એવાં અને ડાયરેક્ટ બલ્બ સાથે અટૅચ કરી શકાય એવા ફ્લેક્સિબલ કંદીલની ડિમાન્ડ વધી છે. આવાં કંદીલ ફોલ્ડ કરીને સાચવી શકાય એવાં પણ છે.
ક્રોશેટ કંદીલ
કંદીલમાં નવા મટીરિયલનો પ્રયોગ જોવા મળે છે અને એમાં ઊનથી ગૂંથેલાં કંદીલ ખાસ ધ્યાન ખેંચે છે. વિવિધ રંગના ઊનથી તૈયાર કરાયેલાં કંદીલમાં હૅન્ડમેડ અને ક્રાફ્ટનો ટચ જોવા મળે છે. આવા કંદીલ ઘરને થોડો બોહો અને ક્રીએટિવ લુક આપે છે.
મૂવિંગ પતંગિયાની ડિઝાઇનવાળાં LED કંદીલ
આ વર્ષે મૂવિંગ ડિઝાઇનવાળાં કંદીલ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. ખાસ કરીને પતંગિયાની મૂવમેન્ટ જેવી ડિઝાઇન સાથેના LED કંદીલમાં લાઇટિંગની સાથે મૂવિંગ ઇફેક્ટ આપવામાં આવે છે. કંદીલ ચાલુ કર્યા પછી એમાં લાઇટ અને મૂવમેન્ટ થતી હોવાથી એ સામાન્ય કંદીલ કરતાં વધુ ડેકોરેટિવ લાગે છે. આવાં કંદીલ ખરીદતી વખતે માત્ર ડિઝાઇન જોઈને નિર્ણય લેવાને બદલે દુકાનમાં એને ચાલુ કરીને જોવું વધુ સારું રહેશે.
નાનાં ઘરો અને ફ્લૅટ માટે કૉમ્પેક્ટ સાઇઝનાં કંદીલ વધુ યોગ્ય રહે છે, જ્યારે એન્ટ્રન્સ કે બાલ્કની માટે મોટાં અને વધુ ડેકોરેટિવ કંદીલ પસંદ કરી શકાય. કેટલાંક કંદીલમાં વૉર્મ વાઇટ લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે જે ઘરને સૉફ્ટ અને ટ્રેડિશનલ લુક આપે છે, જ્યારે મલ્ટિકલર LED વધુ ફેસ્ટિવ અને બ્રાઇટ ઇફેક્ટ આપે છે.
